આ યખાના છ દશક વટાવી લીધા પછી પણ ખૂબસુરતી અને વ્યક્તિત્વમાં યુવાન વયની અદાકારોઓને શરમાવે એવી ડિમ્પલ કાપડિયાએ ક્રિસ્ટોફર નોલાનની મૂવી 'ટેનેટ' થી હોલીવૂડમાં કદમ માંડયા ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ડિમ્પલ પોતે અચ્છી અદાકારા હોવા છતાં પોતાને ક્રિસ્ટોફરની પ્રશંસગ ગણાવવામાં ગર્વ અનુભવે છે. અને પોતે આ ફિલ્મ માટે ઓડિશન આપવા ગઈ ત્યારે એવી ખાતરી સાથે ગઈ હતી કે તેને આ મૂવીમાં કામ નહીં જ મળે. તે માત્ર ક્રિસ્ટોફર સાથે ફોટો પડાવવાના ઇરાદાથી જ ઓડિશનમાં ગઈ હતી.
આજની તારીખમાં જ્યારે લોકોને નાની વયમાં જ બધું ઝટપટ મેળવી લેવું છે ત્યારે ડિમ્પલે છેક ૬૩ વર્ષની ઉંમરે હોલીવૂડની પહેલી ફિલ્મ કરી. પીઢ અદાકારા કહે છે કે એવું નથી કે હું હોલીવૂડમાં પદાર્પણ કરવા તકની રાહ જોઈ રહી હતી. હું હમેશાંથી સખત પરિશ્રમ કરવામાં માનું છું. પરંતુ મને એ કબૂલ કરવામાં જરાય સંકોચ નથી થતો કે 'ટેનેટ'માં કામ કર્યા પછી હું ઘણી અડચણો પાર કરીને સફળતાપૂર્વક બહાર નીકળી ગઈ હોવાનું અનુભવું છું. ખાસ કરીને અસ્વીકારના ડરની અડચણ. તેમણે જ્યારે આ મૂવી માટે મારા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો ત્યારે હું મારી ભૂમિકાથી અજાણ હતી. આ રોલમાં મને કેટલું ફૂટેજ મળશે તે પણ હું નહોતી જાણતી. પરંતુ ભૂમિકા નાની હોય તોય હું ક્રિસ્ટોફર નોલાન સાથે કામ કરવાની તક ગુમાવવા નહોતી ઇચ્છતી.
પોતાને આ મૂવીમાં કામ શી રીતે મળ્યું તેના વિશે ડિમ્પલ કહે છે કે મને ઓડિશન માટે ફોન આવ્યો ત્યારે મેં વિચાર્યું કે કોઈ મારી મજાક કરી રહ્યું છે. ક્રિસ્ટોફર નોલાન મને શા માટે પોતાની મૂવીમાં લે? મેં મારા ભાણેજ કરણને કહ્યું હતું કે કોઈક મારા ટાંટિયા ખેંચી રહ્યું હશે. મને આ ફિલ્મમાં કામ મળશે એવી કોઈ આશા નથી. અભિનેત્રી વધુમાં કહે છે કે મને એવો ડર પણ સતાવી રહ્યો હતો કે મને મારા સંવાદો જ યાદ નહીં આવે તો? પછી મને એમ પણ લાગ્યું કે પ્રયાસ કરી જોવામાં ક્યાં વાંધો છે? પછીથી મને કહેવામાં આવ્યું કે નોલાન સ્વયં ભારત આવી રહ્યો છે. મને ઓડિશન આપવાની વિનંતી કરવામાં આવી.
આમ છતાં હું નોલાન સાથે ફોટો પડાવવાના ઇરાદાથી જ કરણને લઈને ઓડિશન માટે ગઈ હતી. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે જ્યારે મને આ મૂવીમાં કામ મળ્યું ત્યારે હું ગભરાઈ ગઈ હતી. મને એમ થયું કે હું મારી ભૂમિકાની તૈયારી શી રીતે કરીશ? પરંતુ મેં મારી માતાને કહ્યું હતું તારી દીકરી વિશ્વના સૌથી મોટા ડાયરેક્ટર સાથે કામ કરવાની છે. તે વખતે મારી માતાએ વર્,ો પછી આટલું સરસ સ્મિત આપ્યું હતું.
ડિમ્પલ નોલાન વિશે કહે છે કે તેઓ બહુ ઓછાબોલા છે. તે પોતાના કલાકારો સાથે એક વખત વાત કરી લે અને પછી તેમને પોતાનું કામ કરવા દે. જો તેને કલાકારોનું કામ સંતોષકારક લાગે તો તેઓ શાંત જ રહે. જો તેમને એમ લાગે કે તેમને જોઈએ એવું કામ નથી મળી રહ્યું તો તેઓ કલાકારને પોતાની વાત સમજાવે. બાકી તે પોતાના કલાકારોનું કામ ધ્યાનથી જૂએ.
અદાકારા નોલાનની મોટી પ્રશંસક છે. તે કહે છે કે મેં તેમની ફિલ્મ 'ધ પ્રેસ્ટિજ' ચાર વખત જોઈ હતી. આ એક માસ્ટરપીસ છે. મારા મતે ફિલ્મ હોય તો આવી હોવી જોઈએ. સ્વાભાવિક રીતે જ જ્યારે મને ઓડિશન માટે ફોન આવ્યો અને મને તેમની ફિલ્મમાં કામ પણ મળ્યું ત્યારે હું અવાચક્ થઈ ગઈ હતી. અલબત્ત, મારી ખુશીની પણ કોઈ સીમા નહોતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મૂવીનો કેટલોક ભાગ મુંબઈમાં ફિલ્માવવામાં આવ્યો હતો. ડિમ્પલ તેના વિશે કહે છે કે તેઓ વિદેશથી મુંબઈ આવ્યાં હતાં. અને હું તેમને આપણું આતિથ્ય કેવું હોય તે દર્શાવવા માગતી હતી. આપણે હમેશાંથી આપણી મહેમાનગતિ અને વિનમ્રતા માટે જાણીતા છીએ. મને એમ લાગતું હતું કે આ વખતે ભારતનું આતિથ્ય દર્શાવવાની જવાબદારી મારા શિરે છે. તેથી હું બધા માટે ભેટ-સોગાદો લઈને ગઈ હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jj1eod
ConversionConversion EmoticonEmoticon