- 'દોડાદોડી અને ઉજાગરા કરાવશે એવો કેસ છે.' સતીશે રિપોર્ટ આપવાનું શરૂ કર્યું
- મારી પાસે છ શકમંદના નામ છે! એ દરેક પાસે હત્યા કરવાનો હેતુ હતો. ચર્ચા વિચારણા પછી એક નામની બાદબાકી કરતો જઈશ. છેલ્લે, એક બાકી રહે એને રિમાન્ડ ઉપર લેવાનો.'
સુ ખસાગર સોસાયટીના ચોવીસ બંગલાઓમાંથી ચાર બંગલાઓ છેલ્લે આડી લાઈનમાં હતા. વચ્ચે આર.સી.સી, રોડની બંને તરફ દસ દસ બંગલાઓ સામસામે હતા. ચાલીસ વર્ષ જૂની આ સમૃધ્ધ સોસાયટીમાં સીસીટીવીની ગોઠવણનું કામ કોરોનાને લીધે અટક્યું હતું.
છાપાવાળો પ્રતીક કલાલ બાઈક લઈને દરરોજ સવારે સાડા છની આસપાસ સોસાયટીમાં આવી જતો. આજે એને આશ્ચર્ય થયું. એકદમ ચોખ્ખાચણાક રસ્તા ઉપર રખડતું કૂતરું પણ જોવા ના મળે, એને બદલે આજે બંગલા નંબર સાત પાસે રસ્તા ઉપર સૂતેલા માણસને જોઈને એને નવાઈ લાગી. જિજ્ઞાાસાવશ નજીક જઈને જોયું તો એ ભડક્યો. ટિશર્ટ અને જિન્સ પહેરેલો ચાલીસેક વર્ષનો એ માણસ ઊંઘતો નહોતો, મરી ગયેલો હતો!
લાશના તરડાઈ ગયેલા ચહેરા પર ખુલ્લી આંખોમાં ખોફનાક મૃત્યુનો ભય છવાયેલો હતો. જે પ્લાસ્ટિકની રસ્સીથી એને ગળે ફાંસો આપવામાં આવ્યો હશે એ હજુ પણ એની ગરદનમાં ફસાયેલી હતી. પ્રતીકે જોયું કે આજુબાજુના બંગલાઓમાંથી કોઈ હજુ બહાર નીકળ્યું નહોતું. એંશી ઘરમાં અખબાર પહોંચાડવાના બાકી હતા, છતાં જાગ્રત નાગરિક તરીકે એણે રસ્તા પર આવીને કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો.
કન્ટ્રોલરૂમમાંથી સાત વાગ્યે પોલીસસ્ટેશનમાં ફોન ગયો ત્યારે હેડ કોન્સ્ટેબલ હેમુભાએ તરત જ ઈન્સ્પેક્ટર દેસાઈને ઘેર જાણ કરી. દેસાઈએ સબઈન્સ્પેક્ટર સતીશને સૂચના આપી. ચાર સબઈન્સ્પેક્ટરમાં સતીશ સૌથી યુવાન હતો. અઘરા કેસમાં એ ડિટેક્ટિવની જેમ મચી પડતો હતો. છેડા મેળવવામાં એની કાબેલિયત ઉપર દેસાઈને સૌથી વધુ ભરોસો હતો. ટીમને લઈને સતીશ આઠ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયો.
અગિયાર વાગ્યે સતીશ ચેમ્બરમાં આવ્યો એટલે દેસાઈએ પૂછયું. 'બોલો સતીશકુમાર, કેવું રહ્યું?'
'દોડાદોડી અને ઉજાગરા કરાવશે એવો કેસ છે.' સતીશે રિપોર્ટ આપવાનું શરૂ કર્યું. 'જેનું ખૂન થયું છે એ બાબુ પિસ્તાળીસ વર્ષનો હતો. ફિલ્મી હીરો જેવો રૂપાળો અને સ્ટાઈલીશ હતો. વેજલપુરમાં નાનકડો ફ્લેટ છે. પત્ની છે, સત્તર વર્ષનો દીકરો અને પંદર વર્ષની દીકરી છે. લાશના ખિસ્સામાં ડ્રાઈવિંગ લાયસન્સ હતું, એ સરનામે એના ઘેર જઈ આવ્યો. પંચનામા પછી લાશને સિવિલમાં લઈ ગયા છે. બાબુનું ફેમિલી ત્યાં પહોંચી ગયું છે.'
એક શ્વાસે આટલી માહિતી આપીને એ અટક્યો. દેસાઈ ધ્યાનથી સાંભળતા હતા. સ્ટાફના બીજા માણસો પણ ઊભા રહી ગયા હતા. ચા આવી એટલે ચાનો કપ હાથમાં લઈને સતીશે દેસાઈ સામે જોયું.
'ખરી ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી હવે આવે છે. બાબુની લાશ જે બંગલા પાસેથી મળી એ બંગલામાં જ એ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. માલિકનું નામ નરોત્તમ શેઠ. પંચાવન વર્ષના શેઠનો કેમિકલનો કરોડોનો કારોબાર છે. એનું બીજી વારનું બૈરું કેટરિના કૈફ જેવું રૂપાળું છે. એ હજુ માંડ ત્રીસ વર્ષની છે. આ બંગલામાં શેઠ-શેઠાણી એકલા જ રહે છે. શેઠની આગલી પત્નીનો દીકરો બત્રીસ વર્ષનો છે. ઓરમાન માતાને લીધે એને બાપ સાથે બનતું નથી. એના પરિવાર સાથે એ પાલડીમાં બીજા બંગલામાં રહે છે.' લગીર અટકીને બધા શ્રોતાઓ ઉપર નજર ફેરવીને સતીશે ઉમેર્યું. 'નરોત્તમ શેઠ અને શેઠાણી કાલ સાંજ સુધી ઘરમાં હતા, પણ અત્યારે બંગલે તાળું છે!'
'રિયલી ઈન્ટરેસ્ટિંગ!' દેસાઈએ એને બિરદાવ્યો. 'તારી રીતે આગળ વધ. સોસાયટીમાં નોકરચાકરોને ખોતરીને માહિતી મેળવ. બાબુના સગાસંબંધીઓ અને મિત્રોને મળ. એમાંથી જ છેડા મળશે.' દેસાઈએ એને સલાહ સાથે શુભેચ્છા આપી.
બીજા દિવસે સાંજે સાત વાગ્યે દેસાઈની ચેમ્બરમાં પ્રવેશ કર્યો ત્યારે સતીશના ચહેરા ઉપર દોડાદોડી અને રઝળપાટનો થાક હતો. 'જબરો લોચાવાળો કેસ છે.' પાણીનો ગ્લાસ એક ઘૂંટડે ખાલી કરીને સતીશે બોલવાનું શરૂ કર્યું. 'ખૂન થયું છે બાબુ નામના એક ડ્રાઈવરનું અને અત્યારે મારી પાસે છ શકમંદના નામ છે! એ દરેક પાસે હત્યા કરવાનો હેતુ હતો. આપની સાથે ચર્ચા કરીને એક પછી એક નામની બાદબાકી કરતો જઈશ. છેલ્લે, એક બાકી રહે એને રિમાન્ડ ઉપર લેવાનો.'
એ બોલતો હતો ત્યારે પોતાની ટીમમાં આવા ખંતીલા માણસો છે એનો સંતોષ દેસાઈના ચહેરા ઉપર છલકાતો હતો.
'બાબુના સત્તર વર્ષના દીકરાએ જિમમાં જઈને બોડી બનાવ્યું છે. એને મુંબઈ જઈને ટીવી સિરિયલોમાં કારકિર્દી બનાવવી છે. એ મુદ્દે બાપ-દીકરા વચ્ચે છેલ્લા બે મહિનાથી લડાઈ ચાલુ છે. અહીં અમદાવાદમાં ટ્રાય કરવા માટે બાબુ કહેતો હતો પણ દીકરો મુંબઈ જવા માટે મક્કમ હોવાથી દસેક દિવસ પહેલા જ ખૂબ મોટો ઝઘડો થયેલો ત્યારે દીકરાએ બાપને કહેલું કે તમે મરો તો બધા પૈસા મને મળે!'
આટલું કહીને લગીર અટકીને એણે કબૂલ કર્યું. 'દીકરાના મિત્રોએ અને બાબુના ભાઈ પ્રવીણે આ બધી વાત કહેલીત એ છતાં શકમંદની યાદીમાંથી એનું નામ રદ કરવું પડશે. પૂરા પ્લાનિંગ સાથે ઠંડા કલેજે બાબુની હત્યા કરવામાં આવી છે. ઉશ્કેરાયેલો યુવાન દીકરો બબડાટ કરી શકે પણ આવી રીતે ક્રૂર હત્યા કરવાનું એનું ગજું નથી.'
એક નામની બાદબાકી કરીને એણે કહ્યું. 'હવે બાકી રહ્યા પાંચ પાત્રો. એમાં બાબુના શેઠ અને શેઠાણી સૌથી મોખરે છે. આસપાસના બંગલાઓમાંથી એવી માહિતી મળી કે બાબુને શેઠાણી સાથે વધારે પડતા સારા સંબંધો હતા. દસેક દિવસ અગાઉ શેઠ અને બાબુ વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયેલો. બહુ ઉગ્ર બોલાચાલી થયેલી. ક્યા કારણે હોળી સળગેલી એની જાણકારી તો કોઈની પાસે નથી પણ એ વખતે શેઠે એને કાઢી મૂકવાની ધમકી આપેલી.'
ધ્યાનથી સાંભળતા દેસાઈ સામે જોઈને એણે આગળ કહ્યું. 'આ ઝઘડાથી પણ વધુ ગંભીર ઘટના પરમ દિવસે રાત્રે આઠેક વાગ્યે બંગલાના કમ્પાઉન્ડમાં બનેલી. રૂપાળી શેઠાણીએ હીરો જેવા ડ્રાઈવરને સણસણતો તમાચો મારીને ભયાનક રીતે ધમકાવેલો. એ સમયે શેઠ ઘરમાં નહોતા. ડૉક્ટરના રિપોર્ટ મુજબ ખૂન રાત્રે એક વાગ્યે થયું છે અને એ પછી સવારથી શેઠના બંગલાને તાળું છે. શેઠ-શેઠાણી ક્યાં ગયા છે એની કોઈને ખબર નથી, બંનેના મોબાઈલ પણ સ્વીચઑફ આવે છે!'
'વેરી ઈન્ટરેસ્ટિંગ.' દેસાઈએ સતીશને બિરદાવ્યો. 'આગળ?'
'શકમંદની યાદીમાં બાબુની પત્નીનું નામ પણ છે. એ જાડી અને કાળી સ્ત્રીને પોતાના પતિ ઉપર લગાર પણ વિશ્વાસ નથી. સાપ-નોળિયાની જેમ સતત ઝઘડતા એ પતિ-પત્નીના ઝઘડામાં એકબીજા ઉપર હાથ ઉપાડવાનું પણ બહુ સામાન્ય હતું. ઘરમાં આપવાને બદલે બહારની રૂપાળી સ્ત્રીઓ પાછળ બાબુ પૈસા ઊડાડે છે એવી એને શંકા છે. ગયા અઠવાડિયે જ એ જોગમાયાએ બાબુને છૂટ્ટી સાણસી મારીને લોહી કાઢેલું. બાબુનો ચાર લાખ રૂપિયાનો વીમો છે એની પણ એને ખબર છે.'
કોન્સ્ટેબલ આવીને મેથીના ગોટાની પ્લેટ અને ચા મૂકી ગયો. નાસ્તો કરતી વખતે પણ સતીશની વાત ચાલુ હતી. 'બાબુનો નાનો ભાઈ પ્રવીણ પણ ગીલીન્ડર છે. દારૂની હેરાફેરીમાં ત્રણેક વાર પકડાયેલો છે. કોઈ કાયમી કામધંધો નથી કરતો. એ બાટલીમાસ્ટર ઠરીઠામ થઈને રહે એ માટે બે વર્ષ અગાઉ બાબુએ એના લગ્ન કરાવી આપેલા. એની પત્ની શીલા એકદમ રૂપાળી છે. બાબુની પત્ની અને પ્રવીણ-એ બંનેને શંકા છે કે બાબુ અને શીલા વચ્ચે પહેલેથી જ ઈલુ-ઈલુ હતું એટલે વધુ લાભ લેવા માટે એણે શીલાને પ્રવીણ જોડે પરણાવી દીધી! પોતાની પત્ની જોડે ચાલુ પડી ગયેલા મોટા ભાઈને પતાવી દે એવો પ્રવીણનો સ્વભાવ છે.'
ચા પીવા માટે સહેજ અટકીને સતીશે આગળ કહ્યું. 'બે ટેક્સી ખરીદીને બાબુએ એને ભાડે આપી દીધેલી છે. એ ખરીદવા માટે એણે શરાફ પાસેથી વ્યાજે પૈસા લીધેલા અને મુદ્દલ કે વ્યાજ કશુંય ચૂકવતો નહોતો એટલે એ શરાફ ઘેર આવીને ગાળાગાળી કરતો હતો અને એણે મારી નાખવાની ધમકી પણ આપેલી. આ વાત બાબુની બૈરીએ મને કહેલી એટલે શકમંદની યાદીમાં એ શરાફનું નામ પણ આવી શકે.'
ધ્યાનથી સાંભળતા દેસાઈ સામે જોઈને સતીશે છેલ્લી વાત કહી. 'લિસ્ટમાં છેલ્લું નામ છે નરોત્તમ શેઠના દીકરા દીપકનું. એ રહે છે તો અલગ પરંતુ બાબુ ડ્રાઈવર સાથે ઓરમાન માતાના સંબંધોની ચર્ચા એના કાન સુધી પણ પહોંચી હશે. સમાજમાં પરિવારની બદનામી થાય એવી કૂથલીથી કંટાળીને એણે બાબુનો કાંટો કઢાવી નાખ્યો હોય એ પણ શક્ય છે. ધેટસ્ ઑલ.'
'હવે સાંભળ.' પોતાના અનુભવના આધારે દેસાઈએ સતીશને સમજાવ્યું. 'બાબુને ખૂબ ઠંડા કલેજે ખતમ કરી નાખવામાં આવ્યો છે એટલે તારી યાદીમાંથી શરાફનું નામ કાઢી નાખ. બહુ બહુ તો એ ધોલધપાટ કરે. બાબુ મરે તો એના પૈસા ના મળે એટલી સમજદારી તો એનામાં હોય. આ ઉપરાંત નરોત્તમના દીકરા દીપકનું નામ પણ મહત્વનું નથી. એ બાપથી અલગ રહે છે એટલે ઓરમાન માતાના લફરાની વાત સાંભળીને એનું લોહી આટલું બધું ના ઉકળે.' જાણે પડકાર આપતા હોય એમ એમણે સતીશ સામે જોઈને સ્મિત ફરકાવ્યું. 'હવે બાકીના પાત્રો પાછળ મચી પડ. આઠ દિવસમાં રિઝલ્ટ લાવી આપીશ તો ફેમિલી સાથે ગ્રાન્ડ ડિનર માટે લઈ જઈશ.' 'જી.' સતીશે પડકાર સ્વીકાર્યો અને વિદાય લીધી.
એ પછી ક્યારેક બુલેટ ઉપર તો ક્યારેક જીપમાં-એની દોડાદોડી ચાલુ જ રહી. બાબુની હત્યાના પાંચમા દિવસે નરોત્તમ શેઠના બંગલાનો ગેટ ખૂલ્યો એટલે સતત બે દિવસ સુધી સતીશે શેઠ-શેઠાણીની પૂછપરછ કરી.
આઠમા દિવસે સવારમાં દેસાઈ ઘરમાં ચા પીતા હતા ત્યારે એમનો મોબાઈલ રણક્યો. 'ગુડ મોનગ સર, ડિનર માટે ક્યાં લઈ જશો?'
'શાબાશ મેરે શેર!' દેસાઈએ ઉત્સાહથી પૂછયું. 'કોણ છે? શેઠ, શેઠાણી કે બાબુની પત્ની?'
'અર્ધો કલાકમાં આપની ચા પીવા રૂબરૂ આવું છું. ફોન ઉપર મજા નહીં આવે.'
'આવો ડિટેક્ટિવ શેરલોક હોમ્સ, આવો. તારી જ રાહ જોતો હતો.' ચાલીસ મિનિટ પછી સતીશ આવ્યો એટલે દેસાઈએ ઊભા થઈને એને આવકાર આપ્યો.
સતીશ આરામથી સોફા ઉપર બેઠો. દેસાઈ જિજ્ઞાાસાથી એની સામે તાકી રહ્યા હતા.
'સંજોગો એવા હતા કે શકમંદ તરીકે શેઠ-શેઠાણી ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. અમદાવાદ છોડવાની મૂર્ખામી કરેલી એટલે શંકા વધુ મજબૂત બનેલી. જોરદાર રેચ આપીને એમને સીધું જ પૂછયું કે બાબુને કેમ મારી નાખ્યો? ગભરાઈ ગયેલા એ પતિ-પત્નીએ પૂરી નિખાલસતાથી સાવ સાચી હકીકત જણાવી.
હત્યાના દસ દિવસ અગાઉ શેઠ સાથેના ઝઘડાનું કારણ એ હતું કે બાબુએ બંગલામાંથી બાર લાખ રોકડાની ધાપ મારી હતી. શેઠે ચિડાઈને એને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપેલી. આમ, બાબુએ બાર લાખની ચોરી કરી એ માટે પહેલો ઝઘડો થયેલો. શેઠાણી સાથેના આડા સંબંધની વાત એ ખુદ બાબુના જ સડેલા દિમાગની નિપજ હતી. બીજા ડ્રાઈવરો, માળીઓ અને નોકરોની મહેફિલમાં બાબુ પોતાની જાતે મનઘડંત કિસ્સાઓ એમને સંભળાવતો હતો.
આવી હવા ચલાવીને વટ મારવામાં એને મજા આવતી હતી. હત્યા થઈ એ દિવસે તો એ ફૂલ મૂડમાં હતો. શેઠ ઘરમાં નહોતા એટલે હિંમત કરીને એણે શેઠાણી પાસે અણછાજતી માગણી કરી. શેઠાણીએ એને જોરદાર તમાચો માર્યો અને નોકરીમાંથી કાઢી મૂક્યો. બીજા દિવસે પરોઢિયે એમને કર્ણાવતી ટ્રેનમાં મુંબઈ જવાનું હતું. મેં એ ટિકિટ પણ ચકાસી. એક મહિના અગાઉ એમણે એ બૂક કરાવેલી હતી. અલબત્ત, પરોઢિયે બંગલાની બહાર કાર લઈને નીકળ્યા ત્યારે એમણે બાબુની લાશ જોયેલી. એ જોયા પછી એમને બીક લાગી કે પોલીસ ખોટી હેરાનગતિ કરશે તો? એને લીધે એમણે મોબાઈલ બંધ રાખેલા! આમ, એ પતિ-પત્ની આ મામલામાં સાવ નિર્દોષ છે.'
દેસાઈ હવે ઉત્સુકતાથી સતીશ સામે તાકી રહ્યા હતા.
'બાબુએ રોકડા બાર લાખ રૂપિયા બંગલામાંથી ચોર્યા હતા એવું નરોત્તમ શેઠે કહ્યું એટલે મને પહેલો જ એ વિચાર આવ્યો કે એ રૂપિયા બાબુએ ક્યાં સંતાડયા હશે? બાબુએ ચોરી ના કરી હોત તો એની હત્યાનો ભેદ ઉકેલવામાં તકલીફ પડતી, પરંતુ એ રૂપિયાના સગડ શોધવાથી ખૂની જડી ગયો. બાબુના ભાઈ પ્રવીણની પ્રત્યેક હિલચાલ ઉપર નજર રાખવાની જવાબદારી આપણા હેડ કોન્સ્ટેબલ હેમુભાને સોંપી હતી. એમણે જાણકારી આપી કે દેશી દારૂની પોટલી પીનારો પ્રવીણ હવે ઈમ્પોર્ટેડ બાટલી ખરીદે છે. જૂનું સ્કૂટર કાઢી નાખીને એણે દોઢ લાખની નવી બાઈક ખરીદી છે.
આ જાણ્યા પછી આપણી સ્ટાઈલમાં પૂછપરછ કરી એટલે પોપટની જેમ પ્રવીણ બધુંય બોલી ગયો. પ્રવીણના લગ્ન બાબુએ કરાવી આપેલા પણ એ છોકરી સાથે બાબુને અગાઉ સંબંધ હતો. લગ્ન પછી પણ એમનાં છાનગપતિયાં ચાલુ હતાં. એને લીધે પ્રવીણ બાબુ ઉપર ધૂંધવાયેલો રહેતો હતો. એમાં બાબુએ બહુ મોટી મૂર્ખામી કરી. શેઠને ત્યાંથી ચોરેલા બાર લાખ રૂપિયા એણે પોતાની પત્નીને બદલે પ્રવીણની પત્નીને સાચવવા આપ્યા. પત્નીએ કબાટમાં સંતાડેલા એ પૈસા જોઈને પ્રવીણ ચમક્યો. એણે પત્નીને ઝૂડી નાખી. પેલીએ હાથ જોડીને પતિની માફી માગી અને સાચેસાચું કહી દીધું. પત્નીની કબૂલાત સાંભળ્યા પછી પ્રવીણના શેતાની દિમાગમાં ખતરનાક વિચાર સળવળ્યો.
પોતાની પત્ની સાથે લફરું કરનાર બાબુને ખતમ કરી દેવાય તો માનસિક ત્રાસમાંથી કાયમી મુક્તિ મળે અને બોનસમાં બાર લાખની રોકડી થાય. એણે એની પત્નીને આદેશ આપ્યો કે રાત્રે હું ઘેર નથી એમ કહીને બાબુને બોલાવ. પેલીએ ફોન કર્યો. બાબુ હોંશે હોંશે દોડતો આવ્યો. માથામાં ફટકો મારીને બેહોશ કરી દીધા પછી પ્રવીણે પ્લાસ્ટિકની રસ્સીથી કચકચાવીને બાબુને ગળે ફાંસો દઈ દીધો. બાબુએ ચોરી શેઠને ત્યાંથી કરેલી એટલે ગાળિયો શેઠના ગળામાં આવશે એ ધારણાએ રાત્રે એક ભાઈબંધની રિક્ષા લઈને લાશને શેઠના બંગલા પાસે ફેંકી આવ્યો!'
સતીશને અભિનંદનની સાથોસાથ બીજા દિવસના ડિનર માટે સજોડે આવવાનું આમંત્રણ પણ દેસાઈએ આપી દીધું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dkO9ty
ConversionConversion EmoticonEmoticon