વરાળનો બાફ લેવાથી કોરોના સામે રક્ષણ મળી શકે?


જ્યારથી આપણા વિશ્વ પર કોવિડ વાયરસનો હુમલો થયો છે ત્યારથી હાથ ધોવા, સેનિટાઈઝ કરવા, માસ્ક પહેરવા અને સામાજિક અંતર રાખવું આપણા જીવનનો અંતરંગ હિસ્સો બની ગયા છે. એટલું જ નહિ પણ જ્યારથી આ મહામારી ત્રાટકી છે ત્યારથી અનેક ઠેકાણેથી એના ઈલાજ માટેના કીમિયા મળી રહ્યા છે. કોઈ પ્રતિકાર શક્તિ વધારવાના ઉપાય બતાવી રહ્યું છે તો કોઈ કોરોનાને ખતમ કરવાના વિવિધ કીમિયા બતાવી રહ્યું છે. મેડિકલ વિશ્વ કોરોનાને નાથવામાં અસફળ રહ્યું હોવાથી અનેક ઠેકાણેથી ઘરગથ્થુ ઉપાયોની જાણે વણઝાર લાગી છે.

જેની પ્રતિકારશક્તિ નબળી હોય તેને કોરોના આસાનીથી પોતાનો શિકાર બનાવે છે એવું માનવામાં આવે છે. વિશ્વભરના વૈજ્ઞાાનિકો કહે છે કે પ્રતિકારશક્તિ વધારો જેથી વાયરસનું સંક્રમણ થવાનું જોખમ ઘટાડી શકાય.

કોરોના શ્વસનતંત્ર પર હુમલો કરતું હોવાથી કેટલાક નિષ્ણાંતો વરાળનો બાફ લેવાની સલાહ આપે છે. ગુજરાત સ્થિત એક આયુર્વેદ કેન્દ્રના વડાએ જણાવ્યું કે  દિવસમાં માત્ર બે વાર સાદો બાફ લેવાથી તેમનો સંપૂર્ણ સ્ટાફ કોરોનાથી મુક્ત રહી શક્યો છે. તેમણે તો એક વીડિયો પણ વાયરલ કરીને જણાવ્યું છે કે તેમના સ્ટાફના સભ્યો સાદો બાફ લઈને કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવ્યા હોવા છતાં કોરોનાથી મુક્ત રહી શક્યા છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી આ કેન્દ્રમાં કોરોનાના લગભગ ૪,૦૦૦ દર્દીઓ દાખલ થયા હોવા છતાં તેમના સ્ટાફના કોઈપણ સભ્યને કોરોના નથી થયો. આ આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા મુજબ વરાળનો બાફ લેવાથી શ્વસનતંત્રમાં વાયરસ હોય તો પણ તેનો નાશ થાય છે.

તેઓ જણાવે છે કે માત્ર સાદા પાણીની વરાળનો નાક વાટે શ્વાસ લેવો અને મોઢામાંથી તેેને બહાર કાઢવો. આવું દસ વાર કરવું જરૂરી છે. નાકથી શ્વાસ લેવો અને મોઢાથી બહાર કાઢવો. પછી એનાથી વિપરીત કરવું. એટલે કે મોઢાથી શ્વાસ લેવો અને નાકથી બહાર કાઢવો. આ સમગ્ર પ્રક્રિયા માત્ર બેથી ત્રણ મિનિટ કરવાની હોય છે.

આ આયુર્વેદાચાર્ય એેમ પણ જણાવે છે કે બાફ માટેના પાણીમાં કોઈપણ ચીજ ઉમેરવાની જરૂર નથી. જો તમને કોઈ સુગંધ જોઈતી હોય તો એમાં અજમાના બીજ અથવા નીલગીરીનું તેલ નાખી શકાય. પોતાના વ્યક્તિગત અનુભવના આધારે આ આયુર્વેદાચાર્ય જણાવે છે કે પાણીની વરાળનો બાફ લેવાથી કોરોના વાયરસ સામે રક્ષણ મળે છે. તેમના જણાવ્યા અનુસાર સેંકડો લોકોએ તેમજ અનેક હોસ્પિટલોએ પણ આ પધ્ધતિ અપનાવીને કોરોનાને હંફાવ્યો છે.

આયુર્વેદના આ ડોકટરે તો એવો પણ દાવો કર્યો છે કે ભારતના સેંકડો ડોકટરોએ આ ઈલાજ અપનાવ્યો છે અને પોતાના દર્દીઓને પણ તેમ કરવાની સલાહ આપી રહ્યા છે. જો દેશના તમામ લોકો ૩૦ દિવસ સુધી દિવસમાં માત્ર બે વાર વરાળનો બાફ લે તો આખા દેશમાં એકપણ કોરોના પોઝિટિવ દર્દી નહિ મળે એવો પણ દાવો આ આયુર્વેદાચાર્યએ કર્યો છે.

-ઉમેશ ઠક્કર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3thZpN2
Previous
Next Post »