- અ વર્ક ઓફ આર્ટ
- મૂળ સર્જક - ચાર્લ્સ ડિકન્સ રજૂઆત-પરેશ વ્યાસ
- 'જે બીજાનો બોજ ઘટાડે એવો કોઈ પણ માણસ આ દુનિયામાં નકામો નથી.' -ચાર્લ્સ ડિકન્સ
- માલિકે ફરીથી કહ્યું, 'ઓ મજૂરી કરાનારા કામદારો,! તમારી વાત અમારા સુધી ભાગ્યે જ તો પહોંચે છે સિવાય કે એ વાત કોઈક મુશ્કેલીને સંલગ્ન હોય!'
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
વહી ગયેલી વાર્તા ઃ (આ એવા માણસની વાત છે જેની કોઈ હસ્તી નથી, એ સાવ સામાન્ય માણસ છે. એ નોબડી છે. મજૂરી કરે છે. વસ્તીમાં રહે છે. બીજી તરફ ઘણાં મોટા લોકો છે. બિગવિગ ફેમિલી. એમના પૂતળાં મુકાય છે, જેનો કદરૂપો પડછાયો ગરીબજનોનાં ઘર પર પડતો રહે છે. ગરીબોનાં સંતાનો માટે ભણતરની વ્યવસ્થા નથી એટલે તેઓ ઊંધા રવાડે ચઢી જાય, એમાં નવાઈ નથી. બિગવિગ ફેમિલીને એ વિનંતી કરે છે કે એવું કશું કરો કે જેથી એમનું જીવન સ્તર સુધરે. ''હું આ વાતને સારી રીતથી સમજી શકતો નથી.'' એ કહેતો, ''પણ મને લાગે છે કે આ ઠીક નથી. ના, આ યોગ્ય નથી. પણ મારી ઉપર વાદળમાં વસેલાં સ્વર્ગલોકમાં હું મારો વિરોધ નોંધાવું છું, એમ કે આ તો મારી પોતાની જ ભૂલ છે.'' હવે આગળ..)
ઉત્તરાર્ધ
એ જ્યારે પાછો શાંત થતો (કારણ કે એનો ઉચાટ સામાન્ય રીતે અલ્પજીવી જ રહેતો અને એનો સ્વભાવ ભોળો અને માયાળુ હતો.) ત્યારે રવિવારો અને રજાનાં દિવસોએ એ પોતાની જાત વિષે વિચારતો, અને એને લાગતું કે એને કેટલો થાક લાગે છે, ચારે તરફ બધું એકનું એક છે, કશીય વિવિધતા છે જ કયાં? અને એમાંથી તો દારૂનાં નશાની આદત પડતી હોય છે અને પછી બરબાદી સિવાય બીજું કાંઇ નથી. અને ત્યારે એણે બિગવિગ ફેમિલીને અરજ કરી અને કહ્યું, 'મને ખાસ સમજણ તો નથી પણ મને આછી આછી શંકા છે આ બુદ્ધિશાળી લોકો, તમારાથી પણ વધારે હોંશિયાર લોકો કે જેઓ માને છે કે અમારા જેવા મજૂર વર્ગનાં લોકો માટે પણ કોઈક તો મનોરંજનનું સાધન હોવું જોઈએ, કાંઈક એવું કે જેમાંથી તાજગી મળે. એવું જરૂરી છે. જુઓ અમારી હાલત કેવી હોય છે જ્યારે અમને એવું કાંઇ પણ મળતું નથી. આવો! મને કોઈ રસ્તો બતાવો જે મનને ગમે, કોઈ ખોટી રીત નહીં પણ આમ સાવ નિર્દોષ વાત, અમને કહો કે એકધારી જિંદગીમાંથી અમને છૂટકારો ક્યારે મળે!'
પણ આ વાત સાંભળતાની સાથે અહીં બિગવિગ ફેમિલીમાં તો મોટી હોહા થઈ ગઈ, એવો કોલાહલ ઊઠયો કે જે કાનનાં પડદા ફાડી નાંખે. જો કે થોડા અવાજો સાવ ધીમા ધીમા સંભળાયા કે જેઓ એવો વિચાર રજૂ કરતા હતા કે ચાલો, આપણે આ માણસને આ દુનિયાની અજાયબીઓ બતાવીએ, કે આ જે સર્જન છે એ કેવું મહાન છે એનો પરિચય કરાવીએ, સમયની સાથે આવેલા બદલાવનાં દર્શન એને કરાવીએ અને કહીએ કે કુદરત છે, એ આ રીતે કામ કરે છે અને હા, કલાનું સૌંદર્ય શું છે?-એ એને સમજાવીએ- આ બધી વસ્તુઓ એનાં જીવનમાં બને અને જ્યારે એ એના વીતેલા સમયને યાદ કરે ત્યારે એને જીવ્યા જેવું લાગે પણ.. આ અવાજો દબાઈ ગયા અને મોટા અવાજો, ઘોંઘાટ અને ઉગ્ર ચર્ચા ફાટી નીકળી, સલાહ, ઉપદેશ, બકવાસ, લવારો, ગાળાગાળી થવા લાગી. બિગવિગ ફેમિલીનાં સભ્યો એકબીજા ઉપર કાદવ ઊડાડવા માંડયા, 'હું આમ જ કરીશ.' અને 'તું કરીને તો જો..'-ની જબરી હુંસાતુંસી થવા માટે અને પેલો બિચારો સાદો સીધો માણસ હેબતાઈ ગયો અને બાવરો બનીને આ બધા માંહોમાંહે બાઝતા લોકો સામે તાકી રહ્યો.
'આ બધો કજિયો કંકાસ મારા કારણે છે?' એણે ડરનાં માર્યા એનાં હાથ એનાં કાન ઉપર રાખતા કહ્યું, 'મારી તો બસ એક જ નિર્દોષ અરજ હતી, મને જે થાય છે એ મેં કહ્યું. આ તો બધાનો જ અનુભવ છે, એવાં બધા લોકોનો જે પોતાની આંખો ઊઘાડીને જુએ છે. મને સમજાતું નથી અને મને કોઈ સમજતું નથી. આવી સ્થિતિ જ રહી તો આમાંથી શું પરિણામ આવે!'
એ વાંકો વળીને કામ કરતો ત્યારે ઘણી વાર એની જાતને આ સવાલ ત્યારે પૂછતો રહ્યો જ્યારે એ સમાચાર ફેલાયા કે મજૂરી કરીને પેટિયું રળતા મજૂરોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને હજારોની સંખ્યામાં તેઓ મરી રહ્યા છે. જો એ એનાં પોતાનાં વિષે આગળ વિચારે તો એને લાગે કે એની પોતાની વાત સાચી હતી.
જે મરી રહ્યા હતા અને જે મરી ચૂક્યા હતા એ બધાં ત્યાં જ હતા જ્યાં એનું ઘર હતું. આ એક નવું ઝેર હતું, જે કાળું હતું, ગમગીન અને ઉદ્વેગજનક હતું. સબળાં અને નબળાં, નવજાત અને ઘરડાં, મા અને બાપ સઘળાં ઉપર આ બીમારી સાગમટે ત્રાટકી હતી અને કોઈ પણ જાતનાં ભેદભાવ વિના બધાનો શિકાર કરી રહી હતી.
એની પાસે ભાગી છૂટવાનો રસ્તો જ શું હતો? એ તો ત્યાં જ રહ્યો જ્યાં એ હતો. અને એણે એ બધાને મરતાં જોયા, જે એની અતિપ્રિય હતા. એક દયાળુ ધર્મગુરુ એની પાસે આવ્યા અને સામાન્ય સંજોગોમાં એ માણસે એમની સાથે પ્રાર્થના કરી હોત કે જેથી આ નિરાશાજનક વાતાવરણમાં હૃદયને સાંત્વના મળી શકે. પણ એણે ધર્મગુરુને જવાબ આપ્યો ઃ
'ઓ ધર્મગુરુ, ભલે પધાર્યા પણ હું તો એ માણસ છું, જે આ ગંધાતી જગ્યામાં રહેવાની સજા ભોગવી રહ્યો છું. આ જગ્યા કે જ્યાં મને ખુશી મળતી હતી, આનંદ મળતો હતો એ જ જગ્યાએ હવે મને પીડા આપી રહી છે. અને મારા જે જે દિવસો ગણાઈ રહ્યા છે એની દરેક મિનીટ એ નવો કાદવ ઊછાળી રહી છે, જેનાં ઢગ તળે હું દબાતો જાઉં છું. પણ મને સ્વર્ગની ઝાંખી તો કરાવો. જ્યાં થોડોઘણો ઉજાસ હોય અને શુદ્ધ હવા હોય અને નિર્મળ જળ હોયત હું સ્વચ્છ થવા માંગુ છુંત આ ભારેખમ વાતાવરણ અને આ ભારેખમ જિંદગીમાંથી હળવો થવા માંગુ છું. એ વાતાવરણ જ્યાં મારો આત્મા ફસાયો છે. અને અમે સાવ જુદા જ થઈ ગયા છે. જાણે અમને કોઈની પડી જ નથી. અમે લાગણીહીન થઈ ગયા છીએ , કઠોર થઈ ગયા છીએ.
તમે અમને ઘણી વાર આ જ હાલતમાં જોતાં હો છો. અમારી ઉપર દયા કરો. એ બધા મરી ગયેલા આત્મજનોનાં શબને તમે લઈ જાવ, એમની યાદોને લઈ જાવ, આ નાનકડા ઓરડામાં જ્યાં અમે સાથે જ ઊછર્યા હતા. હવે આ આફત છે અને એ બદલાવનાં અમે એવાં હેવાયા થઈ ગયા છે કે અમારી સમજણ રમણે ચઢી છે, અને હે ગુરુજી તે પછી.. તે પછી હું આપને સાંભળીશ. આમ પણ આપથી વધારે તો ઈશ્વરને કોણ જાણતું હોય? એ ઈશ્વર જે વિષે આપ કહો છો કે એ હંમેશા ગરીબની વહારે ધાય છે, એ ઈશ્વર જેને માનવજાતનાં દરેક દુઃખ પરત્વે કરુણા છે!'
એ ફરીથી કામ કરતો હતો, એકલો અને ઉદાસ અને ત્યારે એનાં માલિક આવ્યા. તેઓએ કાળા વસ્ત્રો પહેર્યા હતા. તેઓ આવીને એની પડખે ઊભા રહ્યા. માલિકને પણ ઘણું ઘણું દુઃખ પડયુ હતું. એની જુવાનજોધ પત્ની, એની સુંદર અને સારી જુવાન પત્ની મૃત્યુ પામી હતી, અને એનો એકનો એક દીકરો પણ.
'માલિક, આ આઘાત સહન થઈ શકે એવો નથી-મને ખ્યાલ છે- પણ આપ ખુદ જ એનું સમાધાન શોધી લેજો. મેં આપને આશ્વાસન જરૂર આપ્યું હોત, જો હું આપી શકું એમ હોત તો.'
માલિકે સાચા દિલથી એનો આભાર માન્યો. પણ તેઓ બોલ્યાં, 'ઓ મજૂરીકામ કરતાં મારા માણસો! આ સંકટ સૌથી પહેલા તો તમારા લોકો પર આવી પડયુ હતું. જો તમે બધા સારી રીતે, સારા રહેણીકરણી અને સારા વાતાવરણમાં જીવ્યા હોત તો આ રોગચાળો અમારા સુધી ન આવત અને આજે હું વિધૂર ન થયો હોત અને આજે જે હું કરી રહ્યો છું એમ પોતાનાં સાવ અંગતને ખોઈને એની પાછળ વિલાપ ન કરતો હોત.'
'માલિક,' એણે ડોકું ધૂણાવતાં કહ્યું, 'હું હવે થોડું થોડું સમજવા લાગ્યો છું કે કોઈ પણ સંકટ, મોટે ભાગે બધી જ મહામારી અમારા તરફ પહેલાં આવે છે અને અમારે ત્યાં થઈને આપનાં તરફ પહોંચે છે, જેમ આ વખતે પણ થયું અને જ્યાં સુધી આપણે અંદર અંદરનો ઝઘડો છોડીને એક ન થઈએ ત્યાં સુધી આવું થયા જ કરશે.
કોઈ પણ બીમારી માત્ર અમારા દરવાજે આવીને અટકી જવાની નથી. અમે ત્યાં સુધી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી નહીં શકીએ જ્યાં સુધી એ લોકો કે જેઓ અમને મજૂરી કરાવે છે તેઓ અમને સારી રીતે જીવવા માટેની સવલતો પૂરી ન પાડે. અમને ખબર નહીં પડે ત્યાં સુધી જ્યાં સુધી તેઓ અમને શીખવાડે નહીંત અમને મઝા ન આવે ત્યાં સુધી જ્યાં સુધી તેઓ વિવેકપૂર્વક મઝા શી રીતે લેવી, એવું સમજાવે નહીં. અમારા ભગવાન કોઈ બીજા અને તેઓનાં ભગવાન કોઈ બીજા જેમનાં મંદિરો જેને તેઓ જાહેરમાં પ્રસ્થાપિત કરતાં રહે, એવું શું કામ? અધૂરી કે અધકચરી સૂચનાઓ અમને મળે તો એનાં પરિણામ સારા નહીં જ આવે.
હાનિ કરે એવી અવગણના અમારી થાય તો એનાં પરિણામ ખરાબ જ આવે. અકુદરતી અંકુશ હશે તો એના પરિણામ પણ ખરાબ જ હશે. માનવમાત્રને જરૂરી હોય એ સદભાવના જો અમારા દરવાજા સુધી નહીં પહોંચશે તો કોઈ વાંધો નથી પણ પછી એ કોઈના દ્વાર સુધી પણ પહોંચશે નહીં. અમને વંચિત રાખશો તો બધા વંચિત રહેશે. નકાર તો દૂર સુધી ફેલાતો હોય છે. નકારનો એ જ તો સ્વભાવ છે. નકાર સાર્વજનિક હોય છે- આ મહામારીની માફક જ. મને લાગે છે કે આખરે હું બસ આટલું સમજ્યો છું,'
પણ માલિકે ફરીથી કહ્યું, 'ઓ મજૂરી કરાનારા કામદારો,! તમારી વાત અમારા સુધી ભાગ્યે જ તો પહોંચે છે સિવાય કે એ વાત કોઈક મુશ્કેલીને સંલગ્ન હોય!'
'માલિક,' એણે જવાબ આપ્યો, મારી તો કોઈ હસ્તી જ નથી. અને મને કોઈ સાંભળે તેમ નથી. મને કોઈ શા માટે સાંભળે? સિવાય કોઈ મુશ્કેલીનો કાળ હોય. પણ એ મારાથી શરૂ ય ન થાય અને મારાથી એનો ક્યારેય અંત પણ ન આવે. મૃત્યુ જેટલું જ ખાત્રીબંધ! એ મારા સુધી આવે અને પછી મારાથી ઉપર જતું રહે'
એણે જે કાંઇ પણ કહ્યું એ એટલું તો સટીક હતું કે એની હવા બિગવિગ ફેમિલી સુધી પહોંચી ગઈ. અને વ્યાપક રોગચાળાને લીધે આવી પડેલી તારાજીથી ભારે ડરી જઈને તેઓએ નક્કી કર્યું કે આ માણસે જે કાંઇ પણ કહ્યું એવું જ કરીએ. એની સાથે રહીએ એવું જ કરીએ જે સાચું હોય, યોગ્ય હોય, દરેક પ્રસંગોએ, દરેક બાબતોમાં જ્યાં સુધી કોઈ બીજી મહામારી ફાટી નીકળે અને એને રોકી શકાય એવું હોય ત્યાં સુધી. પણ આવું રહ્યું માત્ર ત્યાં સુધી જ્યાં સુધી મહામારીનો ડર રહ્યો. જેવો ડર ઓછો થયો કે તેઓ મૂળ સ્થિતિમાં આવી ગયા અને આ ગરીબો માટે, મજૂર વર્ગનાં સારા માટે કશું ય કરવાનું ભૂલી ગયા. પછી દૈવી પ્રકોપ ફરી આવી ચઢયો. ફરીથી એવી જ સાર્વત્રિક આપત્તિ જે શરૂ તો થઈ નીચલા વર્ગનાં લોકોથી પણ પછી વેર વાળતી હોય એમ ઉપર સુધી ગઈ. પહેલાં થયું હતું એમ જ. ઘણાં અવાજો થયા. ઘણો ઘોંઘાટ થયો. પણ એક પણ માણસે એ સ્વીકાર્યું નહીં કે આ માટે તેઓ પોતે જ જવાબદાર હતા.
એટલે એમ કે જે આ માણસ કે જે નોબડી હતો, જે કોઈ હસ્તી જ નહોતોત એ જીવ્યો અને મર્યોે એ જ એની જૂની પુરાણી રીતથી, અને આ જ તો હતી આખી નોબડીની સ્ટોરી.
આપ પૂછશો કે એનું કોઈ નામ હતું કે નહીં. કદાચ એનું નામ લીજન હતું. લીજન એટલે પ્રાચીન રોમન લશ્કરનો ૩૦૦ સૈનિકોનો એક વિભાગ. એનું નામ શું હતું?- એ જાણવાથી કોઈ ફેર પડતો નથી. એટલે ચાલો એને આપણે લીજન જ કહીએ.
જો તમે ક્યારેય વોટરલૂની યુદ્ધભૂમિ નજીક બેલ્જિયમનાં ગ્રામ્ય પ્રદેશ ગયા હશો તો આપે જોયું જ હશે કે નાનકડાં દેવળની બાજુમાં શહીદોનું સ્મારક છે. એ શહીદો જેમાં કર્નલ એ, મેજર બી, કેપ્ટન્સ સી, ડી અને ઈ, લેફ્ટેનન્ટસ એફ અને જી, એન્સાઈન્સ એચ, આઈ અને જે, સાત નોન-કમિશન્ડ ઓફિસર્સ અને એકસો ને ત્રીસ સામાન્ય જવાનો જે પોતાની ફરજને કાજે યુદ્ધભૂમિમાં શહીદ થયા હતા. સ્ટોરી ઓફ નોબડી પણ એ જ વાર્તા છે આ પૃથ્વીનાં સાધારણ સૈનિકોની. યુદ્ધમાં જે જીત થાય છે એમાં એમની પણ હિસ્સેદારી છે. તેઓ લડે છે અને શહીદ થાય છે, એમનું કોઈ નામ નથી. આપણે જે આજે છાતી ફૂલાવીને આગળ ચાલીયે છીએ એનાં મૂળમાં આ લોકો છે, જે આપણી પહેલાં ધૂળિયે મારગ ચાલ્યા હતા. ઓ! ચાલો, ક્રિસમસનું તાપણું હોય અને આપણે બેસીને વાતો કરીએ અને એ તાપણું ઠરે ત્યારે પણ આપણે એ સામાન્ય માણસોને ભૂલીએ નહીં. (સમાપ્ત)
ચાર્લ્સ ડિકન્સ
જન્મ ૭ ફેબુ્રઆરી, ૧૮૧૨
મૃત્યુ ૭ જુન , ૧૮૭૦
સર્જકનો પરિચય
ફેબુ્રઆરી એટલે મહાન બ્રિટિશ લેખક ચાર્લ્સ ડિકન્સનો જન્મ મહિનો. એમનો જન્મ ૭ ફેબુ્રઆરી, ૧૮૧૨નાં રોજ ઇંગ્લેંડનાં પૉર્ટસમાઉથ સીટીમાં થયો હતો. આઠ ભાઈ બહેન, એમાં ચાર્લ્સ બીજા નંબરે. કુટુંબની સ્થિતિ સામાન્ય. ઉાર લીધેલાં પૈસા ન ચૂકવી શકવાને કારણે પિતાને જેલમાં જવું પડયું અને બાળક ચાર્લ્સને સ્કૂલમાંથી ઊઠાડી લેવાયો. કુટુંબને આર્થિક મદદ અર્થે બાર વર્ષની વયે એમણે બૂટપોલિશની ડબ્બીઓ ઉપર લેબલ ચોંટાડવાનું કામ કર્યું. ગરીબીનો એમનો આ પહેલો સામનો હતો અને આ સ્વ અનુભવ જ હતો, જે એમનાં સાહિત્ય સર્જનમાં ગરીબો કે સામાન્ય લોકોની કથા અને વ્યથા રૂપે પ્રગટ થયો.
જો કે ચાર્લ્સ ડિકન્સનું નિધન થયું ત્યારે તેઓની એક લેખક તરીકે કીર્તિઅને ધન સંપદા વિશેષકર હતી. તેઓની અંગત જિંદગી થોડી કોમ્પલિકેટેડ રહી. તેઓની પત્ની કેથેરીન કે જેમનાં થકી એમને દસ સંતાનોનું સુખ મળ્યું હતું, એનાથી અલગ થઈને તેઓ એક યુવા પ્રેમિકા એક્ટ્રેસ ટેરનાન સાથે રહેતા હતા. ચાર્લ્સ ડિકન્સે જો કે એમનો અફેર છૂપો રાખવાની કોશિશ જરૂર કરી હતી.
પ્રસિદ્ધ લેખક લીયો ટાલ્સ્ટાય ઓગણીસમી સદીનાં સૌથી મહાન સાહિત્યકાર માને છે એ ચાર્લ્સ ડિકન્સ માત્ર સાહિત્યકાર જ નહોતા, મહાન ચિંતક પણ હતા. આમ તો ચાર્લ્સ ડિકન્સ નવલકથા સર્જક. એમની વિખ્યાત ક્લાસિક નવલકથાઓ 'એ ટેલ ઓફ ટૂ સીટીઝ', 'ગ્રેટ એક્સપેક્ટેશન્સ', 'ડેવિડ કોપરફીલ્ડ', 'ઓલિવર ટ્વિસ્ટ' વગેરે પરથી તો અનેક ફિલ્મ્સ બની ચૂકી છે. બોલીવૂડની હિન્દી ફિલ્મ ફિતૂર(૨૦૧૬) પણ એમની નવલકથા 'ગ્રેટ એક્સપેક્ટેશન્સ' ઉપર આધારિત હતી.
તેઓએ અલબત્ત સૌથી પણ વધારે ટૂંકી વાર્તાઓનું પણ ભરપૂર સર્જન કર્યું હતું. એમનાં સાહિત્ય સર્જનમાં તત્કાલીન અંગ્રેજ સમાજની કુરીતિ અને કુપ્રથા સામે વિરોધ દર્શાવાયો છે. એ વાત પણ છે એક એમની વાર્તાઓનો અંત મહદ અંશે સુખદ કે સામાન્ય રહ્યો હોય છે. એમની વાર્તાઓમાં એવાં અનેક કાલ્પનિક પાત્રો આવે છે જે આજે સાહિત્ય જગતમાં અમર થઈ ગયા છે. એ વાત અલગ છે કે આજની વાર્તા છે એનું શીર્ષક છેઃ નોબડીઝ સ્ટોરી!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NLaqpX
ConversionConversion EmoticonEmoticon