'ગિફ્ટ આપવી કે લેવી એ એક કળા છે અને તે મોટા ભાગના પુરુષોને સાધ્ય નથી'

- મોટા ભાગની સ્ત્રીઓને ગિફ્ટ કઈ, કોને, ક્યારે, ક્યાં, કેટલી કિંમતની આપવી વગેરે બાબતનું જ્ઞાાન તેમની એકસ- એક્સ રંગસૂત્રની જોડીમાં જ સમાયેલું હોય છે. સ્ત્રી, આર્ટ ઓફ ગિફ્ટિંગમાં એકદમ સંવેદનક્ષમ અને ભાવાત્મક હોય છે. અને, માટે જ સદીઓથી તે ભેટ-સોગાદોથી લોભાતી, છેતરાતી અને ક્યારેક તેની સાથે સંકળાયેલ લાગણીઓની પીડામાં દુ:ખી થતી આવી છે


'ગિ ફ્ટ આપવી કે લેવી એ એક કળા છે અને તે મોટા ભાગના પુરુષોને સાધ્ય નથી.' - આ વાત મેં મારી લૉકડાઉન ડાયરીમાં અનલૉક-૪ દરમ્યાન નોંધી હતી. આ નોંધ પાછળની વાત રસપ્રદ છે. લૉકડાઉન પહેલા એક યુગલને ઇન્ટિમસી વધારતા કેટલાક હાવભાવમાં સરપ્રાઇઝ ગિફ્ટનો ઉલ્લેખ કર્યો હતો. તેના સંદર્ભમાં યુવતીએ મારી સમક્ષ બળાપો ઠાલવ્યો, 'મેં તમને નહતું કહ્યું કે સરપ્રાઇઝ ગિફ્ટનો આઇડિયા અમારા માટે કામનો નથી. આપણી વાત થયા પછી તો તરત જ લૉકડાઉન થઈ ગયું હતું પણ અઠવાડિયા પહેલાં જ બધું ધીમે ધીમે ખૂલવા માંડયું ત્યારે મેં એને એક શર્ટ સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે આપ્યું. તમે માનશો પોતે ખોલવાની તસ્દી લેવાને બદલે મને પેકિંગ ખોલવાનું કહ્યું અને શર્ટ જોઈને પહેલો રિસ્પોન્સ - અત્યારે આની ક્યાં જરૂર હતી ?! આમ પણ છેલ્લા છ મહિનાથી બધા શર્ટ વપરાયા વગર જ પડયા રહ્યા છે !' યુવતી એક ક્ષણ રોકાઈ, હજી પણ એના રિસ્પોન્સથી એ ડિસ્ટર્બ હતી અને પછી થોડો ગુસ્સો મારા ઉપર પણ ઠાલવ્યો 'સરપ્રાઇઝ ગિફ્ટનો આઇડિયા આપવા માટે મને તો તમારા ઉપર પણ ગુસ્સો આવ્યો.'

યુવતીનો ગુસ્સો વ્યાજબી હતો, હું વિચારતો હતો કે પરિસ્થિતિ ઉલટી હોત તો ?! પતિ તેના માટે ગિફ્ટ લાવ્યો હોત તો ?! એણે પેકિંગ ખોલવાનું પતિને કહ્યું હોત ?! કદાપિ નહીં, એણે તો કદાચ પતિના હાથમાંથી ગિફ્ટ ખેંચી લીધી હોત અને ફટાફટ ખોલવા માંડી હોત. કદાચ એને ના ગમતી ગિફ્ટ હોત તો પણ પતિને થેન્ક યુ ચોક્કસ કહ્યું હોત ! ગિફ્ટ ખોલવાની પણ એક રીત હોય છે, જે મોટા ભાગની સ્ત્રીઓને શીખવવી નથી પડતી. અલબત્ત આ બાબતમાં અપવાદરૂપ સ્ત્રી-પુરુષો મળી શકે પરંતુ આપણે અધિકાંશ લોકોની વાત કરીએ છીએ.

એ દિવસે રાત્રે મેં મારી ડાયરીમાં નોંધ્યું 'ગિફ્ટ આપવી કે લેવી એ એક કળા છે અને તે મોટા ભાગના પુરુષોને સાધ્ય નથી.' પુરુષોને મારી આ વાત નહીં ગમે પરંતુ સાચી હકીકત એ છે કે ગિફ્ટ આપવા માટે મોટા ભાગના પુરુષો ખાસ ઉત્સુક હોતા નથી, ખાસ કરીને વર્ષગાંઠ, લગ્નની તિથિ વગેરે જેવા કોઈ પણ પ્રસંગ વગરની સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં ! હા, પતિ અને પ્રેમી વચ્ચે આ બાબતે અંતર હોઈ શકે, અનેક સ્ત્રીઓ મારી વાતમાં સાક્ષી પૂરશે કે પ્રેમી તરીકે અઢળક ગિફ્ટ આપનારા પણ પતિ બન્યા પછી પ્રસંગોપાત જ ગિફ્ટ આપે છે. પ્રશ્ન પૈસાનો નથી હોતો, સૂઝ અને પત્ની વિષે એ દિશામાં વિચારવાનો હોય છે ! મારો એક મિતર મને કહે કે પત્નીને ગિફટ આપવાનું મન તો અવારનવાર થાય પરંતુ શું આપવું એ બાબતે મુંઝવણને કારણે નથી આપી શકાતી. ત્યારે હું એને કહું કે આ તારી બહાનાબાજી છે સ્ત્રીઓને ગિફ્ટ આપવા જેવી સહેલી બાબત કોઈ નથી ! કશું પણ ના સૂઝે તો'ય સોનું, ચાંદી, હીરા, આભૂષણો, પરફ્યુમ, પર્સ, ક્લચ, બેગ્સ, કાર્ડ-ફૂલ- ચોકલેટ વગેરે બધું તો કાયમ માટે 'ઇન' જ હોય છે અને લેટેસ્ટ ટ્રેન્ડ તો કાઉન્ટર ગર્લ પાસેથી પણ ખબર પડી જાય. તેમ છતાં'ય એની પસંદ- નાપસંદનો પ્રશ્ન તમને મુંઝવતો હોય તો તમે અચાનક એને કોઈ દુકાનમાં લઈ જઈને સરપ્રાઇઝ આપી શકો છો.

અરે, એને સીધેસીધું પૂછી લો ! હા, પૂછ્યા પછી સીધી કેશ આપીને એને લઈ આવવાનું નહી કહેવાનું, એની સાથે જવાનું- માત્ર પૈસા નહીં તમારો સમય આપવાનો, એની પસંદગીમાં સૂર પુરાવવાનો ! પુરુષોને મદદ કરવાને ઇરાદે એક ચેતવણી આપી દઉં કે ગિફ્ટમાં ક્યારેય રસોડાની સામગ્રી, બ્યુટીપાર્લરના વાઉચરો, જીમની મેમ્બરશીપ, રસોઈનું પુસ્તક વગેરે ના આપતા. બહાર તમને જે પણ પ્રતિભાવ આપશે પરંતુ અંદરથી એને ગમશે નહીં. કેમ નહીં ગમે ?! આ પ્રશ્નના જવાબ માટે પીએચડી હોવું જરૂરી નથી. માત્ર કોમનસેન્સ કામે લગાડશો તો પણ જવાબ મળી જશે. ટાઇમ બીઇંગ કશું'ય ન અપાય એવું હોય તો એક પ્રણય સભર ચેષ્ટા કરી દો- મારે તને કંઈ આપવું છે એમ કહી, ખાલી પ્રેમથી એનો હાથ પકડીને, એની હથેળીમાં મુઠ્ઠી ભરીને હવા મુકશો ને તો પણ એના ચહેરા પર પ્રસન્નતા આવી જશે. હા, દર વખતે એવું ના કરાય નહીંતર એ સામે હવા ભરેલી મુઠ્ઠી છુટ્ટી મારશે ! સાવ સરળ સમજ એ કેળવવાની છે કે તમે શું આપો છો તેની સાથે કેવી રીતે કેવા ભાવથી આપો છો તે પણ અત્યંત મહત્ત્વનું છે.

તમને થશે કે ઉપરના ફકરામાં મેં ગિફ્ટ-જ્ઞાાન ફક્ત પુરુષોને જ કેમ આપ્યું ?! એ એટલે કે મોટા ભાગની સ્ત્રીઓને ગિફ્ટ કઈ, કોને, ક્યારે, ક્યાં, કેટલી કિંમતની આપવી વગેરે બાબતનું જ્ઞાાન તેમની એકસ-એક્સ રંગસૂત્રની જોડીમાં જ સમાયેલું હોય છે. સ્ત્રી, આર્ટ ઓફ ગિફ્ટિંગમાં એકદમ સંવેદનશીલ અને ભાવાત્મક હોય છે. અને, માટે જ સદીઓથી તે ભેટ- સોગાદોથી લોભાતી, છેતરાતી અને ક્યારેક તેની સાથે સંકળાયેલી લાગણીઓની પીડામાં દુ:ખી થતી આવી છે.

આમ તો આ બાબત કોઈપણ સંબંધમાં લાગુ પડે પરંતુ સહજીવનમાં તો ખાસ, જ્યારે કોઈ સાથી કોઈપણ ગિફ્ટ આપે ત્યારે ગિફ્ટ હાથમાં લેતા કે ખોલ્યા પહેલા જ તમારે ધન્યતા અનુભવવી જોઈએ, ઉત્સાહપૂર્વક આભાર માનવો જોઈએ. ગિફ્ટમાં શું છે એ તો પછીની વાત છે, એણે તમારા વિશે વિચાર્યું, એ દિશામાં પ્રયત્ન કર્યો, તેનો સમય અને નાણાં ખર્ચ્યા વગેરે કોઈ ગિફ્ટ કરતા ઓછું કિંમતી ન હોઈ શકે અને માટે જ એ ગિફ્ટને તમે સન્માનપૂર્વક ગ્રહણ કરો, ખોલો અને કદર કરો તે જરૂરી છે. જતા જતા એ પણ કહી દઉં કે ગેરી ચેપમેનના પુસ્તક 'ધ ફાઇવ લવ લેન્ગ્વેજીસ'માં 'રીસીવિંગ ગિફ્ટ' પ્રેમની એક ભાષા તરીકે વર્ગીકૃત છે ! ગિફ્ટ એ પ્રેમ વ્યક્ત કરવાની એક જબરજસ્ત ચેષ્ટા છે, પરંતુ એ પ્રેમનો પર્યાય, ઉદ્દેશ કે પ્રમાણ ના બની શકે !

પૂર્ણ વિરામ :

સ્ત્રીને મન ગિફ્ટનું મહત્ત્વ પુરુષ વિચારી શકે તેના કરતા ઘણું વધુ હોય છે, માત્ર વ્યવહારિક દ્રષ્ટિએ જ નહીં, લાગણીઓની દ્રષ્ટિએ પણ !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NuUrfA
Previous
Next Post »