અમૃતા પુરીએ અમિત સાધ સાથે કામ કરવા વેબ સિરિઝ કરી


'આયશા' અને 'કાઈ પો છે' બાદ કંગના રણૌત સાથેની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા' દ્વારા દર્શકોના દિલમાં ચોક્કસ સ્થાન બનાવનાર અભિનેત્રી અમૃતા પુરી હમણાં તેની વેબ સિરિઝ 'જીત કી જિદ્દ' માટે ચર્ચામાં છે. આ સિરિઝ કારગીલ યુધ્ધમાં ઈજાગ્રસ્ત થઈને કમરથી નીચેના હિસ્સામાં લકવાગ્રસ્ત બનેલા સ્પેશ્યલ ફોર્સના અધિકારી મેજર દીપ સિંહના જીવન પર આધારિત છે. તેઓ પછીથી પોતાની પત્નીની સહાયથી આ સમસ્યામાંથી ઉગરી ગયા હતા. સિરિઝમાં મેજરનું પાત્ર અમિત સાધે ભજવ્યું છે. જ્યારે અભિનેત્રી અમૃતા પુરી તેમની પત્ની 'જયા'ના રોલમાં છે. અમૃતા પુરીએ આઠ વર્ષના લાંબા અંતરાલ પછી આ સિરિઝમાં અમિત સાધ સાથે કામ કર્યું છે.

અમૃતા અમિત સાથે ફરીથી કામ કરવા બાબતે કહે છે કે માત્ર તેને કારણે જ તે આ વેબ સિરિઝમાં કામ કરવા તૈયાર થઈ હતી. તે આ સિરિઝમાં એકમાત્ર અમિતને જ જાણતી હતી. અમૃતા વધુમાં કહે છે કે અમિત સાથ અચ્છો કલાકાર છે અને અમે પરસ્પર સંપર્કમાં પણ રહ્યાં છીએ. વળી આ સિરિઝની કહાણી પણ અત્યંત પ્રેરણાદાયી છે. એક સેનાની શી રીતે જીવનના દરેક મોરચે લડે છે અને તેની પત્ની તેને કઈ રીતે સાથ આપે છે, બંને મળીને શી રીતે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવે છે તે 'જીત કી જિદ્દ'માં બખૂબી વણી લેવામાં આવ્યું છે.

અમૃતાને આ ભૂમિકા મહામારીના સમયમાં ઓફર કરવામાં આવી હતી. અદાકારા કહે છે કે તેની સ્ક્રીપ્ટ બહુ સરસ હતી અને અમને અવિરતપણે કામ કરવાની શરતે તેમાં રોલ મળ્યાં હતાં. આનું કારણ એ હતું કે ફિલ્મ પ્રજાસત્તાક દિનની આસપાસ રજૂ કરવાની હતી. અમે તેનું મોટાભાગનું શૂટિંગ પટિયાલા અને મનાલીમાં કર્યું હતું. મનાલીના પ્રત્યેક દ્રશ્યો એકમેકથી ચડિયાતા છે. અમે પટિયાલામાં શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે જ કિસાનોનો વિરોધ શરૂ થયો હતો. અમને બે દિવસ માટે શૂટિંગ રોકી રાખવું પડયું હતું.

અમૃતા માને છે કે સેનાના જવાનોનું જીવન બહુ મુશ્કેલ હોય છે. જે લોકો માત્ર સેનામાં જોડાવા કૃતનિશ્ચયી હોય તેઓ જ ફૌજી બની શકે. તેમનું જીવન બલિદાનથી ભરેલું હોય છે. તેઓ મહિનાઓ સુધી તેમના પરિવારજનોને નથી મળી શકતા. તેમના સંતાનો પણ મહિનાઓ સુધી પિતાનું મોઢું નથી જોઈ શકતા. તેઓ યુધ્ધ મોરચેથી પાછા ફરશે કે કેમ તેના જાણ પણ તેમના કુટુંબીજનોને નથી હોતી. તેથી ફૌજીની પત્નીએ બહુ મજબૂત રહેવું પડે છે. આજે ઘણાં લોકો એમ કહેતાં હોય છે કે આજની પેઢીના યુવાનો સેનામાં જોડાવાનેબદલે કોર્પોરેટ કંપનીઓમાં કામ કરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ ફૌજી બનવા ઘણો ત્યાગ કરવાની અને પુષ્કળ હાડમારી ભોગવવાની તૈયારી જોઈએ.

અદાકારાને લાગે છે કે મહામારીના સમયમાં ઓટીટી પ્લેટફોર્મની માગ પુષ્કળ વધી ગઈ છે અને તેના ઉપર વૈવિધ્યસભર શોઝ અને સિરિઝો આવી પણ રહી છે. ભલે સિનેમાગૃહો ખુલી ગયા છે. આમ છતાં લોકો થિયેટરોમાં જતાં ખચકાય છે. તેઓ માત્ર સિનેમાઘરોમાં જ નથી જતાં એવું નથી. લોકો કામ વિના ઘરથી બહાર નીકળવાનું પણ ટાળે છે અને આ સ્થિતિ તુરંત નહીં બદલાય. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jfY2Kc
Previous
Next Post »