નટુકાકાએ નેટિઝનોનો કાન આમળ્યો : વરિષ્ઠ કલાકારો પ્રત્યે તો સંવેદનશીલ બનો


આસિત મોદીની લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પીઢ અભિનેતા 'નટુકાકા' એટલે કે ઘનશ્યામ નાયક ફરી આવી ગયા છે અને તેમણે ૧૦ ડિસેમ્બરથી શુટિંગ શરૂ કરી દીધું છે. તેઓ લાંબી બીમારીમાંથી બહાર આવ્યા છે. તેમણે પહેલા એપિસોડમાં જે શોટ આપ્યો તેને કારણે સોશિયલ મીડિયા ઘણાંએ ટ્રોલ કર્યા છે અને ઘણાં મશ્કરી કરનારાઓએ તેમને એવું જણાવ્યું કે તેઓ તેમની નબળાઈ છૂપાવી રહ્યા છીએ અને માંદગી પર પડદો નાખી રહ્યા છે. આ કારણે માંદગીમાંથી બેઠા થયેલા વયસ્ક કલાકારને ખોટું લાગી જાય એ સાવ સહજ છે અને આથી જ તેમણે સોશિયલ મીડિયા પર તેમના માટે નેગેટિવિટી ફેલાવતા તોફાની તત્ત્વોને જડબાતોડ જવાબ આપી બોલતા બંધ કરી દીધા છે.

ઘનશ્યામ નાયકે એક મુલાકાતમાં જણાવ્યું છે કે 'બધાએ એક દિવસ તો ઘરડાં થવાનું જ છે અને ઘણાં લોકો અનેકવિધ બીમારીઓથી પીડાતી જ હોય છે. હવે હું સંપૂર્ણપણે કેન્સર-મુક્ત થઈ ગયો છું અને મારું શરીર તબીબોએ આપેલી સારવારને પ્રતિસાદ આપે છે. મેં ૧૦ ડિસેમ્બરે 'તારક મહેતા..' સીરિયલના એપિસોડમાં ભાગ લીધો અને હવે હું આ સીરિયલમાં નિયમિત ભાગ લઈશ. આ ભગવાનના આશીર્વાદને કારણે અને મારા નિર્માતા આસિતકુમાર મોદી તથા મારા પરિવારજનોએ આપેલા સ્પોર્ટને કારણે શક્ય બન્યું.'

હું નબળો દેખાઉં છું એ માટે લોકો મને ટ્રોલ કરે છે, એ વાતનો પ્રત્યુત્તર આપતા તેમણે જણાવ્યું, 'વરિષ્ઠ કલાકારો ભણી કેટલાક લોકો ઘણા બિન-સંવેદનશીલ હોય છે. હું એવા લોકોને વિનંતી કરું છું કે તમે આવા નકારાત્મકતા નહીં ફેલાવો. જો હું બરાબર દેખાતો ન હોઉં તો મારા નિર્માતા મને ફરી કામ આપત જ નહીં. મેં ક્યાંક એવું પણ વાંચ્યું છે કે મારામાં ડ્રેસિંગ સેન્સ જ નથી, એવી ઘણાએ કોમેન્ટ કરી છે. જેમને કોઈ કામ નથી તેઓ આવી નકારાત્મકતા પ્રસરાવતા રહે છે. જો કે મને તેની અસર નથી થતી. કેમકે મને આનંદ છે અને હું આ વયે પણ આનંદિત રહી છું. હું અત્યારે કામ કરું છું અને જ્યાં સુધી મારું શરીર સાથે આપશે ત્યાં સુધી હું કામ કરતો રહીશ. જે લોકો નેગેટિવ છે તેઓ આવું કામ કરતાં જ રહેશે અને એવા પણ લોકો છે, જેઓ મને મારી આ જર્નીમાં પહેલેથી સતત સાથ આપી રહ્યા છે. હું તો વધુ ને વધુ કામ કરતો જ રહીશ અને દર્શકોનું મનોરંજન કરતો રહીશ. શોમાં જેઠાલાલ (દિલીપ જોશી) સાથે લોકોને હસાવતો રહીશ.'

ઘનશ્યામ નાયકે જણાવ્યું, 'છેક ૨૦૦૮થી હું શો કરી રહ્યો છું અને મારું પાત્ર દર્શકો સાથે સીધા સંપર્કમાં છે. નટુકાકાની ભૂમિકા ભજવવી એ મારો વિશેષાધિકાર બની રહ્યો છે.'

આમ નટુકાકા (ઘનશ્યામ નાયકે) તેમના ટીકાકારોને જબરી સંભળાવી તો દીધું સાથે જ ટ્રોલ કરનારાના કાન પણ આમળ્યા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ds6Iwe
Previous
Next Post »