ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે .

- જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ફુલોના રંગરૂપ વધારવા જતા તેની ખુશ્બૂ ઘટી જતી હોય કે ચાલી જતી હોય તો તે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી પાછી પણ લાવી શકાતી હોવી જોઈએ


મ હાન લેખક શેક્સપિયરનું વિધાન છે કે ગુલાબને કોઈ પણ નામે સંબોધો, તેની  ખુશ્બૂ તો એવી જ મીઠી લાગશે. ગુલાબ ને તો ફૂલોનો રાજા ગણવામાં આવે છે. તેનો સુંદર દેખાવ,  તેની પાંદડીઓની કોમળતા અને સૌથી વિશેષ તેની ખુશ્બૂ સૌના મન હરી લેતી હોય છે. ઘણા ફૂલો એવા હોય છે જેનો દેખાવ ખાસ આકર્ષક હોતો નથી, તેમ છતાં તેની ખુશ્બૂ મનમોહક હોય છે. રાત્રિના અંધારામાં પણ આજુબાજુ રાતરાણી નો છોડ કોઈ ખૂણામાં ન દેખાય તેમ હોય તો પણ તેને ખુશ્બુ તેની ચાડી ખાઈ જાય છે. એક માન્યતા છે કે કેવડાની ખુશ્બુ એટલી મનમોહક છે કે તેના વૃક્ષની આસપાસ સાપ  વીંટળાયેલા રહે છે.  આ માન્યતા છે કેવડાની ખુશ્બુની મનમોહક નિરૂપે છે.  એવી રીતે જુઇ અને ચમેલીના  પુષ્પોની ખુશ્બુ પણ કેટલી સરસ હોય છે તે ભાગ્યે જ કહેવાની જરૂર છે. મોગરાઓ,  ડોલરના  ફૂલોની ખુશ્બુ પણ એવી હોય છે કે સ્ત્રીઓ પોતાના શૃંગારમાં મોગરાના દૂધ જેવા સફેદ ફૂલોની વેણી લગાવવાનું પસંદ કરે છે. દરેક પ્રકારના ફૂલને પોતાની વિશિષ્ટ ખુશ્બુ હોય છે . તેના કારણે તેમને આંખો મીંચીને પણ પારખી શકાય છે.  માણસોને ફૂલોની ખુશ્બુ તો એટલી પસંદ હોય છે કે ફૂલોની ખુશ્બુ જેવી ખુશ્બુ ધરાવતા અત્તરો બનાવ્યા છે. એવું કહેવાય છે કે મોગલ સમ્રાટ જહાગીરની રાણી નૂરજહાં એ ગુલાબના અંતરની શોધ કરી હતી. તે પોતે પણ દરરોજ એક કુંડમાં સ્નાન કરતી હતી તેમાં ગુલાબના ફૂલો નાખીને સ્નાન કરતી હતી. ઘણા લોકો પોતાના કોટમા ગુલાબનું કે મોગરાનું ફૂલ લગાવવાનું પણ પસંદ કરતા હોય છે. આ ફૂલો એક પ્રકારનો શૃંગાર બનવા ઉપરાંત તેની ધીમી મહેક પણ મનભાવન હોય છે.  પરંતુ હવે તો ફૂલોમાંથી જાણે મહેક  જ ચાલી ગઈ હોય  તેવા ફૂલો ઉગે છે. આ વાત કાગળના કે પ્લાસ્ટિકના ફૂલોની નથી પરંતુ સાચા ફૂલોની છે. આધુનિક ફૂલો મહેક વગરના થઈ રહ્યા છે.

કુદરતે માણસને જે પાંચ ઈન્દ્રિયો આપી છે તેમાં એક ઘ્રાણેન્દ્રિય છે. આ ઈન્દ્રિય જન્મથી જ કાર્યરત થઈ જાય છે  અને જીવનના અંત સુધી વધતા ઓછા પ્રમાણમાં કાર્યરત રહે છે.  ૧૯મી સદીના એક તત્વજ્ઞાાનીએ કહ્યું હતું કે જેવી રીતે આપણે પ્રકાશ અને ધ્વનિના જગતમાં જીવી રહ્યા છીએ તેવી રીતે આપણે સુગંધની દુનિયામાં પણ જીવીએ જ છીએ. જોકે હજુ આપણને પૂરી ખબર નથી કે સુગંધનું અણું આપણા નાકમાં પ્રવેશ્યા પછી સુગંધનુ સંવેદન કેવી રીતે જગાવે છે. પરંતુ અનેક વિવિધ દ્રવ્યોની મેળવણી કરી અનેકવિધ સુગંધ ધરાવતાં દ્રવ્ય કેવી રીતે બનાવી શકાય તે આપણે પરાપૂર્વથી જાણીએ છીએ.  સુગંધના રસાયણશાસ્ત્રને સમજવાનુ તો આધુનિક વિજ્ઞાાનથી જાણતા થયા છીએ પરંતુ સુગંધી દ્રવ્યો બનાવવાની કલા તો પ્રાચીન કાળથી આપણે જાણીએ છીએ.  ચીનાઓ,  હિન્દુઓ, આરબો,  ગ્રીક અને રોમનની પ્રાચીન સંસ્કૃતિઓ આ કલા જાણતી હતી.  અત્તર રૂપે કે સુગંધી તેલ રૂપે,  કે સુગંધી સ્પ્રે રૂપે અનેકાનેક સુગંધી દ્રવ્યોનો મોટાપાયે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ.  આ સુગંધ માણવાનું આપણે ક્યાંથી શીખ્યા?  દેખીતી રીતે ખુશ્બુથી મઘમઘતા ફૂલો પાસેથી આપણે શીખ્યા છીએ.

આશ્ચર્યની વાત છે કે ફૂલો પોતાની ખુશ્બુ ગુમાવી રહ્યા છે. ફૂલોમાંથી ચોમેર ફેલાતી મઘમઘતી સુગંધથી એચડી  માત્ર માણસો જ આકર્ષાય  તેવું નથી.  તેનાથી જીવાતો પણ આકર્ષાય છે. અને જીવાતો એક ફૂલ પરથી બીજા ફૂલ પર સેક્સ,  બીજા ફૂલથી ત્રીજા ફૂલ પર એમ ઉડતી ઉડતી પ્રજનન  પ્રક્રિયામાં સહાયભૂત થાય છે.  પરિણામે ફૂલમાંથી ફળ અથવા બીજ ઉત્પન્ન થાય છે.  આપણે અનાજ ફળફળાદિનો મબલખ પાક મેળવવાની ઈચ્છામાં ને ઇચ્છામાં ફૂલોનો પણ મબલખ પાક મેળવવાનું ઇચ્છયું તેના કારણે તેનું ક્રોસ બ્રિડિંગ કરવા લાગ્યા. પરિણામે ફુલ બજારો ઉભરાવા લાગ્યા છે. પણ ફૂલ ખુશ્બુ ગુમાવવા લાગ્યા છે. બાગાયત વિભાગના નિષ્ણાતોએ ફૂલની વિવિધ હાઇબ્રીડ જાતો (સંકર જાતો) વિકસાવી છે અને વિકસાવી રહ્યા છે.  એવા બિયારણ બનાવ્યા છે જેમાંથી ઉગતા છોડમાં રોગ પ્રતિકારક ક્ષમતા હોય છે.  કેટલાક કિસ્સામાં ફૂલનું મોટું થાય એવું કરવામાં આવે છે. મોટા મોટા ગોટા જેવા ફૂલ ઉગે છે.  ફૂલના રંગો પણ એવા આવ્યા છે કે આંખોને આંજી દે છે. પરંતુ આ ફૂલો તેની ખુશ્બૂ ગુમાવી દેતા હોય તેવું લાગે છે.

બાગાયત નિષ્ણાતો દર વર્ષે અંદાજે ૧૦૦૦  હાઇબ્રીડ જાતના છોડ ઉગાડે છે તે પૈકી ૭૦ ટકાથી વધારે તો ફૂલોના છોડ હોય છે . આ નિષ્ણાતોનો હેતુ મોટી અને મોટી સાઈઝના ફૂલો તથા વિવિધ રંગોવાળા તથા વધારે ને વધારે આકર્ષક ફૂલો પેદા કરવાનો હોય છે.  આ બધા પાછળ વેપારી દ્રષ્ટિ હોય છે.  જો વેપાર વધતો હોય તો ભલે ખુશ્બુ ગુમાવે તેની સામે વાંધો નથી હોતો.  દેખાવનું મહત્વ છે ખુશ્બુનું નહીં.  તસવીરોમાં, વિડિયો કેસેટમાં, કે ફિલ્મોમાં ફૂલોનો દેખાવ, તેનું કદ, તેના રંગ મહત્વના છે. ખુશ્બુ નહીં.

પરંતુ સૌ કોઈ એવું માનતા નથી.  કેટલાક એવા બાગાયત નિષ્ણાતો છે કે માને છે કે જો જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ફુલોના રંગરૂપ વધારવા જતા તેની ખુશ્બૂ ઘટી જતી હોય કે ચાલી જતી હોય તો તે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી પાછી પણ લાવી શકાતી હોવી જોઈએ. અત્યારે તો ફૂલછોડના કયા જનીનો ફૂલની ખૂશ્બૂ માટે જવાબદાર છે તે આપણે બહુ જાણતા નથી. એક વાત નક્કી છે કે માણસના વાળ વાંકડિયા થશે કે સીધા, માણસની આંખ કાળી થશે કે માંજરી, માણસ ઊંચો થશે કે ઠીંગણો વગેરે વગેરે લક્ષણો જેવી રીતે તેના અનુવાંશિક ગુણો, તેના જનીન સંકેતોમાં છુપાયેલા હોય છે એવી રીતે ફૂલોની ખુશ્બુ પણ તેનામાં છુપાયેલા અમુક જનીન સંકેતને આભારી હોય છે.  જો તે જાણી શકાય તો ફૂલોની ખુશ્બુ હાઇબ્રિડ જાતમાં પણ પાછી લાવી શકાય.  અમેરિકાની પર્ર્દયુ  યુનિવસટીની બાગાયત વિજ્ઞાાનનો વૈજ્ઞાાનિક નતાલિયા દૂદારેવા  ફુલોની ખુશ્બુ પાછી લાવવા મથી રહ્યા હતા.

આખી દુનિયામાં અમેરિકામાં એક પર્ર્દયુ યુનિવસટી અને બીજી મીશીગન યુનિવસટી એમ બે યુનિવસટીઓ છે જેમાં બાયોમેડિકલ સ્તરે ફૂલોની ખુશ્બુ વિશે સંશોધન માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. પ્રથમ તો નતાલિયા  દૂદારેવા અને તેના સાથીદારો ફૂલની નવી જાતોમાંથી ખુશ્બુ શા માટે ઘટી રહી છે તેની શોધ ચલાવતા હતા પરંતુ અણું ના સ્તરે તેઓ શોધવા માંગતા હતા કે કુદરતમાં અમુક ફૂલો ખુશ્બુ ધરાવતા હોય છે અને અમુક ખુશ્બુ વગરના હોય છે તેનું કારણ શું છે?  ખુશ્બુ નહીં ધરાવતા એવા ધતુરાના અને કરેણના ફૂલો જેવા અને ખુશ્બુ ધરાવતા એવા ગુલાબ અને મોગરાના ફૂલોના આનુવાંશિક લક્ષણોમાં એવો તે શું તફાવત છે કે જેથી એક પ્રકારના ફૂલોમાંથી એવા બાષ્પશીલ સંયોજનો હવામાં ઉડતા હોય છે કે જે આપણી ઘ્રાણેન્દ્રિયમાં મીઠું સંવેદન જગાવે છે.

પરંતુ આવા ફૂલોમાં આવા બાષ્પશીલ સંયોજનો ઉત્પન્ન કેવી રીતે થાય છે?  તેનું કારણ તેમનામાં રહેલા આનુવંશિક  લક્ષણ ધરાવતા જનીન સંકેત છે . જ્યારે બાષ્પશીલ સંયોજનોની જુદા જુદા પ્રમાણમાં મેળવણીથી થાય છે ત્યારે તે વિશિષ્ટ સુગંધ ઉત્પન્ન કરે છે.  આ વિશિષ્ટતા એક પ્રકારના અનેક છોડોની એક જ હોય છે. મોગરાના અનેક છોડવા હોય પરંતુ મોગરાના ફૂલની મહેક તો એક જ હોય છે. આ જ બાષ્પશીલ સંયોજનો છોડવાઓની પ્રજનન પ્રક્રિયામાં મદદરૂપ થવા જીવાતો, જંતુઓ કે જીવડાને આકર્ષે છે. આ બાષ્પશીલ સંયોજનો કેટલાક કિસ્સામાં છોડને નુકસાન કરતી જીવાતોને ભગાડે પણ છે. અને તેનો નાશ પણ કરે છે.  આ ફૂલોની ખુશ્બુ માત્ર ખુશ્બૂ જ નથી ફૂલોને મળેલી કુદરતની દેન છે.  તે તેની સુંદરતામાં પોતાની મહેકથી ઉમેરો કરે છે એટલું જ નહીં પરંતુ તેનો વંશ પણ આગળ વધારે છે અને તેનું રક્ષણ કરે છે.

અલબત વેપારી ધોરણે ઉગાડાતા હાઇબ્રીડ ફૂલોમાં છોડવા પૂરેપૂરી જાળવણી વચ્ચે  ઊછરતા હોય છે તેથી તેમની મહેક ઘટી જવાથી વેપારમાં કોઈ ફેર પડતો નથી. આવા ફૂલોમાં તેની મહેક એટલે કે ખુશ્બુ પાછી આવી સહેલી  નથી.  લગભગ ૭૦૦ જેટલા બાષ્પશીલ સંયોજનો અલગ તારવવામાં આવ્યા છે તે ખુશ્બુ માટે જવાબદાર છે. પરંતુ તે કેવી રીતે બને છે તેની હજુ માહિતી નથી.  નવા ફૂલોમાં ખુશ્બુ પછી આવવી એ એક જટિલ પ્રક્રિયા છે.  આ બાષ્પશીલ સંયોજનોનું સંશ્લેષણ કેવી રીતે થાય છે, તેનું નિયમન કેવી રીતે થાય છે તે જાણવું બાકી છે. આ બધી પ્રક્રિયાનું નવા ફૂલોની જાતોમાં પુન: આરોપણ  એ આખો જીવ રાસાયણિક( બાયો કેમીકલ) રસ્તો બનાવવા જેવું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39JnCEl
Previous
Next Post »