આણંદ, તા.20 ફેબ્રુઆરી 2021, શનિવાર
આણંદની યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડને આંખના ઓપરેશનના સારવાર ખર્ચની રકમ પેટે અમુક નાણાં ન ચુકવવામાં આવતા આણંદના અરજદારે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન આણંદમાં ફરિયાદ કરતા કમીશને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લી.ને ફરિયાદીને રૂા.૧.૫૨ લાખ બે માસમાં ચુકવી આપવાનો આદેશ કર્યો છે. સાથે સાથે માનસિક ત્રાસ બદલ રૂા.૫ હજાર અને અરજ ખર્ચના રૂા.૩ હજાર પણ ચુકવી આપવાનો હુકમ કરાયો છે.
વધુમાં મળતી માહિતી મુજબ આણંદના રહેવાસી ભદ્રેશભાઈ ગોપાલભાઈ જાનીએ યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લી. પાસેથી પોતાની તથા પોતાના કુટુંબીજનોના સ્વાસ્થ્યના રક્ષણ અર્થે તા.૨૮-૧૨-૨૦૧૬થી તા.૨૭-૧૨-૨૦૧૭ સુધીના સમયગાળાની હેલ્થ પોલીસી લીધી હતી. દરમ્યાન ભદ્રેશભાઈ જાનીને બંને આંખોમાં તકલીફ થતા તેઓએ આણંદની ખાનગી હોસ્પિટલમાં તા.૮-૮-૨૦૧૭ના રોજ ડાબી આંખનું મોતીયાનું ઓપરેશન અને તા.૧૨-૮-૨૦૧૭ના રોજ જમણી આંખનું ઓપરેશન કરાવ્યું હતું. આ બંને ઓપરેશન અંગે તેઓએ ક્લેઈમ રકમ મેળવવા વીમા કંપનીમાં જરૂરી દસ્તાવેજી પુરાવા મોકલ્યા હતા. જે પેટે વીમા કંપનીએ બંને ઓપરેશનના ૨૪-૨૪ હજાર ફરિયાદીના બેંકમાં જમા કરાવ્યા હતા પરંતુ બાકીની રકમ ના મંજુર કરતા ફરિયાદીએ દાદ માંગી હતી. જે અંગે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન આણંદમાં દાદ માંગવામાં આવતા ફરિયાદી દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લઈ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપની લી.ને રૂા.૧.૫૨ લાખ અરજદાર ભદ્રેશભાઈ જાનીને બે માસમાં ચુકવી આપવા તેમજ તા.૧૮-૫-૨૦૧૮થી વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ ચુકવી આપવાનો આદેશ કર્યો છે. સાથે સાથે ઈન્સ્યોરન્સ કંપનીને માનસિક ત્રાસ બદલ અરજદારને રૂા.૫ હજાર અને અરજ ખર્ચના રૂા.૩ હજાર અલગથી ચુકવી આપવા પણ હુકમ કરાયો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37vSs1K
ConversionConversion EmoticonEmoticon