ચક્ષુદાન, આહારદાન કરી શકાય, વલણ-દાન હરગીઝ નહીં

- કોઈ અન્યનું 'વલણ' ન બદલી શકાય એટલું સમજ્યા પછી તમે ધર્મ અને આધ્યાત્મિકતાનાં ''સંસ્થાકરણ''ની વિરાટ બેવકૂફી સ્પષ્ટ સમજી શકશો.


મા ણસનાં ભૌતિક શરીરની રચના બાબત જેટલી જાગૃતિ અને સભાનતા માણસે કેળવી છે એના કરોડમા અંશ જેટલી જાગરૂકતા કે સમજ વ્યક્તિનાં આંતરિક શરીર (આંતરડાં કે હૃદય કે કાળજું નહીં) મનોવિજ્ઞાાન વિષે કેળવી નથી, નહિતર ડાહ્યા કે પ્રબુદ્ધ માણસે કદી પણ આંતરિક વિકાસ માટે સંસ્થા, સંપ્રદાય કે સંઘની સ્થાપના કરી જ ના હોય. અરે ભાઈ, સ્થાપના બાહ્ય તત્ત્વની હોય, જે અંતરથી ઊગે એની સ્થાપના થઈ જ કેવી રીતે શકે?

આ અંદરથી ઊગનાર ઊર્જાનું નામ આપણે ધારો કે સરળ ભાષામાં 'વલણ' કહીએ. (અંગ્રેજીમાં ''એપ્રોચ'') આ 'વલણ' સંપૂર્ણપણે અંદરથી ઊગનાર, પૂર્ણપણે વ્યક્તિગત તત્ત્વ છે એટલું જેને સમજાય એની સમજમાં ધરતીકંપ સર્જાય. જો એને માત્ર આટલું સમજાય કે માણસના સુખી થવાની શરૂઆત, એના દેવ બનવાની શરૂઆત એનાં 'વલણ'માંથી થાય છે, અને આ 'વલણ' એની જાત સિવાય દુનિયાની કોઈ અન્ય તાકાત એને ''દાન''માં આપી શકતી નથી. કોઈ જ અન્ય વ્યક્તિ કે સંપ્રદાય કે ધર્મગ્રન્થ કે મઠ કે કોઈ ટોળકીનું સભ્યપદ : નહીં, નહીં, નહીં, નહીં.

તમે કોઈને બાહ્યચક્ષુ આપી શકો, અંતર્ચક્ષુ હરગીઝ નહીં. ના, રામકૃષ્ણ, બુદ્ધ, મહાવીરથી માંડીને આજે નવા સંપ્રદાય ઊભા કરવાની વાસના ધરાવતા અને કરોડો અનુયાયીઓ ધરાવતાં મોટાં નામો પણ તમને ''બદલી'' ન શકે.

એક છાપાળવા ઈન્ટરવ્યુમાં કોઈ વિરાટ 'આધ્યાત્મિક' (!-ફરીથી આ હાસ્યાસ્પદ કજોડું : આધ્યાત્મિક-આંદોલન) આન્દોલનના દાયકાઓ સુધી 'સભ્ય' રહેલા જણનો સવાલ-જવાબ યાદ આપ્યો, જે માનવજાતની મૂર્ખતા તરફ અંગુલિનિર્દેશ કરે છે : પ્રશ્ન છે : તમે કોઈ ગુરુ, સંપ્રદાય કે ભક્તિ આન્દોલનના સભ્ય કેમ બન્યા? પ્રત્યુત્તર જુઓ : (૧) પરભવ સુધારવા, પુણ્ય કમાવા (૨) ભગવાનનાં ચરણોમાં સ્થાન મેળવવા (૩) ભાગદોડ અને અશાંતિના આ સમયમાં મનની શાંતિ પામવા! વર્ષો સુધી આધ્યાત્મિક ''ટ્રેડ યુનિયન''ના 'વફાદાર' સભ્ય રહેલા જણની વફાદારી અને સમર્પણની શરૂઆત જ મનોવૈજ્ઞાાનિક અજ્ઞાાનની બુનિયાદ પર થઈ હતી. અશાંતિ કે શાંતિ શામાંથી પેદા થાય છે? તમારું વલણ જો અસ્વસ્થ હશે તો તપોવનમાં પણ સ્થિર કે સુખી કે શાંત નહીં રહો અને વલણ જો સ્વસ્થ હશે તો મચ્છીપીઠ કે મહેલ કે શેરબજાર પણ તમને અશાંત નહીં કરી શકે. આ સમજ, આ વલણ દુનિયાના કોઈ જ સંપ્રદાયના ઉપદેશના એકાધિકાર કે ''બ્રાન્ડ'' હેઠળ નથી, કોઈના પિતાશ્રીની મિલકત નથી એટલું સમજાય એ કોઈજ આધ્યાત્મિક ''બ્રાન્ડ'' (મહોર) ઊભી ના કરે, સંસ્થાની સ્થાપના ના કરે અને અનુયાયી ના બને.

ધર્મશાસ્ત્રોનો કક્કો ન જાણનાર કોઈ જ જબરદસ્ત ''આધ્યાત્મિક ટ્રેડ યુનિયન''ની સભ્ય ન હોય એવી ગામડાંને ખૂણે વસતી ડોશીની માનસિક અવસ્થા પરમેશ્વરની સૌથી નજીક હોઈ શકે!

કોઈ અન્યનું 'વલણ' ન બદલી શકાય એટલું સમજ્યા પછી તમે ધર્મ અને આધ્યાત્મિકતાનાં ''સંસ્થાકરણ''ની વિરાટ બેવકૂફી સ્પષ્ટ સમજી શકશો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ufJNu2
Previous
Next Post »