- ઉદય વિદ્યાધરની પત્ની સાવિયબ્બેએ બેગપુરના યુદ્ધમાં પોતાના પતિની પડખે રહીને લડતાં લડતાં વીરગતિ મેળવી. શ્રવણ બેલગોલના એક પાષાણ પર આ વીર મહિલાનો લેખ મળે છે, જેમાં હાથમાં તલવાર સાથે અશ્વારૂઢ વીર નારી સાવિયબ્બે ગજઆરૂઢ યોદ્ધા પર નિર્ભયતાથી પ્રહાર કરે છે
સ મગ્ર માનવજાતિ, તમામ પ્રાણીમાત્ર, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવજંતુ અને સમગ્ર પ્રકૃતિ તરફ પોતાના આત્મા જેવો ભાવ ધરાવનાર જૈન ધર્મમાં પુરુષની સાથે સ્ત્રીને સરખું સન્માન અને સમાદર સાંપડે તે સ્વાભાવિક છે. છેક પ્રાગૌતિહાસિક કાળથી આ સમાન દરજ્જાની ભાવના રહેલી છે. એના તમામ તીર્થંકરોની માતાને સદા વંદન કરવામાં આવ્યા છે. તો ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન અને ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાને લેશમાત્ર ખચકાટ વિના સાધુની સાથે સાધ્વીને અને શ્રાવકની સાથે શ્રાવિકાને સમાન સ્થાન આપ્યું. મથુરાના પ્રાચીન જૈન શિલ્પમાં સાધુના જેવું જ સાધ્વીનું શિલ્પ અને સ્ત્રી અને પુરુષ બંને પૂજાની સામગ્રી સાથે સહ-પૂજા કરતાં હોય તેવું શિલ્પ મળે છે. એ સૂચિત કરે છે કે પ્રાચીનકાળમાં જૈન પરંપરામાં પુરુષ અને સ્ત્રીનું આરાધનાની ભૂમિકા પર સમાન સ્થાન હતું. એ જ રીતે મથુરાનાપ્રાચીન શિલાલેખોમાં પુરુષોની સાથે મોટેભાગે સ્ત્રીઓનાં નામ પણ ઉલ્લેખિત થયાં છે. એ દર્શાવે છે કે ધર્મકાર્યમાં પુરુષની સાથે સ્ત્રીઓ પણ સમાનરૂપે જ ભાગ લેતી હતી. સ્વઇચ્છાનુસાર દાન કરતી હતી અને મંદિર વગેરે ધર્મસ્થાનોના નિર્માણમાં સક્રિય સહયોગી બનતી હતી. ભગવાન પાર્શ્વનાથના સમયમાં પુષ્પચૂલા નામની સાધ્વીના નેતૃત્વ હેઠળ સોળ હજાર શ્રાવિકાઓએ દીક્ષા લઇને આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કર્યું હતું. ભગવાન મહાવીરના સંઘમાં સાધુઓની સંખ્યા સોળ હજારની હતી, જ્યારે સાધ્વીઓની સંખ્યા છત્રીસ હજારની હતી. શ્રાવકની સંખ્યા દોઢ લાખની હતી અને શ્રાવિકાઓની સંખ્યા ત્રણ લાખથી વધારે હતી. આ સંખ્યા એ સંકેત આપે છે કે જૈન ધર્મમાં નારીજાતિનાં માન, સ્થાન અને ગૌરવ કેવાં ઉચ્ચ હતાં. મહાસતી ચંદનબાળા તો સ્વતંત્ર રૂપે આ છત્રીસ હજાર સાધ્વીઓના સંઘની દેખરેખ કરતાં હતાં.
ચંદનબાળાનું ચરિત્ર એ નોંધપાત્ર ચરિત્ર છે કારણ કે ચંદનબાળા જેવી દાસી ગણાતી નારી પાસેથી આહાર ગ્રહણ કરીને ભગવાન મહાવીરે જાતિવાદ નષ્ટ કર્યો. એને પ્રવર્તિનીનું પદ આપીને સંઘના વરિષ્ઠ આચાર્ય જેવો સમાન અધિકાર આપ્યો. સાધ્વી ચંદનાનાં ધાર્મિક પ્રવચનોથી પ્રભાવિત થઇને અનેક રાજાઓએ સંસારત્યાગ કર્યો. ચંદનાએ ઉગ્ર તપશ્ચર્યા કરીને સિદ્ધત્વ મેળવ્યું. જૈન સાધ્વીસંઘમાં દરેક જાતિ-જ્ઞાાતિની સ્ત્રીઓ મળે છે. ચંદનબાળા, કાળી, સુકાળી, મહાકાલી, કૃષ્ણા જેવી સ્ત્રીઓ ક્ષત્રિયાણી હતી તો દેવાનંદા જેવી બ્રાહ્મણ જાતિની સ્ત્રી પણ હતી. સ્ત્રી માત્રને મુક્તિનો અધિકાર આપનારો ધર્મ જાતિવાદની સંકુચિત સીમામાં કઇ રીતે પુરાઇ રહે માત્ર રાજકુટુંબની સ્ત્રીઓ જ સાધ્વી સંઘમાં સામેલ થઇ નથી. દાસી, ગણિકા અને પતિતાઓે પણ દીક્ષા લીધી છે અને તેઓ સમાજમાં વંદનીય બની છે. આ સાધ્વીઓનાં જ્ઞાાાન, શીલ અને તપશ્ચર્યાને સર્વત્ર સન્માન સાંપડતું, કોઈ પ્રદેશનો રાજા કે સમાજમાં સર્વોચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ પોતાનું આસન છોડીને ઊભી થઇને આવી સાધ્વીઓને નમન કરતી હતી. આજે પણ સ્ત્રીઓમાં બ્રાહ્મી, સુંદરી, ચંદના આદિને વંદના કરવામાં આવે છે. તીર્થંકરના નામસ્મરણની સાથોસાથ સોળ સતીઓનું નામસ્મરણ પણ થાય છે.
જૈન સાધ્વી સંઘ પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે આમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના બધી જાતિ, વર્ણ અને વર્ગની સ્ત્રીઓને પ્રવેશ મળ્યો છે. આ સાધ્વીઓએ પોતાની અધ્યાત્મસાધનાથી અને વિદ્વત્તાથી સમાજ પર મોટો પ્રભાવ પાડયો છે. જીવનમાં મુશ્કેલી આવવા છતાં સુલસા સાધ્વીએ ધર્મમાર્ગ છોડયો નહિ. પોતાનાં શુભ કર્મોને કારણે આગામી ભવચક્રમાં સુલસા સોળમા તીર્થંકરનું પદ મેળવશે.
કૌશાંબીના રાજાની ધર્મતત્ત્વની મર્મી પુત્રી જયંતી ભગવાન મહાવીરના સમયકાળમાં થયેલી વિદુષી હતી અને ભગવાન મહાવીરની ધર્મસભામાં નિઃસંકોચ પ્રશ્ન પૂછતી હતી. સામાન્ય રીતે પુરુષો ઉપદેશ આપતા હોય છે, પરંતુ જૈન ધર્મમાં સ્ત્રીઓએ ઉપદેશ આપ્યો છે અને તેથીય વિશેષ પુરુષોને સન્માર્ગે વાળ્યા હોય તેવાં દ્રષ્ટાંતો છે. 'ઉત્તરાધ્યયન સૂત્રમાં રાણી કમલાવતી રાજા ઈસુકારને સન્માર્ગ બતાવે છે. 'આવશ્યક ચૂર્ણિ'માં બ્રાહ્મી અને સુંદરીએ મુનિ બાહુબલિને ઉપદેશ આપ્યાનો ઉલ્લેખ છે. 'ઉત્તરાધ્યયન' અને 'દશવૈકાલિક'ની ચૂર્ણિમાં રાજિમતી દ્વારા મુનિ રથનેમિને ઉપદેશ આપવાની વાત આલેખાઈ છે. કોશા વેશ્યા પોતાના આવાસમાં રહેતા મુનિને સન્માર્ગે વાળે છે. પ્રભાવતીની ધર્મનિષ્ઠાથી તેના પતિ રાજા ઉદયનને ધર્મમાર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. જ્યારે મૃગાવતીએ પોતે દીક્ષિત થઇને યુદ્ધનો રક્તપાત અટકાવ્યો હતો. વૈશાલી ગણરાજ્યના અધ્યક્ષ ચેટકની રાણી પૃથાએ એની સાતેય પુત્રીઓને જુદી જુદી કલામાં નિપુણ કરીને યશસ્વી બનાવી હતી. એ સમયના મહિલા સમાજ પર આ સાત પુત્રીઓનો ઘણો પ્રભાવ પડયો હતો. ગોભદ્રની પત્ની ભદ્રા વિશાળ વ્યાપાર ચલાવવાની અસાધારણ સૂઝ ધરાવતી હતી. ચંપા શ્રાવિકાના છ મહિનાના ઉપવાસના તપથી મોગલ સમ્રાટ અકબર પ્રભાવિત થયા હતા અને જેટલા દિવસ વ્રત ચાલે તેટલા દિવસ અકબરે રાજ્યમાં હિંસા બંધ રાખી હતી.
સ્મરણશક્તિ કે સાહિત્યસર્જનમાં પણ જૈન સ્ત્રીઓએ અત્યંત મહત્ત્વનું યોગદાન કર્યું છે. યક્ષા સાધ્વી અઘરા ગદ્ય કે પદ્યને એક વાર સાંભળ્યા પછી યથાતથ કહી આપતાં હતાં. આર્યા પોયણીએ ભગવાન મહાવીરના નિર્વાણની ચોથી શતાબ્દીના પ્રારંભમાં આગમ સાહિત્યને સુરક્ષિત અને વ્યવસ્થિત કરવા માટે યોજાયેલી પરિષદમાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. આચાર્ય સુસ્થિતની પરંપરાના પાંચસો શ્રમણ એકત્ર થયા ત્યારે આર્યા પોયણીના નેતૃત્વમાં ત્રણસો જેટલી સાધ્વીઓએ આ આગમવાચનાની પરિષદમાં ભાગ લીધો.
દક્ષિણ ભારતના ચેર રાજ્યની જૈન રાજકુમારી ઔવે તમિલ ભાષાની પ્રસિદ્ધ કવિયત્રી હતી. એની સુમધુર વાણી અને નીતિપૂર્ણ ઉપદેશ માટે આજે પણ તમિલભાષીઓ એને માતા ઔવે (આર્યિકા મા) તરીકે સ્મરણીય અને પૂજનીય ગણે છે. તમિલના વિશ્વવિખ્યાત ગ્રંથકાર તિરુવલ્લુવરની પત્ની વાસુકીએ પણ સાધ્વી જીવન ગ્રહણ કર્યું હતું અને તિરુવલ્લુવર સાથે ગૃહસ્થ જીવનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ઉદય વિદ્યાધરની પત્ની સાવિયબ્બેએ બેગપુરના યુદ્ધમાં પોતાના પતિની પડખે રહીને લડતાં લડતાં વીરગતિ મેળવી. શ્રવણ બેલગોલના એક પાષાણ પર આ વીર મહિલાનો લેખ મળે છે, જેમાં હાથમાં તલવાર સાથે અશ્વારૂઢ વીર નારી સાવિયબ્બે ગજઆરૂઢ યોદ્ધા પર નિર્ભયતાથી પ્રહાર કરે છે. રાજા રાજમલ દ્વિતીયની પત્ની ચંદ્રવલ્લભા એક વીર મહિલા હતી. એણે પોતાના પ્રદેશનું રાજ્યશાસન ચલાવ્યંગ હતું અને વિશાળ જિનપ્રતિમાની સ્થાપના કરી હતી. દસમી સદીના અંતિમ ચરણમાં દક્ષિણ ભારતની દાનવીર અતિમબ્બેએ સતીપ્રથાનો વિરોધ કર્યો હતો અને કન્નડ કવિ પોન્નેએ રચેલી શાંતિપુરાણની હજારો હસ્તપ્રત લખાવીને વહેંચી હતી. અતિમબ્બેએ કાવ્યની હસ્તલિખિત પ્રતોનું રક્ષણ કર્યું અને તેને કારણે અનેક ગ્રંથો જળવાયા અને પરિણામે કેટલાક પુનર્જીવિત થયા હતા. તેમણે કર્ણાટકમાં વિદ્યાપ્રસાર કર્યો હતો અને અનેક જિનપ્રતિમાઓ બનાવી હતી. મહાકવિ રત્નએ એમને 'દાનચિંતામણિ'ની ઉપાધિ આપી હતી. ઈ.સ. ૧૦૩૭માં ચાલુક્ય વંશના રાજા સત્યાશ્રયની બહેન અક્કાદેવીને એની રાજ્યકુશળતા જોઇને એક પ્રાંતનું રાજ્ય સોંપવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતમાં કેતલદેવી, શાંતલદેવી, અચલદેવી વગેરેએ જિન મંદિરો બંધાવ્યાં હતાં. ઇ.સ. ૧૧૪૭ના એક શિલાલેખ અનુસાર અનન્ય પંડિત એવી રાજકુમારી પદ્માદેવીએ 'અષ્ટ વિદ્યાર્ચન મહાભિષેક' અને 'ચતુર્ભક્તિ' નામના ગ્રંથોની રચના કરી હતી. જ્યારે આઠમી સદીમાં યાકિની મહત્તરા વિદુષી તરીકે પ્રસિદ્ધ હતાં.
પ્રકાંડ વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિ પોતાની જાતને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવતા હતા, કારણ કે એ જ યાકિની મહત્તરાનો એક શ્લોક તેઓ સમજી શક્યા નહીં અને એમનો વિદ્વત્તાનો અહંકાર ખંડિત થયો હતો. અંતે વિદ્વત્તામાં પરાજિત થતાં રાજપુરોહિત વિદ્વાન હરિભદ્રે જિનદત્તસૂરિજી પાસે દીક્ષા લીધી. પોતાને યોગ્ય માર્ગ દર્શાવનાર યાકિનીને આચાર્ય હરિભદ્રસૂરિ માતા ગણતા હતા. આચાર્ય હરિભદ્રસૂરિના પ્રિય શિષ્યની ક્રૂર હત્યા થતા એમણે બૌદ્ધ વિહારમાં અભ્યાસ કરતાં ૧૪૪૪ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઉકળતા તેલની કઢાઈમાં મંત્રબળે જીવતા ભૂંજી નાખવાનો વિચાર કરતા હતા ત્યારે સાધ્વી યાકિની મહત્તરા પ્રાયશ્ચિત્ત લેવા આવે છે. પોતાની માતા સમાન સાધ્વી સામે ચાલીને શેનું પ્રાયશ્ચિત્ત લેવા આવી છે તે જાણવાની શ્રી હરિભદ્રસૂરિને જિજ્ઞાાસા જાગી.
યાકિની મહત્તરાએ કહ્યું કે અજાણતાં ચાલતાં-ચાલતાં એમના પગ નીચે એક દેડકો દબાઈ ગયો. એક પંચેન્દ્રિય જીવની હિંસાથી એમનો આત્મા અપાર વેદના અનુભવે છે. આ હિંસાનું પ્રાયશ્ચિત્ત ચાહે છે, કારણ કે જો આલોયણા કર્યા વિના કદાચ તેમનું આયુષ્ય પૂર્ણ થઇ જાય તો તો વિરાધક બની જાય.ળ
આચાર્ય હરિભદ્રસૂરિએ જરા ઊંચા અવાજે કહ્યું, ''ઓહ ! તમે પંચેન્દ્રિય જીવનું ધ્યાન રાખી શક્યા નહિ ? એનું તમારે પ્રાયશ્ચિત્ત કરવું જ પડશે.''
યાકિની મહત્તરાએ પ્રાયશ્ચિત્તનો વિનયપૂર્વક સ્વીકાર કરીને કહ્યું, ''મારાથી અજાણતાં થયેલા એક તિર્યંચ પંચેન્દ્રિય જીવની (દેડકાની) હિંસાનું પ્રાયશ્ચિત્ત તો મને મળ્યું, પરંતુ તમે ૧૪૪૪ મનુષ્યોની જાણી જોઇને હિંસા કરી રહ્યા છો તેનું પ્રાયશ્ચિત્ત શું થશે ?''
યાકિની મહત્તરાના આ શબ્દો સાંભળતાં જ આચાર્યશ્રી હરિભદ્રનો ક્રોધ શાંત થઇ ગયો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓને મંત્રબળે બોલાવ્યા હતા, તેમને પાછા મોકલી આપ્યા.
પોતાના દુષ્કૃત્ય કરવાના વિચારના પ્રાયશ્ચિત્ત રૂપે ક્ષમા આદિ ગુણોને પ્રગટ કરે, તેવા ૧૪૪૪ ગ્રંથોની રચના કરી. ક્રોધ ક્ષમામાં ફેરવાયો. વેર વિદ્યામાં પલટાઇ ગયું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36De5fO
ConversionConversion EmoticonEmoticon