સૌથી ઊંચા 14 શિખરો સર કરવાની સ્પીડના ગીઅર સમય સાથે બદલાયા!

- 20મી સદીમાં જે રેકોર્ડ દશકામાં બન્યો હતો, એને ૨૧મી સદીમાં સાત-આઠ વર્ષ લાગતા હતા. 21મી સદીના 21મા વર્ષે તો એ સમયગાળો મહિનાઓમાં સીમિત થઈ ગયો છે!

- એડુર્ને પાસબાન

- ગેરલિન્ડે કાલ્ટેનબ્રનર

- નાઈવ્સ મેરોઈ


ઝડપની વ્યાખ્યા શું?

સમય બદલાય તેમ આનો જવાબ પણ બદલતો રહેવાનો છે. હાથી-ઘોડા-ઊંટ-રથની ધીમી ગતિ પછી જ્યારે માણસે હોડી-ટ્રેન-કાર-બાઈકની સવારી કરી ત્યારે એ સૌથી ઝડપી હતી. પછી માણસને વિમાની સફર વધુ ઝડપી લાગવા માંડી હતી. એના દશકાઓ પછી માનવજાતે અવાજની ગતિ માપી લીધી. ૨૧મી સદીના માનવે પ્રકાશની ગતિ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. ભારતના પ્રાચીનગ્રંથોમાં તો મનની ઝડપની પણ ચર્ચા છે.

જેમ સમય પ્રમાણે સ્પીડની વ્યાખ્યામાં ફેરફારો થયા છે કે થતાં રહેવાના છે એમ પર્વતારોહણમાં 'ફાસ્ટેસ્ટ'ની વ્યાખ્યા પણ ઝડપથી બદલાઈ રહી છે. એક સમયે દુનિયાના આઠ હજાર મીટરથી ઊંચા શિખરો એક દશકામાં સર થતાં તો એ પણ 'ઝડપી' ગણાતા હતા. સમય બદલાયો તેમ તેમ એ સ્પીડ વધવા લાગી.

ટેકનોલોજી વિકસી - જમાનો ઝડપી બન્યો, તેના કારણે ક્લાઈમ્બિંગની દુનિયામાં પણ ઝડપના વિક્રમો ઝડપભેર અપડેટ થયા. દુનિયાના સૌથી ઊંચા ૧૪ શિખરો ક્યારે અને કોણે સર કર્યાં તેના રેકોર્ડ્સ અને ઝડપ પર નજર ફેરવી લઈએ..

રેઈનહોલ્ડ મેસનરઃ14 શિખરો સ્પર્શનારા પ્રથમ સાહસિક 

આઠ હજાર મીટરથી ઊંચા દુનિયાના બધા જ ૧૪ શિખરો પ્રથમ વખત સર કરવાનો ગિનેસ રેકોર્ડ રેઈનહોલ્ડ મેસનરના નામે નોંધાયો હતો. એ પછી દુનિયાના બધા જ આઠ હજાર મીટર ઊંચા શિખરો ઓક્સિજન વગર સર કરવાનો વિક્રમ પણ રેઈનહોલ્ડ મેસનરના નામે દર્જ થયો હતો.

તેમણે ૧૯૭૮માં ઓક્સિજન વગર એવરેસ્ટની ઊંચાઈ આબી હતી. એ પછી ફરીથી ૧૯૮૦માં એકલાએ ઓક્સિજન વગર એવરેસ્ટ સર કરી બતાવ્યો હતો. ઓક્સિજન વગર એકલપંડે એવરેસ્ટ સર કરનારા રેઈનહોલ્ડ પ્રથમ પર્વતારોહક છે. ૧૯૮૬ સુધીમાં તેમણે એવરેસ્ટ સહિતના બધા જ આઠ હજાર મીટર એટલે કે ૨૬ હજાર ફૂટ કરતાં વધુ ઊંચા ૧૪ શિખરો ઓક્સિજનની મદદ વગર સર કર્યા હતા.

લગભગ સાડા આઠ વર્ષમાં તેમણે આ પરાક્રમ કરી બતાવ્યું હતું. 'વિશ્વમાં પ્રથમ' એવી કેટેગરીમાં તેમના નામે ૯-૯ રેકોર્ડ્સ બોલે છે. સાહસના ક્ષેત્રે આવો વિક્રમ નોંધાવનારા તેઓ દુનિયાના એકમાત્ર સાહસિક છે.

જેર્ઝી કુકુઝ્કા : લાંબાં સમયના રેકોર્ડ હોલ્ડર 

રેઈનહોલ્ડ મેસનર પછી દુનિયાના આઠ હજાર મીટરથી ઊંચા બધા જ ૧૪ શિખરો સર કરનારો જેર્ઝી કુકુઝ્કા દુનિયાનો બીજો પર્વતારોહી હતો. પોલેન્ડના આ સાહસિકને દુનિયાના ૧૪ આઠ હજાર મીટર ઊંચા શિખરો સર કરતાં ૭ વર્ષ, ૧૧ મહિના અને ૧૪ દિવસનો સમય લાગ્યો હતો.

આ રેકોર્ડ કેટલાય વર્ષો સુધી અતૂટ રહ્યો હતો. ૧૯૪૮માં જન્મેલા જેર્ઝીએ ૧૯૮૭-૮૮માં આ રેકોર્ડ બનાવ્યો હતો. એટલે કે રેઈનહોલ્ડ મેસનરે વિશ્વવિક્રમ સર્જ્યો તેના એક-દોઢ વર્ષમાં જેર્ઝીએ રેકોર્ડ બનાવ્યો હતો. જેર્ઝીના નામે તો એક અનોખો રેકોર્ડ પણ બોલે છે. એક જ વિન્ટરમાં આઠ હજાર મીટરની ઊંચાઈ ધરાવતા બે શિખરો સર કરનારો જેર્ઝી એકમાત્ર પર્વતારોહક છે. ૧૯૮૯માં જેર્ઝીનું એક ક્લાઈમ્બિંગ દરમિયાન જ નેપાળમાં મૃત્યુ થયું હતું. છેક ૨૦૧૪ સુધી એટલે કે ૨૬ વર્ષ સુધી સૌથી ઝડપી ૧૪ ઊંચા શિખરો સર કરવાનો વિક્રમ તેમના નામે બોલતો હતો. એ રેકોર્ડ કિમ ચાંગે ૨૦૧૩માં તોડયો હતો.

કિમ ચાંગ હો : સાઉથ કોરિયન હીરો

સાઉથ કોરિયાના પર્વતારોહી કિમ ચાંગ હોએ દુનિયાના આઠ હજાર મીટર ઊંચા તમામ ૧૪ શિખરો ૭ વર્ષ, ૧૦ માસ અને છ દિવસમાં સર કર્યા હતા. ૨૦૧૩માં કિમ ચાંગે આ વિક્રમ નોંધાવ્યો તે સાથે જ જેર્ઝીનો ૨૬-૨૭ વર્ષ જૂનો વિક્રમ તૂડયો હતો.

કિમ ચાંગે બધા જ શિખરો ઓક્સિજન વગર સર કરી બતાવ્યા હતા. ઓક્સિજન વગર આટલા ટૂંકા ગાળામાં દુનિયાના સૌથી ખતરનાક અને ઊંચા શિખરો સર કરનારો તે પ્રથમ સાહસિક હતો. તેણે પર્વતારોહણ માટે ઈકોફ્રન્ડલી તરિકા અજમાવ્યા હતા, જેની દુનિયાભરમાં ખૂબ પ્રશંસા થઈ હતી.

જેર્ઝીની જેમ જ ૨૦૧૮માં એક પર્વતારોહણ વખતે નેપાળની પહાડીઓમાં તેને અકસ્માત નડયો હતો, જેમાં ૪૮ વર્ષના કિમનું મૃત્યુ થયું હતું. આજે સાઉથ કોરિયાના સાહસિક યુવાનોનો એ ક્લાઈમ્બિંગ હીરો છે.

મહિલા પર્વતારોહકોના નામે રેકોર્ડ્સ

એડુર્ને પાસબાન, ગેરલિન્ડે કાલ્ટેનબ્રનર અને નાઈવ્સ મેરોઈ. આ ત્રણ મહિલા સાહસિકોએ ૧૪ ઊંચા શિખરો આંબ્યા છે. ૨૦૧૦માં એડુર્ને ૧૪મું શિખર સર કર્યું તે સાથે જ દુનિયાના સૌથી ઊંચા શિખરો સર કરનારાં તે પ્રથમ મહિલા બન્યાં હતાં. ૨૦૦૧માં તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરીને ૧૪ શિખરોની સફર આરંભી હતી. ૧૪ શિખરો સર કરતાં તેમને નવ વર્ષ લાગ્યા હતાં. 

ઓસ્ટ્રેલિયન મહિલા સાહસિક ગેરલિન્ડે કાલ્ટેનબ્રનરે ઓક્સિજન વગર ૮૦૦૦ મીટર ઊંચા બધા શિખરોને સ્પર્શ્યા હતા. ઓક્સિજનના સપોર્ટ વગર દુનિયાના તમામ ઊંચા શિખરો સર કરનારાં તેઓ પ્રથમ મહિલા છે. 

સાહસિક પર્વતારોહક નાઈવ્સ મેરોઈએ ૨૦૧૭માં બધા શિખરો સર કર્યા હતા. વચ્ચે તેમના બે-ત્રણ મિશન નિષ્ફળ નીવડયા હોવાથી નાઈવ્સે આ સિદ્ધિ એક દશકાના લાંબાં સમય પછી નોંધાવી હતી.

નાઈવ્સ અને તેના હસબન્ડ રોમાનો બેનેટના નામે પણ પાછા અલગથી વિક્રમો બોલે છે. આ દંપતિએ ઓક્સિજન અને સહાયકો વગર બધા જ શિખરો સર કરી બતાવ્યા છે.

આ મહિલા સાહસિકોની બાબતમાં રસપ્રદ બાબત એ હતી કે તેમની વચ્ચે સૌથી પહેલાં ૧૪ શિખરો સર કરવાની હોડ જામી હતી અને છતાં તેમણે ઘણાં શિખરો સાથે સર કર્યા હતા. જે સૌથી પહેલા તમામ શિખરો પર પગ મૂકશે તેનું નામ ઈતિહાસમાં અમર થઈ જશે એ વાતનો બરાબર અંદાજ હોવા છતાં ત્રણેય મહિલા સાહસિકોએ એકબીજાને સહકાર આપીને સાથે પર્વતારોહણ કર્યું હતું.

નિર્મલ પુરજા : ઝડપી જમાનાનો 'ઝડપી' પર્વતારોહક

રફતાર એ ૨૧મી સદીનો સિમ્બોલ છે અને નેપાળી સાહસિક નિર્મલ પુરજા નવા-ભાગતા-દોડતા ફાસ્ટ જમાનાનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ જે શિખરો સર કરતાં વર્ષો લાગતા એ નિર્મલે મહિનાઓમાં સર કરી દેખાડયાં. થોડાંક વર્ષો પહેલાં જેની કલ્પના પણ થઈ તેમ ન હતી એ નિર્મલે વાસ્તવિક કરી દેખાડયું.

૨૦૧૮માં લશ્કરની નોકરી મૂકીને નિર્મલે પર્વતારોહણ શરૂ કર્યું હતું. માત્ર છ માસ અને છ દિવસના ગાળામાં નિર્મલના નામે દુનિયાના ૮૦૦૦ મીટરથી ઊંચા બધા જ શિખરો સર કરવાની સિદ્ધિ નોંધાઈ ચૂકી છે. સમયગાળાની બાબતમાં તો તેની ઝડપ અભૂતપૂર્વ હતી, પરંતુ શિખરો સર કરવામાંય તેની સ્પીડ અજોડ હતી. તેણે માઉન્ટ એવરેસ્ટ, મકાલુ અને લ્હોત્સે એમ ત્રણ શિખરો ૪૮-૪૮ કલાકમાં સર કરી બતાવ્યા હતાં. 

દુનિયા જ્યારે કોરોના સામે ઝઝૂમી રહી હતી ત્યારે નિર્મલે શિયાળામાં કે-૨ આંબવાની મથામણ આદરી હતી. આપણે જે સમયે શિયાળાની હાડગાળતી ઠંડીમાં ધાબળા-ગોદડાં ઓછીને પોઢતા હતા ત્યારે આ સાહસિક માઈનસ ૬૦ ડિગ્રી તાપમાનમાં, ૨૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાતા ઠંડાગાર પવન સામે ઝઝૂમીને હિંમતભેર કે-૨નું મસ્તક ચૂમવા આગળ વધતો હતો.

૩૭-૩૮ વર્ષના નિર્મલે છેક ૨૯-૩૦ વર્ષે પર્વતારોહણ શરૂ કર્યું હતું, પરંતુ આર્મીની આકરી તાલીમ અને નેપાળની પહાડીઓમાં જન્મ થયો હોવાથી પર્વતો સાથે ગાઢ પરિચય કેળવાયો હતો. પર્વતોની તાસીર બરાબર ઓળખી ગયેલા નિર્મલને નેપાળની સરકારે ગુલવિલ એમ્બેસેડર બનાવ્યો છે.

છ માસ અને છ દિવસના અભૂતપૂર્વ ચમત્કાર અંગે નિર્મલ કહે છેઃ 'એક-બે શિખર વખતે મારા સાથીઓને રેસ્ક્યુ કરવા પડયા હતા. એ સમય મારા માટે બહુ મુશ્કેલ હતો. જો ત્યારે મેં પાછું વળીને જોયું હોત તો કદાચ વાત બની ન હોત. પણ આર્મીની તાલીમથી હું એ શીખ્યો હતો કે બહાના શોધવાથી કામ નહીં બને, સમાધાન શોધવું જોઈએ. મેં દરેક મુશ્કેલ સ્થિતિમાં માત્ર ઉકેલ મેળવવાની દિશામાં જ વિચાર્યું હતું, બીજું કંઈ ખાસ કર્યું ન હતું. હું વિક્રમસર્જક પર્વતારોહક છું એવું વિચારવાને બદલે મેં એટલું જ વિચાર્યું હતું કે મારે અત્યારે આ શિખર સર કરવું છે. જો તમારે ઝડપ મેળવવી હોય તો એ પહેલાં સાતત્ય મેળવવું અનિવાર્ય છે, ધેટ્સ ઈટ!'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39VHm7O
Previous
Next Post »