કપડવંજ તાલુકાના અલવા તળાવને કેનાલના પાણીથી ભરવા માંગણી


કપડવંજ, તા.3 ફેબ્રુઆરી 2021, બુધવાર

કપડવંજ તાલુકાના સ્થાનિક ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપીને તાત્કાલિક અલવા તળાવ ભરવા માગ કરી છે. આવેદનપત્રમાં ખેડૂતોએ તળાવ માટે કડાણા ડેમમાંનું પાણી ધામણી કેનાલથી આપવા વિનંતી કરી છે.

સિંચાઇ વિભાગને ત્રણ-ત્રણ વાર રજૂઆત કરવા ઉકેલ ન આવતા ખેડૂતોની ભૂખ હડતાળ કરવાની ચિમકી

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપડવંજ તાલુકામાં વાડીલાલ ગેટથી અલવા ગામ સુધી ૧૩ કિલોમીટર લાંબી કેનાલ બનેલી છે. આ કેનાલ ૧૯૭૫માં બનાવવામાં આવી હતી. આ કેનાલથી વ્યાસવાસણા, વધાસ, જમાદારની મુવાડી સહિત આસપાસનાં તમામ તળાવો ભરવામાં આવે છે, પણ અલવા તળાવ કેનાલથી માત્ર ૫૦૦થી ૬૦૦ મીટર જ દૂર હોવા છતાં તે ભરવામાં નથી આવતું તેવું આવેદનપત્રમાં જણાવાયું છે. અલવા તળાવમાં પણ સિંચાઈ દ્વારા કેનાલનું પાણી આપવામાં આવે તો તેનો લાભ આસપાસના અનેક ગામોને મળી શકે તેમ છે.

સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા પ્રમાણે હિરાપુરા, સાવલિયાના મુવાડા, કલાજી, ભૂંગળીયા, લાલાતેલીના મુવાડા વગેરેપાંચ ગામો અલવા તળાવની પાસે જ આવેલાં છે. અહીં સિંચાઈ દ્વારા પાણી પહોંચાડવામાં આવે તો આશરે ૧૦૦૦ વીઘા જેટલી જમીનને તેનો ફાયદો થઈ શકે છે તેવું આવેદનપત્રમાં જણાવાયું છે. ગ્રામજનોએ જણાવ્યા પ્રમાણે તેમણે સિંચાઈ વિભાગમાં ત્રણવાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં હજી આ સમસ્યાનો નિવેડો લાવવામાં આવ્યો નથી. આવનારા દિવસોમાં આ સમસ્યા નહીં ઉકેલાય તો ખેડૂતોએ ભૂખ હડતાળ પર ઊતરવાની ચીમકી ઉચ્ચારી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39JnLY5
Previous
Next Post »