અ ભિનેત્રી એરિકા ફર્નાન્ડીસ હમણાં તેને મળેલો નવરાશનો સમય મન ભરીને માણી રહી છે. તે જ્યાં સુધી 'કસૌટી જિંદગી કી- ૨'માં કામ કરી રહી હતી ત્યાં સુધી પોતાના માટે કે પોતાના આપ્તજનો માટે સમય નહોતી કાઢી શકતી. પરંતુ ગયા વ્રષે આ શો પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યો ત્યારથી એરિકા ઘણી હળવાશ અનુભવી રહી છે. તે કહે છે કે હવે હું મારા સ્નેહીજનો સાથે વધુ સમય પસાર કરી શકું છું. અગાઉ હું શૂટિંગમાં વ્યસ્ત રહેતી હતી તેથી મારી ગમતી પ્રવૃત્તિઓ માટે સમય નહોતી ફાળવી શકતી. પણ હમણાં હું નોર્મલ લાઈફ જીવી રહી છું. જોકે હું સારી રીતે જાણું છું કે મારા પ્રશંસકોને ટચૂકડા પડદે મારા ન હોવાની ખોટ સાલે છે. પરંતુ હું ક્યારેક ક્યારેક બહાર જવાના પ્રયાસો કરું છું જેથી તેમને મારી ઝાઝી ખોટ ન સાલે. હું મારું નવું કામ શરૂ કરવાથી પહેલા ક્યાંક જઈ આવવા માગું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે એરિકાએ મહામારીના સમય દરમિયાન જ બે મ્યુઝિક વિડિયોમાં કામ કર્યું હતું. ત્યારબાદ તરત જ તેણે તેના શોનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. તેથી તેને તેમાં કાંઈ નવું નહોતું લાગ્યું.
જોકે અદાકારા કહે છે કે અમે મુંબઈથી ગોવા જઈને શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે અમને કાંઈક નાવીન્ય મળ્યું હુતં. તે વખતનો પ્રવાસ અને મુસાફરી દરમિયાન લેવામાં આવેલી તકેદારીનો અનુભવ તદ્દન નવો હતો. તેના સિવાય ઘણું બધું બહુ સામાન્ય હતું.
એરિકાને હવે કોમેડી અને નેગેટીવ ભૂમિકાઓ ભજવવાની ઈચ્છા છે. તે કહે છે કે અત્યાર સુધી મેં પોઝિટિવ અને શક્તિશાળી પાત્રો ભજવ્યાં છે. હવે હું કોમેડી અને નેગેટીવ કિરદારો નિભાવીને મારી અભિનય ક્ષમતાનું નવું પાસું ઉજાગર કરવા માગું છું. હવે મને જે ઓફરો મળશે તેમાંથી મને જે ઓફર રસપ્રદ લાગશે તે હું સ્વીકારીશ.
જોકે એરિકાને મોટા પડદે ગમે તેમ કૂદી પડવામાં રસ નથી. તે કહે છે કે ટચૂકડાપડદેથી મોટા પડદે પ્રયાણ કરવાની ઈચ્છા પ્રત્યેક કલાકારની હોવાની જ. પરંતુ હું વિષય વસ્તુને જ સૌથી વધારે મહત્ત્વ આપું છું. તેથી મને જ્યાં સારા વિષય વસ્તુ સાથે પડકારજનક કિરદાર નિભાવવાની તક મળશે ત્યાં જ હું કામ કરીશ. ચાહે તે નાના પડદે હોય કે મોટા પડદે.
એરિકા તેના અંગત જીવન વિશે જાહેરમાં વાત કરવાનું પસંદ નથી કરતી. તે કહે છે કે મને મારું વ્યક્તિગત જીવન ખાનગી રાખવું ગમે છે. જોકે મઝાની વાત એ છે કે ગયા વર્ષે તેણે સોશ્યલ મીડિયા પર પોતાના અંગત જીવનની અછડતી માહિતી મળી રહે એવી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી હતી. આમ છતાં તે અંગત જીવન વિશે જાહેરમાં ચર્ચા ન કરવાના બણગાં ફૂંકે છે. આ બાબતે તે કહે છે કે હું મારી વ્યક્તિગત બાબતો વિશે ખુલ્લેઆમ વાત કરવાનું પસંદ નથી કરતી. તે હું મારા સુધી જ સીમિત રાખવાની તરફેણ કરું છું. આમ છતાં મેં ગયા વર્ષે મારા પ્રશંસકોને તેની અછડતી માહિતી આપવાનો વિચાર કર્યોહતો તેથી મેં સોશ્યલ મીડિયા પર એ પોસ્ટ મૂકીહતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rnkCmR
ConversionConversion EmoticonEmoticon