આણંદ, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ડેમોલ ગામેથી છેલ્લા બે દિવસમાં કોરોનાના શંકાસ્પદ કેસો મળી આવતા ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત સવારે ૨ કલાક અને સાંજના ૧ કલાક માટે અગત્યના કામકાજ અર્થે મુક્તિ અપાઈ છે. જો કે નવાઈની વાત તો એ છે કે એક તરફ છેલ્લા ૧૫ દિવસ ઉપરાંતથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં કોરોનાના કુલ કેસોનો આંક ૧૦ કરતા ઓછો દર્શાવાઈ રહ્યો છે ત્યારે ગુરૂવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં ડેમોલ ગામના એકપણ પોઝીટીવ કેસનો ઉલ્લેખ કરાયો ન હતો.
વધુમાં મળતી માહિતી મુજબ ગત સપ્તાહે પેટલાદ તાલુકાના ડેમોલ ગામેથી ૧૦૭ જેટલા ગ્રામજનો લક્ઝરી બસ મારફતે આબુ-અંબાજીના પ્રવાસે ગયા હતા. ગામના વિવિધ વિસ્તારોમાંથી યાત્રાએ ગયેલ ગ્રામજનો પરત ફર્યા બાદ તે પૈકીના બે વ્યક્તિઓની તબિયત લથડી હતી. જેથી તેઓના રીપોર્ટ કઢાવવામાં આવતા તેઓમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જે વાત ગ્રામજનોમાં ફેલાતા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને પરિસ્થિતિ વણસે નહી તે હેતુથી ગામના સરપંચ સહિતના સભ્યોએ તુરંત જ બેઠક બોલાવી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. જે મુજબ સવારના ૮.૦૦ થી ૧૦.૦ કલાક જીવન જરૂરી ચીજવસ્તુની ખરીદી માટે બજારો ખુલ્લા રાખવાની તેમજ સાંજના એક કલાક માટે ડેરીમાં દૂધ ભરવા આવતા પશુપાલકો માટે મુક્તિ અપાઈ છે. આબુ-અંબાજીથી ડેમોલ ગામે પરત ફરેલ પ્રવાસીઓમાં સંક્રમણ ફેલાયું હોવાની વાત તાલુકા આરોગ્ય વિભાગને જાણવા મળતા તાલુકા આરોગ્ય વિભાગની ટીમો તુરંત જ ડેમોલ ગામે પહોંચી ગઈ હતી અને ગામમાં ટેસ્ટીંગની પ્રક્રિયા હાથ ધરી હતી. ગતરોજ ૨૫ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરાયા હતા. જે પૈકી બે વ્યક્તિઓમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જ્યારે શુક્રવાર બપોર સુધીમાં ૧૭ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરાયા છે. જે પૈકી એક વ્યક્તિમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો મળી આવ્યા હતા.હાલ આરોગ્ય તંત્રની વિવિધ ટીમો દ્વારા ઘેર-ઘેર સર્વે અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગની ટીમોએ સર્વે શરૂ કર્યો
આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.એચ.બી.રાઠોડે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની છ ટીમો દ્વારા ડેમોલ ગામમાં સર્વે તથા ટેસ્ટીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથે ગામમાં સેનીટાઈઝીંગની પણ પ્રક્રિયા હાથ ધરાઈ છે. હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને આ અંગે પેનીક થવાની જરૂર નથી. માત્ર શંકાસ્પદ કોરોનાના કેસ જોવા મળ્યા છે. જેથી ગ્રામજનોએ ગભરાવાની જરૂર નથી. પરંતુ સ્વાસ્થય અંગે તકલીફ જણાય તો તેઓએ તુરંત જ આરોગ્ય વિભાગનો સંપર્ક કરી ટેસ્ટીંગ કરાવવા અનુરોધ કરાયો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZvQEBt
ConversionConversion EmoticonEmoticon