ઇચ્છાઓ તો માણસને અવળ માર્ગે પણ લઇ જાય, પણ ત્યાગ તો માણસને તારી દે!-હનુમંતરાય

- બબીમાની ચિંતા બરાબર જ હતી. કારણ કે તેમના કાને જાતજાતની વાતો આવતી હતી: 'બબીમા, આજે તો ચૌલાને નદી જોઈ હતી. એની જોડે કોક છોકરો હતો !' 

- ચૌલા હીંચકા પર જઇને બેસી ગઈ... ને 'સોનલ તો...'ને અચાનક જ એ ધૂ્રસકે ચઢી ગયા. 'મને એકલો મૂકીને એ ચાલી ગઈ ! મેં ક્યાં માગ્યું હતું શારીરિક સુખ ? 


'એણે આ શું કરી નાખ્યું ? કશો જ વિચાર ન કર્યો એણે ? ઇજ્જતમાં પૂળો મૂકી દીધો આ છોકરી એ તો ! જઇ જઇને ક્યાં જઇને બેઠી ? એય બારબાર વર્ષ મોટા માણસના ઘરમાં ? રોજે હવે આખી જિંદગી...મારે શું ?'

- બબીમાના મુખમાંથી વારંવાર નીકળતા આ શબ્દો છે. બબીમા વિધવા છે. ને એકલપંડે જિંદગીનો જંગ લડી રહ્યાં છે. એકલાં નહોતાં. બે જણ હતાં. બબીમા અને એમની દીકરી ચૌલા ! ચૌલા હવે મોટી થઇ ગઇ હતી. એકવીસમે વરસે પહોંચી ગઇ હતી. ચૌલા પાછી રૂપાળી એવી કે નાતમાં એના જેવી કોઇ ના મળે ! કાયા હવે જુવાનીના જળમાં તરબોળ થઇ ગઇ હતી. થનગનતું યૌવન હતું. રૂપથી દેહનું સરોવર છલકાતું હતું. જામતી જુવાની થનાથન કરી રહી હતી !

ચિંતા થતી હતી બબીમાને, દીકરી ચૌલાની ! જુવાન થઇ ગયેલી દીકરી મા બાપ માટે ચિંતાનો વજનદાર ભારો થઇ પડે છે ! થતું એમને કે, એને ગમી જાય એનો, એની જોડય તો કોઈ યુવાન મળી જાય ને એવડી એ 'હા' કહીને ડોકુ હલાવી દે તો તરત જ ગોળધાણા ખાઈ નાખવા છે.

તરત જ વાજાં વગડાવી દેવાં છે !

તરત જ મુરત કઢાવી નાખવાં છે !

તરત જ કંકોતરીઓ છપાવી નાખવી છે !

શુકનનો કંસાર રાંધી નાખવો છે !

હા, પણ એક શરત !

ચૌલા હા કહે તો !

પેલા જુવાનિયાને તો ચૌલા ગમી જ જશે. અપ્સરા જેવી છોકરી કોને ન ગમે ? સવાલ યુવાનનો નથી, સવાલ ચૌલાનો છે. ક્યારેક તો એ બબીમાને કહી દે છે: 'મા, ખોટી ચિંતા ન કરીશ. મને ગમશે એટલે તરત જ હા કહીશ. બાકી આમ ચિંતા ના પોટલાં લઇને ફર્યે કામ નહીં ચાલે ! મારે એવો જણ જોઇએ કે જે મને ગમી જાય !'

'તને કેવો જણ ગમે ?'

'મને એવો જણ ગમે કે જે મને કાયમ હેતના હીંડોળે બે હીંચોળે ! મારે એવું ઘર જોઇએ કે મને ક્યારેય પસ્તાવો ન થાય !'

બબીમાની ચિંતા બરાબર જ હતી. કારણ કે તેમના કાને જાતજાતની વાતો આવતી હતી: 'બબીમા, આજે તો ચૌલાને નદી જોઈ હતી. એની જોડે કોક છોકરો હતો !' 'બબીમા, આજે તો મેં ચૌલાને તળાવ નજીકના વડના ઝાડ તળે બેઠેલી જોઈ. હા, એની હાર્યે એક છોકરો હતો !'

રૂપાળી દીકરી !

રૂપનો છલકાતો દરિયો !

દરિયો મોજાં ઉછાળતો હતો !

દરિયાનાં મોજાં ઘુઘવાટા કરતાં હતાં !

અને એ હતી ય એવી.

કેવી ?

પતંગિયાની પાંખ જેવી !

અપ્સરા જેવી !

પરી ય પાછી વળી જાય એવી !

જગનું સર્વશ્રેષ્ઠ રૂપ જીવતું જાગતું થઇ જાય અને એ કોઈ છોકરીનું સ્વરૂપ ધારણ કરે એ જોવું હોય તો ચૌલાને જોઇ લો !

ચૌલા સરોવર છે !

સૌંદર્યનું છલકાતું સરોવર !

એ તો છે ગામના વચલા ફળિયામાં મોજાં ઉછાળતું મલકાતું માનસરોવર ! એને જોઇને, એને પામવાની ઇચ્છા જાગી જાય એવી છે એ ! જુવાનિયા તો જોતાં જ સપનાંની દુનિયામાં સરી જાય. ને એની જોડે સપ્તપદીના ફેરા ફર્યાની કલ્પના કરવા લાગી જાય ! અરે, છોડો જુવાનિયાઓની વાત ! પરણીને બેત્રણ સંતાનોના બાપ થયેલા પચાસ વર્ષીય પ્રૌઢો ય એને જોઈ જાય તો 'મીઠાઈની દુકાન' જોઇને મલકી જવાય એમ મલકાવા માંડે ! અરે, સાઠ-પાંસઠે પહોંચેલા ડોસાય ઝાંખી આંખે એને જોઈ લે તો 'આ છોડી કુણ સે ?' એવા સવાલ કરીને હસવા માંડે ! જુવાન છોકરીઓ ઇર્ષા કરે ને નાખે નિસાસા: 'કાશ ઉપરવાળાએ મને પણ આવું રૂપ આપ્યું હોત !'

ચૌલા એટલે ગામની યુવતીઓની ઇર્ષા !

ચૌલા એટલે ગામના યુવાનોનું સપનું !

ચૌલા એટલે ગામના વૃધ્ધોના નિસાસા !

ચૌલા એટલે પરિણીત પુરુષોનો પસ્તાવો !

ૂબબીમા સપનાં જોતાં હતાં, કોઇને જમાઈ બનાવવાનાં, ચૌલાના હાથ ઝટ પીળા કરી નાખવાનાં ! પણ ચૌલાનું મન કોઈ ડાળખી પર સ્થિર થતું નહોતું ! એના મનમાં બસ, એક જ વાત હતી: 'મને કોઈ એવો જણ મળી જાય, જે મારાં અરમાનોને પરખી શકે, મારામાં પૂરો ભરોસો રાખે, મને હેતના હીંડોળે હીંચોળે...ને મારો, માત્ર મારો બની જાય !'

આ નાનકડું શહેર કહો તો શહેર અને મોટકડું ગામ કહો તો ગામમાં કોઈ હશે એવો જણ જે મને ઓળખી શકે, પરખી શકે ને જેના જીવતરમાં હું મારાં અરમાનોનો માળો બાંધી શકું ?

છે કોઈ એવો જણ ?

મને મળશે ખરો ?

મારો બનશે ખરો ?

- અને એ દિવસે આ નાનકડા શહેરની એક સોસાયટીના છેવાડા બંગલાના ઉપરના માળે હીંચકા પર બેઠેલા એક પાંત્રીસેક વર્ષના જણને એણે જોયો ! ઓહ, આ તો સોનલબહેનનું ઘર ! સોનલબહેન એને વારંવાર મળતાં. મંદિરમાં, શાકબજારમાં, સાડીઓ વાળાની દુકાને ! એમનો સ્વભાવ બહુ સારો ! ચૌલાને જોતાં જ એ રાજી રાજી થઇ જાય ! સોનલ બહેન એટલે રાજીપાનો પટારો ! એમની વાતો સાંભળવાની ચૌલાને મજા આવતી. એ કહેતાં: 'ચૌલા, કોકવાર તો આવ મારા ઘેર ! એમનો સ્વભાવ સારો છે. પારકાંને પોતાનાં બનાવતાં શીખવું હોય તો એમનું ટયૂશન રાખવું પડે. મસ્ત મૌલા માણસ છે ! ને પછી પૂછતાં: 'ક્યારે આવીશ મારા બંગલે ?''

'કદીક આવીશ.'

- પણ ક્યારેક એમની સ્મિતભરી વાતોની પાછળ એક દુઃખભરી ટીસ પણ જોઈ શકાતી. ક્યારેક એ કહેતાં: 'ચૌલા, હું એમને કશું જ સુખ આપી શક્તી નથી. કારણ ? કારણ કે મને અન્નનળીનું કેન્સર છે. હું જ પીડામાં પલળતી હોઉં પછી એમને સુખ શી રીતે આપી શકું ? એય સમજે છે કહે છે: 'મેં તને જીવન સંગિની માત્ર દૈહિક સુખ માટે નથી બનાવી, હું માત્ર તારો સહવાસ ઝંખું છું, સોનલ ! તું મારી પાસે બેસે, હીંચકા ખાય, હસીને વાતો કરે ને ઘરને ભર્યું ભર્યું રાખે એટલે આ બંદા તો રાજી રાજી ! ઇચ્છાઓ તો માણસને અવળ માર્ગે પણ લઇ જાય, પણ ત્યાગ તો માણસને તારી દે, સોનલ !''

પણ સોનલ બહેન ઝાઝું ન જીવી શક્યાં. કેન્સર એમની જિંદગીને 'કેન્સલ' કરીને જ જંપ્યું !

હનુમંતરાય રડી પડયા ! એ બંગલાના ઝાંપે ગઇ. પછી પગથિયાં ચઢી. પછી હીંચકાની સામે જઇને ઉભી રહી... હનુમંતરાય બોલી ઉઠયા: 'ચૌલા તો નહિ ? સોનલે મને તારી ખૂબ વાતો કહી હતી. એની વાતોમાં તું આવે જ આવે ! મોબાઈલમાં એણે તારી તસવીર પણ બતાવી હતી. આવ, બેસ !'

ચૌલા હીંચકા પર જઇને બેસી ગઈ... ને 'સોનલ તો...'ને અચાનક જ એ ધૂ્રસકે ચઢી ગયા. 'મને એકલો મૂકીને એ ચાલી ગઈ ! મેં ક્યાં માગ્યું હતું શારીરિક સુખ ? મેં ક્યાં આશા રાખી હતી એના દૈહિક સહવાસની ? બસ, મારે તો જોઇતો હતો એનો પ્રેમ ! એ તો ગઈ, પણ હવે કોણ આપશે મને એવો પ્રેમ ?'

'હું આપીશ. તમે રડશો નહિ !' ને હનુમંતરાયનો હાથ હાથમાં લઇને એણે કહ્યું: 'હું બેઠી છું ને ? હું ચૌલા મટી જઇને સોનલ બની જવા તૈયાર છું...'ને આખરે એ જ બન્યું, જે જગતને ચોંકાવી ગયું ! નાનકડા આ શહેરને આંચકો અને આશ્ચર્ય આપી ગયું ! અરે, ખુદ બબીમાને પહેલાં આઘાત અને નજીકાઈ પ્રગટતાં જ 'સંતોષ' આપી ગયું ! કારણ ? ચૌલા અચાનક સોનલ બની ગઈ હતી...!!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39V3hvK
Previous
Next Post »