જેના મનમાં સુખનો વિચાર તેના તનમાં મહાન આચાર !


પ્રગતિ સૌને પ્રિય હોય છે.

પ્રગતિને પણ સૌ પ્રિય હોય છે.

કિંતુ પ્રગતિ દરેકને પ્રાપ્ત થઈ જતી નથી. પ્રગતિ અને માનવની વચમાં પુરુષાર્થની મજબૂત સાંકળ રચાવી જોઈએ. પુરુષાર્થથી જે મળે છે તેમાં મેળવ્યાનો આનંદ હોય છે. કદાચ નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ પછી પણ સિધ્ધિની પ્રાપ્તિ ન થાય તો શોક નહિ જાગે. કેમ કે, જે મહેનત કરી હતી એની નિષ્ઠામાં પોતાને સાંત્વના મળે છે. સફળતા પુરુષાર્થીનાં કદમ ચૂમે છે.

પુરુષાર્થ અને તે પણ પ્રામાણિક પુરુષાર્થ. આઝાદી મેળવ્યા પછી લોકો વધુમાં વધુ સ્વતંત્ર થતા જતા હોય તો એ પ્રામાણિકતાથી છે. નીતિનો સૂર્યાસ્ત થાય ત્યારે ભાગ્યનો મેરુ ઢળી પડે. દેશ અને દુનિયા પ્રામાણિકતાના માર્ગને આંતરીને ચાલવા ઈચ્છતા હોય ત્યારે એ મૂળ સંસ્કારધનને લોકોની સમક્ષ વ્યાપક સ્વરૂપે ધરવું રહ્યું.

પ્રગતિ, પુરુષાર્થ, પ્રામાણિકતા - આ ત્રણેય એક સાંકળના અંકોડા છે.

જાપાનની એક ઘટના સાંભરે છે. એક ફૂલ જેવો નાનકડો બાળક રોજ શાળાએ જાય. સાંજના વખતે ઘર તરફ પાછો આવી રહ્યો હતો, ત્યારે તેણે રસ્તામાં રૂપિયાનો સિક્કો પડેલો જોયો. બાળકે સહજ કુતૂહલતાથી એ સિક્કો ઉઠાવી હાથમાં મસળ્યો, ત્યાં માતાએ શિખામણના કહેવા બે શબ્દો યાદ આવ્યા.

'બેટા, કોઈ દિવસ મહેનત વગરનું મેળવવાની વૃત્તિ રાખવી નહિ. રસ્તામાં પડેલી કોઈ વસ્તુ લેવી નહિ અને જો કોઈ કીમતી વસ્તુ મળે તો તે પોલીસને સોંપી દેવી.'

આ શબ્દોની સ્મૃતિએ બાળકને સચેત બનાવી દીધો. પોલીસથાણા પર પહોંચીને ફરજ પર હાજર રહેલા ફોજદારને કહ્યું:

'સાહેબ, મને આ રૂપિયાનો સિક્કો રસ્તામાંથી મળ્યો છે. મહેરબાની કરીને તે આપ લઈ લો.'

ફોજદાર નાનકડા બાળકની પ્રામાણિકતાને જોઈને રાજી થઈ ગયો. કિંતુ એક રૂપિયા જેવી નાની રકમને સરકારી તિજોરીમાં જમા કરવા માટે તેને આળશ થઈ. 'આ બધી ભાંજગડમાં કોણ પડે' તેણે વિચાર્યું. પેલા બાળકને રૂપિયો પાછો આપતાં એણે કહ્યું:

'બેટા, આ રૂપિયો તને ભેટ આપું છું. તારી પ્રામાણિકતાથી હું ખુશ થયો છું. આ રૂપિયો લઈ જા અને તેની મીઠાઈ લઈને ખાજે.'

બાળક તો રૂપિયો લઈને ઘેર આવ્યો. માતાને તે આપ્યો. બાળક પાસે રૂપિયો જોઈને આશ્ચર્યમાં પડી ગયેલી માતાએ પૂછયું: 

'આ ક્યાંથી લાવ્યો?'

બાળકે સઘળી વાત કહી એ સાંભળીને બાળકની માતા ફોજદારના વર્તન માટે ખિન્ન થઈ ગઈ. ઝડપથી ફોજદાર પાસે પહોંચીને ફરિયાદ કરી:

'તમે મારા  બાળકને અનીતિના રસ્તે શા માટે દોરો છો? આજે તેને તમે મીઠાઈ ખાવા માટે રૂપિયો આપ્યો. કાલે તેની પાસે પૈસા નહિ હોય ત્યારે ક્યાંકથી અણહક્કનું મેળવી લેવા ઇચ્છશે. આમ તમે આડકતરી રીતે પ્રગતિને બદલે અધોગતિ તરફ નથી દોરતા?'

એટલેથી ન અટકતાં તેણે પોલીસખાતાના વડાને પણ આ બાબતમાં ફરિયાદ કરી. વડાએ ફોજદારને પૂછયું, ત્યારે ફોજદારે બચાવમાં કહ્યું:

'એ બાળકની પ્રામાણિકતા પર પ્રસન્ન થઈને મેં તેને એ રૂપિયો ભેટ આપ્યો હતો.'

પોલીસખાતાના વડાએ એને બરતરફ કરતાં કહ્યું:

'જો તમે તેની પ્રામાણિકતા પર ખુશ થઈને સાચા અર્થમાં નવાજવા ઈચ્છતા હતા, તો તમારે પોતાના ખિસ્સામાંથી તેને રૂપિયો ભેટ આપવો જોઈતો હતો, સરકારી નાણાં કોઈને ભેટ કરી દેવાનો કોઈનો હક્ક નથી!'

આમ તો આ વાત બહુ નાની છે, પરંતુ એના વિચારબીજની ક્ષમતા મોટી છે. વિરાટ યાત્રાનો પ્રારંભ એક નાનકડા પગલાથી શરૂ નથી થતો?

પ્રામાણિક પુરુષાર્થની બીજી બાજુ અંતરમાંથી ઊગતી નિષ્ઠા છે. નિષ્ઠાને વફાદારીના સંકુચિત અર્થમાં મૂલવી ન શકાય. પ્રગતિના માર્ગે સિદ્ધિ સુધી પહોંચવાનાં આ તો શાનદાર પગથિયાં છે. નિષ્ઠાના શહૂર વિના સાચી પ્રગતિ શક્ય જ ક્યાં છે?

અમેરિકાના પ્રમુખ હર્બર્ટ હૂવર યુનિવર્સિટીમાંથી ઇજનેર થઈને નીકળ્યા અને છાપામાં વાચ્યું કે અમુક કંપનીમાં ઇજનેરની જગ્યા ખાલી છે. તે તરત ત્યાં પહોંચ્યા, મેનેજરને નમન કરીને તેણે કહ્યું:

'મને નોકરી આપશો?'

મેનેજરે કહ્યું કે, 'જગ્યા તો છે, પણ ઇજનેરની નહિ, ટાઈપિસ્ટની છે.'

હર્બર્ટે વિચાર્યું કે જો જગ્યા છે તો તેનો ઉપયોગ કેમ ન કરવો? નિરર્થક બેસી રહેવું તેના કરતાં કાંઈક કામ કરવું સારૂં નહિ? એણે મેનેજરને અરજી કરી. મેનેજરે કહ્યું: ત્રણ દિવસ પછી આવજો. ત્રીજે દિવસે ઓફિસમાં ગયો અને કામે ચઢી ગયો.

એક વખત મેનેજર ફરતો ફરતો ત્યાં આવ્યો. એણે જોયું, હર્બર્ટની આંગળીઓ કોઈ સિતારવાદકની અદાથી ટાઈપરાઈટર પર ફરી રહી હતી. મેનેજરે કહ્યું:

'મિત્ર, તમે તો ઇજનેર છો કે ટાઈપિસ્ટ?'

હર્બર્ટે કહ્યું:

'સર, જે દિવસે હું આપને મળ્યો, તે દિવસે ગુરુવાર હતો, ટાઈપરાઈટર મને ચલાવતાં આવડતું નહોતું. બહાર નીકળીને તે ભાડે લીધું. એના પર સખત મહેનત કરતો રહ્યો. મારી પ્રાર્થના અને મારો પુરુષાર્થ બંને ફળ્યાં.'

પ્રગતિ ઈચ્છુકના જીવનમાં સતત પુરુષાર્થ હોવો જોઈએ. પ્રમાદ ટાળવો જોઈએ, પ્રમાણિકતા શ્વાસના તાલની સાથે વહેવી જોઈએ.

એવા લોકો પ્રગતિને પ્રિય હોય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LjO3ac
Previous
Next Post »