બિદિતા બેગનો સંતાપઃ એકટરોને હવે દરેક સ્તરે સેન્સરશીપ નડે છે

- યુવાન અભિનેત્રીને એ સમજાતુ નથી કે લોકો આટલા બધા સંવેદનશીલ કેમ બની ગયા છે. 'લોકોને શું થઈ ગયું છે અને એમની લાગણીઓ આટલી બધી શા માટે દુભાય છે એ મને સમજાતું નથી. શા માટે તેઓ આટલી સહેલાઈથી દરેક બાબતમાં દુભાય છે?

- બાબુમોશાય બંદુકબાઝમાં નવાઝૂદ્દિન સિદ્દીકી સાથે


છેલ્લા ઘણાં અરસાથી વેબ સિરીઝોના બિભત્સ અને કામુક દ્રશ્યોનો વિરોધ થઈ રહ્યો છે. એમાં વેબ શો 'તાંડવ' એ તાજેતરમાં બળતામાં ઘી હોમ્યુ હતું. આ શોમાં હિન્દુઓની લાગણી દુભવતા સીન હોવાનો આક્ષેપ કરી કરણી સેના જેવા સંગઠનોએ એનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તાંડવનું પ્રસારણ રોકવા કોર્ટમાં પિટીશન પણ નોંધાવાઈ હતી. એને પગલે વેબ શોના મેકરોને કહેવાતી લાગણી દુભવતા સીન વેબ સિરીઝમાંથી કાઢવાની ફરજ પડી હતી. એ પહેલા અનિલ કપૂર અને અનુરાગ કશ્યપની વેબ સિરીઝ 'એકે વર્સીસ એકે' પણ વિવાદમાં સપડાઈ હતી. આ સિરીઝમાં અનિલ કપૂરને ભારતીય વાયુ દળના ફાઇટર પાઇલટનો યુનિફોર્મ પહેરી અપશબ્દ બોલતા દર્શાવાયો હતો, જેની સામે ખુદ ઇન્ડિયન એરફોર્સે જ વાંધો લીધો હતો. આવા વિવાદોને કારણે ઓટીટી પ્લેટફોર્મને સેન્સરના દાયરામાં લાવવાની માગણીએ જોર પકડયું છે. એમાં બે ભાગ પડી ગયા છે. એક ગુ્રપ ઓટીટી પ્લેટફોર્મ પર સેન્સરશીપ લાદવાની હિમાયત કરે છે તો બીજુ ગુ્રપ સેન્સરશીપનો વિરોધ કરે છે. ડિજીટલ માધ્યમમાં સારી એવી નામના મેળવનાર એકટર બિદિતા બેગ બીજા ગુ્રપમાં છે. એ ઓટીટી પર કોઈ પ્રકારની સેન્સરશીપ લાદવાના પક્ષમાં નથી. 'કોઈ વ્યક્તિ એકાદ માધ્યમમાં પોતાને મનગમતું કશું જોવા માગતી હોય તો એમાં કશું ખોટુ હોવાનું હું માનતી નથી. વયસ્ક માનવીને પોતાની ઇચ્છા પડે એ જોવાની છુટ હોવી જ જોઈએ. સેન્સરશીપ બિલકુલ નહિ હોની ચાહિયે. કારણ વગર હમણાંથી પરિસ્થિતિ મુશ્કેલ બનતી જાય છે,' એમ બેગ (૨૯) કહે છે.

યુવાન અભિનેત્રીને એ સમજાતુ નથી કે લોકો આટલા બધા સંવેદનશીલ કેમ બની ગયા છે. 'લોકોને શું થઈ ગયું છે અને એમની લાગણીઓ આટલી બધી શા માટે દુભાય છે એ મને સમજાતું નથી. શા માટે તેઓ આટલી સહેલાઈથી દરેક બાબતમાં દુભાય છે ? આજકાલ બહુ કપરો કાળ ચાલી રહ્યોો છે. આપણે આપણાં અગ્રક્રમો (પ્રાયોરિટીઝ) નક્કી કરી લેવાની આવશ્યકતા છે. મને તો ક્યારેક એવો વિચાર આવે છે કે આપણે જે ખરી સમસ્યાઓ છે એના પર ધ્યાન આપી શા માટે એની ચર્ચા નથી કરતા ?' એવો બળાપો બિદિતા બેગ ઠાલવે છે.

એક એકટર અને ક્રિયેટીવ વ્યક્તિ તરીકે મિસ બેગને કોઈ પણ સ્વરૂપની સેન્સરશીપ નિરુત્સાહ અને નાસીપાસ કરનારી લાગે છે. 'તમે એકટર બન્યા પછી લગભગ દરેક તબક્કે સેન્સરશીપનો સામનો કરો છો. સૌપ્રથમ તમને ફિલ્મ કે શોના બજેટના રૂપમાં સેન્સરશીપ નડે છે. તમારું વિઝન ભલે ગમે એટલું વિશાળ હોય પણ એના પર બજેટને લીધે લગામ તણાઈ જાય છે. પછી આપણે બહુ મેહનતથી  એક અસાધારણ કૃતિનું સર્જન કરીએ ત્યારે સેન્સર બોર્ડના લોકો એવું ફરમાન કરે કે તમે આ કાપી નાખો, પેલુ બરાબર નથી એટલે એ કાપી નાખો. એને કારણે ફિલ્મમેકરો અને એકટરો સાથે ન્યાય નથી થતો. આ રીતે દરેક લેવલ પર ક્રિયેટિવિટી (રચનાત્મકતા)ને ગળે ટુંપો દેવાય છે,' એવો સંતાપ બિદિતાના મુખેથી સરી પડે છે.

બિદિતા બેગે ૨૦૧૭માં બાબુમોશાય બંદૂકબાજ અને ૨૦૧૯માં ધ શોલે ગર્લ જેવી ફિલ્મોમાં ભૂમિકા કરી છે. એ હવે પછી આવનારી ફિલ્મ ફૌજી કોલિંગમાં જોવા મળશે. પોતાની દલીલનો સાર આપતા અભિનેત્રી કહે છે, 'આપણે બહુ બહુ તો આપણી જવાબદારી સમજીને કોઈ કૃતિનું વિચારપૂર્વક સર્જન કરી શકીએ. એટલું જ આપણાં હાથમાં છે. જ્યારે દર્શકોએ એટલી તકેદારી રાખવી જોઈએ કે તેઓ માત્ર સારા અને નવીન વિષય સાથેના પ્રોજેક્ટસને સપોર્ટ કરે. દર્શકો ફિલ્મો કે વેબ શોને માત્ર મનોરંજન ખાતર ન જુએ. પ્રેક્ષકો આવો અભિગમ અપનાવશે તો ફિલ્મમેકરો પણ ફિલ્મોમાં સારુ કન્ટેન્ટ આપતા થશે.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kdO3FT
Previous
Next Post »