ભગવાનને પામવા માટે હૃદય ચોખ્ખું જોઈએ


દ રેક માનવીની ઇચ્છા હોય છે કે, તેને સુખ-શાંતિ પ્રાપ્ત થાય અને તે શાંતિ મેળવવા માટે અનેક પ્રકારના સાધનો કરતો હોય છે. કોઇ નિત્ય મંદિરે દર્શન કરવા માટે જાય છે, કોઈ દાન કરે છે, કોઈ ઉપવાસ કરીને તપ કરે છે, કોઈ ધ્યાન કરે છે, કોઈ શાસ્ત્રોનું પઠન પાઠન કરે છે. ખરેખર, આ બધી પ્રવૃત્તિ સારી જ છે અને તે કરવી જ જોઈએ. પરંતુ ઘણી વખત એવું બને છે કે, આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ વર્ષો સુધી કરવા છતાં પણ શાશ્વત સુખનો અનુભવ થતો નથી. હૃદયમાં શાંતિનો અહેસાસ થતો નથી. તો આવું કેમ બને છે ?

તો વાત બહુ સ્પષ્ટ છે કે, આપણું હૃદય નિર્મળ નથી. હૃદયમાં કચરો બહુ ભર્યો છે. જ્યાં સુધી હૃદય ચોખ્ખું થાય નહિ, ત્યાં સુધી ભગવાન આવીને બિરાજમાન થતાં નથી અને જ્યાં સુધી ભગવાન હૃદયમાં આવીને વાસ કરતાં નથી ત્યાં સુધી શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી. તેથી આપણે સહુ કોઈએ ભગવાન હૃદયમાં વાસ કરીને રહે તેવું હૃદય ચોખ્ખું રાખવું જોઈએ.

આપણું હૃદય ચોખ્ખું હોય તો જ ભગવાન 

આપણા હૃદયમાં આવીને નિવાસ કરે છે. એક વખત શ્રી સ્વામિનારાયણ ભગવાન અનેક જીવોના કલ્યાણ કરવાને માટે કચ્છમાં પધાર્યા હતા. એક દિવસ શ્રી સ્વામિનારાયણ ભગવાન સભામાં બિરાજમાન હતા. બીજા ગામથી અનેક હરિભક્તો દર્શન કરવા માટે આવ્યા. થોડા દિવસ ત્યાં સંતોનો સમાગમ કર્યો. ભગવાનની સેવા કરી, ભગવદ્ દર્શનનું સુખ પ્રાપ્ત કર્યુ. પછી શ્રી સ્વામિનારાયણ ભગવાનને દંડવત્ કરીને પ્રાર્થના કરી કે,' હવે અમોને રજા આપો, તો અમો જઈએ ? હે પ્રભુ ! અમારા ઉપર દયા રાખજો.''

ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને એ હરિભક્તોને કહ્યું કે,' સારું તમારે જવું હોય તો જાવ, અમો તમારા ઉપર રાજી છીએ, પરંતુ તમો અમારા ઉપર દયા રાખજો.'

આ હરિભક્તોને તો ઘરે જવાની ઉતાવળ હતી, એટલે એ તો પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા, થોડેક આગળ ગયા. અને એક હરિભક્તને વિચાર આવ્યો કે, 'આપણે ભગવાનને કીધું કે, તમો અમારી ઉપર દયા રાખજો, એ તો બરાબર છે, આપણે એમની દયા માંગવી જ જોઈએ, કારણકે, એમની દયા વિના આપણું કાંઈ ઠેકાણું ના પડે, 

પરંતુ ભગવાને આપણને દયા રાખજો, એમ કેમ કીધું ?' બધા હરિભક્તો વિચારમાં પડી ગયા કે, વાત તો સાચી છે, ચાલો, પાછા જઈએ અને પ્રભુને પૂછીએ કે, 'તમોએ દયા રાખવાનું કેમ કીધું ?' તેઓ બધા શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા અને આ પ્રશ્ન કર્યો કે, 'હે પ્રભુ ! તમોએ દયા રાખવાનું કીધું તે કાંઈ સમજાયું નહિં.'

ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે, 'આ દેહ સાડા ત્રણ હાથનો છે, તેમાં ત્રણ આગળનું હૃદય છે. ત્યાં હું વાસ કરીને રહું છું. તો તમો હરિભક્તો ! એ અમારું રહેવાનું સ્થાન ચોખ્ખું રાખજો. તમારા હૃદયમાં વાસ કરીને રહેશું. આટલી તમો અમારા ઉપર દયા રાખજો.'

ત્યાર હરિભક્તોએ કહ્યું કે, હે પ્રભુ, હવે, અમે ચોક્કસ ધ્યાન રાખીશું...

આ પ્રસંગ ઉપરથી આપણને સમજવા મળે છે કે, આપણે જો ભગવાનને રાખવા હશે, તો આપણે સહુ કોઈએ આપણું હૃદય ચોખ્ખું રાખવું જ પડશે. જો હૃદય ચોખ્ખું નહિ હોય, તો ભગવાન વાસ કરીને આપણા હૃદયમાં રહેશે નહિ, અને ભગવાન નહિ રહે તો આપણને સુખ શાંતિ પ્રાપ્ત થશે નહીં.

હૃદયને ચોખ્ખું રાખવા માટે નિત્ય મહેનત કરવી પડે છે. સદાયને માટે જાગૃત્તા રાખવી પડે છે. જો સદાય આપણે જાગૃત્ત ના રહીએ તો હૃદયમાં તરત કચરો આવીને ભરાઈ જ જાય છે. તેથી હૃદયને નિત્ય ચોખ્ખું રાખવું જોઈએ.

સ્વામી રામકૃષ્ણ પરમહંસ પોતાની પાસે પિત્તળનો એક લોટો સદાયને માટે રાખતા હતા. લોકો જોતા કે એ લોટો જ્યારે જુઓ ત્યારે ચમકતો જ હોય. કોઈએ એ લોટાને કદી ગંદો થયેલો જોયો નહોતો.

તેમ છતાં સ્વામીજી રોજ સવારે એને બરાબર માંજતા. 

એક દિવસ એક હરિભક્તે તેમને પૂછયું કે, તમો નિત્ય લોટાને શા માટે માંજો છો ?

સ્વામી હસ્યા અને બોલ્યા, 'ભાઈ, હું રોજ એને આટલો માંજુ છું એટલે જ એ આટલો ચકચક્તિ રહે છે. હું એને નિત્ય સાફ ના કરું તો એ અવશ્ય કાળો પડી જાય.'

તેમ, આપણે સહુએ આપણા આત્માને પણ રોજે રોજ માંજીને એકદમ સાફ રાખવો જોઈએ. એટલે કે, આપણા હૃદયને ચોખ્ખું રાખવું જોઈએ. હૃદયમાં જો પંચ જ્ઞાાનઇન્દ્રીયો અને પંચ કર્મઇન્દ્રીયો દ્રારા સંસારનો કચરો ભરવામાં આવશે, તો ભગવાન હૃદયમાં વાસ કરીને રહેશે નહીં. આપણે આપણું ઘર નિત્ય સાફ કરીએ છીએ. ચોખ્ખું રહે એ માટે નિત્ય સ્નાન કરીએ છીએ. તેવી રીતે હૃદયને પણ ચોખ્ખું અને સાફ રાખવું જોઈએ તો જ આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય શાશ્વત સુખને પામી શકીશું.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3toBFH8
Previous
Next Post »