અશ્વશક્તિ યશોબલઃ કેવોક પાવરફુલ છે ભારતીય લશ્કરનો 'હોર્સપાવર'?

- જગતનું સૌથી જૂનું અને આજની તારીખેય કાર્યરત હોય તેવું એકમાત્ર લશ્કરી અશ્વદળ ભારતનું છે, જેની 225 વર્ષ લાંબી તવારીખમાં કેટલીક અજોડ સિદ્ધિઓ લખાઈ છે

- જાન્યુઆરી 25, 2021ના રોજ ખુશ્કી સેનાપતિએ 61 Cavalry કહેવાતી અશ્વદળ રેજિમેન્ટનું લશ્કરી દબદબા સાથે સન્માન કર્યું. 'રિઓ' નામના ઘોડાને દેશસેવા બદલ પ્રશસ્તિ પદક પહેરાવ્યો, જે અભૂતપૂર્વ ઘટના છે. પ્રસ્તુત છે ભારતના કસાયેલા અશ્વદળ, તેના જાતવાન ઘોડા અને હિંમતવાન અસવારોનો પરિચય


ઓ ક્ટોબર, ૨૦૧૯માં ફ્રેન્ચ બનાવટનું પહેલું રફાલ સુપરફાઇટર વિમાન ભારતને સુપરત કરવામાં આવ્યું ત્યારે રક્ષામંત્રીએ વિમાનના મોરા પર કંકુ વડે તિલક કર્યું. ચોખા ચડાવ્યા અને શ્રીફળ વધેર્યું. આ દ્રશ્યને ભારતીય મીડિયા તથા સોશ્યલ મીડિયા 'તમાશા', 'અંધશ્રદ્ધા', 'ડ્રામેબાજી', 'પછાત વિચારસરણી' વગેરે વિશેષણો વડે વખોડી રહ્યું હતું ત્યારે એક સરપ્રાઇઝ અને સકારાત્મક રિએક્શન સરહદ પારથી આવ્યું. પાકિસ્તાની ખુશ્કી દળના પ્રવક્તા મેજર જનરલ ગફૂર ખાને રફાલનું વિધિવત્ સ્વાગત કરતા આપણા રક્ષામંત્રીની તસવીરના અનુસંધાનમાં કહ્યું કે સૈનિકની જેમ શસ્ત્રને પણ સન્માન આપવામાં કશું ખોટું કે અજુગતું નથી. શસ્ત્ર અને સૈનિક એકબીજાના પૂરક છે. 

મેજર જનરલ ગફૂર ખાને જે ન કહ્યું અને ઘરઆંગણે જે હકીકત જાણવા માટે તસ્દી ન લેવામાં આવી તે આમ છેઃ લશ્કરમાં શસ્ત્રોને આદર-સન્માનની નજરે જોવાની તેમજ પૂજવાની પ્રણાલી છે. બલકે, લશ્કરી શિસ્ત છે એમ કહો તો ખોટું નહિ. રણભૂમિએ લડવા જતા સૈનિકનો સૌથી નિકટતમ્ સાથી એટલે શસ્ત્ર, માટે તેના પ્રત્યે સૈનિકને અહોભાવની લાગણી હોય છે. લશ્કરમાં વર્ષો સુધી સેવા આપી ચૂકેલાં 'વિક્રાન્ત' અને 'વિરાટ' જેવાં યુદ્ધજહાજોને, 'મિગ-૨૫' જેવાં વિમાનોને તથા T-૫૫' જેવી ટેન્કને રિટાયરમેન્ટ બાદ ભંગારવાડે જતાં દેખીને આપણા શેરદિલ સૈનિકોની આંખો શું અમસ્તી ભરાઈ આવે છે?

ભારતીય લશ્કરમાં સૈનિકને શસ્ત્ર જોડે જેટલો ગાઢ સંબંધ એટલી જ લેણદેણ શ્વાન, ઊંટ અને અશ્વો માટે પણ ખરી. લાગણીનો અદ્રશ્ય તંતુ કેટલો મજબૂત છે તેનો દાખલો આપતો એક પ્રસંગ ૨પમી જાન્યુઆરીએ બન્યો કે જ્યારે ખુશ્કી દળના વડા જનરલ મુકુંદ નરવણેએ 61 Cavalry/ કેવલ્રી નામની રેજિમેન્ટના જાતવાન અશ્વોને ખાસ લશ્કરી વિધિમાં સન્માનિત કર્યા. જગતનું સૌથી પુરાણું, છતાં આજની તારીખે કાર્યરત એવું એકમાત્ર અશ્વદળ ભારતનું 61 Cavalry છે. રણભૂમિ પર તેના જાતવાન ઘોડાઓએ તથા હિંમતવાન અશ્વાર સૈૈનિકોએ અનેક પરાક્રમો કર્યાં છે, જેની કદરરૂપે ભારતીય લશ્કરે તે રેજિમેન્ટને કયા ખિતાબો-પદકો કેટલી સંખ્યામાં એનાયત કર્યાં તેનું લિસ્ટ તપાસવા જેવું છેઃ

'સર્વોત્તમ જીવન રક્ષક પદક' (૧), 'વિશિષ્ટ સેવા મેડલ' (૬), પ્રશસ્તિ પત્ર (કુલ ૧૧૧), લશ્કરી કમાન્ડર પ્રશસ્તિ પત્ર (૧પ૨), સૈન્યની ત્રણેય પાંખના વડા અધિકારી તરફથી પ્રશસ્તિ પત્ર (૭), 'બેટલ ઓનર' એટલે કે યુદ્ધસન્માન (૧).

આ ગૌરવપૂર્ણ યાદીમાં જાન્યુઆરી ૨પ, ૨૦૨૧ના રોજ વધુ એક ખિતાબનો ઉમેરો થયો. 61 Cavalry રેજિમેન્ટમાં છેલ્લાં ૨૨ વર્ષથી સેવા આપી રહેલા 'રિઓ' નામના અશ્વને જનરલ નરવણેએ પોતાના હસ્તે પ્રશસ્તિ પદક એનાયત કર્યો. અગાઉ તે રેજિમેન્ટના ઘણા અશ્વોને પ્રશસ્તિ પત્ર મળી ચૂક્યો છે, પરંતુ પદક યાને ચંદ્રક નહિ. આ મોભાદાર ખિતાબ પહેલી વારનો છે. 'રિઓ'ને તે મળ્યાનું ખાસ કારણ છે. લશ્કરમાં સરેરાશ ઘોડો ૧પથી ૧૮ વર્ષ સેવા આપે પછી તેને નિવૃત્ત કરી દેવાય. (ઘોડાનું આયુષ્ય ૨પથી ૩૦ વર્ષ). આ હિસાબે 'રિઓ'ની ૨૨ વર્ષે લાંબી ડયૂટી અસાધારણ છે. વળી તેના રખેવાળ કેપ્ટન દીપાંશુ શેરોનના મતે 'રિઓ'ની ચપળતા, ચુસ્તી, સ્ફુત જોતાં તે હજી બે-ત્રણ વર્ષ સહેલાઈથી ભારતીય લશ્કરમાં ફરજ બજાવી શકે તેમ છે.

સશસ્ત્ર સૈન્યમાં ઘોડાનો ઉપયોગ કરવાનો ઇતિહાસ ૪,૦૦૦ વર્ષ લાંબો છે, તો રણભૂમિમાં અશ્વોને વાહન-કમ-સહાયક તરીકે વાપરવાની ભારતીય તવારીખ ૨૨પ વર્ષ પુરાણી છે. ઈ.સ. ૧૭૯૬માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આપણે ત્યાં ઘોડેસવાર સૈનિકોની પહેલી ટુકડી રચી, જેના સૈનિકો કસાયેલા અને ઘોડા પાણીદાર હતા. યુદ્ધમાં લડવા માટે બેઉને વિશેષ તાલીમ આપવામાં આવતી. ઘણાં વર્ષ પછી અશ્વારોહી દળનું વિસ્તરણ થયું અને ૧૮પ૭ સુધીમાં તો બ્રિટિશહિંદના લશ્કરમાં ભચપચનિઅ/ કેવલ્રી અશ્વદળની મદ્રાસ, બંગાળ, જોધપુર, મૈસૂર, હૈદરાબાદ વગેરે નામો ધરાવતી કુલ ૨૧ રેજિમેન્ટ અસ્તિત્વમાં આવી. દરેક રેજિમેન્ટમાં ૨૪ અંગ્રેજ અફસરો, ૪૦૦ ઘોડા અને તેમના ભારતીય અસવારો હતા.

ગઠન થયા પછીનાં ઘણાં વર્ષ ભારતીય અશ્વારોહીઓ માટે ખાસ નવાજૂની વિના પસાર થયાં. રેજિમેન્ટનું નામ બુલંદીએ લઈ જવાનો મોકો તેમને પ્રથમ વિશ્વવિગ્રહમાં મળ્યો. ઈ.સ. ૧૯૧૮માં અશ્વદળના યોદ્ધાઓ બ્રિટન વતી મધ્ય એશિયામાં તુર્કી સામે લડવા ગયા, જ્યાં તેમણે ઇજિપ્ત અને સીરિયાના મોરચે તુર્કી સેનાને જબરજસ્ત લડત આપી પીછેહઠ કરી જવા મજબૂર કર્યા. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો એક મોરચો હાઇફા નામના બંદરનો હતો. (હાઇફા આજે ઇઝરાયલ દેશનું નગર છે.) અહીં તુર્કી તેમજ જર્મન સેનાએ મોટી સંખ્યામાં સૈનિકો ખડકી યુરોપ અને મધ્ય એશિયાને જોડતો દરિયાઈ માર્ગ બાન લીધો હતો. આ નાકાબંધી તોડવા માટે બ્રિટિશ લશ્કરે હાઇફા પર ઝંઝાવાતી હુમલો કરવાનું અભિયાન હાથ ધરાવ્યું.

મિશનના સૂત્રધાર બ્રિટિશ અફસરે તે મિશનની જવાબદારી જોધપુર કેવલ્રીના મેજર દલપત સિંહ શેખાવતને સોંપી. વિશ્વયુદ્ધમાં શૌર્ય દાખવવા બદલ બ્રિટિશ ક્રોસ વડે સન્માનિત મેજર દલપતે ફરજનો સાદ ઝીલી લીધો. મૈસૂર રેજિમેન્ટના અને જોધપુર રેજિમેન્ટના સશસ્ત્ર અશ્વારોહીઓ સાથે તેઓ હાઇફા તરફ નીકળી પડયા. માઉન્ટ કાર્મેલ નામના પહાડી પ્રદેશ નજીક હજી પહોંચ્યા એવામાં જર્મન-તુર્કી સેનાએ મશીન ગન વડે ફાયરિંગ શરૂ કરી દીધું. દુશ્મનની બુલેટ સામે લડવા માટે મેજર દલપત સિંહના અશ્વારોહી સૈનિકો પાસે તલવાર-ભાલા સિવાય અન્ય શસ્ત્ર નહોતું. છતાં સામી છાતીએ મુકાબલો કરવામાં આવ્યો. શત્રુ તરફથી બેફામ ફાયરિંગ થતું હોવાના સમાચાર જ્યારે પઠારી છાવણીના બ્રિટિશ અફસરને મળ્યા ત્યારે તેણે મેજર દલપત સિંહને મિશન પડતું મૂકી પાછા વળી જવાનો આદેશ દીધો.

મેજર દલપતે રાજપૂતી શૌર્યને છાજે તેવો જવાબ આપતા કહ્યું, 'અમારે ત્યાં રણભૂમિથી પાછા ફરી જવાનો રિવાજ નથી!'

સપ્ટેમ્બર ૨૩, ૧૯૧૮ના દિવસે ભારતીય અશ્વોએ અને તેમના જાઁબાઝ રાજપૂત સિપાહીઓએ યુદ્ધની તવારીખમાં સાહસનું અજોડ પ્રકરણ લખ્યું. તુર્કી-જર્મન મશીન ગનનો અને તોપગોળાનો મુકાબલો ભાલા-તલવાર વડે કરવાનો થયો છતાં બેટલ ઓફ હાઇફામાં મેજર દલપત સિંહના સિપાહીઓ ઝળક્યા. કમ સે કમ ૧૦૦ શત્રુઓને પૂરા કર્યા અને ૧,૩પ૦ને યુદ્ધકેદી તરીકે બંધક બનાવ્યા. અશ્વારોહીઓનું આક્રમણ એટલું ઝંઝાવાતી હતું કે એક કલાકમાં તો હાઇફા પર વિજયધ્વજ ખોડી દીધો. પરંતુ એ દ્રશ્ય જોવા માટે મેજર દલપત સિંહ શેખાવત પોતે જીવ્યા નહિ. દુશ્મન ગોળીબારમાં તેઓ વીરગતિ પામ્યા. બીજા સાત સૈનિકોનો પણ ભોગ લેવાયો. જોધપુર અને મૈસૂર કેવલ્રીના ૮૪ ઘોડા તે યુદ્ધમાં માર્યા ગયા હતા. માસિક ફક્ત રૂપિયા ૩૪નું વેતન અને રૂપિયા ૬નું ભથ્થું મેળવતા ભારતીય અશ્વારોહીઓ પારકી ભૂમિ પર પારકા દેશ માટે યુદ્ધ શા માટે લડયા એવો સવાલ આજે આપણને થાય. પરંતુ યાદ રહે કે લશ્કરનો સરેરાશ સૈનિક હંમેશાં પોતાની રેજિમેન્ટ માટે લડતો હોય છે. રેજિમેન્ટ તેનો દેશ અને ફરજપાલન તેનો ધર્મ!

બેટલ ઓફ હાઇફામાં સાહસ-શૌર્ય-સમર્પણની મિસાલ કાયમ કરવા બદલ બ્રિટિશહિંદની સરકારે જોધપુર અને મૈસૂર કેવલ્રીને કુલ ૩૬ લશ્કરી પદકો-ખિતાબો વડે સન્માનિત કરી. વર્ષો પછી ઇઝરાયલના હાઇફા શહેરમાં મેજર દલપત સિંહ તેમજ અન્ય ભારતીય સૈનિકોની યાદગીરીરૂપે સ્મારક ઊભું કરવામાં આવ્યું. બીજું સ્મારક આજે નવી દિલ્લીમાં તીન મૂત માર્ગ પર જોવા મળે છે.   

આઝાદીનાં કેટલાંક વર્ષ પછી ભારતીય લશ્કરની જુદી જુદી અશ્વારોહી રેજિમેન્ટ્સને એકજૂથ કરી તેને 61 Cavalry નામ આપવામાં આવ્યું. રેજિમેન્ટનો મુદ્રાલેખ હતોઃ अश्व शक्ति यशोबल અર્થાત્ અશ્વબળ સર્વશક્તિમાન! એ વાત જુદી કે ફાઇટર વિમાનો, ટેન્ક, તોપ, મિસાઇલ જેવાં આધુનિક શસ્ત્રોના યુગમાં અશ્વારોહી સૈનિકોની કામગીરી નહિવત્ રહી જવા પામી હતી. છતાં 61 Cavalry રેજિમેન્ટને સક્રિય રાખવામાં આવી. ૧૯૬પના ભારત-પાક યુદ્ધમાં કેવલ્રીના જવાનોએ અશ્વબળનો પરચો દીધો. રાજસ્થાનના ગંગાનગરમાં દુર્ગમ રેગિસ્તાની ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવા માટે કોઈ લશ્કરી વાહનનો ગજ ન વાગ્યો ત્યાં અશ્વદળ કામમાં આવ્યું. રેગિસ્તાની રસ્તે પાકિસ્તાની સૈન્યની સંભવિત ઘૂસણખોરી પર 61 Cavalryના અશ્વારોહી જવાનોએ દિવસો સુધી ચાંપતી નજર રાખી. ૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમ્યાન હિમાલયના પહાડી મોરચે તૈનાત આપણા જવાનોને રાશનનો અને શસ્ત્રોનો પુરવઠો પહોંચતો કરવા માટે કેવલ્રી રેજિમેન્ટના નીવડેલા ઘોડા અને અસવારો સપ્લાયની મહત્ત્વપૂર્ણ કડી બન્યા. 

આજે કેવલ્રીના ૨૨૦ અશ્વારોહીઓ રાષ્ટ્રપતિના અંગરક્ષક તરીકે સેવા આપે છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં લાલ માટી પર દર શનિ-રવિવારે કેવલ્રીની ચેન્જ ઓફ ગાર્ડઝ નામની દબદબાભરી કવાયતમાં ભાગ લેતા ઘોડાને જોતાંવેંત સવાલ થાય કે આટલા પડછંદ અને શિસ્તબદ્ધ ઘોડા આખરે છે ક્યાંના?

જવાબ ઉત્તર પ્રદેશના બાબુગઢમાં નીકળે છે. અહીં ભારતીય સેના માટે જાતવાન ઘોડાનું ખાસ સંવર્ધન કેંદ્ર ઊભું કરાયું છે. બચ્ચાનો જન્મ થાય તે પછી ૧૧મે મહિને લશ્કરી તાલીમ માટે ઉત્તરાખંડના હેમપુર મોકલી દેવાય છે. અહીં તેને છટાદાર રીતે ચાલવાની, બાકીના અશ્વો સાથે કદમનો તાલ મિલાવવાની, ગરદન સામી તરફ અને ટટ્ટાર રાખવાની, અસવારે ડચકારો કે બુચકારો કરવાની જરૂર ન પડે એ રીતે સાનમાં સમજી જવાની વગેરે શિસ્ત શીખવવામાં આવે છે. ઘોડાની તંદુરસ્તી માટે દિવસમાં ચાર વખત તેને જવ, ચણા તેમજ લીલા ઘાસનું ભોજન અપાય છે.

સમયાંતરે વિટામિનનાં ઇન્જેક્શનો પણ ખરાં! આ રીતે તૈયાર થતો શિસ્તપૂર્ણ ઘોડો ત્યાર બાદ જયપુરમાં આવેલા 61 Cavalryના મુખ્યાલયે પહોંચે, જ્યાં યુવાન સૈનિકોએ ઘોડેસવારીની તાલીમ લેવાની હોય છે. લગભગ સવા બસ્સો દિવસ લાંબી ટ્રેઇનિંગ સફળ રીતે સંપન્ન કરનાર સૈનિકને આખરે લશ્કરી વરદી પહેરવાનું સૌભાગ્ય પ્રાપ્ત છે. દરમ્યાન ઘોડા અને સૈનિક વચ્ચે લાગણીનો એટલો ગહેરો સંબંધ સ્થપાય કે ન પૂછો વાત!

આજે 61 Cavalryમાં ત્રણેક હજાર અશ્વો છે. પોલોની રમત અને લશ્કરી પરેડ પૂરતી જ તેમની કામગીરી સીમિત રહી ગઈ છે. આથી તે દળનું કદ ઘટાડવા માટે વિચારણા થઈ રહી છે. એક પ્રસ્તાવ 61 Cavalryને હંમેશ માટે વિખેરી દેવાનો છે, જેનું અમલીકરણ થતાંવેંત જગતનું સૌથી પુરાણું અને કાર્યરત અશ્વદળ ઇતિહાસ બની જશે. ભારતીય લશ્કરના ૨૨પ વર્ષના ગૌરવપૂર્ણ પ્રકરણનું ધી એન્ડ! ખરેખર, ઐતિહાસિક ધરોહરોનાં મૂળ ખેંચી લેવામાં આપણો જવાબ નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MXdI93
Previous
Next Post »