- ક્ષય કે ડાયાબીટીસ અને વાયરલ ઇન્ફેકશનથી મગજ પર અસર થાય છે. એમાં તુલસીનું એકસ્ટ્રેક્ટ આપવાથી સારુ પરિણામ મળે છે
જે મ જમાનો બદલાતો જાય છે તેમ માણસ અને ચીજવસ્તુઓનું મૂલ્યાંકન પણ બદલાતું રહે છે. એક જમાનો એવો હતો કે, ઘર આંગણે ગાય બાંધી હોય અને બાજુમાં તુલસીનો ક્યારો શોભતો હોય એ ઘર સંસ્કારી અને પવિત્ર ગણાતું હતું. હાલમાં ઘરમાં વસાવેલ અતિ ભૌતિક સાધનો પરથી લોકો કુટુંબની કિંમત આંકે છે. આપણે જે વસ્તુને લગભગ વિસરી ગયા છીએ એ તુલસીમાં એવું શું છે કે જેને ઋષિમુનિઓએ આટલું બધું મહત્વ આપ્યું છે. આ મહત્વનો પ્રશ્ન સૌ કોઈએ વિચારવા જેવો છે.
તુલસી એક દિવ્ય વનસ્પતિ છે. તેમાં રહેલ દૈવી ઔષધીય ગુણોને લીધે જ આપણાં મહર્ષિઓએ આપણાં જીવનમાં એને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. પરદેશી આક્રમણ અને પરદેશીઓના સહવાસથી આપણે આપણી ઉત્તમ વસ્તુ ભૂલી ગયા છીએ. હાલમાં પશ્ચિમિ દેશો અને ભારતમાં તુલસી પર સંશોધન શરૂ થયું છે. અદ્ભૂત ઔષધીય શક્તિ તુલસીમાં જોવામાં આવી છે. તેથી ચિકિત્સકો અને સંશોધકો વિચારમાં પડી ગયા છે.
આવી ઉત્તમ વનસ્પતિ તરફ આપણે દુર્લભ કેમ સેવ્યું દરેકના ઘરમાં તુલસીનો ક્યારો કરવાની સગવડ ન હોય તો તુલસીનું કુંડુ રાખવું જોઇએ. શોભા વધારનાર એકાદ તુલસીની હાજરી માત્રથી જ વાતાવરણ પવિત્ર બની જાય છે. તેમજ મચ્છર અને અન્ય સૂક્ષ્મ જંતુઓ નજીક આવી શકતા નથી. એક પંડિતે કહ્યું છે કે, 'તુલા ઉપમા વા અસ્યતિ-ક્ષિયતિ' એટલે કે જેની સાથે બીજી વનસ્પતિઓની સરખામણી શક્ય જ નથી.
આજે આપણે પરંપરા મુજબ ગામડામાં તુલસીના લગ્ન, ધામધુમથી કનૈયા સાથે કરીએ છીએ પણ બધુ રિવાજ બની ગયું છે. એની પાછળ આપણા પૂર્વજોની દીર્ઘદ્રષ્ટિનો કોઇએ વિચાર કર્યો હોય એવું દેખાતું નથી. તુલસી સાથે કેટલીક અન્ય વનસ્પતિ મેળવીને કરેલો ઉકાળો કીડનીના રોગને સારો કરતા હોવાનું એક સંશોધનમાં પુરવાર થયું છે. આવી દિવ્ય શક્તિ ધરાવતી વનસ્પતિને આપણા જીવનમાં સ્થાન આપીએ. પહેલાના જેવી પ્રતિષ્ઠા આપી ઘરમાં વસાવીએ અને આપણા પૂર્વજો જેમ તેની પૂજા કરીએ અને જરૂર મુજબ ઔષધ તરીકે પણ ઉપયોગ કરીએ, તો રોગ અને ચિકિત્સકોનાં ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકાય.
ભારતના ભવ્ય ભૂતકાળમાં તુલસીનું મહત્વ હતું. ભારતની સ્થિતિ બગડતી ગઈ તેમ તુલસી જેવી દૈવી વનસ્પતિઓનું મહત્વ ઘટતું ગયું. હાલમાં આધુનિકોને તુલસીમાં ચમત્કારીક ગુણો જોવા મળેલ છે. એટલે તુલસીમાં વિશેષ રસ લઇ રહ્યા છે.
ખૂબ જ ઠંડી વાઇને આવનાર તાવમાં તુલસીનાં પાન શરીર પર ઘસવાથી ઠંડી જતી રહે છે. તુલસીના પાન પચ્ચીસ નંગ અને પાંચ મરીનો ફાંટ બનાવી પીવાથી ચારથી પાંચ ડીગ્રી સુધી ચડેલ તાવ ધીમે ધીમે ઉતરવા લાગે છે. હાલ લોકોને ત્રાસ આપી રહેલ અને મગજને પણ અસર કરનાર મેલેરિયા (ફાલ્સીપેરમ)માં તુલસીના સપ્તપર્ણ અને અન્ય ઔષધો સાથે ઉપયોગ કરવો જોઇએ. જેથી મોટી આફતમાંથી અને જંગી ખર્ચમાંથી બચી શકાય. જૂની શરદી અને શ્વાસના દર્દીને સવાર-સાંજ તુલસી, હળદર અને મરીનો ઉકાળો નિયમિત લાંબો સમય પીવાથી અદ્ભુત ફાયદો થાય છે.
નવું સંશોધન જણાવે છે કે, તુલસીમાં રહેલ તેલ એન્ટી બેકટેરીયલ, એન્ટી ફંગલ, એન્ટી વાઇરસ પ્રોપર્ટી ધરાવે છે. ક્ષય કે ડાયાબીટીસ અને વાયરલ ઇન્ફેકશનથી મગજ પર અસર થાય છે. એમાં તુલસીનું એકસ્ટ્રેક્ટ આપવાથી સારુ પરિણામ મળે છે.
પ્રાયોગિક ધોરણે દક્ષિણ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં તુલસીનો યોગ આપવાથી મેલેરિયાના દર્દીઓને દર્દમાંથી મુક્ત કરાવવામાં ઉત્સાહવર્ધક પરિણામ મળેલ છે. આ યોગમાં તુલસી, લસણ, મરી અને હળદર આવે છે. આ ચારેય વસ્તુઓ મેળવી કવાથ બનાવી સવાર સાંજ લઇ શકાય છે અને સાથે પરેજી પાળવાથી મેલેરિયા, શરદી, ઉધરસ, પાશ્વશૂલ, શ્વાસ મટે છે. તુલસી અને મરીનો ઉકાળો શરદી, તાવ વગેરેમાં આપવાનો રિવાજ પણ ઘણાં કુટુંબોમાં જોવા મળે છે.જેના પરિણામ સારા છે.
તુલસીનું એક ઘટક એવું છે કે, જેની અસર સંતતિ નિયમન (એન્ટીફરટીલીટી) કરે છે. આ અંગેનો પ્રયોગ ઉંદર ઉપર કરવામાં આવેલ છે. ઉત્સાહજનક પરિણામ મળેલ છે. સો ટકા પરિણામ માટે સંશોધન ચાલુ છે. અત્યારની ઓરલ સંતતિનિયમનની ગોળીઓનો કંઈ ને કંઈ સાઇડ ઇફેક્ટ કરે છે. જ્યારે તુલસીની બનાવટ બિલકુલ નિર્દોષ હશે. તુલસી ઉષ્ણ, રુક્ષ, કૃમિઘ્ન, રક્તવિકાર દૂર કરનાર, મુત્રલ, શોથઘ્ન, અરુચિ દૂર કરનાર, દીપન, પાચન, શરદી ઉધરસ, શ્વાસ, જવર-તાવ વગેરે વાત અને કફથી થતાં રોગોને મટાડનાર છે. તુલસીના પાન, માંજર અને મૂળ ઔષધ તરીકે વપરાય છે. વૈદ્યો તુલસીને અનેક રીતે અનેક રોગોમાં ઉપયોગ કરી યશ મેળવે છે. તુલસી અને અન્ય અમૂલ્ય વસ્તુઓ જે આપણને વગર મહેનતે વારસામાં મળેલ છે તેના પર વિશ્વાસ ત્યારે જ મુકશું કે, જ્યારે પરદેશના લોકો એની પ્રશંસા કરશે ?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pHfDx6
ConversionConversion EmoticonEmoticon