'જાતિ પાઁતિ પૂછૈ ન કોઈ ।
હરિ કો ભજૈ સો હરિકા હોઈ ।'
આ ધર્મ-સંદેશને ચરિતાર્થ કરનારા સંત રામાનંદજી અર્થાત્ સ્વામી શ્રીરામાનંદાચાર્યજી વૈષ્ણવ ભક્તિધારાના મહાન સંત હતા. તેમણે ઉત્તર ભારતમાં વૈષ્ણવ સંપ્રદાયને પુનર્ગઠિત કરી વૈષ્ણવ સાધુ-સંતોને એમનું આત્મ-સન્માન અપાવ્યું હતું. તે શ્રીરામાયત કે રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયના પ્રવર્તક હતા. સંવત ૧૩૨૪ (ઇ.સ. ૧૨૯૯)ની માઘ વદ સપ્તમી (આપણા પંચાગ પ્રમાણે પોષ વદ સાતમ)ના રોજ પ્રયાગમાં ત્રિવેણી તટ પર એમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ પુણ્યસદન અને માતાનું નામ સુશીલા હતું. તે કાન્યકુબ્જ બ્રાહ્મણકુળમાં જન્મ્યા હતા.
કુળ પુરોહિત શ્રી વારાણસી અવસ્થીએ બાળકના માતા-પિતાને એવો આદેશ આપ્યો હતો - ત્રણ વર્ષ સુધી બાળકને ઘરમાંથી બહાર ન કાઢશો. એની પ્રત્યેક રૃચિને ધ્યાનમાં રાખી એની પરિપૂર્તિ કરજો. એને માત્ર દૂધનું જ પાન કરાવજો. એને ક્યારેય દર્પણ ન બતાવશો. માતા-પિતાએ ગુરુની આજ્ઞાાનું પાલન કરી ત્રણ વર્ષ સુધી તે પ્રમાણે જ કર્યું હતું. ચોથા વર્ષે અન્ન પ્રાશન સંસ્કાર થયા. બાળકની આગળ તમામ પ્રકારના ભોજનની વાનગીઓ મુકવામાં આવી પણ તેણે તો ખીર જ ખાધી. તે પછી કાયમ માટે ખીર જ તેનો એક માત્ર આહાર બની ગયો હતો. તે પછી તેના કર્ણવેધ સંસ્કાર થયા. તેમના પિતા વેદ/વ્યાકરણ અને યોગ વગેરેના પૂર્ણ જ્ઞાાતા હતા. એકવાર તેમણે રામાયણ પાઠના અનુષ્ઠાનનો આરંભ કર્યો તે વખતે તેમણે જોયું કે તે જેનો પાઠ કરતા જતા હતા તે પાસે બેઠેલા બાળક રામાનંદને સાંભળતાની સાથે જ કંઠસ્થ થઈ જતું હતું ! તેમની અસાધારણ શ્રવણ શક્તિ અને ધારણાશક્તિથી બધા વિસ્મય પામી જતા. રામાનંદ કંઠસ્થ પાઠનું સસ્વર ગાન કરતા તે બધાના મસ્તકને ડોલાવી દેતું. આ રીતે તેમને આઠ વર્ષની ઉંમરે તો કેટલાય ગ્રંથો કંઠસ્થ થઈ ગયા હતા. એક દિવસ રમતા રમતા તેમણે પિતાનો શંખ વગાડયો. પિતાએ એ શંખ તેમને જ આપી દીધો.
આઠમા વર્ષે તેમના ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા તે પછી દ્વિજ બનેલા તે બુદ્ધચારી પલાશ-દંડ ધારણ કરી કાશીમાં વિદ્યાધ્યયન કરવા ગયા. અધ્યયન બાદ તેમણે ઘેર પાછા ફરવાની ના પાડી. લાચાર બની માતા-પિતા તેમની સાથે રહેવા ગયાં. તે માતા-પિતા સાથે કાશીમાં જ ઓંકારેશ્વરને ઘેર રહી વધારે વિદ્યાભ્યાસમાં લાગી ગયા. બાર વર્ષની ઉંમરે તો તેમણે તમામ શાસ્ત્રોનું અધ્યયન પૂર્ણ કરી લીધું હતું. લગ્નનો પ્રસ્તાવ મૂકાયો તો તેમણે તે માટે ધરાર ના પાડી દીધી. પછી તેમણે સ્વામી રાઘવાનંદજી દીક્ષા ગ્રહણ કરી અને પંચગંગા ઘાટ પર જઈને એક કુટિમાં તપ કરવાનો પ્રારંભ કર્યો. તપથી એમનામાં અનેક યોગસિદ્ધિઓ આવી. એમના અલૌકિક પ્રભાવની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. અનેક સાધુ, સંતો, વિદ્વાનો એમના દર્શન કરવા એમના આશ્રમમાં આવવા લાગ્યા.
સ્વામી રામાનંદચાર્યજી દિવસમાં ચાર વખત શંખ વગાડતા હતા. એમના શંખના ધ્વનિનો પ્રભાવ અલૌકિક હતો. એવું કહેવાય છે કે તે સાંભળનારના તમામ મનોરથ પૂરા થઈ જતા. એ ધ્વનિમાં એક પ્રકારની સંજીવની શક્તિ હતી. તે સાંભળવા લોકોની ભીડ એકત્ર થવા લાગી એટલે તેમણે શંખ વગાડવાનું બંધ કરી દીધું કેમકે એનાથી એકાંત જળવાતું અને ભગવાનની ભક્તિ થઈ શકતી હતી. પણ લોકકલ્યાણ અર્થે લોકોની અત્યંત પ્રાર્થના કરાઈ એટલે સ્વામીજીએ પ્રાતઃકાળે ફક્ત એકવાર શંખ વગાડવાનો સ્વીકાર કર્યો હતો.
સ્વામી રામાનંદજીએ અનેક ગ્રંથો લખ્યા હતાં જેમાંથી શ્રી વૈષ્ણવમતાબ્જ ભાસ્કર, શ્રીરામાર્ચન પદ્ધતિ મુખ્ય છે. એ ઉપરાંત તેમણે ગીતાભાષ્ય, ઉપનિષદ ભાષ્ય, આનંદ ભાષ્ય, સિદ્ધાંત પટલ, રામરક્ષાસ્તોત્ર, યોગચિંતામણિ, રામારાધનમ્, વેદાન્ત વિચાર, રામાનંદદાદેશ, જ્ઞાાન-તિલક, જ્ઞાાનલીલા, આત્મબોધ રામમંત્ર જોગ ગ્રંથ, અધ્યાત્મ રામાયણ જેવા બીજા અનેક ગ્રંથો પણ રચ્યા હતા. સ્વામી રામાનંદજીના સમયગાળામાં કાશીમાં મૌલાના રસીદુદ્દીન નામના એક ફકીર રહેતા હતા. તેમણે તજકીરતુલ ફુકરા નામનું પુસ્તક લખ્યું છે. જેમાં મુસલમાન ફકીરોની કથાઓ છે. એમાં તેમણે સ્વામી રામાનંદજીનું વર્ણન કરતાં લખ્યું છે. કાશીમાં પંચગંગા ઘાટ પર એક પ્રસિદ્ધ મહાત્મા નિવાસ કરે છે. તે તેજપુંજ અને પૂર્ણ યોગેશ્વર છે. તે વૈષ્ણવોના સર્વમાન્ય આચાર્ય છે. સદાચારી અને બ્રહ્મનિષ્ઠ સ્વરૃપ છે. પરમાત્મ તત્ત્વ રહસ્યના પૂર્ણ જ્ઞાાતા છે. સાચા ભગવત્પ્રેમીઓ અને બ્રહ્મવિદોના સમાજમાં ઉત્કૃષ્ટ પ્રભાવ ધરાવે છે. ધર્માધિકારમાં હિંદુઓના ધર્મ-કર્મના સમ્રાટ છે. આ પવિત્ર આત્માને સ્વામી રામાનંદ નામથી ઓળખવામાં આવે છે. એમના શિષ્યોની સંખ્યા પાંચસોથી પણ વધારે છે. એમાં બાર શિષ્યો વિશેષ કૃપાપાત્ર છે. (૧) અનંતાનંદ (૨) સુખાનંદ (૩) સુરસુરાનંદ (૪) નરહરિયાનંદ (૫) યોગાનંદ (બ્રાહ્મણ) (૬) પીપાજી (ક્ષત્રિ), (૭) કબીર (મુસ્લિમ, વણકર), (૮) સેન (નાઈ) (૯) ધન્ના (જાટ) (૧૦) રૈદાસ (ચમાર) (૧૧) પદ્માવતી (સ્ત્રી) (૧૨) સુરસરિ (સ્ત્રી) આમ, તેમના બધી જાતિના શિષ્યો હતા. તેમણે તમામ નાત-જાત, વર્ગ, વર્ણ, લિંગ વગેરેના ભેદભાવો મિટાવી પ્રભુ ભક્તિનો પથ ચીંધ્યો હતો. ભગવાન શ્રીરામ, જગજનની સીતા અને શ્રી હનુમાનજી આ સંપ્રદાયના મુખ્ય આરાધ્ય દેવતા છે તે કહેતા હતા - બધા શાસ્ત્રોનો સાર ભગવત્સ્મરણ છે, જે સાચા સંતોનો જીવન આધાર છે. સંવત ૧૫૧૫ (ઇ.સ. ૧૪૧૦) માં રામનવમીના રોજ તે તેમની કુટિમાંથી રામ ભક્ત સદાય ને માટે અંતર્ધાન થઇ ગયા હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oLtAbZ
ConversionConversion EmoticonEmoticon