ઠાસરા, તા.20 ફેબ્રુઆરી 2021, શનિવાર
ઠાસરા શહેરના વોર્ડ નંબર-૩ના કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી પાણી ન આવતું હોવાને લીધે સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણીનો બોર બગડી ગયો હોવાથી લોકોને પીવાનું પાણી મળતું બંધ થઇ ગયું છે. આ સ્થિતિમાં બોરની સામાન્ય તપાસ કરવાની દરકાર પણ તંત્ર દ્વારા ન લેવાઈ હોવાથી સ્થાનિકોનો રોષ આસમાને પહોંચ્યો છે.
ઠાસરા નગરપાલિકાના વોર્ડ-૩માં આવેલા નારા માલજી ફળિયામાં રહેતા દોઢસોથી વધુ લોકો છેલ્લા એક મહિનાથી પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. આ વિસ્તારમાં આવેલો પીવાના પાણીનો બોર બગડી ગયો હોવાથી પીવાના પાણીનું ટીપું પણ અહીંના લોકોને નસીબ થતું નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ બોરમાં કમ્પ્રેશર મારવામાં આવે તો પણ કદાચ સમસ્યાનો ઉકેલ આવી જાય. જોકે સ્થાનિક તંત્રમાં કે પાલિકામાં આ બોરને રિપેર કરાવવાની તો શું એની તપાસ કરવાની જવાબદારી લેનારું ન દેખાતા અહીંના રહેવાસીઓમાં રોષ પ્રગટયો છે. આ વિશે નગરપાલિકામાં ફરિયાદ કરીને જાણ કરી હોવાથી પાલિક દ્વારા બે-ત્રણ દિવસે એકવાર પીવાના પાણીનું ટેન્કર મોકલવામાં આવે છે. સ્થાનિકો જણાવે છે તે પ્રમાણે ટેન્કરને લીધે ઘરે વાસણો હોય તેટલું પાણી ભરી શકાય પણ તે એકાદ-બે દિવસથી વધારે ચાલતું નથી.
પાલિકા તરફથી પણ વારંવાર ફોન અને રજૂઆતો કરવામાં આવે છેક ત્યારે પાણીનું ટેન્કર મોકલવામાં આવે છે.
ઠાસરા નગરપાલિકા તંત્ર અત્યારે ચૂંટણીની તૈયારીમાં ગૂલતાન છે અને છેલ્લા ઘણા સમયથી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર પણ નથી. ડાકોરના ચીફ ઓફિસરને ઠાસરાનો પણ વધારાનો ચાર્જ આપેલો છે, તેથી ઠાસરા પાલિકાના મોટાભાગના કામ સહી સિક્કાના અભાવમાં લટકી પડેલાં છે. આ બધી સમસ્યાઓ ભેગી થઈ હોવાને લીધે ઠાસરાવાસીઓને નાની નાની બાબતો માટે રઝળવું પડતું હોવાની ફરિયાદ લોકોમાં ઊઠી છે. વોર્ડ-૩માં પાણીની સમસ્યા આવી અનેક સમસ્યાઓમાંની એક સમસ્યા છે. વહેલીતકે ઠાસરા નગરપાલિકામાં રેગ્યુલર ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેવી લોકમાગણી પ્રબળ બની છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aDGapZ
ConversionConversion EmoticonEmoticon