'ના બોલે તુમ ન મૈંને કુછ કહા' અને 'ગુલમોહર ગ્રાન્ડ' જેવી સિરિયલોથી ટી.વી. પર ડગ માંડીને જાણીતી બનેલી અભિનેત્રી આકાંક્ષા સિંહે વધુ સારી ભૂમિકાઓ મેળવવાનો ઇન્તઝાર કરવા થોડો સમય બ્રેક લેવાનું નક્કી કર્યું ત્યારે તેને ક્યાં કલ્પના હતી કે આ બ્રેક તેને શી રીતે ફળશે. પરંતુ આ સમયગાળો તેના માટે નસીબવંતો પુરવાર થયો. તેને આ સમય દરમિયાન દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોમાં કામ કરવાની તક મળી. એટલું જ નહીં, તેને બોલીવૂડમાં પણ 'બંદરીનાથ કી દુલ્હનિયા'માં કામ કરવાનો મોકો મળતાં તેણે હિન્દી ફિલ્મોદ્યોગમાં પણ પદાર્પણ કર્યું. અને હવે અભિનેત્રી તેની આગામી બોલીવૂડ મૂવી 'મે ડે'નું શૂટિંગ કરી રહી છે. આ સિનેમામાં આકાંક્ષા અજય દેવગણની પત્નીના રોલમાં જોવા મળશે.
આકાંક્ષાએ આ બાબતે કહ્યું હતું કે અમે તેના પહેલા શેડયુલનું હૈદરાબાદ ખાતેનું શૂટિંગ પૂરું કરી લીધું છે અને ટૂંક સમયમાં મુંબઈમાં તેનું બીજા શેડયુલનું શૂટિંગ શરૂ કરીશું. તે વધુમાં કહે છે કે કમનસીબે મારો પગ ફ્રેક્ચર થતાં મને મારા મૂળવતન જયપુર જઈને આરામ કરવો પડયો. અલબત્ત, એ બહાને મેં ત્યાં જ મકર સંક્રાંત પણ ઉજવી.
અભિનેત્રી હમણાં તેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે તોય તેને સંખ્યાબંધ ટી.વી. શોઝ માટે ઓફરો આવતી રહી છે. આકાંક્ષા કહે છે કે મને ઘણાં ઘણાં ટી.વી.શો માટે ઓફરો આવે છે પરંતુ હમણાં હું મારું બધું ધ્યાન ફિલ્મો પર કેન્દ્રિત કરવા માગું છું. મેં ટચૂકડા પડદેથી બ્રેક લેવાનું વિચાર્યું તેનું મૂળ કારણ એ જ હતું કે અહીં તમને એક્સમાન રોલની ઓફરો મળતી હોવાથી તમે ટાઈપકાસ્ટ થઈ જાઓ છો.
આ કારણસર મેં બ્રેક લીધો ત્યારે મારો ઇરાદો કોઈક સારો રોલ મેળવવાની રાહ જોવાનો હતો. પરંતુ મને ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. આકાંક્ષા વધુમાં કહે છે કે હું હમેશાંથી કહેતી આવી છું કે ટચૂકડા પડદાએ મને મારી અભિનય ક્ષમતા રજૂ કરવા વિશાળ પ્લેટફોર્મ આપ્યું છે. આમ છતાં એ વાત પણ એટલી જ સાચી છે કે અહીં તમને એક જ પ્રકારના રોલ મળતાં હોવાથી તમારી અભિનય ક્ષમતાના ઘણાં પાસાં ઉજાગર થઈ જાય છે.
વળી અગાઉ ટચૂકડા પડદાની અદાકારાઓને તેમણે ભજવેલા પાત્રના પ્રભાવમાંથી બહાર આવતા ઘણો સમય લાગતો હતો. જે તે કલાકારને લોકો ચોક્કસ પ્રકારના કિરદારમાં જ જોવા ઇચ્છતા જેને પગલે તેમને નવા પ્રકારના પાત્રોની ઓફર જ ન મળતી. પરંતુ હવે તેમાં વત્તાઓછા અંશે પણ બદલાવ આવ્યો છે. તેથી હું કોઈક નવા પ્રકારના કિરદારોની ઓફરો મળે તેની રાહ જોઈ રહી છું. અલબત્ત, હાલના તબક્કે હું મારી ફિલ્મના કામમાં વ્યસ્ત છું. અને મને જ્યારે કોઈ રસપ્રદ ઓફર મળશે ત્યારે હું તેમાં સહભાગી બનીશ.
અદાકારા ઉમેરે છે કે ઘણાં લોકો મને પૂછે છે કે શું હું 'બિગ બોસ' જેવા રીઆલિટી શોમાં ભાગ લઉં ખરી ? પરંતુ મને નથી લાગતું કે હું આટલા લાંબા સમય સુધી એક ઘરમાં પૂરાઈને રહી શકું.
આમ છતાં હું આવા શોમાં ભાગ નહીં જ લઉં એમ નથી કહેતી. વાસ્તવમાં હું ક્યારેય કોઈ બાબતમાં એમ નતી કહેતી કે હું તે નહીં જ કરીશ. ભવિષ્યમાં કદાચ હું અન્ય કોઈ રીઆલિટી શોનો ભાગ બનું પણ ખરી. પરંતુ હાલના તબક્કે તો હું મારું સઘળું ધ્યાન ફિલ્મોમાં સારા કિરદાર નિભાવવા પર આપવા માગુ છું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3azWDtZ
ConversionConversion EmoticonEmoticon