ખેડા જિલ્લામાં ધો. 6થી 8ના વર્ગો શરૂ થતા શાળા સંકુલો બાળકોથી ઉભરાયા


- પ્રથમ દિવસે ૫૪ ટકા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સરકારી ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરાવાયું

નડિયાદ, તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

ખેડા જિલ્લામાં માધ્યમિક શિક્ષણ બાદ આજથી અપર પ્રાયમરી સ્કુલોની શરૂઆત થઇ છે.અગિયાર મહિના બાદ શાળાના પટ્ટાંગણમાં વિદ્યાર્થીઓનો કોલાહલ સંભળાયો હતો.જો કે કોવિડ-૧૯ના નિયમો સાથે પ્રાયમરી સ્કુલો આજે  ખુલતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હતો.આજે જિલ્લામાં શાળા આરંભના પ્રથમ દિવસે ૫૪ ટકા વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યા હતા.

ખેડા જિલ્લામાં ધો-૬ થી ૮ની ૭૩૬ સ્કુલોમાં આજથી અભ્યાસ ક્રમ શરૂ થયો છેે.જિલ્લામાં આશરે ૮૨,૩૮૦  જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.આશરે અગિયાર મહિના જેટલા લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ સ્કુલ પટ્ટાંગણમાં જોવા મળ્યા હતા.જો કે સ્કુલના ટ્રસ્ટીઓ કે આચાર્ય દ્વારા કોવિડ-૧૯ ની ગાઇડલાઇન અનુસાર શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરાયુ હતુ.વળી વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ વાલીઓ પાસેથી પોતાના બાળક અંગે પોતાની સંપૂર્ણ જવોબદારી સાથેના સંમતિપત્ર ભરાવવામાં આવ્યા છે.

આજથી જિલ્લામાં શરૂ થયેલ અપર પ્રાયમરી સ્કુલના પ્રથમ દિવસે શિક્ષકોએ બાળકોને થર્મલગનથી ટેમ્પરેચર માપી શાળામાં પ્રવેશ આપ્યો હતો.દરેક વિદ્યાર્થીઓને સેનેટાઇઝર થી હાથ સાફ કરાવ્યા હતા.શાળાના વર્ગખંડોમાં બાળકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા કરાઇ હતી.બાળકોને માસ્ક પહેરવા અને શાળા પરિસરમાં ફરજ્યિાત માસ્ક પહેરી રાખવાનો આગ્રહ શાળાના શિક્ષકો દ્વારા કરાયો હતો.

શાળાના શિક્ષકો દ્વારા પ્રથમ દિવસે બાળકો પર વિશેષ ભાર મૂકયો હતો.રીષેસ સમયે બાળકોની બેસવાની વ્યવસ્થા પણ કેટલીક શાળાઓ દ્વારા સહવિશેષ કરાઇ હતી.બાળકોને એક બીજાનો નાસ્તો ન કરવાની શિક્ષકોએ શીખ આપી હતી.વળી પ્રથમ દિવસે શાળામાં આવેલ બાળકો પણ લાંબા સમય બાદ મિત્રોને મળતા હોવાથી ચહેરા પર અનેરી ખુશી હતી.જ્યારે શિક્ષકો પણ લાંબા સમય થી ચાલતા વર્ચુયલ કલાસરૂમની જગ્યાએ કલાસમાં શિક્ષણ આપ્યુ હતુ.ખેડા જિલ્લામાં અગાઉ ધો-૧૦ અને ૧૨ બાદમાં ધો-૯ અને ૧૧નુ શિક્ષણ કાર્ય ચાલી રહ્યુ છે.ત્યારે ગુરુવારની જિલ્લાની અપ્પર પ્રાયમરી સ્કુલમાં ધો-૬ થી ૮ નુ શિક્ષણ કાર્ય શરૂ થયુ છે.

કુલ ૪૪,૪૦૩ વિદ્યાર્થી હાજર ૩૭,૯૭૭ ગેરહાજર

ખેડા જિલ્લામાં આજથી શરૂ થયેલ અપ્પર પ્રાયમરી સ્કુલોની શરૂઆત થઇ હતી.જિલ્લામાં પ્રથમ દિવસે કુલ ૪૪,૪૦૩ વિદ્યાર્થીઓ હાજર રહી શિક્ષણકાર્ય મેળવ્યુ હતુ.જ્યારે ૩૭,૯૭૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આમ જિલ્લામાં પ્રથમ દિવસે ૫૪ ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

શાળાઓમાં ધો. ૬ થી ૮ના કલાસ શરૂ થતા આણંદ જિલ્લામાં શિક્ષણ શરૂ

જિલ્લાની ૯૯૧ જેટલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ શરૂ કરાયું પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી

કોરોના મહામારીના કારણે લોકડાઉન બાદ બંધ પડેલ શાળા-કોલેજોમાં ધીમે-ધીમે શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા આજથી ધો.૬ થી ૮ના વર્ગોમાં શિક્ષણ કાર્યના આદેશ કરાતા આણંદ જિલ્લાની ૯૯૭ જેટલી પ્રાથમિક શાળાઓમાં ધો.૬ થી ૮ના વર્ગોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાયો છે. જો કે આજે પ્રથમ દિવસે ગ્રામ્ય વિસ્તારની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની જૂજ હાજરી જોવા મળી હતી. તો બીજી તરફ શહેરી વિસ્તારની શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી હતી.

કોરોના મહામારીના કારણે માર્ચ માસના અંતિમ સપ્તાહમાં લોકડાઉન જાહેર થયા બાદ રાજ્યભરની શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ ગયું હતુ. જો કે વર્ષ-૨૦૨૧ની શરૂઆતમાં કોરોનાનો ગ્રાફ નીચો જતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સૌપ્રથમ ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે વર્ગો ખોલવામાં આવ્યા હતા અને શાળાઓ ખાતે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાયો હતો. સાથે સાથે કોલેજોમાં પણ ઓફલાઈન પરીક્ષાઓ યોજાઈ હતી. ત્યારબાદ તબક્કાવાર ધો.૯ અને ૧૧ના વર્ગોમાં પણ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું.

બાદમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજથી પ્રાથમિક શાળાના ધો.૬ થી ૮ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરાતા આણંદ જિલ્લામાં આવેલ સરકારી, અર્ધસરકારી અને ખાનગી મળી લગભગ ૯૯૭ જેટલી પ્રાથમિક શાળાઓ આશરે ૧૧ મહિના બાદ અનલોક થતા વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જો કે ધો.૬ થી ૮ના વર્ગોનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓને વાલીના સંમતિપત્રક સાથે શાળામાં આવવાના આદેશ કરાયા હતા. જેથી શાળામાં ફરજીયાતપણે આવવું કે નહી તે અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓ ઉપર રખાયો હતો. પ્રાથમિક શાળામાં વર્ગ શિક્ષણના પ્રારંભના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને શહેરી વિસ્તારની વિવિધ શાળાઓ બાળકોના કોલાહલથી ગુંજી ઉઠી હતી. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ વાલીઓમાં કોરોનાનો ભય હોઈ શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s9rhBM
Previous
Next Post »