વયને કામ સાથે શી લેવાદેવા? : કાજોલ

- કાજોલ કહે છે કે શર્મિલા ટાગોર, સાધના, નરગિસ દત્તે તેમના લગ્ન થઈ ગયા પછી અને આયખાની ચાળીસીમાં આવી ગયા બાદ પણ ફિલ્મોમાં કામ કરવાનું જારી રાખ્યું હતું. 


ઝાકઝમાળની દુનિયામાં યુવાન વય સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. ચોક્કસ વય વટાવી ગયા પછી આ દુનિયામાં કામ કરતા લોકોને ઝાઝું મહત્ત્વ નથી મળતું. તેથી જ દુનિયાભરના ફિલ્મોદ્યોગોમાં વય હમેશાંથી ચર્ચાનો વિષય રહ્યો છે. સ્વાભાવિક રીતે જ બોલીવૂડ પણ તેમાંથી બાકાત ન જ હોય. પરંતુ કોઈપણ મુદ્દે અપવાદો હોય એ પણ હકીકત છે.

હિન્દી ફિલ્મોદ્યોગમાં લગભગ ત્રણેક દાયકાથી કાર્યરત અદાકારા કાજોલ કહે છે કે બોલીવૂડમાં પણ વય, ખાસ કરીને યુવાન વય મહત્ત્વની ગણાય છે એ વાત અર્ધસત્ય છે. આપણે ત્યાં એવા ઘણાં દાખલા છે જેમાં અભિનેત્રીઓએ લાંબા વર્ષો સુધી પડદા પર રાજ કર્યું છે. તેમનો પ્રભાવ એવો હતો કે તેમની અને અભિનેતાઓ વચ્ચે કોઈ ભેદભાવ કરવો મુશ્કેલ હતો.

કાજોલ તેના ઉદાહરણો આપતાં કહે છે કે શર્મિલા ટાગોર, સાધના, નરગિસ દત્ત જેવી અભિનેત્રીઓએ તેમના લગ્ન થઈ ગયા પછી અને આયખાની ચાળીસીમાં આવી ગયા બાદ પણ ફિલ્મોમાં કામ કરવાનું જારી રાખ્યું હતું. અલબત્ત, આજે બધાને દૂરબીનની નજરથી જોવામાં આવે છે. હવે લોકો એ બધી બાબતો પ્રત્યે ધ્યાન આપતાં થઈ ગયા છે જેના પ્રત્યે અગાઉના વર્ષોમાં ખાસ કોઈ ધ્યાન નહોતું આપતું. જોકે સાવ એવું પણ નહોતું કે પહેલા આવી બાબતોને બિલકુલ મહત્ત્વ આપવામાં નહોતું આવતું. પરંતુ મારી મમ્મી તનુજાએ પણ ક્યારેક કામ કરવાનું બંધ નથી કર્યું એ હકીકત સ્વીકારવી જ રહી.

કાજોલ પોતાનું ઉદાહરણ આપતાં કહે છે કે હું પણ ફિલ્મોદ્યોગમાં લાંબા વર્ષોથી કાર્યરત છું. જો આમિર ખાન ૪૦ વર્ષની વયમાં '૩ ઈડિયટ્સ' (૨૦૦૯)માં કામ કરી શકે તો હું કેમ નહીં? અલબત્ત, સ્પેશ્યલ ઈફેક્ટસની મદદથી. મારા મતે વય આપણા શરીર કરતાં આપણા દિલોદિમાગમાં હોય છે. જો તમે મનથી યુવાન હો તો લાંબા વર્ષો સુધી તમારા ક્ષેત્રમાં કાર્યરત રહી શકો. ૪૬ વર્ષીય અદાકારા કહે છે કે તમારે તમારી માન્યતાઓને અને વિચારોને મક્કમતાથી વળગી રહેવું પડે. બીજા લોકો શું ધારે કે વિચારે છે તેની પરવા ન કરો તો તમે ચોક્કસપણે લાંબા વર્ષો સુધી કામ કરી શકો. મેં ક્યારેય એ વાતની પરવા નથી કરી કે લોકો મારા વિશે શું વિચારે- ધારે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાજોલની તાજેતરની નેટફ્લિકસ પર રજૂ થયેલી રેણુકા શહાણે દિગ્દર્શિત ફિલ્મને અપ્રતિમ સફળતા મળી છે. કાજોલે તેમાં અભિનેત્રીની ભૂમિકા ભજવી છે. તે કહે છે કે મેં મારી આ 'ત્રિભંગા' ફિલ્મમાં મારા પોતાના અનુભવનો બહોળો ઉપયોગ કર્યો છે.

કાજોલ વધુમાં કહે છે કે રેણુકા અને હું, બંને અભિનેત્રીઓ છીએ. તેથી અમારા પોતાના વાસ્તવિક અનુભવો અમને આ ફિલ્મમાં ઘણાં ખપ લાગ્યાં છે. પરંતુ 'ત્રિભંગા'માં મેં ભજવેલું 'અનુ'નું પાત્ર એક અદાકારા કરતાં પણ ઘણું વિશાળ છે. 'અનુ'નું અભિનેત્રી હોવું એ આ ભૂમિકાનો એકમાત્ર ભાગ છે. આ ફિલ્મ સંબંધો પર, માતા અને પુત્રીઓ પર આધારિત છે. તેમાં એમ કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે વિશ્વમાં ક્યાંય એવું ચોક્કસપણે કહેવું શક્ય નથી કે માતાપિતા કેવા હોવા જોઈએ કે પરિવાર ચોક્કસ પ્રકારનો જ હોવો જોઈએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oSZ142
Previous
Next Post »