ફેશન ડિઝાઈનરોની દુનિયામાં માસાબા ગુપ્તાનું નામ જગમશહૂર છે. પરંતુ ગયા વર્ષે આ જાણીતી ડિઝાઈનરે 'માસાબા માસાબા' વેબ સિરિઝ દ્વારા અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું. પોતાની જ સેમી ઓટોબાયોગ્રાફી સમી આ વેબ સિરિઝને જબરદસ્ત આવકાર મળતાં માસાબાનો આત્મવિશ્વાસ બુલંદ બન્યો છે અને હવે આ વેબ સિરિઝની અન્ય સીઝનોનું આયોજન થઈ રહ્યું છે.
પોતાની વેબ સિરિઝને મળેલા આવકારને પગલે માસાબા કહે છે કે હું આ સિરિઝની આગામી સીઝન્સ સિવાય અન્ય કોઈ શો કે સિરિઝમાં મારું પોતાનું પાત્ર ભજવવા નથી માગતી. હવે હું એવા કિરદાર નિભાવવા માગું છું જેમાં હું અભિનયના જુદાં જુદાં પાસાં ઉજાગર કરી શકું. હવે મને એક ધીરગંભીર શોમાં કામ કરવું છે. મને એકદમ અઘરી ભૂમિકા ભજવવી છે, એવું પાત્ર જે ભજવીને હું પોતે પણ વ્યાકુળ થઈ જાઉં. અભિનેત્રી નીના ગુપ્તાની આ પુત્રીને આ વર્ષમાં નવી નવી સિરિઝોમાં કામ કરવું છે.
માસાબા કહે છે કે ઘણાં લોકો એમ માને છે કે હું કાલ્પનિક કથાનક ધરાવતી સિરિઝોમાં કામ કરવા નથી માગતી. પરંતુ આ વાત સાચી નથી. અલબત્ત, મને જે કામ ઓફર થશે તે મને ઝડપી નથી લેવું. મને એવા રોલ કરવા છે જે હું સ્વયં માણી શકું. સાથે સાથે મારે મારા અભિનય ક્ષેત્ર તેમજ ફેશન ડિઝાઈનિંગના કામ વચ્ચે સંતુલન જાળવવું છે. હું બંનેમાંથી એકે કામમાં કચાશ રાખવા નથી માગતી.
મહત્ત્વની વાત એ છે કે માસાબા હમેશાંથી અભિનય કરવા માગતી હતી. પરંતુ તેણે પહેલું કાઠું ફેશન ડિઝાઈનીંગ ક્ષેત્રે કાઢયું. તે આનું કારણ આપતાં કહે છે કે મારી મમ્મીને કારણે હું અગાઉ અભિનય ક્ષેત્રે ન આવી. વળી હું એમ પણ માનતી હતી કે ફિલ્મ સ્ટાર બનવા તમારી ત્વચા ગૌરવર્ણી હોવી જોઈએ અને તમારી ઊંચાઈ તેમજ બાંધો ચોક્કસ પ્રકારના હોવા જોઈએ. હું જ્યારે કોઈ અભિનેત્રીને જોતી ત્યારે મારી આ માન્યતા દ્રઢ બનતી. આપણી જાણીતી અદાકારાઓ કેટલી રૂપાળી અને મોહક છે.
જોકે હવે માસાબાને સમજાયું છે કે આજની તારીખમાં તમારા દેખાવ કરતાં તમારા હુન્નર- કાબેલિયતને વધુ મહત્ત્વ મળે છે. તે કહે છે કે મારામાં અભિનય ક્ષમતા, આત્મવિશ્વાસ છે. હું એટલી જ બુધ્ધિશાળી પણ છું. હું ઘણાં વર્ષ સુધી એક દર્શક રહી હતી તેથી દર્શકને શું ગમે છે અને શું નહીં તે હું સારી રીતે જાણું છું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cInV48
ConversionConversion EmoticonEmoticon