કોમ્યુનિકેશન સંબંધોની કરોડરજ્જુ છે

 - આધુનિક ટેકનોલોજીએ સંવાદ અને સંપર્કના સાધનો વધાર્યાં છે તો પણ સંબંધોમાં નિકટતા અને આત્મીયતાને બદલે અવિશ્વાસ, શંકા, દલીલબાજી, ઈર્ષા, માલિકીભાવ અને તનાવ વધતા જાય છે


સં બંધ ભલે કોઇપણ પ્રકારનો હોય પરંતુ તેની મજબૂતાઇ અને દીર્ઘાયુ માટે ''કોમ્યુનિકેશન'' અત્યંત જરૂરી છે.

સાથે સાથે સંબંધોને ઉપરછલ્લા અને ખોખલા બનાવવામાં પણ કોમ્યુનિકેશનનો ફાળો એટલો જ મહત્વનો છે.

કોમ્યુનિકેશનના બે મુખ્ય ઘટક છે. સંવાદ અને સંપર્ક. માનવ શરીર જેમ  Spinal Cord- કરોડરજ્જુ પર મજબૂતાઇથી ટકી રહે છે તેમ માનવ સંબંધની મજબૂતાઇ માટે કોમ્યુનિકેશન કરોડરજ્જુનું કામ પૂરૂં પાડે છે.

મજબૂત કરોડરજ્જુ જેમ શરીરને ટટ્ટાર રાખે છે તેમ અસરકારક કોમ્યુનિકેશન સંબંધને ટકાઉ અને ચિરસ્થાયી બનાવે છે.

એથી તદ્દન વિપરીત કરોડરજ્જુ નબળા પડે કે એકાદ મણકો કે ગાદી ખસે તો સામાન્ય પીઠના દુ:ખાવાથી માંડીને વ્યક્તિને કમરમાંથી બેવડો વાળવા સુધીના ખતરનાક સાબિત થાય છે.

બરાબર તેવી જ રીતે સંબંધોમાં કોમ્યુનિકેશન નબળું હોય તો સંબંધો કલસે છે.

મને સંખ્યાબંધ સ્ત્રીઓએ એવું અવાર-નવાર કહ્યું છે કે ''એ મારી સાથે કંઇ વાતો જ કરતા નથી. પણ એમની ઓફીસમાંથી કોઇપણ સ્ત્રીનો ફોન આવે તો એવા તો ખીલી ખીલીને ગામગપાટા મારે અને ગુસપુસ પણ શંકાસ્પદ રીતે લાંબી ચાલે.'' સંબંધોને માટીપગા ઠેરવતી કેટલીક સ્ત્રીઓ પાસેથી એવું પણ જાણવા મળ્યું કે લોકડાઉન દરમ્યાન એમના સ્કુલની, કોલેજની, વિદેશમાં સ્થાયી થયેલી સહાધ્યાયીનો એટલો રાફડો ફાટયો કે મને પરણ્યાના વીસ વર્ષ પછી પહેલીવાર ખબર પડી કે એમના મોઢામાં પણ જીભ છે અને તે લીસ્સી લીસ્સી અને મીઠી મીઠી વાતો કલાકો સુધી કરે છે. તો મારી સાથે જ આવું કેમ ?

એથી વિપરિત કેટલાક પુરુષો એવી ફરિયાદ કરતા જોવા મળે છે કે ''એ બોલવાનું શરૂ કરે એટલે કોમા, ફુલસ્ટોપ તો ક્યાંય આવે જ નહીં. એકવાર એ બોલવાનું શરૂ કરે એટલે એને અટકાવવી અશક્ય બની જાય છે. એટલે જ હું તો કાયમ એનાથી દૂર ભાગવાની કોશિષ કરૂં છું. મને તો હવે એની વાતો નહીં પણ એ આખે આખી કંટાળાજનક લાગે છે. એવી ફરિયાદ પણ ઘણા પુરૂષો કરતા હોય છે.

એટલે જ કોઇપણ સંબંધોમાં કોમ્યુનિકેશન મજબૂત અને અસરકારક હોય તો સંબંધનો પાયો મજબૂત બને છે. અને જો વ્યક્તિઓ વચ્ચે કોમ્યુનિકેશન નબળું હોય તો સંબંધો કણસે છે.

સંબંધોમાં સંવાદ અને સંપર્કના મહત્વ વિશે પ્રાચીન કાળથી ઘણું કહેવાય છે. અને ઘણું લખાયું છે. પરંતુ આજના જમાનામાં કોમ્યુનિકેશનનું મહત્વ ક્યારેય નહોતું તે હદ સુધી વધી ગયું છે અને તે દિન-પ્રતિદિન વધતું જ રહેશે.

કારણ આજના યુગની સચ્ચાઇ એ છે કે સંબંધો મજબૂત બનાવવાના અને સંપર્કને કાયમી ધોરણે ટકાવી રાખવાનાં સાધનો જેમ જેમ વધી રહ્યાં છે તેમ તેમ સંબંધ અને સંપર્કમાં રહેવું અઘરૂં બનતું ગયું છે. તમને મારી વાત વિરોધાભાસી લાગશે પણ એ જ કડવું સત્ય છે. સાધનો વધ્યાં છે પણ સંપર્ક અઘરો બનતો જાય છે.

જૂના જમાનામાં પતિ સવારે ઘેરથી નીકળતો અને કામ પરત જતો. પછી પત્ની સાથે તેનો સંપર્ક એ કામ પરથી પાછો આવે ત્યારે જ થતો. ઘરમાં અને ઓફીસમાં ફોનના ડબલાં હોય તો પણ બે જણ વચ્ચે ભાગ્યે જ વાતચીત થતી. ખૂબ જ અગત્યના કામ વગર વાત કરવાનો રીવાજ જ ન હતો. પતિ-પત્ની પોતપોતાના કામમાં ઓતપ્રોત થઇને દિવસ વિતાવતાં અને સાંજે મળવાની મીઠી પ્રતીક્ષા રહેતી.

સાંજ પછીનો સમય એ બન્નેની નિકટતા અને આત્મીયતા માટે લભ્ય રહેતો. જેથી બન્ને વચ્ચે સ્નેહગાંઠ કાયમની બંધાયેલી રહેતી.

જ્યારે આજના જમાનામાં પતિ-પત્ની સવારે છૂટા પડે ત્યારથી તે ફરીથી ભેગા થાય ત્યાં સુધી સતત સંપર્કમાં રહી શકે તે માટે મોબાઇલ ફોન, મેસેજીસ, વૉટ્સએપ કોલ, વ્હૉટ્સએપ મેસેજીસ, ચેટ્સ, ફેઇસબુક, ઈન્સ્ટાગ્રામ ચેટ્સ વગેરે કોમ્યુનિકેશનના ઢગલાબંધ સાધનો તેમની પાસે છે.

તો પછી વાતચીત, પ્રેમ, હૂંફ, સંભાળ વધવું જોઇએ ને ? સંબંધ વધારે મજબૂત થવો જોઇએ ને ? પણ આવું થતું નથી. કોમ્યુનિકેશનની આ સવલતોનો ઉપયોગ એકબીજાના કામમાં વધુ પડતી દખલ કરવામાં અને એકબીજાની સ્વતંત્રતાને છીનવી લેવામાં જ થાય છે. સંપર્કના સાધનો જેટલાં વધ્યાં છે એટલી એકબીજા પરની જાસૂસી વધી છે. વિશ્વાસ ઘટયો છે અને શંકા-કુશંકાઓ વધી છે. ઓફીસમાંથી ક્યારે નીકળ્યા અને ઘેર ક્યારે પહોંચ્યા. ફોન પરથી લોકેશન શું છે એનો હિસાબ એટલો બધો રાખવામાં આવે છે કે સંબંધો મજબૂત બનવાના બદલે ખોખલા થતા જાય છે.

ક્યારેક સાવ નાની નાની વાતો પૂછવા ફોન કરવાનું વલણ વધ્યું છે. એવે સમયે સામેથી જીવનસાથી વ્યસ્ત હોય અને ફોન ન ઉપાડે કે ફોન વ્યસ્ત આવે કે પછી મેસેજનો જવાબ ન આપે તો લાંબી પૂછપરછ થાય કે પછી ઉગ્ર બોલાચાલી થાય કે પછી મેસેજનો મારો ચલાવાય. પછી જો સામેથી ફોન આવે તો પ્રશ્નોનો મારો ચલાવાય કે ''કોની સાથે વાત કરવામાં ચોંટયા હતા ?'' ''તમને મારા ફોનનો જવાબ આપવાનો જ સમય નથી ?'' ''તમે છો ક્યાં ?'' આમ સંપર્કની વધારે મળેલી સવલત સંબંધોમાં કડવાશ વધારવાનું માધ્યમ બની જાય છે.

સંપર્ક વધારવાના સાધનોને કારણે પ્રેમીજનો વચ્ચે પણ સંબંધોનો તનાવ વધતો જાય છે અને સંબંધો છટકણા અને બટકણા બનતા જાય છે. આજકાલ પ્રેમમાં પડેલા યુગલો વચ્ચે નીચેના સંવાદો અવાર-નવાર સાંભળવા મળે છે.

- તે ઇન્સ્ટાગ્રામમાં પેલીના ફોટાને 'બ્યુટીફુલ' કોમેન્ટ્સ સાથે લાઇક કેમ કર્યો છે ?

- તારો એક્સ બોયફ્રેન્ડ હજી તારા એફ.બી.ના ફ્રેન્ડ લીસ્ટમાં 

કેમ છે ?

- તારા ઈમેઈલ એકાઉન્ટનો  ''પાસવર્ડ''  મને આપી દે.

- તારૂં બીજું પણ કોઇ ઈ-મેઈલ એકાઉન્ટ છે ?

- તે મને રાત્રે એક વાગ્યે ગુડનાઇટ કહી દીધું હતું પછી તું ત્રણ વાગ્યા સુધી  ઓનલાઇન  હતો. સાચુ કહે કોની સાથે ચેટ કરતો હતો ?

- તું છે ક્યાં ? વ્હૉટસ એપ વીડીયો કોલ કરી મને તું ક્યાં છે તે બતાવ.

- ફલાણું તને મેસેજ કેમ કરે છે ?

- તને વ્હૉટસએપ, એફ.બી.ના ફ્રેન્ડસમાં જ રસ છે. મારામાં તને કોઇ રસ નથી.

આમ ટેકનોલોજીએ સંવાદ અને સંપર્કના સાધનો વધાર્યા છે ત્યારે સંબંધો વધારે મજબૂત બનવાને બદલે વધારે ખોખલા અને બટકણા બનતા જાય છે. સંબંધોમાં નિટકતા અને આત્મીયતા વધવાને બદલે અવિશ્વાસ, શંકા, દલીલબાજી, ઈર્ષા, માલિકીભાવ અને તણાવ વધતા જાય છે. નિકટતા વધારવાનો સમય મોબાઇલ, સોસીયલ મીડીયા, ટી.વી. અને કોમ્પ્યુટરે ખૂંચવી લીધો છે.

સંપર્કના સાધનોથી લાગણી અને પ્રેમમાં ઓટ આવતી જાય છે. સેક્સ સંબંધમાં વિવિધ સમસ્યાઓ સર્જાઇ રહી છે. સંપર્કના સાધનો બેડરૂમમાં સૌથી મોટા વિલન પુરવાર થયા છે. માણસ ૧૨ હજાર કિ.મી. દૂર બેઠેલી વ્યક્તિ સાથે અંતરંગ વાતો કરી શકે છે જ્યારે ૧૨ સે.મી. બેઠેલી કે સૂતેલી વ્યક્તિ સાથે સંવાદ કરવા માટે તેને સમય નથી, રુચિ નથી કે લાગણી પણ નથી.

કોમ્યુનિકેશન સરળ બન્યું છે પણ પારદર્શક, પ્રમાણિક અને દિલના સંબંધો જાળવવા અઘરા બન્યા છે. કોમ્યુનિકેશન ઝડપી બન્યું છે પણ અધીરાઇ અને અપેક્ષાઓ વધી છે. સંબંધોની ક્વોન્ટીટી વધી છે. કોઇને પણ એક વાર  Hiકહી સંબંધ ઝડપભેર આગળ વધારી શકાય છે. તેના દિલના દરવાજે દસ્તક દઇ શકાય છે. પણ કોઇની સાથે ક્વોલિટી સંબંધ રાખવો મુશ્કેલ બન્યો છે. સંબંધ ટકાવવો મુશ્કેલ બન્યો છે.

કોમ્યુનિકેશનને કારણે ''મેઇકઅપ'' અને ''બ્રેક-અપ'' સરળ બની ગયાં છે. ટેકનોલોજીના અદ્યતન સંપર્ક વધારતાં સાધનો વગર કોઇને ચાલે તેમ નથી પણ સહ જીવનનો દાટ વળતો જાય છે. લગ્નેત્તર સંબંધો અને છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. કોમ્યુનિકેશનના ભરપૂર સાધનોની વચ્ચે પણ વ્યક્તિ વધારે ચિંતિત, હતાશ, તનાવગ્રસ્ત અને એકલો પડતો જાય છે.

ટેકનોલોજીની હરણફાળની વચ્ચેથી હવે પાછા ફરી શકાય તેમ નથી. ટેકનોલોજીની સાથે કોમ્યુનિકેશનનો ઉપયોગ સંબંધોને મજબૂત બનાવવામાં કઇ રીતે  કરી શકાય એ જ હવે શીખવાનું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3drTwXU
Previous
Next Post »