જેમ વસંત અને પાનખર ઉપવનનો ક્રમ છે તેમ વસંત અને પાનખર જીવનનો ય ક્રમ છે

- પ્રભુ ભલે ધ્યાનમગ્ન હતા. પરંતુ પ્રભુના પુણ્ય જ્વલંત- જાગૃત હતા. ધરણેન્દ્ર અને પદ્માવતી દેવીએ પ્રભુની સુરક્ષા માટે જબરદસ્ત પુરુષાર્થ તે જ ક્ષણોમાં કર્યો અને પ્રભુની ધ્યાનધારા અખંડ રહેવા ઉપરાંત તેઓ આબાદ બચી ગયા


અ મેરિકામાં કોઈ મનોચિકિત્સક પાસે એક વ્યક્તિએ આવીને પોતાની તકલીફ રજૂ કરી કે, ''આમ મારા જીવનમાં કોઈ સીધી તકલીફ જણાતી નથી. પરંતુ મન સતત  અજંપાગ્રસ્ત અશાંતિગ્રસ્ત રહે છે. એનો કોઈ ઉપાય- સારવાર હોય તો બતાવો.'' માનસ ચિકિત્સક ડૉક્ટર ઉતાવળમાં હતા. એથી  ઉપર- ઉપરથી વાત જાણી લઈને એમણે ઉપાય સૂચવ્યો: ''બીજું  કાંઈ કરવાની તમારે જરૂર નથી. આપણા દેશના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ગ્રેમાલ્ડીના થોડા હાસ્ય કાર્યક્રમોમાં હાજરી આપો. એથી તમારી આ તકલીફ દૂર થઈ જશે.''

પેલી વ્યક્તિએ નિરાશ થઈ જતાં કહ્યું: ''એ ઉપાય મારા માટે કારગત નીવડે એવું લાગતું નથી.'' ડૉક્ટરે નારાજગીથી પૂછયું: ''કેમ ?'', ''કારણ કે તમે જે નામ સૂચવ્યું એ ગ્રેમાલ્ડી હું પોતે જ છું.'' પેલી વ્યક્તિએ વધુ નિરાશાથી ખુલાસો કર્યો. ડૉક્ટર સજ્જડ થઈ ગયા ગ્રેમાલ્ડીના આ ખુલાસાથી...

આ ઘટના સંસારની એક વાસ્તવિકતાનું વરવું દર્શન કરાવે છે કે અહીં હસતા- હસાવતા લાગે તેવાઓ પણ યથાર્થપણે પ્રસન્ન હાસ્યરસ માણી શકતા નથી. કારણ કે લગભગ સહુનાં જીવન આધિ- વ્યાધિ- ઉપાધિથી ત્રસ્ત- ગ્રસ્ત છે. એનો સતત તનાવ- ટેન્શન વ્યક્તિને જો સાચુકલો હાસ્યરસ પણ ન માણવા દે તો પ્રશાંતવહિતારૂપ શાંતરસની અનુભૂતિની તો વાત જ ક્યાંથી આવી શકે ?

 એક વ્યવહારુ ઉદાહરણ જોઈએ તો, આપણે ઘણીવાર બોલી જતા હોઈએ છીએ કે, ''જીવનમાં શાંતિ મળે એટલી  જ ઇચ્છા છે.'' અરે ? સ્વર્ગસ્થ વ્યક્તિને અંજલિ આપતા પણ એમ કહીએ છીએ કે, ''પ્રભુ એમના આત્માને શાંતિ આપે'. શું દર્શાવે છે આ શબ્દો ? એ જ કે આપણને પણ શાંતિ- શાંતરસ સર્વાધિક પ્રિય છે.

સો ટચના સુવર્ણ જેવો શુદ્ધ યથાર્થ અપૌદ્ગલિક શાંતરસ આત્મસાત કરવા માટે, ગત લેખમાં જેનો ઉલ્લેખ કર્યો હતો તે અધ્યાત્મકલ્પદ્રુમગ્રન્થ ખૂબ સહાયક બને તેમ છે. માટે જ આપણે એ ગ્રન્થના મુખ્ય વિચારક સ્ફુલિંગોને ઝીલતી આ લેખમાળા આરંભી છે. ગ્રન્થકાર શ્રીમાન મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ પીઠિકા અધિકારના બીજા શ્લોકમાં શાંતરસ માટે ત્રણ સરસ વાત કરે છે. એક એ છે કે શાંતરસ સર્વમંગલનું નિધાન છે. મંગલ એ છે કે જે આપત્તિઓ- વિઘ્નો દૂર કરે પરંતુ શાંતરસનિમગ્ન મહાત્માની અદ્ભુત વિશેષતા એ છે કે એમને કદાચ આપત્તિ આવે તો ય તે આપત્તિરૂપ બની શકતી નથી, એમનાં ચિત્તને લેશ પણ ખળભળાવી શકતી નથી. મંગલ કાર્ય જે કરે એનાથી પણ સવાયું કાર્ય આ શાંતરસ કરતો હોવાથી એ સર્વમંગલના નિધાનરૂપ જરૂર માની શકાય. બીજી વાત એ છે કે શાંતરસ હૃદયસાત્ થવાથી વ્યક્તિ નિરૂપમ સુખાનુભૂતિ કરે. એવું સુખ કે સત્તાધીશો- શ્રીમંતો યા ભલભલા ચમરબંધીઓ પણ એની સ્પર્ધા ન કરી શકે...ત્રીજી વાત એ કે વર્તમાન જીવનમાં સિદ્ધ થયેલ શાંતરસ સિદ્ધિના- મોક્ષના શાશ્વત સુખને પણ ઝડપથી પ્રાપ્ત કરવામાં સક્ષમ છે.

આ શાંત રસ જે વ્યક્તિએ જીવનસિદ્ધ કરવો હોય તેણે હર કોઈ પરિસ્થિતિ સમતા બરકરાર રાખવા જોઈએ. એથી જ ગ્રન્થકારે સોળ અધિકારમાં પ્રથમ સ્થાન આપ્યું છે સમતાધિકારને. શાંતિને સમતા સાથે જોડવાનું ગ્રન્થકારનું છસો વર્ષ પૂર્વેનું વિધાન આજે પણ કેટલું પ્રબળ પ્રસ્તુત છે તે વિપશ્યનાશિબિરમાં ગવાતી આ પ્રાર્થના પંક્તિ સમજાય છે કે,

જીવનમાં આવ્યા કરે, પાનખર ને વસંત;

મનની સમતા જો રહે, તો સુખ-શાંતિ અનંત.

સમતા જેના જીવનમાં હોય એ યોગીપુરુષના લક્ષણો કયા હોય  ? એ દર્શાવતા ગ્રન્થકારે સમતાધિકારના પાંચમા શ્લોકમાં બહુ અદ્ભુત પ્રસ્તુતિ કરી છે કે:

ન યસ્ય મિત્રં ન ચ કોપિ શત્રુ, ર્નિજ પરો વાપિ ન કશ્ચનાસ્તે

ન ચેન્દ્રિયાર્થેષુ રમેત ચેતઃ કષાયમુક્ત: પરમ સ યોગી

આ શ્લોક દ્વારા ગ્રન્થકાર સમતાવંત મહાત્માના જે લક્ષણો દર્શાવે છે તેમાં પ્રથમ બાબત એ છે કે એમની ચિત્તવૃત્તિમાં 'આ મિત્ર- આ શત્રુ, આ પરાયો- આ પોતીકો' આવા કોઈ ભેદભાવ ન હોય. આ પ્રથમ લક્ષણના અનુસંધાનમાં આપણે યાદ કરીએ સાધનાકાલીન પ્રભુપાર્શ્વનાથનો એક ઉપસર્ગ પ્રસંગ: સાધના કરી રહેલ પ્રભુએ એક વટવૃક્ષ નીચે પૂર્ણ રાત્રિના ધ્યાનનો સંકલ્પ કરી કાયોત્સર્ગધ્યાન આરંભ્યું. એ રાત્રે પ્રભુના પૂર્વજન્મના શત્રુ મેઘમાળી દેવે પ્રભુને જલસમાધિ અપાવી દેવાના- ખતમ કરવાના દુષ્ટ આશયથી દૈવીબળે મૂશલધાર વર્ષા શરૂ કરી.  

પ્રભુ ભલે ધ્યાનમગ્ન હતા. પરંતુ પ્રભુના પુણ્ય જ્વલંત- જાગૃત હતા. ધરણેન્દ્ર અને પદ્માવતી દેવીએ પ્રભુની સુરક્ષા માટે જબરદસ્ત પુરુષાર્થ તે જ ક્ષણોમાં કર્યો અને પ્રભુની ધ્યાનધારા અખંડ રહેવા ઉપરાંત તેઓ આબાદ બચી ગયા. કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યે આ ઘટનાની સમક્ષી કરતા સકલાર્હત્ સ્તોત્રના શ્લોકમાં જણાવ્યું છે કે જે ક્ષણે મેઘમાળીદેવ પ્રભુને જલસમાધિ આપવા - ડૂબાડી દેવા એડીચોટીનું જોર લગાવતો હતો તે જ ક્ષણે ધરણેન્દ્ર- પદ્માવતી દેવી પ્રભુની સુરક્ષા માટે પોતાના સામર્થ્યનો ઉપયોગ કરતા હતા. પરંતુ તે સમયે પ્રભુની ચિત્તવૃત્તિ આ બન્ને પ્રત્યે એકસમાન હતી. ત્યારે ન તો પ્રભુને મેઘમાળી પ્રત્યે દુશ્મનાવટનો ભાવ હતો, ન તો ધરણેન્દ્ર- પદ્માવતીદેવી પ્રત્યે લગાવ હતો. બસ, આ ચિત્તવૃત્તિને કહેવાય સમતાયોગીનું પહેલું લક્ષણ.

ગ્રન્થકાર સમતાયોગીનું બીજું લક્ષણ દર્શાવે છે ઇન્દ્રિયો પર પૂર્ણ નિયન્ત્રણ. ઇન્દ્રિયો પાંચ છે: સ્પર્શેન્દ્રિય- ઘ્રાણેન્દ્રિય- નેત્રેન્દ્રિય- શ્રોત્રેન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિયો સમક્ષ અનુકૂલ વિષયો ઉપસ્થિત થાય ત્યારે સમતાયોગી એને એ તરફ દોડવા ન દે, બલ્કે ઇન્દ્રિયોને બહુ આસાનીથી નિયન્ત્રણમાં રાખે. એક સરલ ઉદાહરણ જોઈએ: ગુલાબજાંબુ, રસગુલ્લા જેવી મનગમતી વાનગી નજર સમક્ષ આવે ત્યારે જિતેન્દ્રિય યોગી એમ વિચારે કે સ્વાદિષ્ટ ચીજ આરોગતા કદાચ આસક્તિ રાખું. આ બન્નેની આ અલગ અલગ માનસિકતાને ખૂબ જ સરસ કલ્પના દ્વારા, સમર્થ શાસ્ત્રકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે 'અધ્યાત્મસાર' ગ્રન્થમાં આ શ્લોકરૂપે પ્રસ્તુત કરી છે કે:

મધુરં રસમાપ્ય નિષ્પતેદ્, રસનાતો રસલોભિનાં જલમ

પરિભાવ્ય વિપાકસાધ્વસં, વિરતાનાં તુ તતો દશોર્જલમ

ભાવાર્થ કે મધુર વાનગી નિહાળીને ઇન્દ્રિયલોલુપ અને જિતેન્દ્રિય, બન્ને પ્રકારની વ્યક્તિને પાણી છૂટે છે પરંતુ ફર્ક એટલો ઇન્દ્રિયલોલુપને જીભમાંથી પાણી છૂટે છે, જ્યારે જિતેન્દ્રિય વ્યક્તિને (આસક્તિ આવી જાય તો થનાર સંભવિત દુર્ગતિના વિચાર) આંખમાંથી પાણી છૂટે છે- અશ્રુધારા વહે છે. કેવી લા-જવાબ કલ્પના છે આ.

ગ્રન્થકાર સમતાયોગીનું ત્રીજું લક્ષણ દર્શાવે છે કષાયોથી મુક્તિ. કષાયો છે ક્રોધ- માન- માયા અને લોભ. આ ચારેય ય મહાદોષોથી સમતાવંત આત્મા લગભગ લગભગ મુક્ત થઈ ગયા જેવા હોય. એમને આ કષાયો ઝાઝા પરેશાન ન કરી શકે. કષાયો અંગે એક સ્વતંત્ર અધિકાર આ ગ્રન્થમાં આવતો હોવાથી આપણે એનો વિશેષ વિચાર ત્યારે કરીશું. આ લેખના સમાપન પૂર્વે મહાયોગી શ્રી આનંદધનજી મહારાજે સમતાવંત આત્માના જે લક્ષણો દર્શાવ્યા છે તેના પર નજર કરીએ તેઓ લખે છે કે:-

માન અપમાન ચિત સમગણે,સમગણે કનક-પાષાણ રે..

વંદક નિંદક સમ ગણે, ઇસ્યો હોય તું જાણ રે...

સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ-મણિભાવ રે

મુક્તિ- સંસાર બેહુ સમ ગણે, ગુણે ભવજલનિધિનાવ રે

આપણો આતમભાવ જે, એક એ ચેતનાધાર રે

અવર સવિ સાથ સંજોગથી એહ નિજ પરિકર સાર રે...

છેલ્લે સમતા, આત્મસાત કરવામાં ઉપયોગી બને એવી વાત: જેમ વસંત અને પાનખર ઉપવનનો ક્રમ છે, તેમ વસંત અને પાનખર જીવનનો ય ક્રમ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tpq9Lx
Previous
Next Post »