મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ

- જીવ અને શિવ એકાકાર થાય ત્યારે નિજાનંદની નદી જિંદગીની જટામાંથી છૂટે છે. આ ભગીરથ મનોરથ આયાસથી ન નીપજે


મૂળ  'તે'ને   પામવાની   વાત  છે.     

બસ પછી હરપળ છલકતી જાત છે.      

બ્હારના બાગે-ચમનને શું કરું ?

રોમરોમે અહીં અલખ સોગાત છે.    

ફૂલની ક્યાં કંઇ જરૂરત છે અહીં,

મન  છલોછલ ખૂશ્બુની સોગાત છે. 

લેશ પણ ભય ના સૂકાવાનો રહે, 

માંહલો જેનો સમંદર સાત છે.

-ઉષા ઉપાધ્યાય 

વર્ષો પૂર્વે કીકુભાઈ રત્નજી દેસાઈએ જાત ઘસીને નિજાનંદે કરેલો દળદાર 'નિજાનંદે સંગ્રહમાં આજે પણ એટલો જ પ્રસ્તુત છે. જેમાં આરંભે જ બાલાશંકર કંથારિયા ઉર્ફે નિજાનંદની પંક્તિ છે : 'નિજાનંદે હંમેશાં 'બાલં' મસ્તીમાં મજા લેજેદ. મધ્યકાલીન કવિઓ તો નિજાનંદ માટે જ સર્જન કરતા હતા. દાદ કે દામની પડી ન હતી. જો કે આરંભમાં દરેક સર્જનનો ઉદ્દેશ નિજાનંદ જ હોય છે, આગળ જતા ઉદ્દેશો બદલાતા હોય છે. જીવ અને શિવ એકાકાર થાય ત્યારે નિજાનંદની નદી જિંદગીની જટામાંથી છૂટે છે. આ ભગીરથ મનોરથ આયાસથી ન નીપજે. સહજતાના સરનામે પરમની પલાઠી લગાવવી પડે. 

એક ફકીર પાસે ભક્ત ગયો અને સૌથી મોંઘુ અત્તર ભેટ કર્યું. ફકીરે બાજુમાં જ ઢોળી નાખ્યું. ભક્તને આ ન ગમ્યું પણ બોલ્યો નહીં. ફકીરે કહ્યું કે 'ઝૂંપડીમાં દર્શન કરી આવો' અને ભક્ત અંદર ગયો તો ઢોળાયેલા અત્તરની સુગંધ ઝૂંપડીમાં આવતી હતી. ભક્તને બધી વાત સમજાઈ ગઈ કે બાબાને સ્થૂળ કશું સ્પર્શતું નથી. અત્તર નહીં પણ અંતર સાથે નિસ્બત છે. અલખના ઓલિયાઓ ભૌતિકતાને ભાંગ કરીને પી જાય છે. મસ્તીના મુકામે દિલના ડેરા તંબુ હોય છે. ડેરા સાચા સૌદા કરતા એના અંધ અનુયાયીઓનું અઢળક આશ્ચર્ય છે ! નિરાશારામની નસ્લ ક્યા જઈ અટકશે ? બિલાડીની ટોપ જેમ નીકળેલા આશ્રમોનું ચોમાસા પછી શું..? સાધુનું સગપણ સચ્ચિદાનંદ સાથે હોય, સરકાર સાથે નહીં. 

ભગવદ્ ગોમંડળમાં નિજાનંદનો અર્થ છે આત્માનો આનંદ.અસ્તિત્વનો આનંદ. જે ક્ષણોના ઉત્સવમાંથી અને કૂંપળના ગીતોમાંથી પ્રગટે છે. બાહ્ય દુનિયા સાથે એનો અનુબંધ નથી. એની પોતાની અંદરની એક અલાયદી આલમ છે. જેનો એ શહેનશાહ છે. હૈયાના હુકમનો અનાદર થતો નથી. પ્રજા અને રાજાનો ભેદ ઓગાળીને સંવેદનાના સમ પર પહોંચે છે. નિજાનંદના નીર સંતોષના સાગરમાં ભળતા હોય છે. આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી અને પરમાનંદમાં કોઈ વિરોધી નથી. 'મુજે મેરી મસ્તી કહાં લે કે આયી, જહાં મેરે અપને સિવા કુછ નાહીં...' અવસ્થાના આકાશમાં ઉડ્ડયન કરાવે છે. નિજાનંદ કદી કોઈને નુકશાન ન પહોંચાડે, પોતાની જાતને પણ નહીં. નિજાનંદી ધ્યાનમાં ગુમ હોય ત્યારે આસપાસના  વાતાવરણમાં  ચેતનાનો ધૂપ પ્રસરવા લાગે છે. 

ડો. મહેન્દ્રસિંહ પરમારે 'પોસ્ટકાર્ડ જેટલી (જ) વાર્તા ?' પુસ્તકમાં ખુદને કાગળ લખીને સ્વસંધાન સાધ્યો છે. સૌથી અઘરું કામ જાત સાથે વાત માંડવાનું છે. અંદરના અવાજને સાંભળી શકીએ તો જીવનમાં ભૂલા પડવાનું વખત નથી આવતો. સ્પિરિચ્યુઅલ જોયની તોલે  સ્વર્ગ પણ સાંકડું પડે છે. સ્વાર્થ કરતા પરમાર્થ વધુ ખુશી આપે છે. પોતાને માટે સર્જનાર કવિ મહાન અને ફરમાઇશું લખનાર સામાન્ય એવી સરખામણી યોગ્ય નથી. ફિલ્મમાંથી આપણને ઉત્તમ ગીતો મળ્યા છે. ગુલઝારે 'છૈયા છૈયા' ગીતની પ્રેરણા જેમાંથી લીધી એ મૂળ ગીત 'તેરે ઈશ્ક નચાયા કર થૈયા થૈયા' સૂફી મુર્શીદ બુલ્લે શાહનું છે. નાત જાતના વાડાને તોડનાર આ કવિના વિચારો પંજાબ પૂરતા સીમિત ન રહેતા સમગ્ર હિન્દુસ્તાનમાં લોબાનની મહેક જેમ પ્રસરી ગયા. નિજાનંદની નાવમાં સર્જકો સારી રીતે સફર કરી શકે છે. પરમતત્ત્વ સાથેનું જોડાણ તીવ્ર હોય છે. સેમ સ્ટોમર્સ એ કહ્યું છે કે ‘ Joy is not necessarily the absence of suffering. It is the presence of GOD. મુસીબતમાં જ આપણી સુષુપ્ત શક્તિ ખીલી ઊઠે છે. 

યુવા પેઢી સેલ્ફીથી સેલ્ફ સુધી જશે તો નિજાનંદ માણી શકશે. છલકાતા પ્યાલામાં કે ઊડતા ધૂમાડામાં આભાસી આનંદ પ્રાપ્ત થશે. નેટ સેવી યુવાનો નિજાનંદની એપ શોધી શકશે ? દરેક ક્ષણમાં  જીવતા આવડે એ સાચો નિજાનંદી છે. આનંદનું એપી સેન્ટર ક્યા છે એની કોઈને ખબર નથી હોતી. નિજાનંદ ગમે ત્યાં અને ગમે ત્યારે પ્રગટી શકે છે, કોઈ મોસમનો મોહતાજ નથી. બાળકની ધમાલ, ફૂલનું ખીલવું, સૂર્યનું ઊગવું, ઝાલરટાણું વગેરે નિજાનંદના ઉદાહરણ છે. કલાનો આનંદ સર્વશ્રેષ્ઠ છે. શબ્દ કે સૂર ભૂલી પડેલી હયાતીને ઠેકાણે મૂકી આપે છે. દલાઈ લામાએ કહ્યું હે કે 'મનુષ્ય ભવિષ્ય માટે એટલો ચિંતિત છે કે વર્તમાનનો આનંદ લઇ જ શકતો નથી.' દુનિયા પ્રમાણે જીવીશું તો કદી જીવી જ નહીં શકીએ. રસમો રિવાજ આપણા માટે છે કે આપણે એના માટે. 'સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ.'

એક ભિખારીને ઉદ્યોગપતિએ કહ્યું કે 'લે આ દસ હજાર  રૂપિયા અને  મજાથી રહેજે.' ભિખારીએ કહ્યું કે 'મને આમાંથી દસ રૂપિયા આપો. હું અત્યારે મજાથી રહું છું.' ઝૂંપડા સામે બંગલો હારી ગયો. આ સાચો નિજાનંદ... કેટલીકવાર છભ રૂમમાં ઊંઘ ઉપવાસ પર ઉતરી હોય અને ફૂટપાથ પર પથ્થરના ઓશીકે નિંદ્રાદેવી પારણા કરાવતી અને પારણું ઝૂલાવતી હોય છે. રહસ્યવાદી આધ્યાત્મિક ગુરુએઇલીન કેડીનું પુસ્તક 'ઓપનીંગ ડોર્સ વિધિન'માં પાને પાને નિજાનંદનું નેટવર્ક મળી રહે છે. તેઓ 'તમારી અંદર જવાનો માર્ગ બતાવવો છે' આટલું બોલે એટલે સભામાં પીનડ્રોપ સાઈલન્સ છવાય જાય છે. જાણે શાંતિદૂતે જાદુઈ છડી ફેરવી  ન હોય...! સ્વાત્માનંદ બજારમાં નથી નથી મળતો એના માટે હૈયાની હાટડી ખોલવી પડે છે. જે કામ કરવામાં તમને મજા પડે એ આનંદ પણ જે કામ કરવામાં તમને તલ્લીન અને તદ્પ થઇ જાવ એ નિજાનંદ છે. ગાફિલ કહે છે 'જુદીજિંદગી છે મિજાજે - મિજાજેતજુદી બંદગી છે નમાજે - નમાજે.' એમ દરેકનો આનંદ જુદો છે. આનંદનું પ્રમોશન થાય ત્યારે  નિજાનંદ પ્રગટે છે. સૌને એ પરમાનંદ પ્રાપ્ત થાય એવી શુભભાવના. 

આવજો...

સાહિત્યમાં હજુ એક મહાન શોધ થવાની બાકી છે - સાહિત્યકારો ન લખે એ માટેનો પુરસ્કાર આપવાની. 

- થોમસ કાર્લાયલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rZJoKi
Previous
Next Post »