કામસૂત્રના રચયિતા વાત્સ્યાયન ખરેખર ક્યાંના અને કયા સમયના?

- કામસૂત્રમાં ચૌલ રાજાનો ઉલ્લેખ છે, પાંડય, ચોલ તથા આન્ધ્રોની ખ્યાતિ કલિંગના સમ્રાટ અશોકના સમયમાં હતી, તેથી કામસૂત્ર વિક્રમાબ્દના સમયમાં પ્રારંભના ગાળામાં લખાયું હોવું જોઈએ


કા મસૂત્રના રચનાર વાત્સ્યાયન ક્યારે થઈ ગ્યા અને તે ક્યાંના રહીશ હતા, એ બાબત વિષે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. મુંબઈની કે.ઈ.એમ. હોસ્પિટલ અને જી.એસ. મેડિકલ કોલેજના પૂર્વ વિભાગીય વડા ડૉ. પ્રકાશ કોઠારીએ તેમના એક સંશોધનમાં એવો મત પ્રગટ કર્યો છે કે, 'આચાર્ય વાત્સ્યાયને તેમના પુસ્તકમાં નગરક' શબ્દનો ઉલ્લેખ કર્યો છે, જે પુરાતત્વીય પુરાવાના આધારે ગુજરાતના ખેડા જિલ્લાના ખંભાતથી પાંચેક કિલોમીટર દૂર કોઈ પ્રાચીન નગરના હોવાને સમર્થન મળે છે.

પણ એક વિદ્વાન સંશોધક ગંગાપતસિંહનું કહેવું છે કે વાત્સ્યાયનને ભારત વર્ષનાં બધાં સ્થાનોનો પરિચય સારી રીતે હતો, અથવા ભારત ભ્રમણ કર્યું હતું. પરંતુ તેમણે પોતાના ગ્રંથમાં પશ્ચિમ ભારત વિષેનું વર્ણન વિશેષ કર્યું છે. વળી તેમણે આપસ્તંભના ગુહ્ય સૂત્રમાંથી પણ અનેક વાતો લીધી છે, એટલે તેઓ પશ્ચિમ ભારતના નિવાસી હતા, એ વાતને સમર્થન મળે છે.

જ્યારે કાર્લાઈલે સાબિત કર્યું છે કે, 'નાગર' નામનું શહેર જયપુર (રાજસ્થાન) નજીક ટોંક રાજ્યથી ૪૫ માઈલ ઉત્તર-પૂર્વે હતું. આથી તેઓ માળવાના નિવાસી હોવાનું માલૂમ પડે છે.

બીજા એક વિધ્વાન હિરેનચંદ્ર ચકલેદારનો મત છે કે, વાત્સ્યાયનનું નિવાસસ્થાન પશ્ચિમ ભારતમાં માળવા હોવું જોઈએ, તેમણે કહ્યું છે કે વાત્સ્યાયને તેમના ગ્રંથમાં નાગરિક્ય શબ્દ વાચકોને કે નગરજનોને ઉદ્દેશીને વાપર્યો નથી, પરંતુ એ સંબોધન નાગર નામના કોઈ શહેરને લગતું છે. અને તે વાત્સ્યાયનનું નિવાસસ્થાન હશે. તેમણે વાત્સ્યાયન પાટલીપુત્રના નિવાસી હોવાનું જણાવી કારણ આપ્યું છે કે પાટલીપુત્રક્ય: એ નાગરિક્યનો સમાનઅર્થી શબ્દ છે. જો કે આ અર્થઘટન સાથે અન્ય વિદ્વાનો સંમત થતા નથી.

વાત્સ્યાયનના કામસૂત્રમાં આપસ્તંભ ગુહ્ય સૂત્રમાંથી કેટલાંક સૂત્રો ટાંકવામાં આવ્યાં છે, અને ગુહ્ય સૂત્ર પશ્ચિમ ભારતમાં વિશેષ કરીને આંધ્ર પ્રદેશમાં અધિક પ્રચલિત હતું, એટલે વાત્સ્યાયન ત્યાં અધિક રહ્યા હોય અથવા ત્યાંના નિવાસી પણ હોઈ શકે એમ મનાય છે.

જો કે આર્કિયોલોજિકલ સર્વેમાંથી મળતી માહિતી અનુસાર રાજસ્થાનના જયપુર નજીક ટોંકથી ૨૫ માઈલ દૂર ઉત્તર પૂર્વમાં આવેલ નાગર નામક પ્રાચીન શહેરના ખંડેરો મળી આવ્યાં છે. ત્યાંથી બ્રાહ્મી લિપીના અક્ષર અંકિત કરેલા સોનાના સિક્કા પણ મળી આવ્યા હતા. જેની ઉપર 'જય માલવાન' લખેલું હતું, એટલે જય માળવા અર્થ થાય છે.

સમય વિષે જોઈએ તો એક મત એવો છે કે, ચન્દ્ર ગુપ્ત મૌર્ય (પાટલી પુત્ર)ના સમયમાં થઈ ગયેલા કૌટિલ્ય પોતે જ વાત્સ્યાયન છે. અને એમનો કાળ લગભગ ચોથી શતાબ્દીનો છે. જો કે વાત્સ્યાયન વત્સ ઋષિના ગોત્રમાં ઉત્પન્ન થયા હોઈ એ વાત્સ્યાયન નામથી પ્રસિધ્ધ થયા હશે. એમ એક મત છે.

જર્મન પ્રોફેસર કૉબીનો મત છે કે, કૌટિલ્ય અને વાત્સ્યાયન બન્ને એક જ છે પણ અલગ અલગ લેખન માટે પોતાનાં નામ અલગ આપ્યાં હોય જો કે કૌટિલ્યના અર્થશાસ્ત્રની લેખન શૈલી કામસૂત્રને મળતી આવે છે. પરંતુ બેમાંથી કયો ગ્રંથ પહેલો રચાયો હશે એ વિષે કોઈ પુરાવા મળતા નથી.

કામસૂત્રમાં ચૌલ રાજાનો ઉલ્લેખ છે, પાંડય, ચોલ તથા આન્ધ્રોની ખ્યાતિ કલિંગના સમ્રાટ અશોકના સમયમાં હતી, તેથી કામસૂત્ર વિક્રમાબ્દના સમયમાં પ્રારંભના ગાળામાં લખાયું હોવું જોઈએ.

એક મત મુજબ ભાસ કવિએ અવિમારક વિષયક નાટકમાં જે સમાજનું વર્ણન કર્યું છે, એ પ્રાય: વાત્સ્યાયન વર્ણિત સમાજનું રૂપ છે. એટલે ભાસ અને વાત્સ્યાયન સમકાલિન હોવા જોઈએ. એમનો સમય ૫૦ ઈસાપર્વેનો હોઈ શકે છે.

ગંગાપતસિંહ વિદ્વાન લેખકનું કહેવું છે કે, વાત્સ્યાયને કામસૂત્રમાં લખ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ભારતવર્ષમાં આભીર અને આન્ધ્ર વંશના રાજા રાજ્ય કરતા હતા. તેમણે એક સ્થળે ઉલ્લેખ કર્યો છે કે, કોટ્ટાના રોજો આભીર કોટ્ટરાજે એના ભાઈને છળકપટથી એક ધોબી ધ્વારા મરાવી નાખ્યો હતો, આ ઘટના ત્રીજી શતાબ્દીમાં બની હતી. અને એ બંન્ને રાજાઓ ત્રીજી શતાબ્દીમાં થઈ ગયા, જેથી વાત્સ્યાયન તે સમયના એટલે કે ત્રીજી શતાબ્દીના હોવા જોઈએ.

વળી કામસૂત્રમાં કામ (જાતીયતા)ની જે પરિભાષા આપવામાં આવી છે તે ન્યાયસૂત્રમાં પણ જોવા મળે છે. ન્યાય સૂત્ર ત્રીજી કે ચોથી શતાબ્દી વચ્ચે લખાયું છે, જેથી કામસૂત્ર પણ ત્રીજી શતાબ્દીના મધ્ય કાળમાં લખાયું હોવું જોઈએ.

ડૉ. પ્રકાશ કોઠારીએ પ્રશ્ન કર્યો છે કે, જાતીય સંબંધોને લગતાં શિલ્પો ગુજરાતમાં કેમ નહીં? પછી તેમણે તેના જવાબમાં લખ્યું છે, મોઢેરાનાં શિલ્પો, શામળાજીનાં શિલ્પો, પંચમહાલનું બાવકાનું મંદિર, કે કામળી સંડેરનાં શિલ્પો, લુણાવાડા તાલુકાના કાલેશ્વર મંદિર સામે મૂકાયેલાં શિલ્પો, અંબાજી નજીક કુંભારિયાના કુંભેશ્વર મહાદેવ મંદિરનો શિલ્પો, ખેરાલુ (ઉ.ગુજ.)ના શ્રીમાળી વાસમાંથી મળેલાં શિલ્પો, આંકોલ વાવ (દાવડ), પંચમહાલના ડેસરનું શિવમંદિર વિગેરે સ્થળે શિલ્પોમાં કામસૂત્રનાં આલનો તેમજ છઠ્ઠીથી દસમી સદીમાં થયાં છે. એટલે વાત્સ્યાયન એ પહેલાં ત્રીજી કે ચોથી સદીમાં થયા હોવા જોઈએ. અભણ લોકોના અભ્યાસ અર્થે આવાં શિલ્પો જાહેર સ્થળોએ મૂકવાની શરૂઆત છઠ્ઠી સદીમાં થઈ હોવાનું જાણવા મળે છે.

ડૉ. કોઠારીના જણાવ્યા મુજબ વાત્સ્યાયને કામસૂત્રમાં લાટ પ્રદેશ (દક્ષિણ ગુજરાત)ની સ્ત્રીઓની જાતીય લાક્ષણિકતાનું આલેખન કર્યું છે. તેવી જ રીતે માલવ પ્રદેશની સ્ત્રીઓની રીતિઓનો ઉલ્લેખ પણ જોવા મળે છે. આ માલવ એ જ માળવા પ્રદેશ છે. જે ગુજરાત નજીક રાજસ્થાનનો એક ભાગ છે. એટલે વાત્સ્યાયન ગુજરાતના પણ હોઈ શકે. જો કે પાટલીપુત્રની સ્ત્રીઓ વિષે પણ ઉલ્લેખ છે, તે તેઓ કૌટિલ્ય પણ હોઈ શકે અને પાટલીપુત્રના વતની પણ હોઈ શકે.

આમ કામશાસ્ત્રી આચાર્ય વાત્સ્યાયન વિષે ઘણા મતભેદ પ્રવર્તે છે. પણ તેના કોઈ નક્કર પુરાવા આપી શકતું નથી, જો કે એ મળવા પણ મુશ્કેલ છે. (અત્રેનો કેટલોક ઉલ્લેખ આ વિષયના સંદર્ભ ગ્રંથો પર આધારિત છે.)

- દુર્ગેશ ઉપાધ્યાય



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZpsMz7
Previous
Next Post »