મુસાફિર પાલનપુરીનાં ગાંધી કટાક્ષ કાવ્યો

- દેશની વર્તમાન સ્થિતિ જોઇને કદાચ ગાંધીજીને પણ એમ લાગતું હશે કે મેં આઝાદી અપાવી એ મારી મોટી ભૂલ હતી 


પ રંપરાગત ગઝલના ચુસ્ત અનુયાયી એવા જાણીતા ગુજરાતી ગઝલકાર શ્રી મુસાફિર પાલનપુરીએ ગઝલ ક્ષેત્રના લગભગ બધા જ સ્વરૂપો ઉપર સફળતાપૂર્વક હાથ અજમાવ્યો છે પણ તેમના 'ગાંધી કાવ્યો - કટાક્ષકાવ્યોથી લગભગ હજુ કાવ્યરસિકો અજાણ જ છે. એમણે પોતાના 'ગાંધીથી દિલ્હી સુધી' નામના કાવ્યસંગ્રહમાં ગાંધીજીને પોતાના સ્વાર્થનું માધ્યમ બનાવી સત્તાના શિખરે પહોંચી જતા દંભી નેતાઓ ઉપર તીવ્ર કટાક્ષ કર્યો છે. આ રચનાઓમાં દેશમાં વ્યાપેલી, કામચોરી, કરચોરી, રિશ્વત ખોરી જેવા દૂષણો સામે કટાક્ષકાવ્યો રચીને પોતાનો આક્રોશ તો વ્યક્ત કર્યો જ છે, પરન્તુ તેની સાથે સાથે સમાજને જાગૃત કરવાનો કવિધર્મ પણ સુંદરતાથી બજાવ્યો છે.

જે રાષ્ટ્રપિતા ગાંધીબાપુએ અનેક યાતનાઓ સંઘર્ષો વેઠીને આપણને આઝાદી અપાવી તે જ બાપુને કોઈ વિદેશીએ નહીં પણ એક ભારતીયે જ ગોળીથી વીંધી દીધા. એ કરૂણતા આ ચતુષ્કમાં અદ્ભુત રીતે પ્રગટે છે જેમ કે

''વિંધાઈ ગોળીએ કહેવું પડયું હે રામ ! બાપુજી

તમે જોયું તમારા તપ તણું પરિણામ બાપુજી

વતન મુક્તિ તમે આપી, અમે જીવનમુક્તિ

ઉભય પક્ષે બરાબર થઇ ગયો આરામ બાપુજી''

આજે સમાજમાં ગાંધીજીએ સાચા દિલથી અનુસરતા લોકો તો કદાચ ભાગ્યે જ રહ્યા હશે. પરિણામે, દેશની વર્તમાન સ્થિતિ જોઇને કદાચ ગાંધીજીને પણ એમ લાગતુંહશે કે મેં આઝાદી અપાવી એ મારી મોટી ભૂલ હતી અને હવે જો કદાચ ફરીથી આ ભારતમાં જન્મવું પડે તો સત્યાગ્રહ તો શું પણ સત્યનું ય નામ ન ઉચ્ચારૂં એવી વેદના એમની 'ગાંધીજીનો ગોડસેને પત્ર' નામની રચનામાં પ્રગટ થઇ છે કે

''પામું પુનર્જન્મ જો કદી હિંદ ભૂમિએ

ભૂલો કરી છે એ ફરીવાર ના કરૂં,

સત્યાગ્રહી થવું તો રહ્યું દૂર પણ હવે

ક્યારેય સત્ય શબ્દનો ઉચ્ચાર ના કરૂં''

જે ગુજરાતની ધરતી ગાંધીજીની જન્મ અને કર્મભૂમિ રહી છે, તે ગુજરાતની આવી વરવી સ્થિતિ જોઇને ગાંધીજી પોતાનું નામ સત્તાના સ્વાર્થ માટે વટાવી ખાનારા આજના દંભી નેતાઓને વિનંતિ કરે છે કે,

''મળે જો મુક્તિ,

સહેજ પણ સત્તાના જ્વરમાંથી

તો મારૂં નામ

કાઢી નાંખજો ગાંધીનગરમાંથી''

લગભગ બધાં જ દૂષણોથી સભર એવા આજના રાજકારણીઓ આજે પણ સત્તાપ્રાપ્તિ માટે ગાંધીજીના નામનો રોટલો શેકે છે ચૂંટણી આવે છે ત્યારે ગાંધીજીએ આપેલી સાદાઈના પ્રતીક રૂપેની કિંમતી ખાદી પહેરીને મત માંગવા નીકળી પડે છે, અને દુનિયાભરની બધી જ બદીઓ અપનાવીને દારૂની કોથળીઓની રેલમછેલ કરતા જોવા મળે છે, જો કે ગાંધીજીના નામે એમનું કામ સિધ્ધ થઇ જાય છે એ કરૂણતા આ ચતુષ્કમાં અભિવ્યક્ત થાય છે

''નથી કોઈ રોકતું કે ટોકતું, બેફામ ચાલે છે,

હતું જે ગુપ્ત પહેલાં, આજ ખુલ્લેઆમ ચાલે છે,

બહુ આરામ છે બાપુ, તમારા પુણ્ય પગલાંથી

તમારૂં નામ ચાલે છે, અમારૂં કામ ચાલે છે''

ચૂંટાયા પછી આ ભ્રષ્ટ નેતાઓ સત્તાના નશામાં એટલા મદહોશ બની જાય છે કે, સમગ્ર દેશની સેવાની પરિભાષા માત્ર પોતાના ઘર પરિવાર પૂરતી જ સીમિત થઇ જાય છે, અને પોતાનું ઘર ભરવા માટે જે કક્ષાએ જવું પડે તે નિમ્નતા સુધી પહોંચે છે, એવો ભાવ એમણે મેઘાણીની એક રચના 'માતની હાકલ પડી છે' તે પંક્તિના ક્ષમાભાવ સાથે અનુસર્જન કરી ભારે કટાક્ષ પ્રગટ કર્યો છે કે,

'કૃપા ઇશ્વરની, ચૂંટાયો છું સત્તા સાંપડી,

ધરા પર સ્વર્ગ જોવાની જડીબુટ્ટી જડી છે,

નથી જાણ્યું વતનને પંથ શી આફત ખડી છે

ખબર છે એટલી કે લૂંટની હાકલ પડી છે'

વિશ્વના લગભગ દરેક દેશોની ચલણી નોટોમાં જે તે દેશના રાષ્ટ્રીય નેતાઓનો ફોટો હોય છે, આપણાં દેશની પાંચસો રૂપિયાની ચલણી નોટમાં ગાંધી બાપુની તસવીર હતી. જેમાં ગાંધીજી મલકાઈ રહ્યા હતા. જો કે નોટબંધી પછી એ નોટો બદલાઈ ગઈ છે પરન્તુ, આ ઘટનાને મુસાફિર પાલનપુરી આરીતે મૂલવે છે કે,

''જોઉં છુંમલકી રહ્યા છો હોઠમાં

ધન્ય છો બાપુ, નથી કોઈ ખોટમાં

જીવતાં છો ને ફર્યા ચાદર ને લંગોટમાં

પણ હવે આવી ગયા છો પાંચસોની નોટમાં''

જ્યારે બીજી પણ એક આવી રચનામાં જેણ આપણને સ્વતંત્રતા અપાવી તેને જ આપણે ગોળીએ દીધો, એ વેદના આ ચતુષ્કમાં પ્રગટે છે

ત્રસ્ત કીધો, અવગણી લીધો અમે,

દ્વેષના કિલ્લે ચણી લીધો અમે,

મુક્ત જે કરતો ગયો અંધારથી

એ જ સુરજને હણી લીધો અમે

આઝાદીને પંચોતેર વર્ષ થવા આવ્યા ત્યારે પણ આવી કટાક્ષમય રચનાઓથી આપણા મનમાં સંવેદના જાગશે, તો કવિનો આ પ્રયત્ન સાર્થક ગણાશે.       

- ડૉ. ઋષિકેશ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3arhRtX
Previous
Next Post »