- વ્યક્તિ હોય કે વસ્તુ, કોને કેટલો ભાવ અપાય તેની પાક્કી ગણતરી સ્ત્રીના મનમાં ના હોય એવું ભાગ્યે જ બને!
- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- જીવનમાં દરેક વાત યોગ્ય સમયે જ સમજાય એ જરૂરી નથી, ક્યારેક યોગ્ય સમય હાથમાંથી સરી જાય છે અને મુઠ્ઠીમાં અફસોસ મુકતો જાય છે. વ્યક્તિઓ અને લાગણીઓની કિંમતનું પણ એવું જ છે, જ્યારે વ્યક્તિ કે તેની લાગણીનું સાચું મૂલ્ય આપણને સમજાય ત્યાં સુધીમાં તે આપણને ઉપલબ્ધ ના રહી હોય તેમ પણ બને!
આ જના ડિજિટલ યુગમાં 'મફત'ની ભૂરકી નાખીને તમારા મગજને વશમાં કરવાની પ્રવૃત્તિ ચારેકોર ચાલે છે. ફ્રી, સેલ, ડિસ્કાઉન્ટ, બોનસ, એક્સ્ટ્રા વગેરે જેવા શબ્દોથી ભરમાતી રહેતી માનવજાતને સંમોહિત કરવા 'મફત' એક મહામંત્ર છે. અનેક મફતિયા એપ્સ અને સર્વિસીસ પોતાની મુઠ્ઠીમાં લઈને ફરતા વિશ્વના લોકોને હમણાં એક મેસેન્જરે અચાનક જ પાછળથી ધબ્બો માર્યો અને થોડી હો-હા થઈ, ફિલસૂફીઓ વહી 'નો લંચ ઇઝ ફ્રી', થોડા દિવસમાં બધું ઠેરનું ઠેર! લોકોની મફતની ડિજિટલ મઝા અને ધંધાદારીઓની પાછલા બારણેથી ડિજિટલ-ડેટા કમાણી ચાલુ! સાવ સીધી સમજ એટલી જ કે મફતમાં કશું મળતું નથી અને મળવું પણ શા માટે જોઈએ? અહીં બધા જ કોઈને કોઈ હેતુ કે અપેક્ષા લઈને જીવે છે અને એને મૂળમાં રાખીને પોતાની પ્રવૃત્તિઓ આદરે છે. પૈસાની દ્રષ્ટિએ 'મફત' પણ વ્યવહારમાં મફત નથી હોતું એટલું ના સમજી શક્યા હોય એ જ છેતરાયાની બૂમો પાડે છે, બાકીના તો સમજી જ જાય છે કે કિંમત માત્ર પૈસામાં જ ચુકવવાની નથી હોતી, વ્યવહારમાં કિંમત અનેક પ્રકારે ચૂકવાતી હોય છે! લાગણીઓ અને સંબંધો પણ આ બાબતમાં બાકાત નથી!
મેં મારી લોકડાઉન ડાયરીના અવલોકનોમાં નોંધ્યું છે કે ૨૦૨૦ દરમ્યાન સંબંધોમાં લાગણીઓના વિનિમયનું ગણિત ઘણાને સમજાઈ ગયું છે, સારી અને ખરાબ બંને રીતે! અત્યાર સુધી મફતમાં મળેલા લાગતા લાગણીઓ અને સંબંધોનું પણ કોઈ મૂલ્ય છે તે વાત મોડી-વહેલી સમજાઈ છે.
સ્વીકારવામાં વધુ આકરી લાગે એવી બાબત તો એ છે કે ગમે તેટલા ગાઢ સંબંધમાં પણ લાગણીઓ મફતમાં નથી વહેતી! આ લાગણીઓના વિનિમયમાં લાગણીઓ, કદર, મહત્વ, સંભાળ અને બીજા અનેક ઈચ્છીત વ્યવહારોની ભારોભાર અપેક્ષાઓ રહેલી છે. નિશ્વાર્થ લાગતા સંબંધોમાં પણ લાગણીઓ સાવ મફતમાં નથી, એનું આ વિનિમય તો અધ્યાહાર છે જ! જેમ આપણે કોઈપણ સર્વિસીસના નિયમો અને શરતો આપણે વાંચ્યા, જાણ્યા કે સમજ્યા વગર સંમત થઈને બેઠા છીએ તેમ વ્યવહારમાં પણ અનેક નિયમો અને શરતો આપણે સ્વીકારીને બેઠા છીએ. જેમ મફત વોટ્સએપ પાછળનો વિનિમય હમણાં ખુલ્યો તેમ સંબંધોમાં લાગણીઓનો વિનિમય પ્રસંગોપાત આપણી સામે આવતો રહે છે, જેને એ સમજાય છે તે એ દિશામાં વિચારતા થાય છે બાકીના 'વોટ્સએપને જે જાણવું હોય એ ભલેને જાણે, આપણી પાસે છુપાવવા જેવું શું છે?!' તેમ આખી વાત અવગણીને જે કરતા હતા તે કર્યે જ જાય છે.
'સર, મારી પત્નીને કોવીડ થયો ત્યારે એ દોઢ મહિનો હોસ્પિટલમાં રહી. તમે નહીં માનો પણ એના વગર મને ધોળે દિવસે તારા દેખાઈ ગયા. ગ્ન જીવનના ત્રીસ વર્ષમાં મને પહેલી વખત એની સાચી કિંમત સમજાઈ. એના રોજિંદા પ્રશ્નો અને દલીલોથી અકળાતો હું તેની સાથે ફોન પર વાત કરતા રડી પડતો અને કહેતો કે મને પ્રશ્નો પૂછ, દલીલો કર' પતિ મારી સાથે વાત શેર કરી રહ્યો હતો અને પત્નીની આંખમાં આંસુ હતા 'સર મને સમજાઈ ગયું છે કે એના વગર હું ખુબ એકલો છું અને હવે એ મારા માટે બેહદ કિંમતી છે. સાચું કહું તો હું મનોમન આ વાઇરસનો આભારી છું.' પતિને થયેલી પોતાની કદરના પત્નીની આંખના આંસુ તરીકે વહેતી રહી, એ કંઈ ના બોલી શકી! યુગલો વચ્ચે ૨૦૨૦માં થયેલા અનેક ખટરાગોની વચ્ચે ઘણા યુગલો આવા પણ જોવા મળ્યા કે જે એકબીજાની વધુ નજીક આવ્યા, બીજાની લાગણીઓનું મૂલ્ય એમને સમજાયું.
જીવનમાં દરેક વાત યોગ્ય સમયે જ સમજાય એ જરૂરી નથી, ક્યારેક યોગ્ય સમય હાથમાંથી સરી જાય છે અને મુઠ્ઠીમાં અફસોસ મુકતો જાય છે. વ્યક્તિઓ અને લાગણીઓની કિંમતનું પણ એવું જ છે, જ્યારે વ્યક્તિ કે તેની લાગણીનું સાચું મૂલ્ય આપણને સમજાય ત્યાં સુધીમાં તે આપણને ઉપલબ્ધ ના રહી હોય તેમ પણ બને! 'સાહેબ આ કોરોના મારી પત્નીને લઈ ગયો' અડસઠ વર્ષના એક મુરબ્બી આટલું બોલતા ધુ્રસકે ધુ્રસકે રડી પડયા 'એ જીવતી હતી ત્યારે એની દરેક મન-મરજી પર હું એને ટોકતો રહ્યો, એ બિચારી મારી ખુશી માટે એના મનને મારતી રહી. હું છેલ્લા ત્રણ મહિનાથી એકલતામાં મારી જાત પર ધિક્કાર વરસાવતો રહું છું કે એના જીવતા એની સાચી કિંમત હું ના કરી શક્યો. મને આત્મહત્યાના વિચારો આવે છે પણ હિંમત નથી ચાલતી કે ઉપર જઈને હું તેનો સામનો કેવી રીતે કરી શકીશ!' વડીલના અફસોસની સાથે સાથે મને મારા પ્રોફેશનલ અનુભવ દરમ્યાન નોંધેલી એક બાબત તાજી થઈ આવી. મેં મારી પ્રેક્ટિસના ત્રણ દાયકામાં એવા અનેક પુરુષો જોયા છે કે જેમણે પત્નીના અવસાન પછી પત્નીને પોતાની મરજી પ્રમાણે જીવવા ના દીધા અંગે અફસોસ વ્યક્ત કર્યો હોય પરંતુ આજ સુધી એવી પત્ની નથી જોઈ કે જેણે આવા પ્રકારનો કોઈ અફસોસ કર્યો હોય! પત્નીનું મૂલ્ય તેના ગયા પછી સમજાયું હોય એવા પુરુષો તમને ડગલેને પગલે મળશે, પરંતુ પતિનું મૂલ્ય તેના ગયા પછી સમજાયું હો તેવી પત્ની તમને ભાગ્યે જ મળશે! તમને મારી આ વાત સ્ત્રી તરફી લાગતી હોય તો ભલે, પણ દિવા જેવી સ્પષ્ટ વાત એ છે કે વ્યક્તિ કે સંબંધોનું મૂલ્ય જે સ્ત્રી સમજી શકે છે તે પુરુષો નથી સમજી શકતા! કિંમત આંકવાની, કરવાની અને સમજવાની સ્ત્રીઓની આવડત નૈસર્ગીક છે. વ્યક્તિ હોય કે વસ્તુ, કોને કેટલો ભાવ અપાય તેની પાક્કી ગણતરીના સ્ત્રીના મનમાં ના હોય એવું ભાગ્યે જ બને!
આજની વાતનો ઉપસંહાર એટલો જ કે વેબ, વર્ચ્યુઅલ, વ્યાપાર કે વ્યવહાર કશું'ય મફત નથી. દરેકની કિંમત છે, સીધી-આડકતરી, જાહેર-છુપી, રોકડ-ઉધાર, ડાઉન પેમેન્ટ-હપ્તેથી, કેશ-કાઈન્ડ - બસ, સમજાય તો એક જ વાત છે કે વ્યવહારમાં વસૂલીના અનેક પ્રકાર હોય છે પરંતુ મફત કંઈ હોતું નથી. વ્યક્તિઓ, લાગણીઓ, સંબંધો વગેરેને પણ પોતપોતાનું મૂલ્ય હોય છે અને ધ્યાન રાખજો એ મફતમાં મળતું નથી રહેતું, એનું યોગ્ય મૂલ્ય ના ચૂકવી શકો તો એ ટકતું પણ નથી!
પૂર્ણવિરામ :
મફત*નું મૂલ્ય એની સાથે રહેલી ફુદડીમાં છે, ક્યારેક આ ફુદડી અદ્રશ્ય હોય છે પણ હોય છે જરૂર!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oDoPRz
ConversionConversion EmoticonEmoticon