કામના સ્થળે, ખરીદી કરવા, જોગિંગ કરવા, ઉદ્યાનમાં ફરવા જવાનું કેટલા અંશે સલામત


દેશભરના વિવિધ રાજ્યોમાં તાળાબંધી ધીમે ધીમે હળવા થઈ રહી છે. મોટાભાગના પ્રાંતોમાં સરકારી ઉપરાંત ખાનગી ઓફિસો પણ વત્તાઓછા કર્મચારીઓ  સાથે ખુલી રહી છે. લોકો જીવનાવશ્યક સિવાયની વસ્તુઓની ખરીદી ઉપરાંત અન્ય શોપિંગ કરવા, મોર્નિંગ વોક કે જોગિંગ કરવા ઘરની બહાર નીકળવા લાગ્યાં છે. આવી સ્થિતિમાં સલામતીના કેટલાંક પગલાંનું ચુસ્ત પાલન અત્યાવશ્યક બની રહે છે.

નિષ્ણાત તબીબો કહે છે કે જ્યારે તમે તકેદારીના પગલાં લીધા વિના ઘરથી બહાર જાઓ છો ત્યારે નવા કોરોના વાઈરસના સીધા સંપર્કમાં આવો છો. તેઓ વધુમાં કહે છે કે કોરોના વાઈરસગ્રસ્ત વ્યક્તિ તેના ઉચ્છવાસમાં એક મિનિટમાં ૨૦ જેટલા વાઈરલ પાર્ટિકલ્સ છોડે છે. પરંતુ તે જ્યારે વાત કરે ત્યારે તે એક મિનિટમાં ૨૦૦થી લઈને ૨૦૦૦ જેટલા વાઈરસ પાર્ટિકલ્સ હવામાં ફેંકે છે. તમને એ જાણીને આંચકો લાગશે કે તે જ્યારે છીંક કે ખાંસે ત્યારે હવામાં ૨૦ કરોડ વાઈરલ પાર્ટિકલ્સ ફેલાય છે. આવી સ્થિતિમાં કોરોના વાઈરસથી સંક્રમિત વ્યક્તિની આસપાસ રહેલી સામાન્ય વ્યક્તિ માટે કેટલું મોટું જોખમ હોય છે તે સમજી શકાય એવી વાત છે. વળી બંધિયાર સ્થળે હવામાં ફેલાયેલા આ રોગકારક અતિસૂક્ષ્મ કણો થોડાં કલાક સુધી તરતાં રહે છે. બહેતર છે કે વિવિધ પ્રવૃત્તિઓમાં કેટલું જોખમ રહેલું છે તેની જાણકારી મેળવી લેવામાં આવે. 'સેંટર ફોર ડિસિસ કંટ્રોલ- અમેરિકા' અને 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' એ વિવિધ પ્રવૃત્તિઓમાં કોવિડ-૧૯નો ચેપ લાગવાનું કેટલું જોખમ છે તત્સંબંધી આપેલી માહિતી મુજબ....,

* નહીંવત જોખમ : 

કોરોના સંક્રમિત વ્યક્તિએ સ્પર્શેલી ટપાલ, પાર્સલ ખોલવું, રેસ્ટોરાંમાંથી પાર્સલ લઈ જવું, સીધા સંપર્કમાં આવ્યા વિના રમી શકાય એવી ટેનિસ જેવી રમતો રમવી.

* સાધારણ ઓછું જોખમ :  

મોલમાં ખરીદી કરવી, એકાદ અઠવાડિયું ઓફિસમાં કામ કરવું, વયસ્ક સંબંધીઓની મુલાકાત લેવી, અન્યત્ર ભોજન લેવા જવું.

* સહેજ ઊંચુ જોખમ : 

વાળ કપાવવા સલોં કે વાળંદની દુકાનમાં જવું, રેસ્ટોરાંમાં ભોજન લેવું, હવાઈ જહાજમાં પ્રવાસ કરવો, અન્ય ખેલાડીઓમાં સીધા સંપર્કમાં આવવું પડે એવી ફૂટબોલ જેવી રમતો રમવા, વિવાહ કે સ્મશાન યાત્રામાં જવું, કોઈને ગળે લગાડવું કે તેની સાથે હાથ મિલાવવા.

* ઊંચુ જોખમ : 

મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય એવા જાહેર કાર્યક્રમમાં અર્થ ધર્મ સ્થાનકે ઉપસ્થિત રહેવું.

હવે રોજિંદી પ્રવૃત્તિઓ વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી તેના ઉપર એક નજર નાખીએ.

* પાર્કમાં જાઓ ત્યારે : 

માસ્ક વ્યવસ્થિત રીતે પહેરી રાખો,કોઈ પરિચિત વ્યક્તિ સામે મળે તો તેની સાથે ત્રણ- ચાર મિનિટથી વધુ સમય સુધી વાત ન કરો, બગીચામાં વોક કરી રહેલા અન્ય લોકોથી સુરક્ષિત અંતર જાળવીને ચાલો, વહેલી સવારે ચાલવા જવાનું રાખો, ૪૫ મિનિટથી વધુ વાર ન ચાલો, જાહેર બાંકડા પર ન બેસો, ઘરે પહોંચ્યા પછી તરત જ માથાથી પગ સુધી સંપૂર્ણ સ્નાન કરો, તમારા વસ્ત્રો અન્ય કપડાંથી અલગ રાખીને ધૂઓ. આટલાં પગલાંનું ચુસ્ત પાલન કરવાથી તમને કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ સાધારણ ઓછું રહેશે.

* બહાર જમવા જવું : 

શક્ય હોય ત્યાં સુધી બહાર જમવા જવાનુ ંટાળો. કોવિડ-૧૯ હવામાં ઘણાં કલાક સુધી તરતાં રહેતા હોવાથી સામાન્ય લોકોને સંક્રમણ થવાની ભીતિ રહે છે. ખાસ કરીને બંધિયાર સ્થળે. આમ છાં રેસ્ટોરાંમાં જમવા જવું જ હોય તો તમારું પોતાનું સેનિટાઈઝર સાથે લઈ લો. હોટેલનું સેનિટાઈઝર તેમજ શૌચાલય વાપરવાનું ટાળો. આસિવાય જે વસ્તુઓ સારી રીતે રાંધી શકાતી હોય તે જ મંગાવો. આટલી તકેદારી રાખ્યા પછી પણ કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ઊંચુ રહે છે.

* ઓફિસ જાઓ ત્યારે : 

તમારી ઓફિસમાં સલામતીના સઘળા પગલાં લેવામાં આવ્યાં છે કે નહીં તે સારી રીતે તપાસી લો. એર કંડીશનરની હવા સરખી રીતે બહાર ફેંકાય છે કે નહીં તેની ખાતરી કરો, એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો. દિવસભર માસ્ક પહેરી રાખો. ઓફિસની કેન્ટીનમાં એકલા બેસીને જ ખાઓ. ઓફિસમાં આટલી સાવધાની રાખવા છતાં કોરોનાનો ચેપ લાગવાનું સહેજ ઊંચુ જોખમ તો રહે જ છે.

* મોલની મુલાકાત લો ત્યારે : 

ફૂટ કોર્ટ કે જાહેર શૌચાલયમાં જવાનું ટાળો, તમારું માસ્ક અચૂક પહેરી રાખો અને શક્ય એટલું જલદી મોલમાંથી બહાર નીકળી જાઓ. બ્યુટી સલોંમાં જવાનું ટાળો. મોલમાં જાઓ ત્યારે આટલી સતર્કતા રાખશો તોય કોવિડ-૧૯નું સંક્રમણ થવાનું જોખમ ઊંચુ રહે છે.

* ઘરમાં મહેમાનો સાથે ઉજાણી કરો ત્યારે:

 તમારા મહેમાનોને તેમના પગરખાં ઘરથી બહાર ઉતારવાનું કહો અથવા તેમને શૂ-કવર પૂરાં પાડો. તેવી જ રીતે મહેમાનો આખા ઘરમાં ફરવાને બદલે એક કે બે ઓરડામાં જ ફરે તો તેમના ગયા પછી એ ઓરડા જ સેનિટાઈઝ કરવાં પડશે. તેવી જ રીતે એકબીજાની પ્લેટમાંથી ખાવાનું, સાવ નજીક નજીક બેસવાનું, હાથ મિલાવવાનું કે ગળે મળવાનું ટાળો. મહેમાનો આવે ત્યારે  તમારા ઘરના વયસ્ક સભ્યો અને બાળકોને તેમનાથી દૂર રાખો, આટલી કાળજી લેવાથી કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ સાધારણ જ રહેશે.

જોકે અહીં એ વાતની ખાસ નોંધ લેવી રહી કે આ ભલામણો સૂચક છે. તમે જે વિસ્તારમાં રહેતાં હો કે નોકરી- વ્યવસાય માટે જતાં હો ત્યાં કોરોનાનો ફેલાવો કેટલો છે તે તપાસી લો અને સ્થાનિક વહીવટકર્તાઓએ તત્સંબંધી જારી કરેલી માર્ગદર્શિકાને અનુસરો.

- વૈશાલી ઠક્કર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3asQyj1
Previous
Next Post »