'સ્ટ્રેસ' એટલે ખરેખર શું ? .

- આજના આધુનિક યુગમાં સ્ટ્રેસર્સ ઘણાં છે. એટલે વ્યક્તિએ ચોવીસેય કલાક લડવા કે ભાગવા તૈયાર રહેવું પડે છે. આજના સ્ટ્રેસર્સ એવા છે કે લડવા કે ભાગવાથી તે દૂર થતાં નથી


- 'સ્ટ્રેસ' વિશે સામાન્ય સમજ અને સભાનતા કેળવવી જરૂરી છે.

- આદિમાનવ સ્ટ્રેસ અનુભવતો ન હતો તો આધુનિક માનવ સ્ટ્રેસ શા માટે અનુભવે છે ?

- જંગલના સ્ટ્રેસર સામે લડવું કે ભાગવું શક્ય હતું. આધુનિક સ્ટ્રેસર સામે લડી કે ભાગી શકાતું નથી અને વૈતાલની જેમ માનવીના માથા પર સવાર જ હોય છે

સ્ટ્રેસ શબ્દ મૂળ એન્જીનીયરીગનો છે. કોઈ એક પદાર્થ પર ર્ખબિી (ફોર્સ) આપવામાં આવે તો એ ફોર્સને સ્ટ્રેસ કહેવાય. કોઈ એક પુલ પર એકસો ભરેલી ટ્રક ચડાવી દો તો એ પુલ પર સ્ટ્રેસ વધશે.

સ્ટ્રેસના પરિણામે એ પુલ પર જે ફેરફાર થશે. દા.ત પુલ ઝુકી જશે તો એને કહેવાશે સ્ટ્રેઈન

જે કારણે સ્ટ્રેસ થાય એને કહેવાય 'સ્ટ્રેસર' ચિંતા,ડર, અદેખાઈ, ક્રોધ એ બધા સ્ટ્રેસર કહેવાય.

આદિમાનવ સ્ટ્રેસનો અનુભવ કરતો નહોતો. સભ્ય સમાજ જેમ વિકસતો ગયો તેમ સ્ટ્રેસ વધતો ગયો.

પ્રત્યેક ચારમાંથી એક વ્યક્તિનો સ્ટ્રેસનો અનુભવ એટલો તીવ્ર હોય છે કે એને મનોચિકીત્સાની જરૂર પડે છે. હકીકતમાં વત્તા-ઓછા અંશે સ્ટ્રેસનો અનુભવ પ્રત્યેક નાગરીક કરે છે.

સ્ટ્રેસ એટલે શું ? એ સમજાવવા લાખ્ખો પુસ્તકો લખાયાં છે. તેની વિવિધ સમજ અને વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે.

'સ્ટ્રેસ'- ટેન્શન કે તનાવ એ વ્યક્તિના શરીર અને મન બાહ્ય પરિસ્થિતિના ફેરફારને આપેલ પ્રતિભાવ છે.

'સ્ટ્રેસ' એટલે દ્વિધાભરી પરિસ્થિતિમાં ગૂંચવાયેલો અનિર્ણિત અને અસ્થિર માનવી.

'સ્ટ્રેસ' એટલે વ્યક્તિની અંગત ઇચ્છાઓ, આકાંક્ષાઓ કે પછી મહત્વાકાંક્ષાઓને કારણે અનુભવાતું દબાણ.

'સ્ટ્રેસ' એટલે હારેલી બાજીને જીતમાં પલટાવવાના મરણીયા પ્રયાસોથી પેદા થતી મનોસ્થિતિ.

'સ્ટ્રેસ' એટલે એવી પરિસ્થિતિમાં સપડાઈ જવું જેમાંથી બહાર નીકળી ન શકાય કે એને બદલી ન શકાય.

'સ્ટ્રેસ' એટલે પરફેક્ટનેસના દલદલમાં ફસાઈ જવું અને સતત ટોચ પર રહેવાનું દબાણ અનુભવવું.

'સ્ટ્રેસ' એટલે નોકરી ધંધામાં અનુભવાતી સ્પર્ધાત્મકતા અને રાજકારણનું પરિણામ.

'સ્ટ્રેસ' એટલે બાહ્ય અને આંતરિક દબાણો અને અપેક્ષાઓની પહોંચી વળવામાં સક્ષમ વ્યક્તિની પ્રતિક્રિયા ગણાવી શકાય.

'સ્ટ્રેસ' એટલે એવી પરિસ્થિતિ કે ક્રિયા જે વ્યક્તિ પર શારિરીક કે માનસિક માંગ રાખે છે. વ્યક્તિના રીસોર્સ કરતાં તેના પરનાં દબાણો વધી જાય ત્યારે સ્ટ્રેસ અનુભવાય છે.

આદિમાનવ સ્ટ્રેસ અનુભવતો ન હતો પણ આધુનિક માનવ સ્ટ્રેસ શા માટે અનુભવે છે તે સરળ ભાષામાં સમજાવું છું.

આદિમાનવ જંગલમાં રહેતો હતો. તેની જરૂરિયાતને અનુસાર માનવ શરીરનું ઘડતર થયું છે. માનવ શરીરની આ રચનામાં ઇલેક્ટ્રોનીક યુગના માહોલમાં પણ કોઈ ફેરફાર ન થયા. એટલે કે કોઈ નવું મોડલ બહાર ન પાડયું. તેના કારણે આધુનિક માનવ તનાવ અનુભવે છે.

દાખલો આપું જંગલના એક હરણનો.

જીવવા માટે રોજબરોજના જીવનમાં આવી પડતી આફતોનો સામનો કરવા માટે હરણે કાંતો લડી લેવું પડશે કે ભાગી જવું પડશે.

જ્યારે આફત આવે ત્યારે તેનો સામનો કરવા એટલે કે લડવા કે ભાગવા હરણનું શરીર તૈયાર થઈ જાય છે. આવી તૈયારી સ્વયમ્ સંચાલિત હોય છે. હરણનું તેના પર કોઈજ નિમંત્રણ હોતું નથી.

દરેક જાનવરના શરીરમાં મનુષ્યની જેમ જ સ્ટ્રેસ સમયે કામ આવતા હોર્મોન્સ હોય છે. આ હોર્મોન્સ સામાન્ય રીતે બને છે પિચ્યુટરી અને એડ્રીનાલ ગ્લેન્ડસમાં. આ હોર્મોન્સને કારણે જ હરણ પર આફત આવે ત્યારે તેનું શરીર તરત જ લડવા કે ભાગવા માટે તૈયાર થઈ જાય છે.

લડવા કે ભાગવા માટે જરૂર પડશે સારી નજરની. કુદરતે એનો ઇલાજ તૈયાર રાખ્યો છે. હરણની આંખની કીકીઓ મોટી થઈ જશે જેથી એ બરાબર જોઈ શકે.

લડવા કે ભાગવા માટે સાંભળવાની શક્તિ પણ જોઈશે. જેથી હરણના કાનની શ્રવણ શક્તિ આપોઆપ વધી જશે. લડવા કે ભાગવા માટે પગમાં વધારે તાકાત જોઈશે. જેને માટે લોહીનું પરિભ્રમણ વધારવા હૃદય જોરથી ધબકશે અને લોહીનું દબાણ પણ વધી જશે.

લડવા કે ભાગવા માટે શરીરને જોઈશે વધારે ઓક્સીજન. એ મેળવવા માટે શ્વાસોચ્છવાસની ક્રિયા ઝડપી બનશે.

લડવા કે ભાગવા માટે જરૂર પડશે વધારે શક્તિની જેથી હરણના કાળજામાં ગ્લાયકોજમાંથી ગ્લુકોઝ બનાવવાની ક્રિયા તેજ બનશે. એટલે શરીરમાં ખાંડનું પ્રમાણ વધશે.

લડતાં કે ભાગતાં લોહી નીકળવાની શક્યતા વધી જશે, જેથી લોહીને વધારે પડતું વહી જતું અટકાવવા માટે, લોહીને ગઠાવામાં મદદ કરનાર રસાયણોની માત્રા વધશે. જેથી લોહી જલ્દીથી ગંઠાઈ જશે.

આ બધી ક્રિયાઓ આપોઆપ, એકી સાથે અને ઘડીના પણ વિલંબ વગર થશે.

મનુષ્યના શરીરની રચના પણ ભગવાને હરણ જેવી જ બનાવી છે. કારણ એ સમયે આપણે જંગલોમાં રહેતા હતા અને લડવું કે ભાગવું એ બે જ આપણા મુખ્ય કાર્યો હતાં.

આવેલી આફત લડવાથી કે ભાગવાથી જો ટળી જાય કે ટાળી શકાય એટલે શરીર પાછું પૂર્વવત્ નોર્મલ થઈ જતું.

જંગલમાં હરણનો વાઘ પીછો કરે ત્યારે સ્ટ્રેસ હોર્મોન્સની મદદથી હરણ ભાગીને છટકવાનો પ્રયત્ન કરવામાં સફળ થશે તો એનું શરીર ફરી પાછું પહેલાં જેવી સામાન્ય સ્થિતિમાં આવી જશે.

આથી હરણના હૃદયના ધબકારા નોર્મલ થશે. લોહીનું દબાણ સામાન્ય બનશે. શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટશે. પાચન ક્રિયા પૂર્વવત્ ચાલુ થઇ જશે. લોહી ગંઠાવાની પ્રક્રિયા પણ બંધ થઈ જશે.

આદિમાનવને જંગલમાં લડવા કે ભાગવાનું જ કામ રહેતું હતું. એટલે કુદરતે મનુષ્યના શરીરની રચના હરણ જેવી જ બનાવી હતી.

આધુનિક માનવને જંગલમાં જે સ્ટ્રેસર્સ હતાં તેના કરતાં ઘણા વધારે સ્ટ્રેસર્સનો સામનો કરવાનો છે. એટલે જંગલમાં લડયા કે ભાગ્યા પછી શરીર નોર્મલ થતું તે આજે થતું નથી.

આધુનિક માનવે ૨૪ટ૭ સ્ટ્રેસર્સનો સામનો કરવાનો છે.

દા.ત. નોકરી કરતા કર્મચારીનો સ્ટ્રેસર હોય છે. એનો બોસ બોસનો સામનો કરવા માટે કર્મચારીના શરીરમાં હરણની જેમ જ ફેરફારો થશે. તેના હૃદયના ધબકારા વધશે. બ્લડપ્રેશર વધશે. શ્વાસોચ્છવાસની ક્રિયા ઝડપી બનશે. લોહીમાં ખાંડની માત્ર વધશે. પાચન મંદ પડશે. પણ બોસ સાથે લડી શકાતું નથી કે ભાગી પણ શકાતું નથી. એટલે કર્મચારીનો સ્ટ્રેસ દૂર થવાનો નથી. એટલે શરીર ફરીથી નોર્મલ થવાનું નથી.

હૃદયના ધબકારા તથા બ્લડપ્રેશર નોર્મલ ન થતાં હૃદયનો કાર્યભાર વધશે તેથી કર્મચારીને ક્રોનિક સ્ટ્રેસને કારણે હૃદયના રોગો થવાની સંભાવના વધશે. હાર્ટ એટેક પણ વહેલો આવશે.

શરીરમાં ખાંડનું પ્રમાણ વધતાં ડાયાબીટીસ થવાની શક્યતા વધશે. પાચન ક્રિયા મંદ થતાં ગેસ, એસીડીટી કબજીયાત થશે.

આજના આધુનિક યુગમાં સ્ટ્રેસર્સ ઘણાં છે. એટલે વ્યક્તિએ ચોવીસેય કલાક લડવા કે ભાગવા તૈયાર રહેવું પડે છે. આજના સ્ટ્રેસર્સ એવા છે કે લડવા કે ભાગવાથી તે દૂર થતાં નથી. પરિણામે વ્યક્તિના વર્તન, સ્વભાવ અને વલણમાં ઝડપી ફેરફાર થાય છે. અને સંખ્યાબંધ શારીરિક અને માનસિક રોગો થાય છે.

ન્યુરોગ્રાફ

વ્યક્તિની ક્ષમતા બહારના દબાણો તનાવ માટે કારણભૂત બને છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MjzUuf
Previous
Next Post »