અલ્કોહોલિક નાયિકાનો રોલ કરીને પરિણીતી ચોપરા રીતસર નીચોવાઈ ગઈ

- મારા માટે ધ ગર્લ ઓન ધ ટ્રેનનો રોલ અગ્નિપરીક્ષાથી કમ નહોતો. ફિલ્મનો દરેક શોટ જાણે મારી કસોટી કરવા જ લેવાતો હોય એવું જ મને લાગતુ. 


બોલીવુડની ફિલ્મોમાં હિરોઈનોના ભાગે મોટાભાગે બાર્બી ગર્લ (શોભાના ગાંઠિયા) જેવા જ રોલ આવે છે. અક્ષય કુમારની ઓટીટી પર રિલીઝ થયેલી બકવાસ ફિલ્મ 'લક્ષ્મીબોંબ'માં કિયારા અડવાનીની ભૂમિકા એનો તાજો દાખલો છે. આવા માત્ર હાજરી પુરાવવા પુરતા શોભાના ગાંઠિયા જેવા રોલના સ્લોટમાંથી બહાર આવવુ સહેલુ નથી. આજ સુધીમાં હિન્દી ફિલ્મોની કેટલીય એકટ્રેસોની કરીઅર આવા શોપિસ રોલ કરીને પુરી થઈ ગઈ છે. એ સ્લોટમાંથી બહાર આવવા અભિનેત્રીઓએ પડકારજનક ભૂમિકાઓ કરવી પડે છે. એના સારા અને નરસા બે પાસા છે. ઓફફબિટ ભૂમિકા સ્વીકાર્યા પછી તમારી ફિલ્મ જો બોક્સ ઓફિસ પર ન ચાલે તો તમે પ્રોડયુસરોના હિરોઈનોના લિસ્ટમાં એકદમ છેવાડે આવી જાવ. આ એનું નેગેટીવ પાસુ છે. જ્યારે એનું પોઝિટીવ પાસુ એ છે કે તમે હટકે ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી શકો તો એક ડિપેન્ડેબલ એકટર તરીકે તમને ખ્યાતિ મળે.

 ટુંકમાં, આ એક જુગટુ જ છે એમ કહોને. પરિણીતી ચોપરાએ અંગ્રેજી ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'ની હિન્દી રિમેકનો લીડ રોલ કરીને આવુ જ જુગટુ ખેલ્યુ છે.

ધ ગર્લ ઓન ધ ટ્રેનનું ટ્રેલર જોનારને ખ્યાલ આવી જાય છે કે ફિલ્મમાં પરિણીતી એક એવી શરાબી (અલ્કોહોલિક) સ્ત્રીની ભૂમિકા નિભાવે છે, જે પોતાની બેદરકારીને લીધે એક લાપત્તા થયેલી વ્યક્તિના કેસમાં સપડાઈ જાય છે. ૨૦૧૫માં પ્રસિદ્ધ થયેલી પોલા હોકિન્સની આ જ નામની બેસ્ટસેલર નોવેલપરથી ૨૦૧૬માં અંગ્રેજી ફિલ્મ બની હતી. એ ફિલ્મમાં હોલીવુડની એકટ્રેસ ઇમિલી બ્લન્ટે મુખ્ય રોલ કર્યો હતો. હવે એની હિન્દી આવૃત્તિમાં પરિણીતી આપણને અલ્કોહોલિક નાયિકા તરીકે જોવા મળશે.

સાચુ કહીએ તો મિસ ચોપરા ફિલ્મોમાં હેપ્પી-ગો-લકી ગર્લના રોલ કરીને કંટાળી હતી. એ કોઈ સશક્ત ભૂમિકાની તલાશમાં હતી અને ત્યારે જ એને ધ ગર્લ ઓન ધ ટ્રેનનો રોલ મળી ગયો. રિભુ દાસગુપ્તા દિગ્દર્શિત આ સાઇકોલોજિકલ થ્રિલરની સ્ક્રીપ્ટ વાંચતાવેંત પરીને ખ્યાલ આવી ગયો કે હું ઘણાં વખતથી જેની વાટ જોતી હતી એ તક આ જ છે. જો કે, પરી માટે બબલી ઇમેજમાંથી બહાર આવી અલ્કોહોલિકની ભૂમિકા કરવી કોઈ રીતે સહેલી નહોતી. કેમેરા સામે ફિલ્મની નાયિકા મીરા બનીને આવતા એને દરેક સીનમાં ધોળા દિવસે તારા દેખાતા હતા.

ફિલ્મના શૂટીંગના દિવસો યાદ કરતા મિસ ચોપરા કહે છે, 'ધ ગર્લ ઓન ધ ટ્રેનના મારા પાત્રને પડદા પર જીવંત બનાવવા મેં તનતોડ માનસિક અને શારીરિક શ્રમ કર્યો છે. એ રોલને પુરેપુરો ન્યાય આપવા મારે મારી ભૂતકાળની પીડાદાયક સ્મૃતિઓને તાજી કરવી પડી હતી. ભૂતકાળની બહુ જ પીડાદાયક યાદો તમે મગજ અને મનમાં ઉંડે સુધી દાટી દીધી હોય અને તમને એ વાગોળવાની લગીરે ઇચ્છા ન હોય છતાં એવુ કરવુ પડે ત્યારે તમારે કેવા કપરા અનુભવમાંથી પસાર થવુ પડે એની કલ્પના કરો. મારે આખી ફિલ્મના મેકિંગ દરમ્યાન એ જ કરવુ પડયું. હું કેટલીવાર સેટ પર પડી ભાંગી એ પણ મને યાદ નથી. ટુંકમાં, આ ફિલ્મમાં મારે જે કદી નહોતુ કરવું એ જ બધુ કરવું પડયું.'

ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સની આ ફિલ્મમાં પરિણીતીની સાથે કિર્તી કુલ્હારી, અદિતી રાવ હૈદરી અને અવિનાશ તિવારી પણ પ્રમુખ ભૂમિકામાં છે. પરિણીતીની વાત સાંભળ્યા પછી કોઈને પણ મનમાં પ્રશ્ન થાય કે એના ભૂતકાળનું એવું તે ક્યું અંધારુ પ્રકરણ છે જે એ યાદ નથી કરવા માગતી? પરી એની વિગતો આપવાનો સાફ ઇન્કાર કરતા કહે છે, 'સર, હું એટલુ જ કહી શકીશ કે હું મારા ભૂતકાળના એ દિવસો કદી યાદ કરવા નહોતી ઇચ્છતી. મારા માટે એ એક નર્ક જેવો જ અનુભવ હતો. પરંતુ સંજોગોએ મને ફરી એ જ ત્રાસદાયક અનુભવમાંથી પસાર થવાની ફરજ પાડી. અમારુ એકટરોનું જીવન આવુ જ છે. અમે જે ભૂલવા માગીએ છીએ જ અમારી સામે ફરી આવીને ઊભુ રહે છે. આ એક ફિલ્મે મને સતત ખડા પગે ઊભી રાખી છે. 

મારા માટે ધ ગર્લ ઓન ધ ટ્રેનનો રોલ અગ્નિપરીક્ષાથી કમ નહોતો. ફિલ્મનો દરેક શોટ જાણે મારી કસોટી કરવા જ લેવાતો હોય એવું જ મને લાગતુ. આ ભૂમિકા કરીને હું લગભગ નિચોવાઈ ગઈ છું એમ કહું તો એમાં જરાય અતિશયોક્તિ નથી.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3don6xx
Previous
Next Post »