- વિનોદકુમારને પોતાના 'એમ્બ્યુલન્સ ફર્સ્ટ'ના નિર્ણયથી સંતોષ હતો, ચુંટણીનું પરિણામ તો સારું જ આવશે તેવો તેમના મનમાં અડગ વિશ્વાસ હતો
લો કસભાની ચુંટણીઓ જાહેર થઈ ગઈ હતી, રાજકીય પક્ષોની દોડધામ ચાલુ હતી, સત્તા પર રહેલી સરકારના પ્રધાનો માટે સમય ન હોવા છતાં પોતાના ચુંટણી પ્રચાર માટે જવું જરૂરી હતું. અમદાવાદના એમ.પી. વિનોદકુમાર કેન્દ્રના પેટ્રોલિયમ પ્રધાન હતા. તેમના મત વિસ્તારમાં પ્રચાર માટે જવું જરૂરી હતું, પણ સમયના અભાવે તે શક્ય બન્યું નહીં.
પ્રચારના છેલ્લા અઠવાડિયે માંડ સમય કાઢી તેમણે એક મોટી જાહેર સભાનું આયોજન કર્યું હતું. દિલ્હીથી ઉતરી સીધા તેઓ જાહેરસભા માટે કારમાં કાફલા સાથે જઇ રહ્યા હતા. યુનિવંર્સિટી ગ્રાઉન્ડ પર સભા હોવાથી તેમનો કાફલો શાહીબાગથી સી.જી.રોડ થઈ સભાના સ્થળે જઈ રહ્યો હતો. સાથે પક્ષના આગેવાનો પણ જોડાયા હતા.
કેન્દ્રના પ્રધાનશ્રીનો કાફલો જતો હોવાથી ટ્રાફિક પોલીસે તેમના રસ્તા ઉપરના તમામ રાજમાર્ગો બ્લોક કરી દીધા હતા. છ સાત ગાડીઓનો કાફલો ગાંધીબ્રીજ થી ઇન્કમ ટેક્સ ચાર રસ્તા થઈ યુનિવસટી ગ્રાઉન્ડ જવાનો હતો.
આગળ ચાર રસ્તા ઉપર ટ્રાફીક બ્લોકમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી, તેમાં રહેલ પ્રસૂતા માતા દર્દથી કણસી રહી હતી. તેના એટેન્ડન્ટને માતા અને બાળકની હાલત વધારે બગડતી લાગી. જો તત્કાળ હોસ્પિટલ પહોંચી તેની પ્રસૂતિ ના કરાવાય તો બે જિંદગી જોખમમાં આવે તેમ હતું. તેણે ડ્રાઈવરને આ બાબતે જાણ કરી. ડ્રાઇવરે હોર્ન મારી ટ્રાફીક ખસેડવા જાણ કરી, પણ વ્યર્થ ! ટ્રાફીક પોલીસે ચિડાઈને સખત શબ્દોમાં ડ્રાઇવરને ઝાટકી નાખ્યો. 'ખબર નથી પડતી, દિલ્હીથી પ્રધાનશ્રી પધારી રહ્યા છે, થોડો સમય શાંત રહેતા શું થાય છે ??
એમ્બ્યુલન્સમાં માતાએ દર્દથી ચીસ પાડી. ડ્રાઈવરથી ના રહેવાયું, તેણે સીધો મોબાઈલ જોડયો, 'એમ્બ્યુલન્સ ફર્સ્ટ' ઝુંબેશ ચલાવતી રેડિયો ચેનલને અને બીજી જ સેકન્ડે રેડિયો પર ન્યુઝ ચાલુ થયા, ઇન્કમટેક્સ ચાર રસ્તા પર ટ્રાફીક જામ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ છે. તેમાં રહેલ માતા અને બાળકની હાલત નાજુક છે, તેમને મદદ કરવા વિનંતી છે.
વિનોદકુમારે મોબાઈલમાં ન્યુઝ ચાલુ કરતાં આ સાંભળતા ચમકી ગયા, 'અરે ! મારા કાફલાને લીધે આ બબાલ થઈ લાગે છે', ચાર રસ્તા આવતા જ તેમણે કહ્યું, 'ગાડી રોકો, એમ્બ્યુલન્સને જવા દો.'
ગાડીમાં બેઠેલા તેમના પી.એ. અને ચમચાઓ સમજાવવા લાગ્યા. 'સાહેબ, આપણે અત્યારે જ લેઈટ છીએ, ત્યાં ગ્રાઉન્ડ ઉપર લાખો મતદારો તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ગાડી જવા દો, આવું તો ચાલ્યા કરે.'
'સાહેબ, બહુ મહેનત કરીને આ એક જ જાહેરસભા ગોઠવાઈ છે. લાખોની મેદની આપનું ભાષણ સાંભળવા આતુર છે. મોડા પડીશું તો તકલીફ થશે.'પ્રધાનશ્રી ના સેક્રેટરીએ સમજાવતા કહ્યું.
'મને ખબર છે, પણ સવાલ પાંચ - દશ મિનિટનો જ છે, આપણે માનવતા દર્શાવવી જોઈએ.' પ્રધાનશ્રીએ ખુલાસો કર્યો.
'સાહેબ, આવા લાગણીવેડા રાજકારણમાં ના ચાલે' સેક્રેટરીએ કડક ભાષામાં ચેતવણી આપી.
પ્રધાનશ્રી આ સાંભળી ગુસ્સે થયા. 'દશ મિનિટ મોડું થાય તો ચાલશે, પણ બે જીવને બચાવવાની મારી ફરજ છે, ગાડી રોકો.'
ઇન્કમટેક્સ ચાર રસ્તા પર આખો કાફલો થંભી ગયો, સાથેની ગાડીના નેતાઓ વિચારવા લાગ્યા. 'ખોટો સમય બગાડી રહ્યા છે વિનોદકુમાર, ચુંટણીમાં હારશે તો ખબર પડશે.'
વિનોદકુમાર પોતે નીચે ઉતરી ટ્રાફિક ઇન્સ્પેક્ટરને ઓર્ડર કર્યો, 'જલ્દી કરો, જ્યાં એમ્બ્યુલન્સ ફસાઈ છે તે રસ્તો ખાલી કરી તેને તત્કાળ જવા દો.' ચારે તરફ હો હા મચી ગઈ.
'સાહેબ, ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ જવા દઇશું તો અવ્યવસ્થા સર્જાશે, આપ જલ્દીથી નીકળી જાવ' ટ્રાફિક ઇન્સ્પેક્ટરે દહેશત વ્યક્ત કરી.
'આટલો મોટો કાફલો પસાર થતાં વાર લાગશે. એમ્બ્યુલન્સ ફર્સ્ટ, જીવન બચાવો.' પ્રધાનશ્રી એ ઓર્ડર કર્યો.
ફક્ત એક જ બાજુથી સિવિલ હોસ્પિટલ તરફના રસ્તાને ખોલી આગળ રહેલી બે ગાડીઓને અને એમ્બ્યુલન્સને જવા દેવાયા. પ્રધાનશ્રી પોતે સાઈડ આપી ખુશ થઈ ગાડીમાં ગોઠવાયા. હાશ ! હવે વાંધો નથી.
આ આખી ઘટનાનું બે-ત્રણ યુવાનો અને ચેનલના પત્રકારે ફોટોગ્રાફી કરી અને પોતાની ચેનલ ને આપી.
વિડીયો વાઇરલ થવા લાગી, જોત જોતામાં ચારે તરફ વિડીયો વાઇરલ થવા સાથે ચેનલમાં સમાચાર ચાલુ થયા. પ્રધાનશ્રીએ પોતે ઉતરી જાહેરસભામાં મોડુ થતું હોવા છતાં એમ્બ્યુલન્સને જવા દઈ માનવતાનું જ્વલંત ઉદાહરણ આપેલ છે. આ સમાચાર તમામ જનતા, અધિકારીઓ, અને રાજકારણીઓને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. એમ્બ્યુલન્સ ફર્સ્ટ.
લોકોમાં આ સમાચાર સાંભળી વાહ વાહ થઈ ગઈ. ચારે તરફ લોકો વિનોદકુમારના વખાણ કરતાં થાકતા ન હતા. યુવકોની વાઇરલ થયેલી વીડીયો પણ રંગ લાવી ગઈ. અંદરખાનેથી બધાને પ્રધાનશ્રી માટે માન થઈ ગયું.
યુનીવર્સિટી મેદાનમાં ભેગાં થયેલા લોકો મોડું થવાથી વિખરાવા લાગ્યા હતા. અડધી ભીડ તો વિખરાઇ ગઈ હતી. લોકો રાહ જોઈ થાકીને ઘેર જવા લાગ્યા. બધા વિચારતા હતા. 'આ રાજકારણીઓને સમયની પડી જ નથી, કાયમ મોડા જ આવે છે.'
પ્રધાનશ્રી અને તેનો કાફલો ગ્રાઉન્ડ પર પહોચ્યો ત્યારે ગણતરીના જ શ્રોતાઓ હાજર હતા. હવે તમામ ચિંતામાં પડયા, પ્રધાનશ્રી એ રસ્તામાં ખોટો અર્ધો કલાક બગાડી નાખ્યો. એક જ ચુંટણી સભા આયોજિત થઈ તે પણ રફેદફે થવાથી વિરોધ પક્ષો પણ ખુશ હતાં, હવે તો વિનોદકુમાર હારવાના એ વાત નક્કી છે.
પ્રચંડ મતદાન પછી પરિણામ વખતે વિરોધપક્ષના ઉમેદવાર જીતવાની અપેક્ષામાં હારતોરાની તૈયારી સાથે ઉભા હતા. વિનોદકુમારને પોતાના 'એમ્બ્યુલન્સ ફર્સ્ટ'ના નિર્ણયથી સંતોષ હતો, ચુંટણીનું પરિણામ તો સારું જ આવશે તેવો તેમના મનમાં અડગ વિશ્વાસ હતો.
વાઇરલ થયેલા વિડીયો અને સમાચારે ગજબનાક પરિણામ બતાવ્યા. વિનોદકુમારના પરગજુ અને મદદગાર બનાવની બધાએ પ્રસંશા સાથે નોંધ કરી અને ખોબે ને ખોબે મત આપ્યા હતા.
પરિણામ હતું વિનોદકુમારની પ્રચંડ જીત અને વિરોધપક્ષના ઉમેદવાર ની કારમી હાર !
તેમની જીતની રેલીમાં વિનોદકુમાર અને તેમના ટેકેદારો દરેકને સંદેશ આપી રહ્યા હતા, ટ્રાફિકમાં રસ્તો કરો 'એમ્બ્યુલન્સ ફર્સ્ટ, જીવન બચાવો.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rZjUMX
ConversionConversion EmoticonEmoticon