ધા રાવાહિક 'ઉતરન' દ્વારા અપ્રતિમ લોકપ્રિયતા હાંસલ કરનાર ચુલબુલી અદાકારા રશ્મિ દેસાઈ 'બિગ બોગ-૧૩'માં વધુ એક વખત દર્શકોની પ્રશંસા પામી. મઝાની વાત એ છે કે આટલા વર્ષમાં તેનું વજન ભાગ્યે જ વધ્યું છે. 'બિગ બોસ-૧૪'માં તે થોડીવાર માટે મહેમાન બનીને આવી હતી ત્યારે પણ તેણે લીલા રંગની સાડી પર પહેરેલો કમરપટ્ટો તેના ખૂબસુરત ફિગરની ગવાહી પૂરતો હતો. તેથી આપણને સહેજે એમ થાય કે ગોળમટોળ ગાલ ધરાવતી રશ્મિની કાયા માંસલ તો દેખાય છે, પરંતુ સ્થૂળ નહીં. તે કેવી રીતે આવી આકર્ષક દેહયષ્ટિ જાળવી રાખતી હશે.
આના જવાબમાં છેલ્લે 'નાગિન- ૪'માં જોવા મળેલી રશ્મિ કહે છે કે શારીરિક અને માનસિક સ્વસ્થતા મારી પ્રાથમિકતાઓની ટોચ પર હોય છે. ઝાકઝમાળની દુનિયામાં તમારું ફિગર સુંદર હોવું અત્યાવશ્યક છે. ઘણી મહિલાઓનું વજન બહુ ઝડપથી વધતું હોય છે. હું આવી સ્ત્રીઓમાંની એક છું. હું જરાસરખું ચૂકું તો મારું વજન વધતાં વાર ન લાગે. તેથી હું મારા આહાર પર કડક અંકુશ રાખું છું. જે જે વસ્તુઓથી મારું વજન વધે તેનાથી હું જોજનો દૂર રહું છું. મારો ફિટનેસ ફંડા એટલે ૮૦ ટકા આહાર અને ૨૦ ટકા વ્યાયામ. હું મારા વર્કઆઉટનું આયોજન એવી રીતે કરું છું કે મારી ચયાપચયની ક્રિયા સુચારુ રીતે ચાલે.
અભિનેત્રી વધુમાં કહે છે કે સ્વસ્થતા માત્ર શારીરિક નહીં, માનસિક પણ હોય તે એટલું જ આવશ્યક છે અને જ્યારે જીવનમાં મુશ્કેલ સમય આવે ત્યારે માનસિક સજ્જતા જ વધુ ખપ લાગે. અત્યાર સુધી મારા જીવનમાં ઘણાં ચડાવઉતાર આવ્યાં છે. હું એ પણ સારી રીતે જાણું છું કે જ્યારે તમે ટોચ પર હો ત્યારે તમારા ટાંટિયા ખેંચીને તમને નીચે પાડવાવાળા પણ હોય જ. મેં પણ આ અનુભવ્યું છે. પરંતુ હવે મેં જીવનમાં નાની નાના બાબતોને મહત્ત્વ આપવાનું છોડી દીધું છે. મને જીવનમાં હજી ઘણું કરવું છું. તેથી હું મારું ધ્યાન માત્ર મારા લક્ષ્યો પરત્વે આપું છું. ક્ષુલ્લક બાબતોને મહત્ત્વ આપવા જતાં તમે તમારી મંઝિલ તરફની રાહમાંથી ભટકી જાઓ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3roDzpu
ConversionConversion EmoticonEmoticon