દરેકે પોતાના મનની વાત સાંભળવાની ટેવ પાડવી પડશે !

- જેનામાં સહનશક્તિ છે એ દરેક વાતમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખે છે. અને એજ માણસ ઉતાવળું પગલું ભરવાને બદલે ધીરજપૂર્વક સમજી વિચારીને પગલું ભરશે


ત મામ પ્રકારના સાધન સંપત્તિ પ્રાપ્ત કરવા  પાછળ માણસ  ધમપછાડા મારતો હોય છે. એને જોઈતું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ નિરાંતે જમી શકતો નથી કે નિરાંતે સોડ તાણીને ઊંઘી શકતો નથી ! દરેકને કંઈને કંઈ પ્રાપ્ત કરવાની તમન્ના હોય છે ! હોવી પણ જોઈએ. તમન્ના જ જીવન જીવવાનો ઉત્સાહ જાળવી રાખે છે. જેને  કશાની તમન્ના ન હોય એને જિંદગીનો  એહસાસ પણ થતો નથી ! એ જીવે છે, ખાય છે, પીવે છે, પણ એને જિંદગીનો એહસાસ નથી. તમન્ના વગરનું જીવન વ્યર્થ છે. એવું નિરર્થક જીવન જીવવાનો પણ શો અર્થ છે !  સાધન સંપત્તિની પ્રાપ્તી પછી પણ માણસ સુખ ચેનથી જીવી શકતો ન હોય તો એના માટે પણ જીવનનો કોઈ અર્થ નથી! સાધન સંપત્તિ હોય ને કશાની ખોટ ન હોય તો પણ ઘર- પરિવારમાં શાંતિ ન હોય તો એણે પ્રાપ્ત કરેલી લકઝરીનો  એ પૂરેપૂરો આનંદ માણી શકતો નથી ! સાધન સંપત્તિ તમને ભૌતિક સામર્થ્ય પૂરૂ પાડી શકે પણ આત્મીય દરિદ્રતાને એનાથી કોઈ લાભ થાય નહિ ! અનેક ધનવાનોને આંતરિક દરિદ્રતાથી પીડાતા જોયા છે ! તમે કોઈપણ કામ કરો ને એમાંથી તમને આત્મસંતોષ પ્રાપ્ત થતો હોય તો એ કાર્યની સફળતા માટે તમે કરેલી તનતોડ મહેનતનો થાક ગૌણ બની જાય છે. આત્મસંતોષ હોય તો થાકી ગયેલું શરીર પણ થનગનાટ કરતું થઈ જાય ?

ધનદોલત સત્તા અને પાવર હોવા છતાં  તમને સંતોષ ન થતો હોય, સુખનો એહસાસ ન થતો હોય તો તમે સંપૂર્ણ માણસ ન કહેવાવ ! તમે અધૂરા માણસ છો, તમારામાં ક્યાંક કશું ખૂટે છે. અને જે ખૂટે છે તે આત્મીય દ્રરિદ્રતા છે ! આત્મીય દરિદ્રતા દૂર કર્યા વગર તમે તમારા સત્તા પાવરનો પણ યોગ્ય રીતે  ઉપયોગ કરી શકતા નથી ! બધું સીધુ સમુ ચાલતું હોય ત્યાં સુધી તમે પાછળ ફરીને  જોયા વગર મુઠ્ઠીઓ વળીને દોડતા રહો છો. પણ ઉબડખાબડ રસ્તો આવતાં જ તમારા પગ લથડિયા ખાતા થઈ જાય છે પણ જેનામાં આત્મશક્તિ છે તે ઉબડખાબડ રસ્તે  પણ સાવચેતીપૂર્વક આગળ ડગ ભરી શકે છે ! માણસની શક્તિ સાનૂકુળ સ્થિતિમાં નહિ, પ્રતિકૂળ સ્થિતિમાં  માપી શકાય છે ! પ્રતિકૂળ  પરિસ્થિતિમાં પણ માણસ પરિસ્થિતિનો વાંક કાઢ્યા વગર અથવા અન્ય કોઈના પર દોષનો ટોપલો ઢોળ્યા વગર પ્રતિકૂળતામાંથી બહાર આવવાની તરકીબ શોધી કાઢે છે. પ્રતિકૂળતામાં હાવરાબાંવરા થઈ જવાથી ગલત પગલું ભરાઈ જવાની શક્યતા રહે છે.   આ પરિસ્થિતિ સામે ઝૂઝવા માટે સહનશક્તિ કેળવવી જોઈએ. જગતમાં સૌથી વધુ જો કોઈ શક્તિ હોય તો તે છે સહન શક્તિ ! જેનામાં સહનશક્તિ છે એ દરેક વાતમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખે છે. અને એજ માણસ ઉતાવળું પગલું ભરવાને બદલે ધીરજપૂર્વક સમજી વિચારીને પગલું ભરશે. દરેક વાતનો જવાબ ઉશ્કેરાયા વગર સમજાય તે રીતે આવશે.

સામાન્ય વાતો કરતા કરતાં કોઈ માણસ ઉશ્કેરાઈ જાય તો સમજી લેવાનું કે એ સંપૂર્ણ માણસ નથી. એનામાં જરૂર કંઈક ખૂટે છે ! અને ખૂટે છે નો  અર્થ સહનશક્તિ જ ખૂટે છે. દલીલમાં જનારે સામેવાળાને પહોંચી વળાતું ન હોય તો એ ઉશ્કેરાઈ જતો હોય છે. ઝગડી પડતો હોય છે. સહનશક્તિથી વિચલિત માણસ જિદ્દી હોય છે. હઠાગ્રહી હોય છે એની જીદ પૂરી કર્યા વિનાની કોઈ વાત એને સ્વીકૃત નથી ! આપણી ભાષામાં  સલાહ  શબ્દ પ્રચલિત છે. એનો અર્થ એ કે આપણા સમાજમાં અને રિવાજમાં સલાહનું ચલણ છે. પણ જિદ્દી માણસ કોઈની સલાહ સ્વીકારવામાંય પોતાનું પરાજય માની બેઠો હોય છે. આપણા સમાજમાં સ્ત્રીહઠ, બાળહઠ,  અને રાજહઠ વર્ષોથી વગોવાયેલી અને વખણાયેલી છે. અને આપણો વર્તમાન સમાજ આ ત્રણે  પ્રકારના હઠાગ્રહ વચ્ચે ઘેરાઈ ગયો છે.  જ્યાં સલાહને શરણાગતિ તરીકે મૂલવવામાં આવતી હોય ત્યાં જિદ્દી માણસને સમજાવવું બહુ અઘરૂં છે. જ્યાં બંને તરફે જિદ્દનો એક સરખો જ મિજાજ હોય ત્યાં તો કોઈ ઉપાય કારગર નિવડે નહિ ! ત્યાં માત્ર સારૂ કે માઠું પરિણામ જ એનો નિવેડો લાવી શકે. 

એક તરફથી  એ લાભદાયી પરિણામ હોય એ બીજી તરફ નુકશાનકારક હોય છે. બંને તરફે લાભદાયી નિવડે એવું પરિણામ તો આવે જ નહિ. કોઈએક પક્ષને નારાજ કરવો જ પડે.  બંને પક્ષને રાજી કરે એવું પરિણામ તો બંને તરફથી જીદ પડતી મુકાય તો જ સંભવિત છે, પણ જિદ્દી પણામાં એવી સમજણ કામ નથી લાગતી ! જીદે ચડીને માણસે એકબીજાના રાજપાઠ આંચકી લીધા છે અને જીદે ચડીને રાજપાઠ  ગુમાવ્યા  પણ છે !  પણ માણસના સ્વભાવમાંથી જિદ્દનું વળગણ છૂટયું નથી ! તમારી પાસે શક્તિ છે, સત્તા છે, પાવર છે, છતાં જો તમે કંઈ જ ન કરી શકતા હો તો તમે તમારી જાત સાથે વાત કરવા જેટલો સમય તો ફાળવી શકો કે નહિ? તમારાથી બીજું કાંઈ ન થઈ શકતું હોય તો કમસે કમ તમને કમજોર પુરવાર કરતી તમારી આત્મદરિદ્રતા તો દૂર કરો! પોતે જ પોતાના મનની  વાત સાંભળવાની ટેવ પાડો. તમે પોતે તમને પોતાને સમજતા થઈ જશો તો તમને  તમારા આત્માનો સમાજ  સંભળાશે. અને જ્યારે  તમને તમારા  આત્માનો અવાજ સંભળાશે ત્યારે  તમને તમારી  આત્મીય  દરિદ્રતાના દર્શન થશે ત્યારે  સંપૂર્ણ  રીતે તમે પોતાને  જોઇ  શકશો. તમારૂ સાચુ સ્વરૂપ તમને  દેખાશે. તમે પોતાને ઓળખતા થઇ જશો, તમે અત્યાર સુધી તમારા અહમને જોયો છે. દંભને જોયો છે, ઘમંડને જોયો છે. પરંતુ  આત્મીય કંગાલિયતના દર્શન થયા નથી. તમારી  જિદ અને  તમારો ઘમંડ એ બધું  આત્મીય કંગાલિયતનું  પરિણામ છે. 

કોઇપણ  પ્રકારના  વિવાદનું  સર્વપક્ષી  નિવારણ  માત્ર  સમાધાનવૃત્તિ દ્વારા જ લાવી શકાય !  અન્ય સાથે  સમાધાન  કરતાં પહેલાં પોતાની જાત સાથે સમાધાન  કરવું પડે.  એમાં  કશું જતું કરવુ પડે. એમાં  સમજણપૂર્વકની  ઉદારતા હોય છે,  એને  શરણાગતિ ગણીને  દુઃખી  થવાય નહિ !  સમાધાનવૃત્તિ દ્વારા  થોડુક જતુ  કરવામાં ઘણુ બધુ  પ્રાપ્ત પણ થતું હોય છે.  શાંતિ પ્રાપ્ત  થાય છે.  દુશ્મનાવટને  બદલે  મૈત્રી  પ્રાપ્ત થાય છે.  ચિંતામાંથી  મુક્તિ મળે છે. જ્યાં  સમાધાનવૃત્તિ ન કેળવાય  ત્યાં  વિનાશકતા જ સર્જાય છે. તમે જીદ લઇને  બેઠા છો. કોઇપણ  પ્રકારનું  સમાધાન તમને  મંજુર નથી. 

તમારે માત્ર તમારી જીદ જ પૂરી કરવી છે તો સારા પરિણામની આશા ન રાખી શકાય.  એ માટે  ઢગલાબંધ  પુરાવા આપણને ઇતિહાસમાંથી મળે તેમ છે. ઘમંડ અને જીદમાં સામેવાળા કરતાં આપણને જ વધુ નુકશાન પહોંચાડે છે. રાવણની સોનાની લંકા પણ પળભરમાં બળીને રાખ થઇ ગઇ અને 'ઘમંડ તો રાજા રાવણનો પણ રહ્યો નથી'  એવી ચિરંજીવી લોકોકિત આપણને પ્રાપ્ત થઇ. લંકાની તારાજી રાવણના ઘમંડ અને  જિદના કારણે જ સર્જાઇ. પરિણામે રાવણ જેવો મહાન અને વિદ્વાન માણસ  તુચ્છ થઇ ગયો.  જ્યારે સામે પક્ષે જતું કરવાની ભાવના હોવાથી ગુમાવ્યું તેથી  બમણું પ્રાપ્ત થયું. રામના  રાજ્યાભિષેકના અવસરની કલ્પના  કરી જુઓ ! રામનું  રાજ્યાભિષેક થવાનું હતું. 

નવો રાજા બિરાજમાન થનાર  હોવાથી સિંહાસનને હીરામોતીથી શણગારવામાં  આવ્યો હતો.  રામે રજવાડી પોષાક ધારણ કરી લીધો હતો.  રામ અને  સિંહાસન વચ્ચે દોઢ બે ડગલાનું જ અંતર હતું ને રામને સિંહાસનને બદલે મહારાજા દશરથનો આદેશ મળે છે. બાર વર્ષનો વનવાસ !  પિતાનાં આદેશને માન આપીને  સિંહાસનનો ત્યાગ કરીને વનવાસ સ્વીકારી લીધો !  દેખીતી રીતે આ ખોટનો ધંધો છે. વાસ્તવમાં એ લાભદાયી નીવડે છે. પછી તો રામ-શ્રીરામ તરીકે પ્રસ્થાપિત થાય છે. અયોધ્યાના સિંહાસનના બદલે ભગવાનના દરજ્જે બિરાજમાન થાય છે.  અને રાવણ જેવો મહાન  વિદ્વાન માણસ રાક્ષસ તરીકે વગોવાય છે.

આ જતું કરવાની નીતિનું પરિણામ છે !  હું વનવાસ નહિ જાઉં,  કહીને ગાદી પર  બિરાજમાન થવાની જીદને રામ વળગી રહ્યા હોત તો  તલવારો તણાઇ ગઇ હોત. દસ બાર લીલાછમ માથા વધેરાઇ ગયા હોત અને રામને ભગવાનનો દરજ્જો પ્રાપ્ત થયો ન હોત !  રામાયણ જેવો ગ્રંથ આપણને પ્રાપ્ત ન થયો હોત !  આપણે રામરાજ્યમાં જીવતા હોવાની કલ્પના કરતા હોઇએ તો હઠાગ્રહી થવાને બદલે રામની જેમ જતું કરવાની નીતિ સ્વીકારવી પડે !  જીદને પૂરી કરવાથી કોઇ એકને લાભ થતો હોય ને જીદને પડતી મૂકવાથી અનેકને લાભ થતો હોય તો  એ બેમાંથી કયા માર્ગે આપણે  જવું જોઇએ, એ સમજી શકાય તેમ છે. 

જીદ અને ઘમંડ દ્વારા સર્જાયેલી આવી તારાજી અંગેના અનેક દાખલા આપણી પાસે મોજુદ છે. જેને આપણે  ધર્મયુધ્ધ તરીકે પ્રસ્થાપિત કરવા મથીએ છીએ એ મહાભારતનું યુધ્ધ પણ જીદ અને ઘમંડનું જ પરિણામ છે.  કૌરવો પક્ષે દુર્યોધનનું ઘમંડ  હતું તો  પાંડવોના પક્ષે  દ્રૌપદીની  જીદ હતી.  બંને એકબીજાને મચક આપવા તૈયાર નહોતા. 

સમાધાન માટે દુર્યોધન સાથે  અનેક બેઠકો થઇ પણ  દુર્યોધનને  સમાધાન સ્વીકાર્ય ન હતું. છેવટે  કૃષ્ણ ખુદ  દુર્યોધનને  મળવા ગયા તો દુર્યોધને કૃષ્ણની  વાત પણ  સ્વીકારી નહીં. આ તરફ કૌરવકુળના વિનાશથી ઓછું કંઇ પણ ખપે નહિ એવી  જીદ લઇને દ્રૌપદી બેઠી હતી.  એને પણ  સમાધાન સ્વીકાર્ય નહોતું. પરિણામ શું આવ્યું ? એક દુર્યોધનના ઘમંડે સો કૌરવોને હણી નાખ્યા ! કૌરવોને સાથ આપનાર પણ હણાઇ ગયા.

તો બીજી તરફ દ્રૌપદીની જીદનું પરિણામ તો સારૂ ના જ આવ્યું. કૃષ્ણની સહાયથી પાંડવોને કુરૂક્ષેત્રમાં વિજય થાય છે. પરંતુ ગ્લાનિબોધમાંથી એમને મુક્તિ મળતી નથી. એ જીતીને પણ હારી જાય છે. યુધ્ધ જીતે છે પણ જીવન હારી બેસે છે.  મહાભારતના  યુધ્ધમાં  હાર્યા તે પણ તારાજ થયા  અને જીત્યા  તે પણ બરબાદ થયા !  આ બધું  માત્ર  ઘમંડ અને જીદને  કારણે થાય છે !  સમાધાનવૃત્તિ સાથે  જતુ કરવાની  ઉદારતા  જ  સારા પરિણામો સર્જી શકે છે ! 

અડપલુ

દરવાજા ચાહતા હૈ કિ દસ્તક  મિલે કોઇ, 

તન્હાઇઓં કા રોના હૈ  કબતક  મિલે કોઇ 

ઉનકી  યે જિદ કે આપ કોઇ  વક્ત  દીજીએ,

ઔર મેં યે ચાહતા હું અચાનક  મિલે કોઇ 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oY2uOK
Previous
Next Post »