એ ડરે છે કે ક્યાંક લોકો ડરવાનું બંધ ન કરી દે!


લોગઇનઃ

શેનાથી ડરે છે એ, 

તમામ ધનદોલત, તોપગોળા, પોલીસફોજ 

બધું જ હોવા છતાં?

એ ડરે છે કે એક દિવસ 

હથિયારવિહોણાં ગરીબ લોકો

એમનાથી ડરવાનું બંધ ન કરી દે!

-ગોરખ પાંડે

ન દીકિનારે વસતા લોકોને પુરનો ભય છે. પર્વતોમાં વસનારાઓને ભૂસ્ખલનની બીક છે. રણપ્રદેશમાં રહેનારને દુકાળનો ભય. ખેડૂને વાવણી પછી સારો વરસાદ થશે કે નહીં? મહેનત પ્રમાણે પાકશે કે નહીં તેનો ભય. નાના જીવડાને ભય ઉંદરનો, ઉંદરને બિલાડીનો, બિલાડીને કૂતરાનો, કૂતરાને વાઘ-સિંહનો, વાઘસિંહને વળી માણસનો. પોતે જ્યાં હોય ત્યાં સતત અનસિક્યોરિટી ફીલ થવી એ બહુ મોટો ભય છે. વિદ્યાર્થીને શિક્ષકની, શિક્ષકને વાલીની, વાલીને ટ્રસ્ટીની, ટ્રસ્ટીને કાયદાઓની બીક. માણસ નામના પ્રાણીને સૌથી વધારે ભયભીત કરતી કોઈ વસ્તુ હોય તો એ છે કાયદો. ઝૂંપડીમાં વસતો સામાન્ય માણસ કાયદાની ચૂંગાલમાં એવો તો ફસાય છે કે ખો ભૂલી જાય છે. અરે, મોટા મોટા બિઝનેસમેન પણ ઇન્કટેક્સના કાયદાને સરેન્ડર ક્યાં નથી થઈ જતા? હા, એક પ્રાણી એવું છે જે કાયદાની સાંકળને ગણકારતું નથી અને તે ખુરશીમાં બેસે છે. તે ખુરશીભૂખ્યું છે. અને આ સત્તાશાહી લોકોને સૌથી વધારે ડર 'ડર'નો છે. આંદોલનની અણી ભોંકાય તો એ તરત છંછેડાઈ ઊઠે છે. 

અંગ્રેજીમાં ‘A Bug's Life’  નામની એક સુંદર એનિમેશન ફિલ્મ છે. તેમાં ગ્રાસહોપર્સ, જેને આપણે ખડમાકડી કહીએ છીએ, તેની એક ગેંગ છે, જે એક ટેકરી પર વસતી કીડીઓની કોલોની પાસેથી દર મોસમમાં ખોરાકની ઊઘરાણી કરે છે. જેમ આપણે ત્યાં વખતોવખત હપ્તા લેવાય છે તેમ જ. તેની સામે ખડમાકડીનો સરદારકીડીઓને કહે છે, બહારની દુનિયા બહુ અસલામત છે, બચવું હોય તો મને હપ્તા આપવાનું ચાલુ રાખો. ખડમાકડીની ટીમ બહુ નાની છે, કીડીઓની સંખ્યા હજારોની છે. પણ હજારો કીડીઓ ગુલામીથી ટેવાઈ ગઈ છે. ફિલ્મના એક દૃશ્યમાં બહુ સુંદર સંવાદો છે, એક ખડમાકડી તેના સરદારને કહે છે, આપણી પાસે તો હજી ઘણા સમય સુધી ચાલે તેટલો ખોરાક છે, તો આ વખતે છેક કીડીઓના સુધી ઊઘરાણી કરવા જવાની શી જરૂર છે? સરદાર કહે, કીડીઓમાં ભયનો માહોલ જળવાઈ રહેવો જોઈએ, જે દિવસે એ ડરવાનું બંધ કરી દેશે એ દિવસે આપણે ખતમ થઈ જઈશું. 

‘A Bugs life’ ફિલ્મે જે વાત કરી તે વાત ગોરખ પાંડેએ કવિતામાં બહુ ધારદાર રીતે કરી છે. માત્ર બેચાર લીટીના લસરકાથી તેમણે સત્તાધીશોની માનસિકતાનું કાળું ચિત્ર દોરી આપ્યું છે. ખુરશીના પાયા પ્રજામાનસમાં મજબૂત ખૂંપાયેલા રહે તે માટે ભય ફેલાયેલો રહેવો જોઈએ. ખબર નથી કેમ, પણ પ્રજામાંથી જ ઊભો થયેલો એક માણસ ખુરશી ઉપર બેઠા પછી માણસ કેમ મટી જાય છે? જ્યારે તે જમીન પર બેઠો હોય ત્યારે તેને ખુરશીમાં ગંદકી દેખાય છે, પણ પોતે ખુરશીમાં બેઠા પછી તેને જમીન ગંદી લાગે છે.

ખુરશી તેના ગજા પ્રમાણે ભયનો માહોલ ઊભો કરે છે. નાનકડી ખુરશીથી લઈને સર્વોચ્ચ પદ સુધીની ખુરશીમાંથી સતત એક ભય ઝરતો હોય છે. જો પોતાની સત્તા ભયમાં મૂકાય દો તરત ખુરશી દેકારો કરવા લાગે કે પ્રજાતંત્ર ખતરામાં છે, દેશ મુશ્કેલીમાં છે, ખુરશી ન રહે તો ચૂલામાં જાય લોકશાહી. ખુરશી જ સત્તાવાંછુઓનો ભૂગોળ અને ઇતિહાસ છે.

અંગ્રેજીમાં બીજી પણ ‘The Croods’  નામની સુંદર એનિમેશન ફિલ્મ છે. તેમાં ગુફામાં રહેતા એક માનવપરિવારની વાત છે. તે નવી ગુફાની શોધમાં છે. ભય એ તેમનું જીવનસૂત્ર છે. બાપ દીકરાને કહે છે, બેટા ડરવાથી ગભરાવાનું નહીં, ગર્વપૂર્વક ડરવાનું. ડરથી જ આપણું જીવન ચાલે છે. તેમને રાતના અંધારામાં ખૂંખાર પ્રાણીઓનો ડર છે, અજાણ્યા જનાવરો, જગ્યાઓ અને બીજી અનેક બીક છે. આગળ જતાં એક છોકરો મળે છે, તે પણ નવી ગુફાની શોધમાં છે, તે આ પરિવારની ભય વિશેની આખી ફિલોસોફી બદલી નાખે છે. 

ખેર, વાર્તામાં તો સોલ્યુશન મળી જાય છે, જીવનના પ્રશ્નોના ઉકેલ ક્યાં મળે છે? ફાઈલો ગાયબ થઈ જાય છે, ન્યાય વિસરાઈ જાય છે, ભૂખ્યા સુધી અન્ન પહોંચતું અટકી જાય છે, મરીઝો સુધી દવા નથી પહોંચતી, નિર્દોષ વગરવાંકે દંડાય છે, ને આવા હજારો ડીંડકો ચાલ્યા જ કરે છે. અને આ બધાનો હિસાબ રાખતી હોય છે ખુરશી!પ ણ ખુરશીને, ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ, ભૂખ્યાજનોનો જઠરાગ્ની જાગી જવાની બીક છે.

'ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે,

ખંડેરની ભસ્મકણી ન લાધશે.' 

એમને ખબરે છે કે જો ગરીબોના પેટમાં લાગેલી આગ જ્વાળામુખી બનશે તો તેમનું આવી બનશે. એટલા માટે જ તો પોતાની પાસે ધનદોલત, બંગલાગાડી, પોલીસફોજ, ફુલ સિક્યોરિટી હોવા છતાં ડરે છે કે ક્યાંક લોકો અમારાથી ડરવાનું બંધ ન કરી દે!

લોગઆઉટ

હજારો વર્ષ જૂનો છે ગુસ્સો,

હજારો વર્ષ જૂની છે નફરત

હું તો માત્ર

તેમના વિખરાયેલા શબ્દોને

લય અને તુકબંધી સાથે પરત કરી રહ્યો છું

પણ તમને એવી બીક છે કે

હું આગ ભડકાવી રહ્યો છું.

- ગોરખ પાંડે, 

(અનુવાદોઃ અનિલ ચાવડા)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aFmoZN
Previous
Next Post »