- વનવાસીઓને બહાર કાઢીને જંગલ સલામત રાખવાની કુમતિ સરકારને વારંવાર સુઝે છે. પણ ગ્વાટેમાલાએ વન, વનવાસીઓને સોંપી દીધા અને હવે તેના મીઠાં ફળ ચાખે છે.
- ગ્વાટેમાલાના વિવિધ સજીવો વચ્ચે ક્વેત્ઝલ નામે ઓળખાતુ પંખી અનોખું છે. કેમ કે એ ઉડે ત્યારે તેની પૂંછડી અઢી-ત્રણ ફીટ લાંબી થાય છે. હવામાં જાણે અનેકરંગી તરંગો વહેતા હોય એવુ દૃશ્ય જોવા મળે છે. અલબત્ત, આ પક્ષી આસાનીથી જોવા મળતા નથી. તેના નામે ગ્વાટેમાલાનું ચલણ પણ ક્વેત્ઝલ તરીકે ઓળખાય છે.
- ગ્વાટેમાલા નદી, પર્વત, જ્વાળામુખી, જંગલનો દેશ છે. ત્યાં ૩૦ સક્રિય જ્વાળામુખી છે. ગ્વાટેમાલા નામ પણ એેક પુરાતન જ્વાળામુખી પરથી જ આવ્યું છે. પહાડી ભૃપુષ્ઠને કારણે દેશની ત્રીજા ભાગની વસતી પહાડી ઢોળાવ પર રહે છે. આખા દેશમાં જંગલને કારણેે લેન્ડ ઓફ ટ્રી તરીકે ઓળખાય છે.
- અહીં પતંગોત્સવ ઉજવાય છે, પણ ઉત્સવ તરીકે નહીં સ્મરણ તરીકે. વર્ષમાં એક દિવસ મૃતકોને અંજલિ આપવા પતંગ ઉડાવાય છે.
- ગ્વાટેમાલાના વિવિધ સજીવો વચ્ચે ક્વેત્ઝલ નામે ઓળખાતુ પંખી અનોખું છે. કેમ કે એ ઉડે ત્યારે તેની પૂંછડી અઢી-ત્રણ ફીટ લાંબી થાય છે. હવામાં જાણે અનેકરંગી તરંગો વહેતા હોય એવુ દૃશ્ય જોવા મળે છે. અલબત્ત, આ પક્ષી આસાનીથી જોવા મળતા નથી. તેના નામે ગ્વાટેમાલાનું ચલણ પણ ક્વેત્ઝલ તરીકે ઓળખાય છે.
- કોકો, કોફી, શેરડી, પામની ખેતી માટે થોડા પ્રમાણમાં જંગલો તો અહીં પણ કપાય છે, પણ સામે સાચવણી પણ થાય છે.
- અડધાથી વધારે વસ્તી મય સંસ્કૃતિના વખતથી રહેતા મૂળ વનવાસીઓની છે. એ વનવાસીઓનું નામ ઈન્ડિયન, પણ ભારતીય નહીં રેડ ઈન્ડિયન પ્રકારના.
ઉ ત્તર અને દક્ષિણ અમેરિકા ખંડને જોડતા ભૂ-ભાગ પર થોડાંક નાનાં-નાનાં દેશો આવેલા છે. એમાંનો એક દેશ ગ્વાટેમાલા છે. વિસ્તાર માંડ ૧.૧૦ લાખ ચોરસ કિલોમીટર (ગુજરાત કરતા ૬૦ ટકા) અને વસ્તી વળી પોણા બે કરોડ..
એવા દેશ પર જગતની નજર સામાન્ય રીતે પડતી હોતી નથી. પણ ગ્વાટેમાલાએ કરેલી વન-સંરક્ષણ ક્રાંતિને કારણે મૂછ મરડતા ભલભલા દેશોએ તેની પાસેથી પ્રેરણા લેવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
૧૯૯૦ના અરસામાં ગ્વાટેમાલા સરકારે વન-સંરક્ષણ માટેે વિવિધ પગલાં ભર્યા. બધા દેશો કરે એમ એક કામ કર્યું 'લાગુના ડેલ ટિગ્રે નેશનલ પાર્ક' સ્થાપવાનું. જંગલ સંરક્ષણની આ સ્ટાન્ડર્ડ અને આખા જગતમાં સ્વીકારાયેલી પદ્ધતિ છે. ૩૦૦થી વધારે પ્રકારના પક્ષી, અસંખ્ય પતંગીયાં, અન્ય જંગલી જીવો, ઊંચા-ઊંચા વૃક્ષો અને દૂર સુધી ફેલાયેલી ઘનઘોર ઘટાને કારણે એ વિસ્તાર નેશનલ પાર્ક તરીકે લોકપ્રિય થયો, પ્રવાસીઓને આકર્ષવા લાગ્યો. જાણે અજાણે બીજા લોકોને પણ એ વિસ્તારે આકર્ષ્યા હતા પણ સરકારને ત્યારે ખબર ન હતી.
એ વખતે જ એટલે કે ત્રણેક દાયકા પહેલાં સરકારે બીજો નિર્ણય લીધો. 'માયા બયોસ્ફિયર રિઝર્વ' નામે દેશના ઉત્તર ભાગમાં આવેલો ૨૧ હજાર ચોરસ કિલોમીટરથી મોટો (દેશના કુલ વિસ્તારનો પાંચમો ભાગ) અલગ તારવ્યો. એ વિસ્તારને સંરક્ષિત જાહેર કર્યા, પણ તેની જાળવણી સરકારે પોતાના હાથમાં ન રાખી. તેના બદલે ત્યાં રહેતા વનવાસીઓને જવાબદારી સોંપી દીધી. જંગલ વિસ્તાર તમારો છે, જાળવણી પણ તમારે કરવાની છે..
સરકારની આ વૃત્તિની ટીકા થઈ. જંગલ રેઢું મુકી દેવાયુ, જંગલ ત્યાંના લોકોને સોંપી દેવાયુ વગેરે મુદ્દે સરકારે મેણા-ટોણા સાંભળવા પડયા. એ જંગલ વિસ્તારને 'યુનેસ્કો'એ ૧૯૯૦ના વર્ષે જ નેચરલ હેરિટેજ જાહેર કર્યો હતો. એટલે નાના દેશ ગ્વાટેમાલાની સરકારનો જંગલ ત્યાંના વનવાસીઓને સોંપવાનો નિર્ણય આંતરરાષ્ટ્રી સ્તરે પણ ચર્ચાયો.
એ વાતને હવે ત્રણ દાયકા વીતી ચૂક્યા છે.
આજે સ્થિતિ શું છે?
સ્થિતિ એ છે કે માયા બાયોસ્ફિયર રિઝર્વ વનવાસીઓને સોંપવાનો સરકારનો નિર્ણય કારગત સાબિત થયો છે. આખા જગત માટે જંગલ સંરક્ષણનો એ નિર્ણય પ્રેરણારૂપ બન્યો છે. એ જંગલમાં ૧૪૦૦થી વધારે પ્રકારના છોડ-વેલા-વૃક્ષો, ૪૫૦થી વધારે પ્રકારના જંગલ જીવો, પુમા, જગુઆર, સ્પાઈડર મન્કી, હર્પી ઈગલ, મકાક પ્રકારના પોપટ... વગેરેનો વાસ છે. એ બધા ૩૦ વર્ષ પહેલાંય રહેતા હતા, આજેય રહે છે.
તો પછી એ વખતે સર્જેલા નેશનલ પાર્કનું શું થયું? જેની જવાબદારી સરકાર પાસે હતી?
એ લાગુના ડેલ ટિગ્રે વિસ્તાર તો ગયો હાથમાંથી.. ત્યાં ડ્રગ્સ દાણચોરોના અડ્ડા સ્થપાયાં. જંગલો કાપીને જમીનનો મન-ફાવે એમ ઉપયોગ થઈ રહ્યો છે. મોટો વિસ્તાર ચણિયાર બનાવવા માટે પશુપાલકોએ સાફ કરી નાખ્યો અને વાડા ઉભા કરી દીધા. ખાણ-ખનીજ-તેલના ખનન માટે કૂવા સ્થપાઈ ગયા. એટલે સુધી છેડછાડ થઈ કે આરક્ષિત વિસ્તારમાં નાનું વિમાન ઉતરી શકે એવો રન-વે પણ બન્યો. સદ્ભાગ્યે ૨૦૧૭માં જ રન-વે બની રહ્યો હતો ત્યારે જ પકડાઈ ગયો એટલે કામ આગળ વધતા અટકી ગયું. પણ તેનાથી પુરાવો મળ્યો કે સરકારે પોતાના હસ્તક રાખેલા જંગલના સંરક્ષણમાં કોઈ ભલીવાર ન હતી.
જંગલ તેમાં હજારો વર્ષથી રહેતી પ્રજાતીઓને સોંપી દેવાનો ગ્વાટેમાલા સરકારનો નિર્ણય સફળ રહ્યો.
જંગલની જાળવણી પોતાની પાસે રાખવાનો ગ્વાટેમાલા સરકારનો નિર્ણય નિષ્ફળ પણ રહ્યો.
એવુ નથી જે જંગલ વિસ્તાર ત્યાંના રહેવાસીઓને સોંપ્યો એ સો ટકા સલામત છે. જંગલોની કાપ-કૂપ, લાકડાની દાણચોરી, અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ ત્યાં થાય છે. પણ ત્યાં કુલ જંગલ વિસ્તારનો માંડ ૧ ટકા ભાગ જ સાફ થયો છે, કપાયો છે. સામે પક્ષે ડેલ ટિગ્રોનો ૩૪૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર સાફ થઈ ચૂક્યો છે. તેનાથીય વધારે મહત્ત્વની વાત એ કે ડેલ ટિગ્રોના રક્ષણની કોઈ ગેરંટી નથી, જ્યારે માયા રિઝર્વમાં રહેતા લોકો જંગલ જાળવવા કટિબદ્ધ છે.
કમ્યુનિટી ફોરેસ્ટનો કન્સેપ્ટ હજારો વર્ષ જૂનો છે. પણ ઘણીખરી સરકારોને તેના પર વિશ્વાસ નથી. કમ્યુનિટી ફોરેસ્ટ એટલે જંગલમાં રહેતા જંગલવાસીઓ દ્વારા જ જંગલની જાળવણી. જંગલમાં રહેતા વનવાસીઓ એ પછી ગીરના માલધારી હોય કે એમેઝોનના આદિ રહેવાસી હોય.. એમની પાસે જંગલને નુકસાન કરવાનું કોઈ કારણ હોતું નથી. એ જંગલને નુકસાન કરે તો પોતાના પગ પર જ કુહાડો લાગે. પણ માત્ર આઈએફએસ-આઈએએસ ભણીને આવેલા (પણ ગણેલા નહીં) અધિકારીઓ કે અંગુઠાછાપ વનમંત્રીઓને એવી સમજણ ક્યાંથી આવે?
ટેક્સાસ યુનર્સિટીના જેનિફર ડેવિને ગ્વાટેમાલામાં એક વર્ષ પસાર કર્યું. એ પછી રિસર્ચ પેપર રજૂ કર્યું. એ પ્રમાણે ડેલ ટિગ્રો જંગલ કપાય છે, તેની પાછળ ડ્રગ્સનો કારોબાર જવાબદાર છે. ડ્રગ્સ સંચાલકો ચણિયાર બનાવે છે અને તેની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરે છે. જંગલ સાફ કરવાના પૈસા પણ ડ્રગ્સના વેપારીઓ જ આપે છે. એ બધુ ડેલ ટિગ્રેમાં આજેય થાય છે.
માયા રિઝર્વમાં એવી ગરબડ શક્ય નથી. પુરાતનકાળથી અહીં વીસેક જેટલી આદિવાસી પ્રજાતી રહે છે. એમનું જીવન જંગલની પેદાશોથી જ સંતૃષ્ઠ છે. એમની જરૂરિયાતો મર્યાદિત છે જે વનદેવી પુરી કરી આપે છે. માટે જંગલ કાપી લાકડા વેચવા, જંગલ કાપી મેદાનો બનાવી ત્યાં બીજી કોઈ ખેતી કરવી, જંગલો કાપી દાણચોરોને મદદ કરવી, જંગલો કાપી પેટ્રોલિયમના કૂવા સ્થાપવા વગેરેની તેમને લાલચ નથી.
માયા જંગલ વિસ્તારમાં ગ્વાટેમાલાના પ્રસિદ્ધ પિરામિડ અને બીજા પ્રવાસન સ્થળો આવેલા છે. માયા સંસ્કૃતિની અતિ પ્રખ્યાત તિકાલ નામની પુરાતત્ત્વિય સાઈટ આ જંગલમાં આવેલી છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ થયેલી સાઈટમાં છ હજાર વર્ષ પ્રાચીન પિરામિડ આકારના મંદિર તથા અન્ય અનેક બાંધકામો છે.
એ માટે આવતા પ્રવાસીઓને કારણે પણ જંગલમાં રહેતા લોકોની આવક ચાલતી રહે છે. દુનિયાની અનેક અગ્રણી પર્યાવરણ-વન્યજીવ સંરક્ષણ સંસ્થાઓ આજે માને છે કે ગ્વાટેમાલાનું મોેડેલ આખા જગત માટે પ્રેરણારૂપ છે.
દક્ષિણ અમેરિકાના ઘણા દેશોની માફક અહીં પણ સ્પેનિશ રાજાશાહીએ લૂંટારાનો રોલ ભજવી લૂંટ ચલાવી હતી. સ્પેનિશ કલ્ચરની મોટી અસર છે. ૧૮૨૧માં દેશ સ્પેન પાસેથી આઝાદ થયો. ૧૮૭૦ના ગાળામાં કોફીની નિકાસ શરૂ કરી. કોફીની ખેતી કરવા જંગલો કાપવાની શરૂઆત કરી અને જંગલમાં રહેતા વનવાસીઓ તથા સરકાર વચ્ચે સંઘર્ષ આરંભાયો. એ વખતે વળી ત્યાં ગૃહયુદ્ધ ચાલતું હતું. ૩૬ વર્ષ ચાલેલા સંઘર્ષમાં ૨ લાખ મોત, હજારો ગુમ, લાખો બેઘર થયા હતા. એટલે દેશને શાંતિની તાતી જરૂરિયાત હતી.
સરકારને જે વિસ્તાર આરક્ષિત જાહેર કરવો હતો એમાં ૯૦ હજાર નાગરિકો રહેતા હતા. એ બધાને જંગલ બહાર કાઢી બીજે વસાવવા પડે. સરકારની એટલી ક્ષમતા ન હતી. ક્ષમતા હોય તો પણ જંગલવાસીઓ બહાર નીકળવા તૈયાર ન હતા. વનવાસી-સરકાર વચ્ચે એ મુદ્દે મોટો સંઘર્ષ ચાલ્યો. છેવટે ૧૯૯૬માં સરકારે વનવાસીઓ સાથે સમાધાન કર્યું. પછીથી શાંતિ સ્થપાઈ અને આજેય જળવાયેલી છે.
સમાધાનની શરતોરૂપે સરકારે જંગલનો ઘણો વિસ્તાર સ્થાનિક રહેવાસીઓને સોંપી દીધો. તેમાંથી થતી પેદાશો વેચવા માટે માર્કેટ ઉભા કર્યા. જંગલનો કેટલો-કેમ ઉપયોગ કરવો તેના નીતિ-નિયમો બનાવ્યા. કેટલોક વન-વિસ્તાર કોર ઝોન તરીકે સંપૂર્ણ સુરક્ષીત રાખ્યો જ્યાં માનવીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકી દેવાયો. એ પછીય અમુક વનવાસીઓએ સરકારની યોજનાનો વિરોધ કર્યો, પણ મોટા ભાગના રહેવાસીઓ રાજી હતા એટલે બહુમતીના લોકશાહી ધોરણે નિર્ણયો લેવાયા. અહીં રહેનારા પૈકી ઘણા દેખીતી રીતે ગરીબ છે, પણ એમને જંગલ છોડીને બહાર જવું નથી.
અહીં રહેનારાઓ માટે અહીં જ લાકડામાંથી સ્કૂલો ઉભી કરાઈ છે, લાકડા સહિતની જંગલ પેદાશોનો ઉપયોગ કરી આરોગ્ય કેન્દ્રો અને અન્ય સુવિધાઓ વિકસાવાઈ છે. કેટલું અને કેવું બાંધકામ કરવું તેના સરકારે જંગલવાસીઓ સાથે મળીને નિયમો બનાવ્યા છે, નિયમો ઠોકી નથી બેસાડયા.
આપણે ત્યાં ગીર જંગલમાં ઠેર ઠેર નેસ આવેલા છે. ૧૦૦થી વધારે નેસ ૬ જિલ્લામાં ફેલાયેલા છે. વન વિભાગ એ નેસ ખાલી કરીને ત્યાં જંગલનું સંરક્ષણ કરવા માંગે છે. સ્વાભાવિક રીતે જંગલ સંરક્ષણની સમજણ સરકાર પાસેથી રાખવાનો અર્થ નથી. પણ ગીરને સલામત રાખવાનો મોટો ફાળો ત્યાં રહેનારા માલધારીઓનો છે એ હકીકત બદલી નહીં શકે.
ગ્વાટેમાલા સરકારે જંગલ વિસ્તાર સ્થાનીક રહેવાસીઓને સોંપી દેવાનો નિર્ણય કર્યો ત્યારે એવુ લાગ્યું હતું કે બિલાડીને દૂધનું રખોપું સોંપાતા હશે? પણ હકીકતે દૂધનું રખોપું બિલાડીને સોંપાયુ ન હતું, એ વાત ૩ દાયકા પછી સાબિત થઈ ચૂકી છે.
શોલિગા: વન અધિકારી ભારતવાસીઓ
કર્ણાટકમાં બિલગિરિ રંગાના હીલ્સ જંગલ વિસ્તાર આવેલો છે. અહીં વાઘ અભયારણ્ય છે અને ૫૦થી વધારે વાઘ નોંધાયા હતા. વાઘ અભયારણ્યમાં લોકો રહી શકે નહીં. પણ અહીં રહેતા શોલિગા લોકોને રહેવાનો અધિકાર મળ્યો છે. ભારતની એ એકમાત્ર પ્રજાતિ છે, જેમને સુપ્રીમ કોર્ટે વાઘ-વનમાં રહેવાની કાયદાકીય રીતે છૂટ આપી છે. છૂટ વખતે કોર્ટે કહ્યું હતું કે તેમને જંગલમાં રહેવાનો અધિકાર છે કેમ કે તેઓ જંગલને જાણે છે.
કારણ કે એ લોકો અહીં શહસ્ત્રાબ્દીઓથી રહે છે. વળી ભારતની ધરતી પર જ્યારે હજારો વર્ષ પહેલા મનુષ્યોના પગલાં પડયા એ પૈકીના એક શોલિગા હતા. પુરાતન પ્રજાતિ હોવાથી જગતભરના મનુષ્ય-વિજ્ઞાાનીઓ માટે શોલિગા અભ્યાસનો વિષય છે. વાંસના જંગલોમાં રહેતા, વાંસ પર નિર્ભર રહેતા હોવાથી એ પ્રજાતિ ચિલ્ડ્રન ઓફ બામ્બુ તરીકે પણ ઓળખાય છે. વનમાં રહેતા શોલિગાઓ વનની પેદાશો પર નિર્ભર છે, એમને જંગલ બહાર આવવામાં રસ નથી. બહારના લોકો એમના જંગલમાં આવે એમાંય રસ નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aDTsl3
ConversionConversion EmoticonEmoticon