વિજ્ઞાાને આપ્યો ચમત્કારી ગુંદર

- ઓપરેશન પછી ટાંકા મારવાના. પાકી ન જાય એની તકેદારી રાખવાની. થોડા દિવસ પછી ટાંકા કાઢવાના. પેશન્ટના શરીર પર ટાંકાના નિશાન રહી જાય. આ બધું હવે ભૂતકાળ બની જશે


૨૦ ૨૫નું એક કાલ્પનિક દ્રશ્ય છે. અસામાજિક તત્ત્વો સામે કડક હાથે કામ લેનારા એક સંનિષ્ઠ પોલીસ અધિકારી પર કોઇ ટપોરીએ ધારદાર છરા વડે પ્રહાર કર્યો. સતર્ક અધિકારી તરત ખસી તો ગયા છતાં તેમના બાવડા પર ખાસ્સો ઊંડો જખમ થયો. ધડાધડ લોહી વહેવા માંડયું. જરાય અથરા થયા વિના આ પોલીસ અધિકારીએ ગજવામાંથી એક ટયુબ કાઢી. એમાંથી કોઇ ચીકણો મલમ જેવો પદાર્થ જખમ પર લગાડયો. ફક્ત એક મિનિટમાં જખમ ભરાઇ ગયો. નજીકના કેમિસ્ટની દુકાનેથી એક પેઇન કીલર લઇને પોલીસ અધિકારી કશું બન્યું ન હોય એમ સ્વસ્થતાથી ચાલતા થયા.

આટલું વાંચીને તમને નવાઇ તો લાગે. આ લખનારને પણ લાગી હતી. આવો જખમ થાય ત્યારે તરત લોહી બંધ કરવા માટે નજીકના ડૉક્ટર પાસે જવું પડે. એ જખમને ડેટોલવાળા પાણીથી ધોઇને અમુક તમુક દવા લગાડે. ડ્રેસિંગ કરી આપે. પેઇન કીલર ગોળીની સાથોસાથ ઘામાં ધનુર્વા ન થાય એ માટે ટીટેનસનું ઇંજેક્શન કે અન્ય કોઇ ઔષધિ આપે. પછી જખમીને રજા મળે. આ પ્રોસિજર આપણે છેલ્લાં સો દોઢસો વરસથી જોતાં આવ્યાં છીએ.

પરંતુ દિવસે દિવસે મેડિકલ સાયન્સ નવી નવી શોધ કરતું રહ્યું છે. રોગો, જખમો અને ચેપને નષ્ટ કરવા દુનિયાભરના વિજ્ઞાાનીઓ દિવસ રાત નવાં નવાં સંશોધનો કરતા રહ્યા છે. માત્ર માનવજાતને નહીં, પશુપંખીને પણ ઉપયોગી થાય એવી શોધખોળ થતી રહી છે. આ નાનકડો લેખ એવીજ એક વૈજ્ઞાાનિક શોધની ઝલક છે. આ એક એવા ગુંદરની વાત છે જેની શોધ ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ અમેરિકી સહાયથી કરી છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા એક્ટિવેટ થતા આ ગ્લુને અત્યારે 'મેટ્રો ગ્લુ' નામ આપવામાં આવ્યું છે. અમેરિકા અને સિડની યુનિવર્સિટીના બાયોમેડિકલ એંજિનિયર્સ દ્વારા આ શોધ કરવામાં આવી છે.

આ ગુંદર સ્થિતિસ્થાપક છે અને સહેલાઇથી જખમ પર લગાડી શકાય એવો છે. જખમ ભરાઇ જાય એટલે આપોઆપ ત્વચા સંધાઇ જાય છે. સામાન્ય સંજોગોમાં માનવ શરીરના કોષો પ્રત્યેક ક્ષણે નષ્ટ થાય છે અને એ જ ક્ષણે બીજા નવા કોષો સર્જાય છે. આ પ્રક્રિયા ચોવીસે કલાક ચાલુ રહેતી હોય છે. એ પ્રક્રિયાને પણ આ ગુંદર કુદરતી રીતે સાથ આપે છે. વિજ્ઞાાનીઓ ટેક્નિકલ પરિભાષામાં એને સર્જિકલ ગ્લૂ તરીકે ઓળખાવે છે. એ એટલી સહજતાથી ચામડીને સાંધી દે છે કે ગમે તેવા અનુભવી અને નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ પણ કહી શકે નહીં કે ૬૦ સેકંડ પહેલાં અહીં એક જખમ હતો અને ધડધડાટ લોહી વહેતું હતું.

હૉસ્પિટલોમાં વિવિધ ઓપરેશન કરતા સર્જ્યનો માટે આ મેટ્રો ગ્લૂ સમય અને શક્તિ બચાવનારું સાબિત થશે. ઓપરેશન પછી ટાંકા મારવાના. ટાંકા પાકી ન જાય એની તકેદારી રાખવાની. થોડા દિવસ પછી પેશન્ટને બોલાવીને ટાંકા કાઢવાના. પેશન્ટના શરીર પર ટાંકાના નિશાન રહી જાય. આ બધું હવે ભૂતકાળની વાત બની જશે. 

વિજ્ઞાાાનીએા કહે છે કે આ ગુંદરની કોઇ સાઇડ ઇફેક્ટ નથી. એ આંખના પલકારામાં જખમને સાંધી દે છે અને ચામડી  પહેલાં જેવી થઇ જાય છે. પોતાનું કામ પૂરું કર્યા બાદ આ ગ્લૂ આપોઆપ હવામાં ઓગળી જાય છે. કોન્વેન્ટ સ્કૂલોમાં ભણતી આજની પેઢી સાધુસંતોની પ્રાણશક્તિના ચમત્કારો માનતી નહોતી. પરંતુ હવે મેટ્રો ગ્લૂનો ચમત્કાર જોયા પછી એ પણ માનશે કે આપણને સહેલાઇથી ન સમજાય એવું અગોચર પરિબળ આ સૃષ્ટિમાં છે. મેટ્રો ગ્લૂ આધુનિક બાયોમેડિકલ એંજિનિયરીંગની કમાલ છે. અત્યારે હજુ માનવ વપરાશ માટે એને રિલિઝ કરાયું નથી. આવતા વરસે કે કદાચ ૨૦૨૩માં એ ઠેર ઠેર વપરાતું જોવા મળશે. આરંભે કદાચ મધ્યમ વર્ગને ન પરવડે એવું બને. પરંતુ પછી સહેલાઇથી કેમિસ્ટને ત્યાં મળતું થશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pKxDGG
Previous
Next Post »