માનવ જીવનમાં પદાર્થની પ્રાપ્તિ અને પકડ એટલે નિરાંત દૂર


મા ણસ જીવનમાં તમામ પ્રકારના સાધન-સંપત્તિ, પદાર્થની પ્રાપ્તિ કરવા જ પુષ્કળ પ્રયત્ન કરતો હોય છે. પણ જોઈતું પ્રાપ્ત કદી પણ થાય જ નહીં અને થાય તો પણ અધૂરું જ લાગે. એટલે નિરાંત, સંતોષ તો થાય જ નહીં. કારણ કે માણસની તૃષ્ણા, ઈચ્છા, અપેક્ષા, આશા, વાસના વગેરેની તૃપ્તિ થતી જ નથી. જગતની કદાચ બધી વસ્તુ મળી જાય તો પણ તૃષ્ણા કદી પૂરી થતી જ નથી એટલે કંઈને કંઈ વધુને વધુ પ્રાપ્ત કરવાની તમન્ના હોય છે. એક તમન્ના પૂરી થાય ત્યાં બીજી ઊભી જ હોય છે એટલે કદી પણ તૃષ્ણા સંતોષાતી જ નથી. માટે જ બુધ્ધ ભગવાને કહ્યું કે તૃષ્ણા જ સર્વ દુઃખોનું મૂળ છે અને એ જ સત્ય છે માટે તૃષ્ણા, ત્યાગો અને પરમ શાંતિ પામો એમ કહ્યું છે.

આ માટે તેઓએ ચાર આર્ય સત્યની ઘોષણા કરી. જેમાં પહેલું  આર્ય સત્ય છે દુઃખ શું છે. બુધ્ધ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે  જન્મ દુઃખ છે, જરા દુઃખ છે, વ્યાધિ દુઃખ છે, મરણ પણ દુઃખ છે, અપ્રિય લોકોનું મિલન દુઃખ છે, પ્રિય લોકોનો વિયોગ દુઃખ છે, ઈચ્છા કરવા છતાં ન મળવું એ પણ દુઃખ છે, આમવિશ રૂપ છે.

બીજું આર્ય સત્ય દુઃખનું કારણ તૃષ્ણા છે. જેમાં ફરીથી જન્મ લેવાની પ્રસન્ન થવાની, પદાર્થ પ્રાપ્ત કરવાની, તેને સાચવી રાખવાની, પકડી રાખવાની, ખુશ થવાની આનંદ પ્રાપ્ત કરવાની તૃષ્ણા છે. વગેરે પ્રકારની તૃષ્ણા છે ગીતા જેને આસક્તિ કહે છે. મહાવીર ભગવાન જેને રાગ અને મોહ કહે છે.

ત્રીજું સત્ય દુઃખમાંથી મુક્ત થવા  તૃષ્ણાથી  મુક્ત થાવ તો જ દુઃખમાંથી મુક્તિ મળે. મહાવીર ભગવાન જેને વીતરાગતામાં સ્થિર થવાનું કહે છે, સમ્યક જ્ઞાાન, સમ્યક દ્રષ્ટિ અને સમ્યક ચારિત્રમાં અને કષાયોથી મુક્ત થાવ. ગીતા જેને અનાસક્ત ભાવમાં સ્થિર થાવ સ્થિતપ્રજ્ઞામાં સ્થિર થાવ અને ત્રિગુણાતીત થાવ અને સમતા ધારણ કરો એમ કહે છે. બધું એકનું એક જ છે. ટુંકમાં પદાર્થની પકડથી મુક્ત થાવ અને જીવનમાં કોઈને પણ બનાવો નહીં એટલે તમો દુઃખી જ નથી, માણસ બીજાને બનાવવામાં જેટલો પાવરધો એટલો વધુ દુઃખી હોય છે કારણ કે એ અસત્યનો માર્ગ છે અને અસત્યનું આચરણ દુઃખદાયક જ છે.

ચોથું આર્ય સત્ય દુઃખમાંથી મુક્ત થવા અષ્ટાંગમાર્ગમાં સ્થિર થાવ, જેમાં સમ્યક જ્ઞાાન, સમ્યક સંકલ્પ, સમ્યક વચન, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ - આ આઠેનું બરાબર પાલન કરો. આમ કરવાથી પ્રજ્ઞાાનો ઉદય થશે અને શીલ, કરુણા, મુદિતા, ઉપેક્ષા વગેરેનો અંગીકાર કરી નિર્વાણની પ્રાપ્તિ થશે એટલે દુઃખમાંથી કાયમી મુક્તિ મળશે. આ જ વાત ગીતા કહે છે ત્રિગુણાતીત થાવ તો મુક્તિ છે. મહાવીર ભગવાન કહે છે વિતરાગી બનો નિગ્રથિ બનો એટલે મુક્તિ જ છે.જાતને જાણો જાતમાં સ્થિર થાવ આત્માને જાણો આત્મા એ જ પરમાત્મા છે, એ જ મુક્તિ એ જ દુઃખમાંથી કાયમી મુક્તિ છે એમ આપણા મહામાનવો કહે છે પણ આપણે જાણ્યા વિના બીજાને બનાવવામાં જ પડયા છીએ, માટે જ દુખી છીએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k0QfQA
Previous
Next Post »