આ વર્ષે પ્રશંસકોને રાજી કરવા ગુરમીત ચૌધરી કરશે ઝાઝી ફિલ્મો

- સારા ફિલ્મ સર્જકો સાથે કામ કરવાની લ્હાયમાં માત્ર પસંદગીની ફિલ્મોમાં જ કામ કરતો. પરંતુ આ વર્ષે હું મારા ચાહકોને રાજી કરવા વધુ ફિલ્મો કરીશ. હવે ઓટીટી  પર પણ  ઘણું કામ મળે છે.


અભિનેતા ગુરમીત ચૌધરીનું નામ લેતા વેંત વર્ષ ૨૦૦૮માં રજૂ થયેલી પૌરાણિક ધારાવાહિક 'રામાયણ'ના 'રામ' યાદ આવે. ગુરમીત ચૌધરીએ આ સિરિયલમાં ભગવાન શ્રીરામની ભૂમિકા એટલી સરસ રીતે ભજવી હતી કે આજે પણ મોટાભાગના લોકો તેને 'રામ' તરીકે જ ઓળખે છે. મહત્ત્વની વાત એ છે કે તે વખતે ગુરમીત જ્યાં શૂટિંગ કરતો ત્યાં વૃધ્ધ મહિલાઓ તેને ખરેખર ભગવાન 'રામ' માનીને પગે લાગતી અને તેના ચરણોમાં યથાશક્તિ દાન કરતી. આ બધું જોઈને ગુરમીત ઘણીવાર છોભીલો પડી જતો, તેને એ વાતની શરમ આવતી કે તેની માતાની વયની મહિલાઓ તેના ચરણ સ્પર્શ કરે છે.

ખેર... હવે, તેના જીવનનો આ તબક્કો ઘણો પાછળ રહી ગયો છે. તેણે અન્ય ઘણાં પાત્રો ભજવીને પોતાની 'રામ' તરીકેની છબીમાં પરિવર્તન આણ્યું છે. આ શો સિવાય 'ગીત- હુઈ સબસે પ્યારી' અને 'પુનર્વિવાહ' જેવી સિરિયલોમાં જોવા મળેલો આ અભિનેતા અને માર્શલ આર્ટિસ્ટ ધીમે ધીમે ફિલ્મો તરફ વળ્યો છે. તેણે સાઈકોલોજિકલ થ્રિલર 'ખામોશિયાં' ઉપરાંત વોર ફિલ્મ 'પલટન', ઈરોટિક- ક્રાઈમ થ્રિલર 'વજહ તુમ હો' જેવી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તે એક વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરતો. જોકે આ વર્ષે તેણે ચાર- પાંચ ફિલ્મો કરવાનો નિર્ધાર કર્યો છે.

ગુરમીત કહે છે કે હું મારું ધ્યાન અલગ અલગ ફિલ્મો વચ્ચે વહેંચવા નહોતો માગતો તેથી મેં એક વર્ષમાં એક જ ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેને કારણે મારા પ્રશંસકો મારાથી નારાજ થાય છે. તેઓ મને અવારનવાર કહે છે કે મારી પત્ની તમારી બહુ મોટી પ્રશંસક છે કે મારી ગર્લફ્રેન્ડ તમને વધુ ફિલ્મોમાં જોવા માગે છે. ઈત્યાદિ. 

છેવટે મેં આ વર્ષે વધુ ફિલ્મો કરવાનો નિર્ધાર કર્યો છે. હું ઘણી સ્ક્રીપ્ટસ વાંચી રહ્યો છું અને ઓછામાં ઓછી પાંચેક ફિલ્મોમાં કામ કરવા માગું છું. અગાઉ હું સારા ફિલ્મ સર્જકો સાથે કામ કરવાની લ્હાયમાં માત્ર પસંદગીની ફિલ્મોમાં જ કામ કરતો. પરંતુ આ વર્ષે હું મારા ચાહકોને રાજી કરવા વધુ ફિલ્મો કરીશ. વળી હવે ઓટીટી પ્લેટફોર્મ પર કલાકારોને ઘણું કામ મળી રહ્યું છે.

અભિનેતાની વાત સાંભળીને આપણને સહેજે એમ થાય કે શું ૨૦૨૦ની સાલ કલાકારો માટે કામ વગર ખાલી ગઈ તેનું સાટું વાળવા ગુરમીત વધુ ફિલ્મો કરવા માગે છે? આના જવાબમાં તે કહે છે કે ખરેખર તો ગયા વર્ષને આપણે આપણા કેલેન્ડરનો ભાગ જ ન ગણી શકીએ. આમ છતાં મારા માટે ૨૦૨૦ની સાલ સાવ ખાલી નહોતી ગઈ. મેં 'ધ વાઈપ' ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. કોરોનામાં પણ સપડાયો હતો અને દુબઈનો પ્રવાસ પણ કર્યો હતો. બાકી જેમ દુનિયાભરના લોકોને ગયા વર્ષે લગભગ આખું વર્ષ ઘરમાં બેસી રહેવાની નોબત આવી હતી તેમ હું પણ માતબર સમય સુધી ઘરમાં જ પૂરાયેલો રહ્યો હતો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pPm2X7
Previous
Next Post »