- ફિલ્મી કાર વોશના સીન્સ તો સમજ્યા પણ ડવના સાબુની ઈન્ટરનેશનલ એડમાં ૧૧ દેશોના ચહેરા બતાવાયા હતા, એ બધા સ્ત્રીઓના જ શા માટે?
- શરીરને ચોખ્ખું કરતા સાબુની ભેટ મેલમાંથી મળી એ જાણો છો? કેવી રીતે જાહેરાતોએ દુનિયાને સાબુની ગોટી ચોળીને ન્હાતી કરી એ ખબર છે?
'હું વાઘથી ના બીઉં, સિંહથી ના બીઉં... પણ ટાઢાં ટબૂકલાંથી બીઉં!'
આ બાળવાર્તાના ટાઢા ટબૂકલાંના દિવસો તો ફેબુ્રઆરીની હૂંફાળી પ્રેમવસંતમાં હવે જવાના છે. પણ આવો જ કશોક ઘાટ આખી દુનિયાને થંભાવી દેનાર કોરોનાસુર વાઈરસરાક્ષસનો થયો છે, એ નજરે ચડયું? વેક્સીનેશન હજુ શરૂ થયું છે જગતમાં. એમાં ય કેટલી હદે એ કારગર નીવડશે, કેવી સાઈડ ઈફેક્ટ્સ હશે એ બધા અનુમાનો ચાલે છે. બધે તો ફટાફટ રસીકરણ પ્રેક્ટિકલી થઈ શકે એમ પણ નથી. હજુ ફુલપ્રૂફ પ્રિસ્ક્રિપ્શન બને કોરોના અને એની સાઇડ ઈફેક્ટનું, એ લેવલની કોઈ દવા શોધાઈ નથી. થોડી ઘણી અસર કરવાના દાવાઓમાં ઘણા જો-તો છે, ને ખર્ચાળ પણ છે. નો ક્યોર ફોર કોરોનાનું પાટિયું ઝૂલે છે, હજુ ય ગ્લોબલી.
જેમણે સ્વજનો ગુમાવ્યા છે કે કટોકટીમાં તડપતા જોયા છે, હજુ થોડો સમય જોડે રહી શકે એવા વડીલોને અંતિમ વિદાય પણ સરખી ન આપી શકાય, એ અનુભવ્યું છે - એમણે જ કોવિડકાળની ખરી ભયાનક ગંભીરતા ફેસ કરી છે. એવે વખતે થાય કે ગમે તે થાય પણ કરોડો લૂંટાવી દઈએ ને આ મૂઆ કાળમુખા વાઈરસને પતાવી દઈએ. પણ જગતના ભલભલા શ્રીમંત શક્તિશાળી લોકો કરોડો ખર્ચીને ય જે કોરોનાને ખતમ ન કરી શકે એ કામ તો આસાનીથી ઘરે બેઠાં કોઈ પણ ઝૂંપડપટ્ટીના કંગાળ મુફલિસો ય વીસ-ત્રીસ રૂપિયામાં ય કરી શકે એમ છે. વાઇરસનો વિનાશ. સંપૂર્ણ ખાત્મો. બસ, માત્ર સાબુ વાપરવાથી! વીસ સેકન્ડ સુધી સાબુના ફીણવાળું પાણી રહે એમ હાથ આગળપાછળ ખૂણે ખાંચરે ચારેબાજુથી ધુઓ ને નાક-મોંનો ભાગ ધુઓ એટલે કોરોના એકે ય જીવતો ન જડે!
વાઇરસ આમ તો સજીવ-નિર્જીવ કરતાં સક્રિય-નિષ્ક્રિયની વ્યાખ્યામાં આવે. જેની કોઈ દવા નથી એનો કોઈ પણ, રિપિટ કોઈ પણ સાબુ ઘડીના છઠ્ઠા ભાગમાં ધ એન્ડ કરીને ડિએક્ટીવેટ કરી નાખે છે. આ કટારમાં પ્રથમ લોકડાઉન વખતે એનું સાયન્સ સમજાવેલું યાદ હોય તો. વાઇરસના ત્રણ ઘટકો મુખ્ય ઃ રિબોન્યુક્લિઈક એસિડ યાને ફાઈઝર-મોડર્નાની વેક્સીન જેના પર આધારિત છે, એ આરએનએ. પ્રોટીન્સ અને લિપિડ યાને ચરબી. (એટલે તળેલું/મીઠાઈઓ ખાવાના શોખીનોના કોલેસ્ટ્રોલનો લિપિડ પ્રોફાઈલ થાય છે.) જ્યારે શરીરમાં વાઇરલ 'ઈન્ફેક્શન' થાય ત્યારે એ આપણા સાજા કોષમાં ધામા નાખી, આ બેઝિક એલીમેન્ટસનો ઉપયોગ કરી પોતાની ફોટોકોપીઝ કાઢવા લાગે છે, ને એમાં યજમાન કોષ ચૂસાઈને ખતમ થાય એટલે નવી બનેલી ક્લોન પ્રતિકૃતિઓ બીજે આગળ વધે છે અને એમાં ફેફસાં સુધી પહોંચે છે. અદ્રશ્ય વિષાણુ (વાઇરસ) કોઈ સપાટી પર હોય તો ય દેખાય નહિ ને હાથને અડે પછી હાથ નાક-મોંને અડે (જેનું વિજ્ઞાાન પણ લોકડાઉન સમયે શતદલના અનાવૃત્તમાં આવી ગયું) એટલે તરત વાઇરસને એન્ટ્રી મળે. વાઇરસ હાથ-ટેરવાંને ચોંટેલા હોય ને સાદું પાણી એનું આ ઈશ્કી બંધન તોડી ન શકે. પણ સાબુવાળું દ્રાવણ તરત જ વેલેન્ટાઈનના પ્રેમીઓ પર ત્રાટકતા ધરાર સંસ્કૃતિપૂજકોની જેમ વાઇરસને વિખૂટા પાડી દે છે!
લંડનના કેમિસ્ટ્રી પ્રોફેસર એન્ડ્રિયા સેલાએ ઈકોનોમિસ્ટ મેગેઝીનને ઈન્ટરવ્યુમાં આ પ્રોસેસ બખૂબી સમજાવી હતી. સાબુના મુખ્ય ઘટક બે ઃ ચરબી યાને ઓઈલ અને આલ્કલી - એટલે સોડા/સોલ્ટ. સ્પર્મ યાને શુક્રકોષની જેમ એને મસ્તક હોય ને પૂંછડી હોય જ્યારે એ પાણીના મોલેક્યુલ્સ સાથે ભળે ત્યારે. એ ચીકાશ જે આપણને લાગે ત્યારે એ સાબુના સૈનિકો બેક્ટેરિયા અને વાઇરસ પર હુમલો કરે છે. એનું 'માથું' પાણી તરફ ને પૂંછડી ચરબી તરફ ખેંચાય. વાઇરસમાં ય ચરબી હોય ને ફરતે પાણી હોય એટલે એનું 'કવર' ઝીંક ન ઝીલી શકે. એટલે વાઇરસ કે બેક્ટેરિયા ત્યાં જ હોરર ફિલ્મમાં પવિત્ર પાણી છંટાતા ઓગળી જતા ભૂતની જેમ આત્મવિલોપનની અવસ્થામાં આવી જાય.
ભલભલી ફાર્માસ્યુટિકલ કંપનીની દવાઓ જે વાઇરસ સામે શરીરની અંદર ન લડી શકે, એમ બહાર જ સાબુબાબુ પતાવી દે! સેમ પ્રોસેસ ઓલમોસ્ટ સેનિટાઇઝરના આલ્કોહોલ ઇથેનોલની હોય છે. (પીવાવાળો શરાબ ઈથેનોલ નહિ) સાબુની જાહેરાતમાં એન્ટીબેક્ટેરિયલ લખાય પણ એ તો વગર જાહેરાતે બાયડિફોલ્ટ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ હોય જ છે. બે લાખ રૂપિયાનો આવતો હીરાની રજ ધરાવતો કતાર સોપ હોય, કે બ્રાન્ડ વગરનો મોટી બોટલમાં ભરાતો લિક્વિડ સોપ હોય - આ બાબતે વાઇરસ કિલર તરીકે રિઝલ્ટ સરખું જ ને સેનિટાઈઝરથી વધુ ભરોસાપાત્ર પણ.
લો બોલો. કેવી કેવી કલ્પનાઓ પૃથ્વી પર પ્રલયકારી પેન્ડેમિક (રોગચાળો) ફાટી નીકળશે એની કરવામાં આવી છે! આપણે ફિલ્મોમાં ભેદી ટોળા લગાવી ફરતા પાત્રો કે બંકરમાં લપાઈને રહેતા કે અવનવા બખ્તરિયા ડ્રેસ પહેરતા પાત્રો જોયા છે. ઝોમ્બીઓ સામે હથિયારો લઈને ધસી જતા હીરો હીરોઈન જોયા છે. કિસમ કિસમના ભેદી હથિયારોથી એલિયન્સનો મુકાબલો કરનારા જોયા છે. પણ એક્ચ્યુઅલી કોરોનો ત્રાટક્યો ત્યારથી આજ સુધી આપણું એની સામેનું મુખ્ય શસ્ત્ર શું? જૂનો ને જાણીતો ઘર ઘરનો સભ્ય એવો સાબુ!
પણ આ સાબુ જેના સગડ સરખા ન મળે એટલો જૂનો ને આટલો લાઇફમાં રૂટિન બની ગયેલો આવિષ્કાર હોવા છતાં ય આ સ્વરૂપમાં નહાવા માટે હજુ એટલો પોપ્યુલર થયાને બહુ બધી સદીઓ નથી થઈ એ જાણો છો? એથી ય મહત્ત્વની વાત. એક સમયની સૂગ ચડાવતી સૌથી ગંદી બે બાબતો પ્રાણીજ ચરબી - પશુઓના મૃતદેહના કપાયેલા હિસ્સા અને ગંદીગોબરી એવી ભૂખરી રાખ એના થકી જ શરીર પરનો મેલ હટાવતો, ધૂળ સાફ કરી ત્વચા ચોખ્ખી ચમકતી કરતો સાબુ બન્યો, એ વાઇરસમાંથી જ રસી બને એને હંફાવતી એવો જ અનોખો ને વિચિત્ર નથી લાગતો? ધૂળ હટાવવાનું કામ જ ધૂળ પાસેથી લેવાનું!
સાબુની શોધ કોઈ માણસ કરતા અકસ્માતે થઈ હોવાનું મનાય છે. માણસે જંગલમાંથી નગરસંસ્કૃતિ શરૂ કરી, ત્યારે આપણે ત્યાં ય જૂના ઉત્ખનનમાં નીકળ્યા ને રોમનોએ તો બહુ ભવ્ય બનાવેલા એવા સ્નાનાગાર હતા. પણ નહાવામાં પાણી હતું. સાબુ નહિ! જે ગ્રીક-રોમન સુંદર સુંદર શિલ્પો જોઈએ છે, એ લોકો માથાબોળ 'ખંખોળિયું' ખાઈને પછી સુગંધી તેલોનો લેપ કરતા શરીરમાંથી વાસ ન આવે એટલે અને એની ચીકાશ કાઢવા ફરી ન્હાઈ ન્હાઈ કરી લેતા. પણ સોપ હાથમાં આવ્યો છતાં ય વાપરતા નહોતા. એનો ઉપયોગ કપડાં ધોવા કે વાસણોની સફાઈ માટે કરતા. રોમન લેખક પ્લિની ધ એલ્ડરે સેલ્ટિક પ્રજાતિઓ મટન ટેલો એન્ડ એશમાંથી બનેલા મિક્શ્ચરથી વાળ ધુએ છે ને પછી એને લાંબા ઝાંયવાળા (મેંદીના પાન?) કરે છે, એવી નોંધ લખી છે. સાબુને કપડાવાસણ ધોવા પૂરતો ઉપયોગી ગણ્યો તો મહાન રોમનો નહાવામાં બીજું કંઈ વાપરતા? યાદી વાંચીને નાકનું ટેરવું ચડી જવાની શક્યતા પૂરી જાણજો. શિયાળના વૃષણ (ટેસ્ટીકલ્સ), વિનેગાર ભેળવેલું ગાયનું છાણ અને માનવમૂત્ર. છીઈઈઈ. આના કરતા આપણા પૂર્વજોના ચણાનો મલાઈ નાખેલો લોટ કે કાળી માટી શું ખોટી હેં!
ઇ.સ. ૭૭ની 'નેચરાલીઝ હિસ્ટોરીયા' બૂકમાં પ્લિનીની ભલામણ છતાં કોઈ સાબુથી ન્હાતું નહિ. સમયાંતરે ઓલિવ ઓઇલ ચોપડવાની આદતને લીધે જામી જતો મેલ ઉખાડવા એ સમયે 'સ્ક્રબર'નો પૂર્વજ ચામડી પર ઘસવામાં આવતો. હજુ હમણાં સુધી આપણે ત્યાં લોકભોગ્ય એવા ઠીકરાંની માફક! જૂના નળિયાના ઘસીને લિસ્સા કરેલા ઠીકરાંથી મમ્મી મેલ ઘસી દે ને રાખનો ભાર દઈ નાળિયેરના છોતરાંથી વાસણ ઘસે એ બચપણની ધૂંધળી ન થયેલી યાદો છે હજુ.
પણ ગ્રીક-રોમન કલ્ચર પહેલા પ્રાચીન બેબિલોન-મેસોપોટેમિયામાં અને ઇજીપ્તમાં સાબુ જેવા પદાર્થના અવશેષો મળી આવ્યા છે. એક્ચ્યુઅલી જંગલના દાવાનળો (ભૂલી ગયા ઓસ્ટ્રેલિયાની આગ?)માં ભસ્મીભૂત વૃક્ષોના લાકડાની રાખમાં કોસ્ટિક સોડાનું તત્ત્વ રહેતું. અને મરેલા પ્રાણીઓની ચરબી ય આમતેમ પડેલી હોય. પાણીના વ્હેણમાં તણાતા બે ય પદાર્થ કોઈ કિનારે ભેગા થયા અને એમ પ્રકૃતિએ માણસને સાબુની ભેટ આપી!
આ ઇતિહાસ પગેરું ન મળે એટલો પ્રાચીન હોવા છતાં સાબુ બોલોને જે સ્વરૂપ આપણા મગજમાં તરવરે, એ તો રાણી વિક્ટોરિયાના જમાનાથી શરૂ થયું! (બ્રિટનનો એમાં રોલ છે એટલે ક્વીનનું સંભારણું!) સાબુ ઓલિવ ઓઇલમાંથી સીરિયનોએ પ્રમાણમાં સારો બનાવ્યો. પછી ઇટાલી, ફ્રાન્સ, સ્પેનમાં પહોંચ્યો. સ્પેનના મધ્યભાગના જેબોં દ કાસ્ટિલાનો સાબુ ભારે વિખ્યાત થયો. પણ ઇંગ્લેન્ડના વાવટા ફરક્યા બારમી- તેરમી સદીમાં 'સોપ એરા'માં અને એ પછી કોલોની/ વસાહતો જોડે અમેરિકા ગયો. યુરોપિયનો તો સાબુથી રોગ ફેલાય એમ માનતા (એફવાયઆઇ ઃ સાબુ ઉપરાછાપરી ગમે તેટલા વ્યક્તિઓ વાપરે, એમાં કોઈ માઇક્રોબ્સ ટકી નથી શકતા. ટૂંકમાં હોસ્ટેલમાં સોપ શેરિંગનો ક્ષોભ ન રાખવો) ન્હાવાનું તો બધે પાણીથી જ. ૧૮૦૭માં ન્યુયોર્કમાં કોલગેટ અને ૧૮૩૭માં સિનસિનાટીમાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ શરૂ થઈ અમેરિકામાં એટેલ માસ પ્રોડક્શન થયું. પણ બૉધિંગ બ્યુટીવાળી પદવીનું અપગ્રેડેશન બાકી જ હતું.
૧૮૫૩માં ઇંગ્લેન્ડમાં સાબુ પરનો ટેક્સ ઘટયો, એ પહેલા બે વળાંકો સોપ હિસ્ટ્રીમાં ફ્રાન્સમાં આવ્યા. ૧૭૯૦માં ફ્રેન્ચ કેમિસ્ટ નિકોલા લેબ્લાંએ સોડા નમકમાંથી મેળવવાની પેટન્ટ મેળવી લક્કડિયા રાખને અલવિદા કહી. બીજા ફ્રેન્ચ કેમિસ્ટ યુજીને ગ્લીસરીન અને ફેટી એસિડની કેમિસ્ટ્રી શોધી ધીરે ધીરે સિન્થેટીક કેમિકલ્સ શોધાતા ગયા અને ઉકળતા દ્રાવણોથી બનતો સોપ કોલ્ડ પ્રેસ લાટો બનતો ગયો.
૧૮૭૯માં પ્રોક્ટર એન્ડ ગેમ્બલે ન્હાવા માટે અમેરિકામાં આઇવરી સોપ લોન્ચ કર્યો જેમાં પરફ્યુમ્સ હતા એટલે સુગંધ આવતી. સિવિલ વોર પછીના 'નવા અમેરિકા'માં એ ચલણ વધ્યું. ૧૮૯૮માં ત્યારે વર્લ્ડનો ટોયસેલિંગ સોપ (જે સ્થાન આજે ડવનું છે.) પામ વૃક્ષને ઓલિવ ઓઇલના તેલનો પામ-ઓલિવ સોપ આવ્યો. ૧૯૦૯માં વનસ્પતિની ચરબીની શોધ પાકી થતા સાબુ 'વેજીટેરિયન' બન્યો. બબ્બે વિશ્વયુદ્ધે યુરોપને નેચરલ ઓઇલ્સની શોર્ટેજમાં કેમિકલ શોધવા મજબૂર કર્યું. ૧૯૩૩માં પ્રોક્ટર એન્ડ ગેમ્બલે ઘરમાં વપરાતો ડિટર્જન્ટ બનાવ્યો અને ૧૯૪૭માં ટાઇડ જેવો વૉશિંગ પાઉડર આવ્યો ને બ્યુટી શોપ અલગ થઈ ગયો! કપડા- વાસણથી પૂરેપૂરો.
પણ આ ટાઇમલાઇનના ઇતિહાસમાં સ્નાન માટેના સાબુતણો સૌથી કમનીય વળાંક તો નેચરલી કામિનીઓ યાને સ્ત્રીઓ થકી જ આવ્યો!
૧૯મી સદીમાં લંડનની થેમ્સ નદી બેસુમાર ગંદકી અને ઔદ્યોગિક ક્રાંતિ પછી વધેલા પ્રદૂષણથી ઉભરાતી હતી. પછી દૌર આવ્યો એના પડઘારૂપે પર્સનલ હાઇજીન અને સેનિટેશનનો. એમાં સાબુની ડિમાન્ડ ઉંચકાય એમ હતી પણ એ સમયની બનાવવાની રીત મુજબ મીઠાં અને કસાઈખાનાની ચરબીથી બનેલી ચીજનું 'મહાત્મ્ય' ગળે કેમ ઉતારવું?
એન્ટર ધ એડવર્ટાઇઝીંગ! જાહેરાતના શાસ્ત્રે કેવા કેવા પરિવર્તનની છડેદારી કરી છે,એનો આપણને પૂરો અંદાજ નથી. સાબુ જોડે જાહેરખબરમાં અમેરિકામાં ચિત્રો છપાતા, એ સમયે લંડનની સૌથી વધુ ગ્લેમરસ સેન્સેશનલ સુંદરી ગણાતી લિલિ લેંગટ્રીને પીઅર્સ કંપનીએ સાઇન કરી. એણે હાથમાં સાબુમોશાયને પકડી પોઝ આપ્યો ને કહ્યું કે, '(મારા જેવું) બેજોડ રૂપ નિખારવા માટે.' આ કોઈ સ્ત્રીને મોડેલ તરીકે લઈને કરાયેલું પહેલું સક્સેસફૂલ કેમ્પેઇન જગતમાં ગણાય છે. સાબુ (કે એ હાથમાં લઈ ઉભેલી લિલી?)ના આકર્ષણથી તરત બજેટ પછીના શેરબજાર જેવી તેજી ભભૂકી ડિમાન્ડમાં. બ્યુટી સોપ કોન્સેપ્ટ એમ જ એવો તો જામી ગયો કે આજના 'મિંત્રા'ના લોગો બદલાઉ લાગણી દુભાઉ ઓવરસેન્સિટીવ ફેમિનિઝમના યુગમાં બેન થાય એવી જાહેરાતથી યુનિલીવરના લક્સે ધમાકો કર્યો. ૧૯૪૨માં આપણે 'હિન્દ છોડો'ની મથામણમાં હતા ત્યારે ફિલ્મી સિતારોં કા સૌંદર્ય સાબુન લક્સે એડમાં સીધું જ કહી દીધું 'વોન્ટ ટુ બી એટ્રેક્ટીવ?'
ઇમ્પેક્ટમાં એક સાઇડ ઇફેક્ટ એ આવી કે લાંબા સમય સુધી સ્નાન કરવાનું કામ સ્ત્રીઓનું, રૂપાળા ને સુંવાળા દેખાવાનું હોય. બાકી પુરૂષની તો મર્દાનગી જ પસીનાની ગંધ, વધેલી દાઢી, ચોંટેલી ધૂળ થકી, 'રસ્ટિક' મેલાઘેલાં ધૂળિયા બૂકની જ હોય એવી છાપ પડી ગઈ! પ્યોર જેન્ડર બાયસનું વિભાજન. ફિમેલ સાબુથી ન્હાઇને ગ્લો થાય ને મેલ પરેસવે ફ્લો થાય એ ફિકસ્ડ જ ફ્રેમ જ પ્રમોટ લાગી. પીઅર્સે ક્રાંતિ કરીને જે પારદર્શક સાબુ ગ્લીસરીન બેઝ બનાવી ફીણ વધાર્યા એની એક આરંભની જાહેરાતમાં કાળુ બાળક સાબુથી ન્હાઇને ગોરું થઈ જાય એવું ય દેખાડેલું. આપણે તો સાંવલા- ગોરાથી ટેવાયેલા પણ રેસિઝમ બાબતે આળા થતા પશ્ચિમને હવે એ માઇક્રો ઓફેન્સ લાગે! આમ પણ ઘણા વર્ગભેદ સુઘર અને ગોબરા ગરીબ એમાં જ હોય છે ને!
સાબુનું ફોક્સ ફેમિનાઇન એલીમેન્ટને લીધે હાઇજીનથી બ્યુટી તરફ ગયું. એમાં તો કિસમકિસમના ઇન્વેન્શન્સ થયા વધુ સોફ્ટ ને ઓછો એસિડિક (એમાં જ ડવની નિકલ પડી) ગુલાબની પાંદડીઓવાળો, જુઇની સુવાસવાળો, કેસરવાળો, ચંદનવાળો, ફ્રુટ્સની કટકીઓ વાળો, રેડી ફોમવાળો, ક્રિસ્ટલ શાઇનિંગવાળો ઔર ન જાને ક્યા ક્યા. સાબુને રંગો મળ્યા જેથી સ્ત્રીઓને ઉમંગો મળે. પુરુષ માટે મસ્ક્યુલાઇન લાઇફબોય, હમામ જેવા 'કડક' સાબુ. સ્ત્રીઓ માટે સંતૂર નહિ તો પહેલા પ્યાર લાયે જીવન મેં બહાર વાળો જય! ભારતમાં ય મોતી ને મૈસૂર સેન્ડલના ગોળ સાબુ પ્રસિદ્ધ થયા. ગાંધીજીએ સ્વચ્છતાના હેન્ડવોશ પર ધ્યાન આપ્યું ને બરછટ હાથ બનાવટના સાબુ ખાદીભંડારોમાં આવ્યા, જે આજે ઓર્ગેનિક હર્બલ તરીકે પેકેજ કરો તો પ્લાસ્ટિક વિનાની સજાવેલી ટોપલીમાં પ્રિમિયમ ભાવે વેચાય!
મૂડ એલીવેટર, હેલ્થ જનરેટર સોપ્સ પછી તો બાળકો માટેના રંગબેરંગી ખાસ મેડિકલ ઉપયોગ ને હોટલ ગેસ્ટસ માટેના ય આવ્યા રિલેક્સ થવા માટે, બધું ટેન્શન ભૂલી સુગંધી લિસ્સા સાબુએ ન્હાઇને ફ્રેશ થવાની આદત પડી ગઈ માણસને. ફ્લેવર સાથે એનું મેકિંગ ફર્યું. ઓછા કેમિકલવાળા સાબુથી ન્હાવ તો ચામડીએ ખંજવાળ ન થાય. અશુદ્ધિ કાઢો તો થેનોસ જે સ્ટોન્સની પાછળ પડેલો, એવા લાગે અમુક ટ્રાન્સપેરન્ટ સોપ્સ!
પણ અમેરિકાના એક કોરોના અગાઉના છેલ્લા સર્વેમાં જાણવા મળ્યું કે, ૭૫% પુરુષો વોશરૂમ (આપણી ભાષામાં એક નંબર, બે નંબર) જઈને સાબુથી હાથ ધુએ છે, પણ ૯૦% સ્ત્રીઓ સ્વચ્છતાની આદત જાળવે છે. એક્ચ્યુઅલી, આનો સંબંધ સદીઓના શ્રમવિભાજન સાથે હોઈ શકે. વગર પગારે કે - નોકરીએ ઘરમાં સફાઈની મુખ્ય જવાબદારી નારીની જ હોય છે. કચરાપોતાં, કપડા વાસણ, બાળકોની છીછીપીપી બધી સફાઈ- ક્લીનીંગની આદત એમને વધુ હોય છે. એ રીતે જુઓ તો ય સોપ માર્કેટિંગનું ફોક્સ કેમ વિમેન પર છે એ સમજાઈ જાય.
એક બીજું ય મોટું યોગદાન મહિલા શક્તિનું છે સાબુની શહેનશાહત પાછળ. ૧૯મી સદીના જર્મનીમાં એક છોકરી હતી,એગ્નેસ પોકલ્સ. એને યુનિવર્સિટીમાં સાયન્સ ભણવા જવું હતું, પણ એનો ભાઈ ગયો ભણવા અને એગ્નસ ઘરકામ કરી વૃદ્ધ મા-બાપ સાચવવા ઘેર રહી. ભાઈના વિજ્ઞાાનના પુસ્તકો એ એમ જ વાંચવા બેસે. ત્યારે સાબુનો ઉપયોગ વાસણ સાફ કરવામાં આગળ લખ્યું એમ વધુ હતો.
એગ્નેસે જોયું કે વાસણો ભાર દઈને ઘસવા પડે છે, કારણ કે એમાં તૈલી ચીકાશ હોય છે. વિજ્ઞાાનનું મૂળિયું નિરીક્ષણ અને કુતૂહલમાં છે. એણે ઘરમેળે થોડા પ્રયોગો કર્યા. નોંધો બનાવી અને સરફેસ ટેન્શન ઉર્ફે પૃષ્ઠતાણ વિશેની સાયન્ટિફિક થિયરી બનાવીને એક બ્રિટિશ સાયન્ટીસ્ટ ભાઈ પાસેના પુસ્તકો થકી ઓળખીને મોકલ્યા. એ વિજ્ઞાાનીને એમાં દમ લાગતા એણે પોતાની 'ઘરકામ કરતા વિજ્ઞાાની બનેલી યુવતી' એવી ઓળખ સાથે માર્ચ ૧૮૯૧ના પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલ 'નેચર'માં છપાવ્યા. એમાંથી આખી કેમિસ્ટ્રીની સરફેસ સાયન્સની બ્રાન્ચ ખુલી જેનો છેડો આ વાઇરસના ખાત્મા સુધી લંબાયો, અને પછી જ શરૂ થયો જમાનો બબલ્સનો!
જી હા, ફીણ અને પરપોટાંવાળા સાબુ! મેથ્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ ત્રણેનો એ સાબુના બબલ્સમાં ત્રિવેણી સંગમ છે! જેકી લીન નામના તાઇવાનીઝે તો કેનેડાની કંપની માટે બાળકો રમે ને પકડે તો ફૂટે નહિ એવા દસેક દિવસ રહેતા 'ટકાઉ' બબલ્સનું 'સાબુઈ જાદુઈ' પ્રવાહી બનાવ્યું છે.હવે ખાઈ શકાય એવા બબલ્સવાળા 'બાથ' પર સંશોધન ચાલુ છે. ન્હાતા ન્હાતા પરપોટાનો નાસ્તો! ૧૮૮૬માં પીઅર્સ સોપે તો સર જોન એવર્ટ મિલાઇસના બબલ્સના ચિત્રને જ જાહેરાતમાં ચમકાવેલું. સિમોન કાર્ડિન ને ચાર્લસ વાન્લૂના સોપ બબલ્સથી રમતા રમતા ચિત્રો ત્યારે જાણીતા હતા અને પછી સાબુ મેલ ધોવા માટે ફીણવાળા કરવાની હોડ જામી!
ફીણ ઓછા હોય એવા લાઈફબોય હૈ જહાં,તંદુરસ્તી હૈ વહાં તો મોઢે થઇ ગયું પુરુષ માટે લાલ અને સ્ત્રી માટે ગુલાબી રંગો ડિફાઇન થયા. પણ ભારતમાં મૈસૂર સેન્ડલ સોપની ફેક્ટરી સો વર્ષથી સુખ્યાત છે. પરદેશમાંથી મહારાજા કૃષ્ણરાજ વાડીયારને ૧૯૧૮માં પરદેશી સોપ બોક્સની ગિફ્ટ મળી એમાં એ સાહસ શરુ થયું. એની મૂળ ફેક્ટરી આજે ય વિશ્વમાં સૌથી મોટી ચંદનતેલ ઉત્પાદક ગણાય છે. જોકે,પર્સનલી વર્લ્ડ બેસ્ટ સાબુ ફ્રાન્સના લાગ્યા છે. ને નેક્સ્ટ ઈટાલી. નેચરલ ખુશ્બુ ને સ્નિગ્ધ સુંવાળપનો ખજાનો! એટલે એમાં કદી મંદી આવી નથી.
સાબુ અત્યારે ય તેજીમાં છે. જે કાયાની માયા લાગી ત્યાં જે અંગો પર હાથ ન ફરે, ત્યાં કોઈ સાબુને સદ્ભાગ્ય મળતું હોય છે ફરવાનું! આ અલ્ટીમેટ કોરોના વોરિયર માટે ધોધ નીચે ન્હાતી લિરિલ ગર્લની જેમ લલકારવાનું.. લા... લાલાલા... લાલાલા...
ફાસ્ટ ફોરવર્ડ
When in troubles, bath with bubbles ! Fresh hope is mind soap !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36LAiIM
ConversionConversion EmoticonEmoticon