તમે તમારા પડોશીથી ચેતજો


ન વો ફ્લેટ ખરીદ્યો ત્યારે અમારા એક અંગત મિત્ર પૂનમને અમારી આ નવી સોગાદ જોવા બોલાવ્યો હતો. પૂનમ અમારાથી સાત આઠ વરસ મોટો હશે, પણ દુનિયાનો પાકો પારખંદો હતો. શિક્ષણથી માંડીને શેરબજાર સુધીના અનુભવોથી ઘડાયેલો એ વ્યવહારમાં પૂરો પાકટ હતો. આધેડ વયમાં પણ દુનિયાને એણે બરાબર પારખી લીધી હતી. કોઈનોય આ જમાનામાં વિશ્વાસ ના કરવો, સગી વહુનો ય નહિ, એમ એ હસવા હસવામાં કહેતો.

મારો ફ્લેટ તેણે અંદર બદે ફરી ફરીને નિહાળ્યો. ફ્લેટનું નિરીક્ષણ કરી લીધા પછી પૂછ્યું, 'ફ્લેટ કેટલામાં પડયો?'

અમે એને ફ્લેટની કિંમત અને બાકીની લોનની વાત કહી. પૂનમ કહે : 'મારા મતે દોઢ બે લાખ વધારે ધાબડી ગયો છે. બાથરૂમમાં જાળી બરાબર નથી.'

'હા, સ્હેજ ફિટિંગ બાકી છે.' અમને પૂનમની ઝીણવટભરી નિરીક્ષણવૃત્તિ ગમી. 'હવે જાળી ફીટ થાય ત્યારે ખરી.'

'ના, ના. બિલ્ડર અમારો ખાસ જાણીતો છે.'

ઓળખીતો પોલીસ બે દંડા વધારે મારે. બિલ્ડરો બધા બહુ પાકા હોય છે. બોર આપીને કલ્લી કાઢી લે તેવા.'

'અમને બિલ્ડર સારો વાતગરો લાગ્યો હતો. મને એણે વહેલી લોન ભરાય તો સારા ડિસ્કાઉન્ટની ય લાલચ આપી હતી.'

પૂનમ હસી પડયો : 'બિલ્ડરોનું ડિસ્કાઉન્ટ જ લોલીપોપ. લોલીપોપની લાલચમાં કેટલાય ફ્લેટ માલિકોના ડિસ્કાઉન્ટ તણાઈ ગયા. થોડું ઘણું સમ ખાવા પૂરતું મળ્યું.'

અમને જરા કચવાટ થયો. પૂનમને બિલ્ડરો પ્રત્યે વધારે પડતો અવિશ્વાસ છે. બિલ્ડર અમારા બનેવી જગદીશચંદ્રની ખાસ ભલામણવાળો હતો. પૂનમને વળી પાછું હસવું આવ્યું. મને કહે : 'બનેવીએ ડિસ્કાઉન્ટ થોડું વધારે ના અપાવ્યું.'

અમે બચાવ પક્ષમાં કહ્યું, 'એમણે શક્ય તેટલું ઓછું કરાવ્યું એમ એ બનેવી કહે છે.'

એમણે અમને ખાતરી આપી છે કે આટલી કિંમતમાં આવો સુસજ્જ ફ્લેટ ના મળે. મારા બિલ્ડરો સાથેના સંબંધીને કારણે જ તમને થોડા ઓછામાં ફ્લેટ મળ્યો.

પૂનમ હસ્યો, મને તો કશું કહ્યું નહિ, પણ મારી પત્ની સીમા ભાભીના કાન પાસે જઈને ફૂંક મારી. 'ગાંધી વૈદનું સહિયારું.'

સીમાભાભી અમારા મિત્ર જેવા 'ભોળા' નહોતાં. પિયરથી બધી વ્યવહારિકતા શીખીને આવ્યાં હતાં.

મને ધીમેથી કહે, 'મને ય ફ્લેટ જરાક મોંઘો તો લાગ્યો, પણ અમારા બનેવી પાછા અક્કડ મિજાજના માણસ. એમની બહેનને સ્વીકારીને અમારા પર મોટો ઉપકાર કર્યો હોય એવી તેમની દ્રઢ માન્યતા હતી.'

પૂનમે કહ્યું, 'ભાઈ ભોળા છે. બનેવી દમદાર લાગે છે.'

સીમાએ કહ્યું, 'અમે જરાક ફ્લેટ વિશે ટકોર કરીએ તો બહેનનું આવી બને. અને બહેન ગમે તેમ પણ હવે સાસરીના. એ અમારા પર આક્ષેપ કરે, 'એમણે તમારામાં વચમાં પડવા જેવું જ નહોતું.'

તમારા ભાઈબંધ મિયાની મીંદડી. અમે ય ચૂપ.

પૂનમે હવે કુટુંબના પેચીદા પ્રશ્નોની વાત ટાળી. બાકી એ સંસારનો પૂરો ભોમિયો હતો. મિત્રના જીવનમાં નાહક કંકાસનાં બીજ રોપવાં... એ ઠીક નહિ. એમ માનીને એણે વાત વાળી દીધી. બીજે પાટે ચડાવી દીધી.

મને પૂછ્યું : 'પડોશ કેવો છે? કહેવાય છે ને કે પહેલો સગો પડોશી.' પછી હસતો હસતો કહે : 'જેમ પુણ્યશાળીને મનપસંદ પત્ની મળે છે તેમ મિત્ર અને પડોશી સારા મળવા એ સારા પુણ્યનું ફળ છે.'

અમારી પૂનમ સાથે વાતચીત ચાલતી હતી તેવામાં જ અમારા પડોશી જુગલભાઈ આવી ચડયા. જુગલભાઈએ પૂનમને જોયો. પૂનમે એમને જોયા. ઘડીભર ચાર આંખ કતરાઈ.

જુગલભાઈ જાણે કશું જ બન્યું ના હોય તેમ મારા મિત્રને આગ્રહ કરવા લાગ્યા : 'આજે તમારે બંનેએ મારે ઘેર ચા-નાસ્તો કરવા આવવાનું. શુકનમાં તમે જ અમારું ઘર પાવન કરો. અમે કેવા નસીબદાર કે તમે અમારા પડોશી બન્યા. તમારા મિત્રને પણ જરૂર ચા-પાણી માટે લાવજો.' એટલી જ વિનંતી કરીને એ ફટાફટ ઉપડી ગયા.

મારાં ભાભી કહે : 'કેમ પડોશી એકદમ ચાલ્યા ગયા?'

પૂનમ હસ્યો : 'મારા જેવા' આગંતુકને જોઈને એ સંકોચ પામ્યા હશે.

પૂનમે જતાં જતાં કહ્યું 'જો મિત્ર - ભાભી! તમારો ફ્લેટ જોયો. પ્રમાણમાં સારો છે પણ ફ્લેટની સાથે સંકળાયેલા તમારા પડોશી જુગલભાઈથી ચેતજો.

'કેમ?'

'એમ. હું એમને ઓળખું છું!'

(આવતા અંકે પૂરું)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dloam6
Previous
Next Post »