શિયાળામાં સદા સેવનીય મૂળો


આપણા દેશમાં પણ પ્રાચિનકાળથી મૂળાનો ઉપયોગ થતો આવ્યો છે. કૂમળો મૂળો હૃદય માટે હિતકારી, પાકો (ઘરડો) મૂળો પચવામાં ભારે તથા સૂકા મૂળાને વિષહર માનવામાં આવ્યો છે. શિયાળામાં આ મૂલ્યવાન શાકના ઔષધિય ઉપયોગો પર નજર નાખીએ.

(૧) હરસ- સૂકા અને દૂઝતા મસા : કૂમળા મૂળા પત્ર અને કંદ સહિત રોજ ચાવી ચાવીને ભોજન સાથે ખાવા. આખો શિયાળો આ પ્રયોગ કરવો. મૂળાને બાફી એની પોટીસ બનાવી હરસ પર શેક કરવાથી ત્વરિત ફાયદો થશે.

(૨) કૉલેરા (ઝાડા-ઉલટી) : કૂમળા મૂળાનો રસ નમક અને ખડી સાકર મેળવી એક ચમચી (પાંચ મી.લી.) દર કલાકે પીવા આપવો.

(૩) સૂકી ખાસી : કૂમળા મૂળાનું શાક ખાવું.

(૪) હેડકી : ન અટકતી હેડકીમાં મૂળાના રસના બે બે ટીપાં નાકમાં પાડવા (માથુ નીચેની તરફ ઢળતું રાખવું)

(૫) શીળસ : સાંજ પછી ભોજન ન કરવું. સૂકા મૂળાનો રસ (દસ મી.લી.) દિવસમાં ત્રણ વખત સવાર-બપોર-સાંજ લેવો. રસ લીધાના અડધો કલાક પહેલાં અને પછી અન્ન કે જળ ન લેવું. આ પ્રયોગ લાંબો સમય ચાલુ રાખવો.

(૬) પથરી : કીડનીની પથરીમાં મૂળો તેના મૂત્રલ ગુણને લઇને બહુ ઉપયોગી છે - પથરીની પ્રારંભિક અવસ્થામાં મૂળાના પાંદડાનો રસ રોજ સવારે નરણા કોઠે સેવન કરવા યોગ્ય છે.

(૭) હાથ-પગના સોજા : આજ મૂત્રલ ગુણને કારણે મૂળો હાથ-પગના સોજા પર પણ રામબાણ ઔષધિ છે. પથરીની સમસ્યા માટેનો ઉપચાર યોજવો.

(૮) પાયોરિયા : (જેમાં પેઢા સૂજી જઇ દાંત સડવા લાગે અને મોંમાંથી અસહ્ય દુર્ગંધ આવે.) મૂળાના પતીકા કરી તેની ઉપર નમક ભભરાવી ખૂબ ચાવવા. મૂળામાંથી છૂટતો રસ પેટમાં ન જવા દેતાં મોંમાં રાખી એના કોગળા કરવા. બે મિનિટ આમ કરી રસ થૂંકી દેવો. દિવસમાં બેથી ત્રણ વખત આ પ્રયોગ કરવો. આજ પ્રયોગ પીળા પડી ગયેલાં દાંતથી શુધ્ધિ કરી એને સફેદ ચમકદાર કરવાનો ગુણ પણ ધરાવે છે.

(૯) શ્વેતપ્રદર (લ્યુકોરિયા) : મૂળાની ભાજી ચણાના લોટમાં મેળવી લાંબો સમય ખાવી. સાથે એક કપ જેટલું ચોખાનું ઓસામણ લેવું.

(૧૦) માસિક ન આવુતં હોય, માસિક બે-ત્રણ માસ સુધી લંબાઈને આવતું હોય, માસિક આવે ત્યારે ઘણી પીડા થતી હોય તો મૂળાના બી પાંચનંગ બારીક પીસીને એનું ચૂર્ણ કરવું. અલ્પ માત્રામાં મધ સાથે દિવસમાં બે વખત ચાટવું.

(૧૧) જૂ-લીખ માથામાં વારંવાર પડતી હોય અને જવાનું નામ ન લેતી હોય તો મૂળાનો રસ વાળના મૂળમાં ચોપડવો, સકાય ત્યાં સુધી રહેવા દેવો. ત્યારબાદ માથું ધોવું. વાળ ભીના ન રાખતાં ત્વરિત સૂકવી લેવાં.

(૧૨) અવાજ બેસી જતો હોય તો મૂળાના પતીકા કરી ઉપર નમક ભભરાવી ચાવી-ચાવીને ખાવા અને રસ ગળા નીચે ધીમે-ધીમે ઉતારવો.

(૧૩) છાતી-પાંસળીમાં સણકા આવતા હોય, હૃદયશૂળ હોય કે હૃદયની કમજોરી હોય તેવી વ્યક્તિઓએ શિયાળામાં નિત્ય મૂળાનું શાક પત્ર-કંદ સહિત ખાવું.

(૧૪) મૂળો તેમાં રહેલાં વિષવિરોધી ગુણને કારણે - આંકડો, ધતૂરો જેવાં વનસ્પતિજન્ય ઝેર, ફૂડ પોઇઝનીંગ, ઔષધીજન્ય ઝેરી અસર જેવી કે લીડ પોઇઝનીંગ વખતે ઝડપથી અસર કરી વિષતત્ત્વોને મૂત્રમાર્ગે બહાર ફેંકી દેતી એક અનન્ય ઔષધી પુરવાર થઇ છે. આવા મૂળાનો રસ આપવો. આ સિવાય વીંછી, ભમરી જેવાં ઝેરી જીવજંતુના ડંખ પર મૂળાના બીજ વાટી લગાવવાથી ઝેરની અસર ઘટી વેદના શાંત થશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YGVT0o
Previous
Next Post »