- કુછ ન કુછ છોડ કે જાતે હો હમેશા મુજ મેં, તુમ કો તો ઠીક સે જાના ભી નહીં આતા !
- અનાવૃત-જય વસાવડા
- સ્પ્રિંગ સીઝન ઇઝ મેટિંગ સીઝન ફોર ફ્લાવર્સ ! એ પુષ્પોનું યૌવન છે, જેમ જુવાન થઇને પ્યારનો ખુમાર ચડે એમ રંગસુગંધની ભરતી ઉઠે એ વસંતવિલાસનો વૈભવ
મારા ઘરમાં તારો દીવો
તારા ઘરમાં મારો
હું ને તું રાખીને બેઠાં
સૂરજને સહિયારો
મેં તારી વાડીમાં વાવ્યા
તકલાદી પડછાયા.
તેં સીંચીને જીવતી કરી
ધબકારાથી કાયા
ચાંદરણું લઇ મારું,
દીધો તે કિરણોનો ભારો...
મેં આપેલી એક કાતળી
અમથી રોપી કૂંડે,
પછી ગળ્યો ઘૂઘવાટ થયો
તારામાં ઉંડે ઉંડે
તારા દરિયે ફરી વળ્યો
મારો પરસેવો ખારો...
તું ઝાકળથી લખતી
મારા જીવતરનું સરનામું
હું પલળેલી ટપાલમાં
મોકલતો વાદળ સામું
બંને જોતાં ટગર ટગર
બંનેનો પહેલો વારો
હું ને તું રાખીને બેઠાં
સૂરજને સહિયારો !
ઓ નલાઈન તુકબંદીના યુગમાં ફસાયેલી કવિતા કોને કહેવાય એનું ઉદાહરણ એટલે વિનોદ જોશની આ તાજી શબ્દફોરમ. શબ્દો સરળ, પણ ભાવ ગહેરો. કાવ્ય એક ચળકતું ગિફ્ટ રેપર હોવું જોઇએ કોઇ અર્થ, મર્મ ને સાચવતું ને હળવેકથી ઉઘાડતું. હું ને તું ના સહિયારા અજવાળાની મસ્તીના ફોરાંમાં ભીના કરતી આ કવિતામાં એકમેકમાં ઓગળવાની પ્રીતિરતિના સમાગમમાધુર્યને કાતળીના રોપાવા ને ગળ્યા ઘૂઘવાટ બાદ દરિયે ફરી વળતા પરસેવા ખારામાં જે ગૂંથ્યો એ જ તો કવિકર્મની કમાલ છે, જેનાથી રસિકતાની છાબડી માલામાલ છે.
જે વસંતપંચમીને આપણે કંકોત્રીમાં છાપવાનો પર્વ બનાવી બેઠાં છીએ, એનો મૂળ ઉત્સવ તો આ જ છે, હું ને તું અને એમાંથી ઝળહળ થતો પ્રકાશપુંજ. લીડ કાઉન્ડલી લાઇટ એ લવ. તમસો મા જ્યોર્તિગમયની જ્યોતિ એટલે પ્રણય. પ્રલય તો થવાનો જ છે, આપણે ગુજરી જઇએ એય પ્રલય છે તે આપણા પુરતો પણ એ પહેલા પ્રણય ચાખ્યો એ જીવતરનો ફેરો સાર્થક. આ ખીલતા ફુલો ય પરાગનયન માટે વસંતમાં મત્ત બની ચિત્ત ડોલાવે છે. સ્પ્રિંગ સીઝન ઇઝ મેટિંગ સીઝન ફોર ફ્લાવર્સ ! એ પુષ્પોનું યૌવન છે, જેમ જુવાન થઇને પ્યારનો ખુમાર ચડે એમ રંગસુગંધની ભરતી ઉઠે એ વસંતવિલાસનો વૈભવ. એ ઉંમર હોટ છે ગુલાબી ગુલાબી ઘેનમાં જાગવાની, ફુલપાંદડીની પેટે વાલમના વાયરાની લહેરખીએ ઉડવાની ! બ્લેક એન્ડ વ્હાઇટ લાઇફમાં ફ્લાવર્સ જેવા કલર્સ પૂરે એ ઇશ્ક.
એટલે ન્યુયોર્ક ટાઈમ્સની કોલમમાં છપાતા સત્યઘટના પરના પત્રો પર આધારિત (એમેઝાન પ્રાઈમ પરની) ટકાટક શ્રેણી 'મોડર્ન લવ'ના એક એપિસોડમાં એડિમાં સોંગ હતું : ઓલ ધિસ રિમેમ્બરિંગ, વી આર નન વાઇઝર, ડુ યુ રિમેમ્બર વ્હેન ? નો, આઈ ડોન્ટ આઈધર... ઇટ્સ ટાઈમ ટુ લેટ ગો એન્ડ સે, ડોન્ટ મેન્શન ધ વૉર, ડોન્ટ ટોક ધોઝ ડેઝ, વૉટ્સ ગુડ ઇઝ ઇટ ફોર ?... લેટ હિસ્ટ્રી લાઈ, કિસ ધ ઓલ્ડ ડેઝ ગુડબાય, ધે આર નો હેલ્પ એની મોર...
મેક્રો ને માઇક્રો બેઉ સ્કેલની વાત છે. ગઇગુજરી સંબંધમાં ખટાશ કડવાશની ભૂલી જવાની જે ભૂતકાળ છોડી ભવિષ્ય તરફ નજર રાખવાની એ સ્મોલ સ્કેલ અને હિંસા, નફરત, વેરઝેર, દુશ્મનાવટ, કત્લેઆમની યુદ્ધોનો ઇતિહાસ જ સતત ચગળી ચગળીને નેગેટિવ બનવા કરતા કંઇક આ માંડી છે એવી પ્રેમપ્રસંગોના રંગોઉમંગોની વાતો મેમરીમાં સટોેર કરો ને ! એની મિસ્ટ્રી બોરિંગ હિસ્ટ્રી કરતાં સારી !
એટલે જ વેલેન્ટાઇન વસંતોત્સવના મિડ ફેબુ્રઆરીમાં આજે સ્મરણ એક એવી ફિલ્મકહાનીનું જેની એકએક ફ્રેમમાં જાણે સંવેદનોની, ફીલિંગ્સની વસંત ટહૂકા કરે છે. લોકડાઉન સમયે જ જોવાની ભલામણ લખેલી એટલે હવે આખી વાર્તા ખોલી શકાય એવી ૨૦૧૦માં બનેલી વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ રોમેન્ટિક ફિલ્મ લાઇક લાલા લેન્ડ, ટાઇટેનિક, સ્પેગ્લિશ, કોલ્ડ માઉન્ટન... અને એ છે લેટર્સ ટુ જુલિયેટ.
ફિલ્મની સ્ટોરી પાછળ પણ એક નહિ બે સ્ટોરી છે. ઇટાલીમાં વેનિસ છે, એ પ્રાંતમાં એક બીજું રોમેન્ટેક ગામ પણ છે. એ છે વેરોના. યાદ આવ્યું ? સાહિત્ય જગતનું વાંચ્યું હશે તો આ નામ અજાણ્યું નહિ લાગે. યસ, શેક્સપિયરના 'રોમિયો એન્ડ જુલિયેટ'નું ગામ. કહો કે, એ કથાના કાલ્પનિક સેટિંગ માટેનું વાસ્તવિક લોકેશન. આજે અસલી મિર્ઝાપુરમાં જઇને કોઈ કાલીન ભૈયાની હવેલી શોધવા જાય યુપીમાં, એવું જ કંઇક.
કયામત સે કયામત તક, દુશ્મની, રામલીલા, ઇશ્કજાદે, ઇશ્ક જેવી અઢળક હિન્દી અને એટલી જ અંગ્રેજી ફિલ્મોની સોર્સ ફાઈલ જેવું શેક્સપિઅરનું૧૫૬૭માં લખાયેલું ખાનદાનની દુશ્મનાવટમાં કુરબાન થઇ જતાં પ્રેમીઓનું નાટક આમ તો ઇટાલીયન કવિતા પર આધારિત આર્થર બૂ્રકની કવિતા પર આધારિત હતું. એમની ટ્રેજેડી વિના ડાન્ટેએ ઉલ્લેખ કરેલો એ બધો ઇતિહાસ લાંબો છે. પણ ઐતિહાસિક દ્રષ્ટિએ જુલિયેટનું ઘર વેરોનામાં હોવાના કોઈ પુરાવા નથી. ઇનફેક્ટ, જુલિયેટનો જ પુરાવો નથી. જેમ મહાભારતથી ભાગવત સુધી ન હોવા છતાં જયદેવના ગીતગોવિંદની અસર પછી રાધા પ્રેમમૂર્તિ તરીકે લોકહૃદયમાં પૂજાવા લાગ્યા, એવું કંઇક જુદી રીતે લોકલાગણીમાં શેક્સપિઅરની કૃતિ બાદ જુલિયેટ માટે થયું. વેરોના ફેમસ સાહિત્યકારો ય આવતા જાય એવું ટુરિસ્ટ ડેસ્ટિનેશન થતું ગયું !
આમ એ આખો પ્રદેશ હનીમૂન કરવા જવાનું મન થાય એવો રૂડો ને રળિયામણો. એમાં ૧૪મી સદીના એક નાનકડા મકાનને નગરપાલિકાએ જુલિએટના ઘર તરીકે પ્રસ્થાપિત કરી એનું એક પૂતળું ય ત્યાં ગોઠવ્યું. પ્રેમદીવાનાઓ આખા જગતમાંથી આવતા ગયા અને એમના પ્રેમ થકી જ કલ્પના હકીકત બની ગઈ ! એટલી હદે કે જે ખુદ પ્રેમ પામવામાં કમનસીબ રહી હતી, એ જુલિયેટના નામની પ્રેમીઓ દુઆ માંગે ! ઘણા ઘેલાં થઇ એમની પ્રેમકથા કહેતા કે મુંઝવણો ઠાલવતા પત્રો, ચિઠ્ઠીઓ ત્યાં રાખે ! મૂળ તો દીવાલ ચીતરતા, એ ટાળવા પત્રોનું ચાલ્યું ત્યારે તો મોબાઈલ મેસેજીઝ હતા નહિ ને ! કન્ફ્યુઝન એ લવ સીમ્ટોમ છે. એમાં અજાણ્યા સામે ય વલોવાતું હૈયંુ ઠાલવવાનો તલસાટ હોય જ. નગરપાલિકાના નિયુક્ત કરેલા એક અધિકારીએ આવા સવાલોનો, દર્દનો જુલિયેટના નામે જવાબ આપવાનો શરૂ કર્યો, એમાંથી આખી સંસ્થા બની. 'જુલિયેટ'સ સેક્રેટરીઝ !' અત્યારે ય નવ વ્યક્તિ ડયુટી પર દરેક ભાષાનાં પત્રો ઉકેલી એમાં જવાબો લખીને આપે છે, ને આખા જગતમાંથી હજારો પત્રો હજુ ય ઠલવાતા રહે છે.
આ અનોખી રોજીંદી પરંપરાથી પ્રભાવિત થઇને એ પત્રો ને એના પેઢી દર પેઢી (મુખ્યત્વે અંગ્રેજીમાં) અપાતા જવાબોની ફુલગુલાબી ઘટના પર લિઝ અને સિલ ફ્રીડમેને આખું એની દાસ્તાનો કહેતું પુસ્તક લખ્યું. લેટર્સ ટુ જુલિયેટ. ને પછી એ લેટર્સ કલેકશનનું ય મસ્ત પુસ્તક બહાર પડયું : ડીયર જુલિયેટ. અને આ આખા વાસંતી કોન્સેપ્ટથી જ પ્રભાવિત થઇ શાલૉર્ટસ વેબ જેવી અદ્ભુત ફિલ્મ બનાવનાર ડાયરેકટર ગેરી વિનિકે આખી એક ફિક્શનલ વાર્તા પ્રેમસ્પંદનો ગૂંથી લેતી લખાવી ફિલ્મ બનાવી. એમની છેલ્લી એવી એવી એમન્ડા સીફ્રાઇડ ને વેનેસા રેડગ્રેવને ચમકાવતી હૃદયસ્પર્શી ફિલ્મ 'લેટર્સ ટુ જુલિયેટ' !
અને બીજી પડદા પાછળની રિયલ સ્ટોરી ય જુલિયેટ જેવી ટ્રેજીક છે. ડાયરેકટર ગેરી વિનિકને બ્રેઇન કેન્સર ડિટેક્ટ થયું. એની કિયોન્સને મૂકી આ ફિલ્મ પૂરી થતાં એ ૪૯ વર્ષની ઉંમરે જ ગુજરી ગયા. અને બ્રેઇન કેન્સરની કીમોથેરાપી વચ્ચે એમણે આ નિતાંત (સ્ટાર્ટ ટુ એન્ડ) ખૂબસુરત ફિલ્મ પૂરી કરી, લાસ્ટ હાર્ટફેલ્ટ મેસેજ તરીકે માનવજાતને. ફિલ્મમાં એ સર્જકની વ્યથાકથાનો ઓછાયો ય ન દેખાય એવું સૂરજ જેવું હુંફાળુ પ્રેમના લાલ ગુલાબને ખીલવતું અજવાળું છે.
એમ તો એની એક એક ફ્રેમ જોવાની મજા હોય એ સિનેમા. લાઇટિંગથી મ્યુઝિક સહિત. બાકી તો વાર્તાની ચોપડી જ ન છપાવી દે બધા ! આ ફિલ્મ જોવાનો જલસો છે, દિલમાં પરફ્યુમ છાંટયો હોય એવો એ એનો કથાસાર વાંચવામાં નથી. પણ પ્રેમપ્રતીક્ષાની ગજબ-ઈમ્પેક્ટ કહેતી વાત માટે એ ય વાંચો.
સોફી - નાની હતી ત્યારે એની મા બીજા જોડે રહેવા એને તરછોડી ચાલી ગઇ ને મોટી થઇ પછી પિતા ગુમાવ્યા. છતાં એ સુંદર છોકરીએ જીવન અને પ્રેમ પરનો ભરોસો ન છોડયો. એને લેખિકા બનવું હતું, પણ જુનિયર તરીકે ન્યુ યોર્કર મેગેઝીનમાં ફેક્ટ ચેકરનું પાર્ટટાઇમ કામ કરતી. (હા, જગતના મોટા મેગેઝીનો લેખકો વૉટ્સએપિયા ઠોકાઠોક ન કરે, એ માટે પગારદાર ફેક્ટચેકર્સ પણ રાખે) એનો બોયફ્રેન્ડ સ્વભાવે સારો, પણ પોતાના નવા રેસ્ટોરાં પાછળ પાગલ હતો.
એ શેફ તરીકે જેટલો ફુડનેમ પ્રેમ કરતો એના પ્રમાણમાં ફિમેલ સેકન્ડ પ્રાયોરિટી હતી. એની જોડે સોફીની સગાઇ થયેલી પણ ધંધાની વ્યસ્તતામાં મરવાનો કે ફરવાનો ય ટાઇમ નહોતો. અમુક સોશ્યલ સામગ્રી માટે એને ઈટાલી જવાનું થયું વેરોનામાં જ, તો સોફીને એણે ભેગી લીધી. સોફીને હતું કે સરસ રોમેન્ટિક મેમરીઝ બનશે. પણ મંગેતરજી દૂર અમુક વાઇના ને મશરૂમ્સની ખરીદી માટે અઠવાડિયું એની રજા લઇને ગયા. સોફી એને ઉત્સાહથી હોટલ રૂમમાં જુલિયેટને મળતા પત્રોની વાત કહે ત્યારે એનું ધ્યાન સેન્ડવીચના ચીઝમાં હોય ! માણસ ખરાબ નહિ પણ ફોકસ જો પ્રિયજનને બદલે બીજે જાય, તો એનો પ્રેમ ત્રીજે થઇ શકે !
સોફીને ફરતાં ફરતાં ખબર પડી જુલિયેટની 'સેક્રેટરીઝ' વાળી સંસ્થા વિશે. ત્યાં ઠલવાતા પત્રો જોઇને એના રોમેન્ટિક હાર્ટને એકલા એકલા નવો શોખ વળગ્યો. એ પત્રો વાંચવાનો, ને બદલામાં હેલ્પ કરવાની જવાબો લખવાની. ઈટાલીયન ટ્રેડમાર્ક જેવા વ્હાલથી એને આવકાર મળ્યો. પત્રો ભેગા કરવા નવી સખી સાથે જતા અકસ્માતે પથ્થરની ફાટમાંથી ઓલમોસ્ટ અડધી સદી અગાઉનો એક લેટર.
જેમાં એક એ વખતે મુગ્ધા કહેવાય એવી યુવતીએ એકરાર કરેલો કે એને ઈટાલીમાં રહેતા લોરેન્જો નામના યુવક સાથે પ્રેમ થયેલો અને પરિવારે ઈંગ્લેન્ડ બોલાવતા મૂંઝાઇ ગઇ, અને સરખી વિદાય કે વાતચીત વિના જ એણે જવું પડયું ને પ્રેમીના વગર વાંકે હૃદયભંગની ભૂલ કરી. જોડે ભાગીને જીવન વીતાવી શકત પણ હિંમત ન ચાલી. મોબાઇલયુગ તો હતો નહિ. લંડન-વૅરોના વચ્ચે અંતર પડી ગયું. સુહાની પ્રેમકહાની અધૂરી જ સમાપ્ત થઇ.
સોફીને થયું ૫૦ વર્ષે તો હવે આ પાત્રો જીવતા ય નહિ હોય, છતાં ય એણે જવાબ લખ્યો. મોટી હવેલીનું સરનામું હતું. ચંદ દિવસોમાં તો એક સ્માર્ટ, હેન્ડસમ પણ એરોગન્ટ યુવક પ્રગટ થયો, એની દાદી ક્લેર સાથે ! એ ક્લેરે જ ૫૦ વર્ષ પહેલા કોડભરી કન્યા તરીકે એ પત્ર લખેલો. સોફીનો જવાબ વાંચી એ રૂબરૂ આવી. એનો પૌત્ર ચાર્લી થોડો કાઠિયાવાડીમાં ''ટૈડકુ'' કહીએ એવો અતડો હતો. પણ એનું ય કારણ હતું. એના માતા-પિતા અકસ્માતમાં ગુજરી ગયેલા નાનો હતો ત્યારે, અને હવે પતિ જવાથી એકલા દાદીમાએ જ ઉછેરેલો. દાદીમા ક્લેરને સોફી સાથે ગોઠી ગયું. અને એમણે નક્કી કર્યું કે એટલીસ્ટ એકવાર મળવા ને સોરી કહેવા ય લોરેન્ઝોને શોધવો. સોફીએ રાજી થઇને કહ્યું, હું ય એકલી જ ફરું છું. ફિયોન્સ તો બીજે છે. ચાલો, સાથએ મળી શોધીએ.
પણ એમ આટલા વર્ષે માત્ર નામ પરતી લોરેન્જો શોધવો કઇ રીતે આખા દેશમાં ? શરૂઆતમાં એના સ્વભાવ મુજબ બીજે સેટ નહિ થ્યો હોય એમ ધારી રેકોર્ડસ પરથી આજુબાજુ મોટી ઉંમરના બધા લોરેન્ઝોના સરનામાં એકઠી કરી દાદી ક્લેર, ચાર્લી ને સોફી કાર લઇ રળિયામણા પ્રદેશમાં સોનેરી કિરણોના સથવારે નીકળી પડયા. ઘણા મળ્યા, કોઇ ગરીબ કોઇ અમીર, કોઇ અંધ. પણ ક્લેરવાળો લોરેન્ઝો ન જડયો. એમ તલાશમાં એક મૃત લોરેન્ઝોની કબર મળી. એ જોઇ ક્લેર ખિન્ન થઇ ગઇ. પ્રેમ તો અધૂરો રહ્યો જ હતો, વિદાય પણ અધૂરી રહી એ વાતે હૈયું ભરાઇ આવ્યું.
અને દાદીના આંસુ જોઇ પૌત્ર ચાર્લીને ગુસ્સો આવ્યો. ક્રોધમાં માણસ તરત ઘટના કે પરિસ્થિતિ માટે બીજાનો વાંક શોધતી બ્લેમગેમ રમતો થઇ જાય. ચાર્લીએ કહ્યું સોફી પોતે મેગેઝીનમાં સરસ લેખ લખી શકે એટલે દાદીને ઈમોશનલી હેરાન કરે છે. અને કોઇને ગુમાવવું એટલે શું - એનો અહેસાસ જ નથી. દાદી રડીને ચાલી જતી સોફીને જોઇ ચાર્લીને ખીજાયા કે કે 'સોફીએ પણ જીવનમાં પેરેન્ટ્સ ગુમાવ્યા છે, પણ એ હસીને પોઝિટિવ જીવે છે ને દર્દ કહેતી નથી. તેં ગુમાવ્યા એમાં તને ખબર તો હતી કે પ્રેમ કરનારા ગયા છે. એણે તો એ આઘાત જીરવ્યો છે, જેમાં પ્રેમ પણ નથી કરતી મા એ સહન કર્યું હોય નાની ઉંમરે !'
જમાનાથી ઘડાયેલ દાદી સોફીના વાત્સલ્યથી વાળ ઓળી એને શાંત કરે છે. ચાર્લીના પ્રેમનો જવાબ સરખો વાળ્યા વિના એક પેટ્રીશિયા જતી રહી, પછી એ ચીડિયો થઇ ગયો છે, એ વાત કરે છે. સોફી ચાર્લીનું લોનમાં સૂતા સૂતા આકાશના તારાં જોતા જોતા પેચ અપ થાય છે. સતત પ્રેમની ખોજમાં સમાધાનો સ્વીકારતી પણ સ્નેહની છલોછલ હૃદય ઢબૂરીને જીવતી સોફી એને હળવું ચુંબન કરી આકાશના તારાઓ જોતાં જોતાં પ્રેમપંક્તિઓ ગણગણે છે : તારાના પ્રકાશવા કે સૂરજના ફરવા પર શંકા હોઇ શકે પણ સત્ય - અસત્યની પેલે પારના મારા પ્રેમ પર નહિ !
સોફીને ઊંડે ઊંડે છે કે જે લોરોન્ઝના ભરોસાના ભંગ માટે રડતા હૈયે ક્લેરે 'હું શું કરું' સમજ નથીનો પત્ર લખેલો, જેનો હોંકારો એની સંસારકથા પૂરી થઇને પછી મળ્યો, એ પત્ર એ જ નહિ જડયો હોય. વિખૂટા પાડનાર વિધાતાનો કોઇ સંકેત હશે. પણ ભારે હૈયે વેરોના પાછા ફરતા ખેતરમાં એક યુવક જોઇ દાદીમા એક ઠેકડે ટીનએજર બની ગયા હોય એમ પોકારે છે - આ જ !
એવો તો લોરેન્ઝો યુવાન ક્યાંથી હોય, પણ વાત કરતા ખબર પડે છે કે એના હવે સારી જમીનો ધરાવતા દાદા લોરેન્ઝો છે. એ ઘોડા પર બેસીને આવે છે. બંને વૃદ્ધોની કરચલીઓમાંથી પાનખર વિદાય લે છે. વસંત ખિલખિલાટ અને ગિલગિલાટ મહોરી ઊઠે છે. પારિવારિક જમણવાર ચાલે છે. બેઉના જીવનસાથીઓ તો વિદાય લઇ ચૂક્યા છે. એમને યાદ કરી બાકીનું જીવન જોડે વીતાવવાનો સંકલ્પ જાહેર કરે છે કે હવેથી જે જિંદગી બચી એ ય રોજ સવારે ઊઠીને એકબીજાના અજવાળે બગીચો ખીલવીશું.
થોડી ફિલ્મી સમાજગેરસમજ બાદ ન્યુયોર્ક પહોંચેલી સોફી કોઇ કડવાશકજીયા વિના 'હું હવે બદલાઇ ગઇ છું ને તારી પ્રાથમિકતા જુદી છે' કહી મંગેતર સાથે બ્રેકઅપ કરી લોરેન્ઝો - ક્લેરના વેડિંગમાં ફરી ઈટાલી આવે છે. ચાર્લી એક છોકરી સાથે છે. પણ એ એની કઝીન છે ને વેરોનામાં જુલિયેટની બાલ્કની ઊભી કરી પાછળમાં એમ જ પ્રેમનો એકરાર થાય છે - 'લંડન, ન્યુયોર્કની સરહદ નથી જો પેલે પાર કોઇ નગર નહિ પણ તું હો' ચાર્લી કહે છે.
ફિલ્મના અંતે સોફીનો જે જવાબ વંચાય છે, એનાથી લેખનો અંત કરીએ. જે પત્રથી વસંત ખીલતા ૫૦ વર્ષે ક્લેર દોડીને લોરેન્ઝો ગોતવા આવી. 'જુલિયેટ'નો જવાબ સોફીએ લખેલો : 'વૉટ' અને 'ઈફ' બંને સાદાસીધા શબ્દો છે, પણ જો બાજુબાજુમાં ગોઠવી દો તો સજોડે એ તમને આખી જિંદગી પીછો કરતા રહે એવા ધુમ્મસમાં નાખી શકે. વૉટ ઈફ - યૂં હોતા તો ક્યા હોતા - જો મેં આમ... જો તે તેમ... તો...
સ્ટોરીનો એન્ડ ભલે ખબર ન હોય પણ પ્રેમ સાચો હોય તો ટ્રુ લવમાં ટુ લેટ ન હોય. કદી મોડું ન થાય. ત્યારે સચ્ચાઇભરી લાગણી હતી, તો આજે ય હોય. માત્ર હિંમત જોઇએ હૈયાને અનુસરવાની. જુલિયેટનો પ્રેમ કેવો હતો એ ફોલો નહિ ફીલ કરવાનો હોય જે સ્વજનો છોડી, દરિયા ઓળંગી, મોતની પરવા ન કરે - પણ એ જડે તો એવી ક્ષણો દિલમાં સાચવી રાખવાની હોય. ન મળી હોય તો એક દિવસ જરૂર મળશે આટલી સંવેદના છે તો !''
ઝિંગ થિંગ
'તમારી પોતાની સાથે કરેલો સૌથી મોટો ગુનો એ કે તમને ખબર હોય કે શું ચાહો છો, પણ એ દિશામાં કર્મ ન કરો !' (કિમસ્ટેફોર્ડ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37miR1F
ConversionConversion EmoticonEmoticon