દુબઈ વર્કપરમીટના નકલી વિઝા આપી લાખોની ઠગાઈનું કૌભાંડ : વડોદરાનો એક શખ્સ પકડાયો


આણંદ, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

દુબઈ વર્કપરમીટના નકલી વિઝા આપી છેતરપીંડી કરનાર વડોદરા રહેવાસી અને આણંદ ખાતે ઓફિસ ધરાવતા શખ્શને આણંદ એસઓજી પોલીસે રૂા.૨.૭૦ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તેની સામે છેતરપીંડીનો ગુનો નોંધી તેની સાથે સંકળાયેલ અન્ય શખ્શોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં મળતી વિગત મુજબ નડિયાદ ખાતે રહેતા વસીમભાઈ ઈકબાલભાઈ મલેક આજથી ચારેક માસ પૂર્વે આણંદ શહેરના રઘુવીર સીટી સેન્ટર ખાતે આવેલ જે.પી.ઈન્ટરનેશનલ ઓફિસના સંપર્કમાં આવતા ઓફિસના સંચાલકોએ દુબઈમાં નોકરી તક છે તેમ જણાવતા તેઓએ દુબઈ જવા માટે બાયોડેટા આપ્યો હતો. બાદમાં જરૂરી દસ્તાવેજો તેમજ કોરા ચેક લઈ મળવા બોલાવતા તેઓ જરૂરી દસ્તાવેજો લઈ ઓફિસ ખાતે ગયા હતા ત્યારે ૧૦ દિવસમાં વીઝા આવી જશે તેમ કહી વિઝા આવે ત્યારે રૂા.૧.૭૦ લાખ રોકડા ભરી ચેક પાછા લઈ જવાની વાત કરી હતી. દસેક દિવસ બાદ આરીફાબેને ફોન કરીને વસીમભાઈને પૈસા આપી વિઝા લઈ જવા જણાવતા વસીમભાઈએ જે.પી. ઈન્ટરનેશનલના રવિકુમાર ભાસ્કર સાથે વાતચીત કરી હતી અને અમારા માલિક જયદીપભાઈ હસમુખભાઈ પટેલને પૈસા મોકલવાના હોય છે તેમ જણાવ્યું હતું. જેથી વસીમભાઈએ રૂા.૧.૭૦ લાખ જયદીપભાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ રવિ ભાસ્કરે આણંદ ઓફિસે બોલાવી એગ્રીમેન્ટ ઉપર સહી કરાવી પાસપોર્ટ અને એમ્પલોઈમેન્ય વિઝા આપ્યા હતા. બાદમાં ૧૦ દિવસ પછી અમદાવાદથી દુબઈની એર ટિકિટ આપી હતી. જો કે ટૂંકાગાળામાં વિઝા મળતા વસીમભાઈને શંકા ગઈ હતી. જેથી તેઓએ ઓફર લેટર અને કોન્ટ્રાક્ટની કોપી માગતા ફલાઈટના ટાઈમ સુધી આપવામાં આવી ન હતી.

બાદમાં દુબઈ ખાતે રહેતા મહંમદસાકીર સૈયદ ઉર્ફે ઈબ્રાહીમભાઈ સાથે વાત કરાવી વર્કપરમીટના વીઝા એપ્રુવલ થયા ન હોઈ એપ્રુવલ મળેથી આવવા જણાવ્યું હતું. બાદમાં તેઓએ વિઝીટર વિઝા ઉપર દુબઈ બોલાવી લીધા હતા. બાદમાં દુબઈ ખોટી રીતે લાવવામાં આવ્યા હોવાની વસીમને જાણ થઈ હતી. જેથી દુબઈથી પરત આવ્યા બાદ વસીમભાઈએ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયદીપ હસમુખભાઈ પટેલ (રહે.વડોદરા), રવિ મનસુખભાઈ ભાસ્કર (રહે.સુરત) અને મહંમદસાકીર સૈયદ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વિદેશ મંત્રાલય તરફથી પણ આ અંગે એસઓજી પોલીસને ટકોર કરવામાં આવતા આણંદ શહેરના ભાલેજ રોડ ઉપર રઘુવીર સેન્ટર ખાતે આવેલ જે.પી.ઈન્ટરનેશનલના માલિક જયદીપ હસમુખભાઈ પટેલ (રહે.વડોદરા)ની તપાસ કરતા શંકાસ્પદ જણાતા પોલીસે તેઓની આડકતરી રીતે પુછપરછ કરતા તે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. જેથી એસઓજી પોલીસે લેપટોપ, અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન, ૧૯ નંગ પાસપોર્ટ અને રોકડા રૂા.૨.૪૩ લાખ સહિત કુલ્લે રૂા.૨,૭૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી જયદીપ પટેલને આણંદ શહેર પોલીસ મથકના હવાલે કરતા પોલીસે તેની વિરૂધ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી તેના સાગરિતોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37vl3Ek
Previous
Next Post »