સુજ્ઞાસજ્જનો રચિત સળીશાસ્ત્ર

- અભાવો વચ્ચે જીવતી પ્રજા માટે આ રોજિંદી રમૂજ મનોરંજનનો એક માત્ર આશરો બની જાય છે. એટલે જ તળના માનવીમાં નૈસગક હાસ્ય જોવા મળે છે


દેશ આખાનું બગડી ગયેલું આ લોકેશન સુધારીએ.

આવો.., યારો હાથ મિલાવો... ફાઉન્ડેશન સુધારીએ.

સચ્સાઈનું ગીત નથી આ, સાચું કંઈ સંગીત નથી આ,

બેસૂરુ  ને  બેતાળું  છે  આ  નોટેશન  સુધારીએ. 

ઉપર પ્રેમ ને અંદર નફરત, મીઠો માણસ ઝેરનું સરબત,

માણસના ચહેરા પરનું... લેમિનેશન સુધારીએ.

વેરઝેરમાં જીવે માણસ, એક્બીજાથી બીવે માણસ, 

'સાંઇ' ચાલો આખેઆખું  ઇન્સ્ટોલેશન સુધારીએ.

           -સાંઈરામ દવે

વિધાર્થીએ પૂછયું કે 'સળીમાં અંતે હ્રસ્વ ઇ આવે કે દીર્ઘ ઈ આવે'. 

ત્યારે શિક્ષકે કહ્યું કે 'સળી લખાય નહીં, કરાય'.

સાર્થ જોડણી કોશ પ્રમાણે સળીનો અર્થ થાય છે ઘાસનો, લાકડાનો કે ધાતુનો લાંબો, પાતળો, નાનો કકડો. સળી એ ઉશ્કેરાટ અને અટકચાળાની જન્મદાતા છે. સળીના સત્તર હજાર સાતસો સત્તર પ્રકાર છે. જેની બહુવિધ યુક્તિ પ્રયુક્તિ છે. ગાંધીજીએ લખ્યું છે કેત 'હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી' પણ એ જ કોશમાં ભૂલો છે. આ સળીસત્ય કોને સમજાવવું ! સળીસર્જકોને સો સો સલામ...! 

સળીસર્જકો દ્વારા સર્જાયેલું સાહિત્ય ગ્રંથસ્થ નથી થયું પણ કંઠસ્થ છે. વર્ષોથી કંઠોપકંઠ વહે છે. ધૂપસળી સુગંધ આપે છે પણ સંચાસળી દુર્ગંધ ફેલાવે છે. કેટલાક સળીસર્જકનું નાક કાપો તો ફરી ઊગી જતું હોય છે ! સળીસળી ભેગી કરીએ તો માળો થાય અને વધુ સળી ભેગી કરો તો સ્વચ્છતા અભિયાનનો સૂત્રધાર સાવરણો થાય છે. કોઈ માણસની બહુ બધી સળી થાય તો ગાળ કે ગુસ્સો પુરસ્કારમાં મળે છે. આ પૃથ્વી પર કેટલાક 'પુણાત્મા' અસ્તિત્વ ધરાવે છે કે એ સળીબાજો છે. રોજ કોઈની સળી ન કરે તો એને રાત્રે ઊંઘ આવતી નથી. જેનું કાર્ય માત્ર અને માત્ર સળી કરવાનું જ છે. ગાંધીવાદી જેમ સળીવાદી પણ હોય છે. જેનો સળીસત્યાગ્રહ સૂર્ય ઊગે ત્યારથી શરુ થાય અને સૂર્યાસ્ત સાથે ઢળી જાય છે. જો કે કેટલાક તો સપનાંમાં પણ સળી શરુ હોય છે ! આ નાક વગરના નરબંકાઓને ગમે તેટલા ટોકો પણ એમને કંઈ ફરક પડતો નથી. જો કે કેટલીક સળીઓ નિર્દોષ પણ હોય છે, જેમાં કેન્દ્ર સ્થાને માત્ર હાસ્ય હોય છે. અમેરિકન ફિલ્મ નિર્માતા ગોલ્ડવિનના સેક્રેટરીએ તેમને પૂછયું કે 'ફાઈલો બહુ વધી ગઈ છે, વાંધો ન હોય તો અગાઉનાં વર્ષોેની ફાઈલો બાળી નખાવું ?'

જવાબ મળ્યો 'ચોક્કસ એમ કરો, પણ એ પહેલા એની નકલ કરાવી રાખજો'

યુવા અવસ્થામાં મસ્તી માટે સળી થતી હોય છે. મિત્રનાં પાકીટમાંથી પૈસા ચોરી પછી એનાં જ પૈસે એને  જમાડીએ. હોસ્ટેલલાઈફમાં આવી ટોળટીખળ ટોળી  હોય છે. કોરોનાના કારણે થોડા મહિનાથી હેબિટેટ બંધ રહ્યાં છે જેથી જીવસૃષ્ટિમાં માનવ ખલેલ ઓછી થયું અને પક્ષીઓના બિહેવિયરમાં પણ બદલાવ જોવા મળ્યો. પ્રકૃતિએ પણ આ કાળમાં નિરાંતનો દમ લીધો. 

વાંદરાને પણ અટકચાળો કરે તેવા લોકો કાન ખોતરવાની સળી લઇ લોકોનું મગજ ખોતરતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા સળીરત્નો બહુ પડયા છે. તમારી અનેક સારી પોસ્ટમાં કદી કમેન્ટ ન કરે પણ કોઈ નાની એવી ભૂલ દેખાય એટલે તૂટી પડે, આવા લોકો ભૂલ થવાની રાહ જોઇને જ બેઠા હોય છે, ફૂલ થવાની રાહ જોઈને બેઠા હોત તો કેવું સારું થાત ! ફેસબુકના‘Poke’નો લાક્ષણિક અર્થ સળી જ થાય છે. અલ કેપે કહ્યું છે કે‘The Public is like a piano, You just have to know what keys to poke’  બે દિલ મળે ત્યારે દુનિયાને એની ગોસીપમાં બહુ રસ પડતો હોય છે. એક નાળિયેરમાં બે પોલી સળી (સ્ટ્રો) નાખી પીતા હોય તો સમજવું કે કુંવારા છે ! સ્ટ્રોથી લોકોનું લોહી પી શકાતું હોત તો એની માંગ બજારમાં જબરી હોત....! ફેસબુકમાં ગમે તેવી કમેન્ટ લખી પછી સળીસજ્જનો ટ્રોલિંગનો ટેસડો મનાવતા હોય છે. તેઓ પાછા વોટ્સએપના વોકળાથી સળી સંદેશાઓનો ધોધ વહાવતા હોય છે. 

ગામડાંમાં સવિશેષ પ્રકારના સળીવીરો જોવા મળે છે. એમને ટીખળનો તરખરાટ મચાવવો ગમતો હોય છે. અભાવો વચ્ચે જીવતી પ્રજા માટે આ રોજિંદી રમૂજ મનોરંજનનો એક માત્ર આશરો બની જાય છે. એટલે જ તળના માનવીમાં નૈસગક હાસ્ય જોવા મળે છે. ગામડાંના એક યુવાનને હાથમાં લોહી નીકળ્યું તો કહે કે 'તગારું કરડી ગયું' એની સાદી સરળ વાતમાં પણ મજાકના મરીમસાલા હોય છે.

જ્યોતીન્દ્ર દવેના એક હાસ્યલેખમાં એક પાત્ર સતત સવાલસળી જ કર્યા કરે. 'ભદ્રંભદ્રં'માં તો કેવા અદભુત ઉદાહરણો જોવા મળે છે ! કવિસંમેલનમાં કોઈ એક કવિને બહુ દાદ મળે તો કેટલાક કવિ 'ઈર્શાદ ઈર્શાદ'ને બદલે 'ઈર્ષા ઈર્ષા' બોલે છે. અનિલ જોશીએ કહ્યું છે કે 'માળામાં ગોઠવેલી સળી હું નથી, મને વીજળીની બીક ના બતાવો'. કમોસમી વરસાદ એ કુદરતની સળી છે. પેન્સિલમાં ગ્રેફાઈટની સળી છે એમ ટ્રમ્પમાં અવળચંડાઇની સળી છે.  

આંધીમાં વૃક્ષ પડી જાય પરંતુ સળીને કશું થતું નથી.  સળીસોપારીની મજા ખાવા કરતા જોવામાં વધુ છે. દાંત ખોતરવાની સળી ક્યારેક ચોક્કસ જગ્યાએ થાય ત્યારે ભલભલો માણસ ઊભો થઇ જાય છે. કાંકરીચાળો કરતા સળીચાળો વધુ વમળો સર્જી શકે છે. કેટલાક લોકો જમે છે ઓછું અને સમ વધુ ખાય છે. 

સંજય લીલા ભણસાળી પર આળ આવ્યું કે 'ક્રિએટીવ ફ્રીડમના નામે તેઓ ઈતિહાસ સાથે સળી કરે છે.' કનૈયાલાલ મુન્શીએ પણ એમની નવલકથાઓમાં ઈતિહાસ સાથે બાંધછોડ કરી છે. સુપ્રસિદ્ધ ગાયક દેવાંગ પટેલની 'ગ્રાંડ સળી' નામે મજાની ફિલ્મ પણ છે. ત્રણ પૂતળીની કથામાં આવતી ત્રીજી પૂતળીના પેટમાં સળી ઉતરી ગઈ એટલે એ ઉત્તમ સંગ્રાહક ગણાઈ. આપણે આપણી સળી કરી, આપણી અંદરની ત્રીજી પૂતળીની શોધ કરવા જેવી ખરી. અંકુર શ્રીમાળીના શબ્દો સાથે સળીશાસ્ત્રને વિરામ આપીએ..એક પંખી ઉપાડીને સળી, રોજ કરે છે માળો, ને એક માણસ કરીને સળી, રોજ પીંખે છે માળો. 

આવજો...

જે દેશ પાસે બોમ્બ(અણુ) હોય, તે દેશની સ્થિતિ ડંખવાળી મધમાખ જેવી હોય છે. મધમાખ પાસે ડંખ હોય છે, પણ તે વાપરે એટલે તરત જ તેનું મોત થાય છે !  

- જોન  સ્ટ્રેચી 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pJCsQL
Previous
Next Post »